પાકિસ્તાનનો એ હિંદુ પરિવાર, જેને કોર્ટના આદેશ છતાં જમીનનો કબજો નથી મળતો

    • લેેખક, મોહમ્મદ ઝુબૈર ખાન
    • પદ, બીબીસી ઉર્દૂ માટે, ઇસ્લામાબાદથી

"અમે ખાનદાની જમીનદાર છીએ તે આખું સિંધ જાણે છે. કંબર શાહદાદકોટમાં અમારી માલિકીની જમીન છે. એ જમીન 1963માં અન્ય લોકોએ કબજે કરી લીધી હતી."

" અમે સુપ્રીમ કોર્ટમાં કેસ જીતી ચૂક્યા છીએ, પરંતુ અમને અમારી જમીનનો કબજો પાછો મળ્યો નથી. તેઓ કહે છે કે તમે હિન્દુ છો. ચૂપ રહો નહીંતર તમારી હાલત માટે તમે પોતે જ જવાબદાર ગણાશો."

આ શબ્દો પાકિસ્તાનના સિંધ પ્રાંતના કંબર શહદાદ જિલ્લામાં રહેતાં સૂરી બી નામના એક મહિલાના છે.

સૂરી બી પીપલ્સ પાર્ટીની લૉંગ માર્ચ વખતે પોતાના પરિવાર સાથે ઇસ્લામાબાદ પહોંચ્યાં હતાં અને તેમણે વિરોધ પ્રદર્શનમાં ભાગ લીઘો હતો. એ વિરોધ પ્રદર્શનમાં તેમના પુત્ર કેલાસ કુમાર પણ સામેલ હતા.

સૂરી બીનું કહેવું છે કે "દેશની સર્વોચ્ચ અદાલતે એકવાર નહીં, બબ્બે વખત અમારી તરફેણમાં ચુકાદો આપ્યો છે કે અમારી જમીનનો કબજો અમને સોંપી દેવામાં આવે, પરંતુ હું મારા દીકરાઓ અને દિયર સાથે એ ભૂખંડ પર જાઉં છું ત્યારે અધિકારીઓ કહે છે કે કબજાના દસ્તાવેજો પર સહી કરો. એ પછી હથિયારધારી લોકો અમને ધમકી આપીને ત્યાંથી ભગાડી મૂકે છે."

પોતાની માલિકીની જમીનનો કબજો મેળવવા માટે કૈલાસ કુમાર અને તેમનાં માતા સૂરી બી દાયકાઓથી રાહ જોઈ રહ્યાં છે, પરંતુ તેમાં તેમને અત્યાર સુધી ખાસ કોઈ સફળતા મળી નથી.

તેઓ કહે છે કે "ઉપખંડના વિભાજન વખતે અમારા પૂર્વજો, હિન્દુ હોવા છતાં, પાકિસ્તાન અને સિંધ છોડીને ભારત ગયા ન હતા. તેની અમને એટલી મોટી સજા મળી રહી છે કે મારાં સંતાનો ગરીબ હોવાની સાથે પાઈપાઈ માટે મોહતાજ છે."

"અમારી હત્યાનું જોખમ હોવાથી અમે અલગ-અલગ વિસ્તારોમાં છુપાઈને રહીએ છીએ."

જમીનવિવાદમાં અનય પક્ષના ઇમ્તિયાઝ બ્રોહી એવો દાવો કરે છે કે, "તેમણે કૈલાસના દાદા-દાદી સાથે એક સમજૂતી હેઠળ આ જમીન લીધી હતી."

"આ જમીન પર 50-60 વર્ષથી તેમનો કબજો છે અને "આ જમીન પર કૈલાસ કુમારનો નહીં, પણ અમારો જ અધિકાર છે."

હિન્દુ હોવાને કારણે કૈલાસ કુમાર અને સૂરી બીને નફરત તથા ભેદભાવનું નિશાન બનાવવામાં આવતા હોવાનો ઇમ્તિયાઝ બ્રોહી ઇનકાર કરે છે.

તેઓ કહે છે કે "કંબર કોટ શાહદાદમાં હિન્દુઓ મોટા પ્રમાણમાં છે. તેમની સાથે અમારે સારા સંબંધ છે. અમે તેમનો આદર કરીએ છીએ. કૈલાસ અને તેમનો પરિવાર માત્ર આક્ષેપ કરી રહ્યા છે. પાકિસ્તાનમાં હિન્દુઓ સહિતના તમામ નાગરિકોના અધિકારનું રક્ષણ કરવામાં આવે છે."

શું છે આ જમીનનો વિવાદ?

સૂરી બીના મોટા પુત્ર કૈલાસ કુમાર કહે છે કે "આ ઘટના અમારા જન્મ પહેલાંની છે. અમારી પાસે કંબર જિલ્લામાં આશરે 238 એકર ખેતીની જમીન હતી. અમારા દાદા પાસે કામ કરતા લોકોએ છેતરપિંડી વડે એ જમીન કબજે કરી લીધી હતી. અમે લઘુમતી અને નિર્બળ હતા."

"અમારા દાદાજીને ડરાવવામાં, ધમકાવવામાં આવ્યા હતા એટલું જ નહીં, પરંતુ ખોટા દસ્તાવેજ બનાવીને દીવાની અદાલતમાં એક કેસ પણ કરવામાં આવ્યો હતો."

કૈલાસ કુમારનું કહેવું છે કે "એ કેસનો ચુકાદો 1980માં અમારી તરફેણમાં આવ્યો હતો. તેની સામે પ્રતિપક્ષના લોકોએ સેશન્સ કોર્ટમાં અપીલ કહી હતી. સેશન્સ કોર્ટે 1999માં સામે વાળાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. તેની સામે અમે હાઈકોર્ટમાં ગયા હતા."

"2000ની સાલમાં હાઈકોર્ટે અમારી તરફેણમાં ચુકાદો આપ્યો ત્યારે તેઓ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા."

સુપ્રીમ કોર્ટે 2015માં અમારી તરફેણમાં ચુકાદો આપ્યો હતો, એવું જણાવતા કૈલાસ કુમાર ઉમેરે છે કે "એ પછી કોર્ટના ચુકાદા અનુસાર નાણાવિભાગ પાસે દસ્તાવેજોમાં સહીસિક્કા કરાવવામાં તથા જમીન અમારા નામે કરાવવામાં બે વર્ષ થયાં હતાં."

"એ બે વર્ષ દરમિયાન અમે જમીનનો કબજો લેવા ગયા ત્યારે ત્યાં હથિયારધારી લોકો હાજર હતા અને તેમણે અમને ડરાવ્યા, ધમકાવ્યા હતા."

કૈલાસ કુમારનો દાવો છે કે પરિસ્થિતિ એટલી હદે વણસી હતી કે તેમણે તેમનો જિલ્લો છોડવો પડ્યો હતો, જ્યારે તેમના કાકા જવાહરલાલે પાકિસ્તાન છોડવું પડ્યું હતું.

કૈલાસ કુમારના જણાવ્યા મુજબ, 2018માં સુપ્રીમ કોર્ટના તત્કાલીન વડા ન્યાયમૂર્તિએ હિન્દુઓની જમીન પરના કબજાના કેસનું સંજ્ઞાન લઈને પગલું લીધું હતું.

કૈલાસ કુમારનો દાવો છે કે સુપ્રીમ કોર્ટે તેમને તેમની જમીનનો કબજો સોંપવાનો આદેશ 2019માં આપ્યો હતો.

કૈલાસ કુમાર ઉમેરે છે કે "વહીવટીતંત્રના અધિકારીઓ તથા પોલીસ અમને ત્યાં લઈ ગઈ હતી અને જમીનનો કબજો અપાવ્યો હતો, પરંતુ થોડા દિવસ પછી અમને ત્યાંથી બળજબરીથી હાંકી કાઢવામાં આવ્યા હતા અને એ ભૂખંડ કબજે કરીને કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો."

કૈલાસ કુમાર એવો દાવો પણ કરે છે કે તેમણે તેમની સલામતી તથા તેમને આપવામાં આવતી ધમકીઓ સંબંધે અરજીઓ દાખલ કરી છે, પરંતુ તેની કોઈ સુનાવણી કરવામાં આવી નથી.

સિંધ પોલીસમાં 2018માં કરવામાં આવેલી એક અરજી સંબંધે પોલીસે તપાસ કરી હતી અને જણાવ્યું હતું કે કંબર શાહદાદકોટની પોલીસે અદાલતના આદેશ છતાં કાયદાનું યોગ્ય રીતે પાલન કર્યું નથી.

તત્કાલીન ડીએસપી અને એસએચઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની ભલામણ પોલીસ તપાસમાં કરવામાં આવી હતી.

એ ઉપરાંત એવી ભલામણ કરવામાં આવી હતી કે પીડિત પરિવારનો સંપર્ક સાધીને તેમને શક્ય હોય તે તમામ કાયદાકીય સહાય તેમને સલામતી પૂરી પાડવાનો આદેશ જિલ્લા પોલીસ અધિકારીને આપવો જોઈએ.

પીડિત પરિવારે કરેલી ફરિયાદો બાબતે યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવી હોવાનું પણ તપાસના તારણમાં જણાવવામાં આવ્યું હતું.

આ બાબતે કંબર શાહદાદકોટના પોલીસ વડાનો સંપર્ક સાધવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, તેમને મેસેજીસ પણ મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેમણે કોઈ પ્રતિસાદ આપ્યો ન હતો.

ઇબ્રોહી એવો દાવો કરી રહ્યા છે કે સમગ્ર ઘટનાને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે. તેઓ કહે છે કે "અમે કોઈને ધમકી આપી નથી. આ મામલો અમે જ કોર્ટમાં લઈ ગયા હતા. કૈલાસ કુમારે આક્ષેપ કરતાં પહેલાં કોર્ટના ચુકાદાની રાહ જોવી જોઈએ. આ જમીન અમારા પૂર્વજોએ કૈલાસ કુમારના દાદા-દાદી પાસેથી એક કરાર હેઠળ ખરીદી હતી."

વહીવટીતંત્ર શું કહે છે?

કંબરના ડેપ્યુટી કમિશનર શહઝાદ જાવેદ નબી ખોસાના કહેવા મુજબ, "વહીવટીતંત્ર સમગ્ર ઘટનાને ઘણી ગંભીર ગણી રહ્યું છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ વહીવટીતંત્રે કૈલાસ કુમારના પરિવારને જમીનનો કબજો અપાવ્યો હતો. એ પછી પ્રતિપક્ષે સેશન્સ કોર્ટમાં કબજાનો કોઈ કેસ દાખલ કર્યો હતો."

તેઓ ઉમેરે છે કે, "અદાલતનો અંતિમ ચુકાદો નહીં આવે ત્યાં સુધી આ જમીન સરકાર પોતાના કબજામાં રાખશે તેવો નિર્ણય અમે કર્યો છે. એ જમીન પર જે પાક લેવામાં આવશે તે પણ સરકારના નિયંત્રણ હેઠળ જ હશે."

પોલીસે કૈલાસ કુમારના પરિવારની સલામતીની વ્યવસ્થા કરી હોવાનું જણાવતા જાવેદ નબી ખોસા કહે છે કે "પોતાની સલામતીની વ્યવસ્થા અપૂરતી છે એવું કૈલાસ કુમારને લાગતું હોય તો તેઓ એ સંબંધે અરજી કરી શકે છે."

"અમે તેમની સલામતીમાં વધારો કરવા તૈયાર છીએ. કાયદા અનુસાર જેને જેટલી મદદની જરૂર હશે એટલી મદદ જરૂર કરવામાં આવશે."

કૈલાસ કુમારના કાકા જવાહરલાલ કહે છે કે "જમીનદાર હોવા છતાં હિન્દુ હોવું એ અમારો અપરાધ છે. અમે હાથ જોડીને વિનતી કરીએ છીએ કે અમારા પર દયા કરો."

"અમે બહુ લાંબી સજા ભોગવી ચૂક્યા છીએ. એથી વધારે સહન કરવાની શક્તિ અમારામાં રહી નથી."

ઇમ્તિયાઝ બ્રોહી કહે છે કે "અમારા જિલ્લામાં હિન્દુ હોવાને કારણે કોઈ સાથે ભેદભાવ કરવામાં આવતો નથી. અમે એવું વિચારી પણ શકતા નથી. અમે શાંતિ તથા ધાર્મિક સહિષ્ણુતામાં ભરોસો રાખતા લોકો છીએ."

"અમારા પર રહેમ કરો"

કૈલાસ કુમારનું કહેવું છે કે "સુપ્રીમ કોર્ટે અમારી તરફેણમાં આપેલા ચુકાદાએ વધારે મુશ્કેલી સર્જી છે. કંબર શાહદાદકોટ શહેરમાં અમારું જે ઘર હતું તે કેસ લડવાના ખર્ચની વ્યવસ્થા કરવામાં વેચી નાખવું પડ્યું છે."

"અગાઉ અમે જેકબાબાદ અને પછી લરકાના ચાલ્યા ગયા હતા, પરંતુ ત્યાં ગયા પછી પણ અમને ધમકી મળવાનું બંધ ન થતાં અમારે કરાચી આવી જવું પડ્યું."

તેમનો દાવો છે કે તેમની જમીનમાંથી અંદાજે બે કરોડ રૂપિયાની વાર્ષિક આવક થાય તેમ છે.

કૈલાસ કુમાર કહે છે કે "હું મજબૂરીમાં માસિક 30,000 રૂપિયાના પગારે શિક્ષક તરીકે નોકરી કરું છું. બે નાના ભાઈઓએ અભ્યાસ પૂરો કરી લીધો છે. તેઓ 12,000 રૂપિયા અને 10,000 રૂપિયાના માસિક પગારે કારખાનાઓમાં કામ કરે છે."

પોતાના માટે નોકરી ચાલુ રાખવાનું શક્ય ન હોવાનું જણાવતા કૈલાસ કુમાર ઉમેરે છે કે "અમને ખુલ્લેઆમ ધમકી આપવામાં આવે છે. અમને કહેવામાં આવે છે કે અમે હિન્દુ છીએ, અમે કશું નહીં કરી શકીએ. હું તેમને જવાબ આપું છું કે હું પાકિસ્તાની અને સિંધી છું. મારા દેશ તથા જમીનને પ્રેમ પણ કરું છું."

જવાહરલાલ કહે છે કે "મને એટલી ધમકી આપવામાં આવી હતી કે મારે મજબૂરીમાં પાકિસ્તાન છોડવું પડ્યું હતું. પાકિસ્તાન છોડ્યા પછી પણ મારી બદનામી થઈ હતી. સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો ત્યારે બધી મુશ્કેલીના અંતની આશા બંધાઈ હતી, પરંતુ અમારી જમીન અમને દેખાડીને પાછી લઈ લેવામાં આવી. અમે એ જમીન માટે આજે પણ લડી રહ્યા છીએ."

સૂરી બી કહે છે કે "હું ખોળો પાથરીને ભીખ માગું છું કે અમારા પર દયા કરો. અમારી સાથે ન્યાય કરો. હિન્દુ હોવા સિવાય અમે કોઈ ગુનો નથી કર્યો. હિન્દુ હોવું એ અમારા માટે અપરાધ બની ગયું છે."

ઇમ્તિયાઝ બ્રોહીનું કહેવું છે કે "અમે ખરીદેલી જમીન તેમણે ઉત્પીડિત બનીને પડાવવાના પ્રયાસ ન કરવા જોઈએ. અમારા પ્રદેશમાં હિન્દુઓ સાથે આવું કશું થતું નથી. તેમની ગણતરી વગદાર સમુદાયમાં થાય છે. ઉત્પીડિત બનવાના પ્રયાસોને બદલે તેમણે કાયદાકીય લડાઈ લડવી જોઈએ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો