ઉર્જિત પટેલનું રાજીનામું, હવે કોણ હશે આરબીઆઈના નવા ગવર્નર?

રિઝર્વ બૅન્ક ઑફ ઇંડિયાના ગવર્નર ઉર્જિત પટેલે પદ પરથી 'તાત્કાલિક અસર'થી રાજીનામું આપ્યું છે.

આરબીઆઈની વેબસાઇટ પર મૂકવામાં આવેલા નિવેદનમાં પટેલે લખ્યું, "વ્યક્તિગત કારણોસર હું તાત્કાલિક અસરથી પદ છોડી રહ્યો છું."

"તાજેતરના વર્ષોમાં રિઝર્વ બૅન્કમાં અલગ-અલગ પદે ફરજ બજાવવાનું મને સન્માન મળ્યું છે. તાજેતરના વર્ષોમાં આરબીઆઈના સ્ટાફ, અધિકારીઓ તથા મેનેજમૅન્ટને કારણે બૅન્ક અનેક નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે."

"આ તકે હું રિઝર્વ બૅન્ક બોર્ડના ડાયરેક્ટર્સ અને સાથીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું અને તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરું છું."

ઔપચારિક રીતે પટેલનો કાર્યકાળ સપ્ટેમ્બર 2019માં સમાપ્ત થતો હતો.

છેલ્લા થોડાં અઠવાડિયામાં એવા અહેવાલો વહેતા થયા હતા કે ઉર્જિત પટેલ કદાચ રાજીનામું આપી દેશે.

સરકાર તેમના દ્વારા નિમાયેલા બોર્ડ મેમ્બર્સ દ્વારા માગણીઓ સ્વીકારવા અને આરબીઆઈ ઍક્ટની કલમ 7 હેઠળ પોતાનું ધાર્યું કરવા કોશિશ કરશે, તો તેઓ રાજીનામું આપશે તેમ મનાય છે.

જોકે, મોટાભાગના જાણકારો કહે છે કે એવી શક્યતા ઓછી છે. બંને પક્ષો તરફથી વિખવાદોને શાંત પાડવા માટેની કોશિશ થઈ રહી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

કોણ છે ઉર્જિત પટેલ?

ઉર્જિત પટેલનો જન્મ 1963માં કેન્યામાં થયો હતો. તેમની પાસે લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ, યુનિવર્સિટી ઑફ ઑક્સફર્ડ અને યેલ યુનિવર્સિટીની ડિગ્રીઓ છે.

તેમણે ઇન્ટરનેશનલ મૉનિટરી ફંડમાં પાંચ વર્ષ માટે કામ કર્યું હતું.

વર્ષ 2013માં તેમની રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર તરીકે નિમણૂક થઈ હતી.

વર્ષ 2016માં રઘુરામ રાજનની નિવૃત્તિ બાદ પટેલ ગવર્નર બન્યા હતા.

રાજીનામા પર કોણે શું કહ્યું?

ઉર્જિત પટેલના રાજીનામા મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતું.

તેમણે ટ્વિટમાં કહ્યું, "ડૉ. ઉર્જિત પટેલ ખૂબ હોશિયાર અર્થશાસ્ત્રી છે. તેમનામાં અર્થશાસ્ત્રના પ્રશ્નનોને સમજવાની ઊંડી સમજણ છે. "

"તેમના નેતૃત્વમાં રિઝર્વ બૅન્કમાં આર્થિક સ્થિતિસ્થાપકતા આવી છે."

આ મામલે નાણામંત્રી અરૂણ જેટલીએ પણ ટ્વીટર પર પોતાની પ્રતિક્રિયા આપી હતી.

તેમણે કહ્યું, "સરકાર ડૉ.ઉર્જિત પટેલની રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ગવર્નર અને ડૅપ્યુટી ગવર્નર તરીકેની ફરજને બિરદાવે છે. આવનારાં વર્ષોમાંની જાહેર જનતાની સેવા માટે ડૉ. પટેલને ખૂબ અભિનંદન."

ઉર્જિત પટેલના રાજીનામા મામલે પ્રતિક્રિયા આપતા રિઝર્વ બૅન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું કે આ એવી ઘટના છે જેના કારણે સમગ્ર ભારતે ચિંતા કરવાની જરૂર છે.

ભાજપના સાંસદ સુબ્રમણ્ય સ્વામીએ આ મામલે ન્યૂઝ એજન્સી એએઆઈને કહ્યું, ''એમનું રાજીનામું આપણી અર્થવ્યવસ્થા, આરબીઆઈ અને સરકાર માટે ખરાબ છે."

"એમને ઓછામાં ઓછું જુલાઈ સુધી રાજીનામું આપવું જોઈતું ન હતું, જ્યાં સુધી આગામી સરકાર સત્તા પર આવે. વડા પ્રધાનને એમનો સંપર્ક કરી કારણ જાણવું જોઈએ અને જનહિત માટે એમને જતા રોકવા જોઈએ.''

કૉંગ્રેસના નેતા કપિલ સિબ્બલે કહ્યું, "એમણે (વડાપ્રધાને) નિયુક્ત કરેલા લોકો રાજીનામાં આપી રહ્યા છે, પહેલા અરવિંદ સુબ્રમણ્યમ જેમણે સીઇઓનું પદ છોડ્યું અને હવે ઉર્જિત પટેલ."

"અર્થવ્યવસ્થા કથળી રહી છે, મોદીને લાગે છે કે એ પોતે બહુ મોટા અર્થશાસ્ત્રી છે અને એમને કોઈની પણ જરૂર નથી, એટલે આ રાજીનામાં આવે છે."

એ સમય જ્યારે રાજીનામાની વાતો વહેતી થઈ હતી

ઉર્જિત પટેલના રાજીનામાની વાતો સરકાર અને આરબીઆઈ વચ્ચે થયેલા કથિત વિવાદ બાદ સામે આવી હતી.

સરકાર અને રિઝર્વ બૅન્ક વચ્ચેનો કથિત વિવાદ ત્યારે સામે આવ્યો હતો જ્યારે આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ એક નિવેદનમાં કહ્યું હતું કે આરબીઆઈની સ્વાયતત્તા જળવાઈ રહેવી જોઈએ.

તેમણે કહ્યું હતું કે આરબીઆઈની સ્વાયતત્તા અંગે સમાધાન અર્થતંત્ર માટે નુકસાનકારક હશે.

રઘુરામ રાજનને ગવર્નર પદે રાજીનામું આપ્યા બાદ ઉર્જિત પટેલની આરબીઆઈના ગવર્નર તરીકે નિમણુક કરવામાં આવી હતી.

જોકે, તેમની નિમણુકના થોડા સમય બાદ જ સરકારે નોટબંધીનો નિર્ણય લીધો હતો.

જોકે, આ મામલે ઉર્જિત પટેલ મોટેભાગે ચૂપ રહ્યા હતા અને નોટબંધી બાદ દેશમાં નવી નોટોની વ્યવસ્થા કરવી એ તેમના માટે એક પડકારજનક કાર્ય હતું.

કોણ હશે આરબીઆઈના નવા ગવર્નર?

ઉર્જિત પટેલના અચાનક આવેલા રાજીનામા બાદ હવે એ વાતે જોર પકડ્યું છે કે આરબીઆઈના નવા ગવર્નર કોણ હશે?

સરકારે નવા ગવર્નરની નિમણૂક કરે તે પહેલાં જો વધારે સમય જાય તો વચ્ચગાળામાં કોઈ અધિકારીને આ ઇન્ચાર્જ તરીકે નિમણૂક કરી શકાતી હોય છે.

પરંતુ આ મામલે કાયદો શું કહે છે? આરબીઆઈ એક્ટ 1934માં એવી જોગવાઈ છે કે જો ગવર્નર અથવા ડેપ્યુટી ગવર્નર પોતાની ફરજો બજાવવામાં અસમર્થ હોય કે અન્ય સ્થિતિ હોય અથવા ગેરહાજર હોય કે રજા પર હોય અથવા તેમની નિમણુક સમયે વેકેશન પર હોય એવા સંજોગોમાં કેન્દ્ર સરકાર કદાચ સેન્ટ્રલ બોર્ડની ભલામણોના આધારે તેમના વતી અન્ય વ્યક્તિને તેમના પદ પર નિમી શકે છે.

હાલ આરબીઆઈમાં ચાર ડેપ્યુટી ગવર્નર છે, એન. એસ. વિશ્વનાથન, વિરલ આચાર્ય, બી. પી. કનુન્ગો અને એમ. કે. જૈન. ઉપરાંત 12 એગ્ઝેક્યુટિવ ડિરેક્ટર છે. હવે જોવાનું એ છે કે કોની આરબીઆઈના ગવર્નર પદ પર નિમણૂક થાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો