નોટબંધીમાં નિર્દોષ અને ગરીબ લોકોને શા માટે ફસાવવામાં આવ્યા?

    • લેેખક, પ્રદીપ કુમાર
    • પદ, બીબીસી સંવાદદાતા

નરેન્દ્ર મોદી સરકારની નોટબંધી મુદ્દે સતત આલોચના થતી રહે છે. સરકારની મુશ્કેલી એ છે કે તેમણે નોટબંધી મુદ્દે જેટલા પણ વાયદાઓ કર્યા હતા, તેમને તેઓ પૂરા નથી કરી શક્યા.

એટલા માટે જ મોદી સરકાર તેમના દરેક કામનો જોરશોરથી પ્રચાર કરી રહી છે. તેથી જ નોટબંધીના બે વર્ષ થવા છતાં સરકારે કોઈ ઉજવણી ન કરી.

હવે તો ભારત સરકારના પૂર્વ આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યને પણ નોટબંધીને દેશની અર્થવ્યવસ્થા માટે મોટો ફટકો ગણાવી છે.

નોટબંધીના સમયે અરવિંદ સુબ્રમણ્યન દેશના મુખ્ય આર્થિક સલાહકાર હતા અને તેઓ ચાર વર્ષ સુધી મહત્ત્વનાં પદ પર રહ્યા હતા.

તેમણે 8 નવેમ્બર, 2016ના રોજ નોટબંધીની જાહેરાત સમયે લખ્યું હતું, "કલ્પનાથી પણ ઉપર આ એવું પગલું છે જેને હાલના સમયમાં સામાન્ય પરિસ્થિતિઓમાં કોઈપણ અર્થવ્યવસ્થાએ નથી અપનાવ્યું."

અરવિંદ સુબ્રમણ્યને પોતાના ચાર વર્ષના કાર્યકાળના અનુભવોને લઈને એક પુસ્તક 'ઑફ કાઉન્સિલ- ધ ચેલેન્જ ઑફ ધ મોદી-જેટલી ઇકૉનૉમી' લખ્યું છે.

આ પુસ્તકમાં તેમણે નોટબંધી પર એક આખું પ્રકરણ લખ્યું છે.

નોટબંધીનાં બે વર્ષ પછી પણ તેના પર ચર્ચા અંગે સુબ્રમણ્યને કહ્યું છે કે આવું એટલા માટે પણ થાય છે કે આજ સુધી આ નિર્ણય શા માટે લેવામાં આવ્યો છે, તેના પર રહસ્ય છવાયેલું છે.

નોટબંધીનાં બે રહસ્ય

જોકે, સુબ્રમણ્યને એવું જાહેર ન થાવ દીધું કે નોટબંધીનો નિર્ણય લેવાયો ત્યારે મુખ્ય આર્થિક સલાહકાર તરીકે તેમની ભૂમિકા શું હતી?

સાથે જ આ નિર્ણય લેવાયો ત્યારે સરકારમાંથી કેટલા લોકો એમાં સામેલ હતા?

પરંતુ સરકારમાં રહીને તેઓ જે તરફ ઇશારો ન કરી શક્યા, તે ઇશારો તેમણે પુસ્તકમાં કરી દીધો છે.

નોટબંધી મુદ્દે પુસ્તકમાં એક ચૅપ્ટર છે 'દ ટુ પઝલ્સ ઑફ ડિમોનેટાઇઝેશન- પોલિટિકલ ઇકૉનૉમિક.'

અહીં તેમણે નોટબંધી અને તેની અસરને બે ઉખાણાં દ્વારા સમજાવવાનો પ્રયાસ કર્યો છે.

પ્રથમ કે જો નોટબંધીથી આર્થિક નુકસાન થયું તો તે રાજનૈતિક સ્તરે લોકપ્રિય કેવી રીતે બની?

જો સામાન્ય લોકોને મુશ્કેલી પડી તો ઉત્તર પ્રદેશમાં ભાજપ કેવી રીતે જીતી ગયું?

હવે આ સવાલનો જવાબ તેમણે અમેરિકાના ઇતિહાસકાર થોમસ ફ્રૈંકના પુસ્તક 'વ્હાઇટ ધ મેટર વિથ કાંઝાસ'નો હવાલો આપ્યો છે.

આ પુસ્તક એ વાતની તપાસ કરે છે કે સામાન્ય રીતે લોકો પોતાના આર્થિક લાભને બાજુમાં મૂકીને મત આપવા જાય છે.

આનું એક રસપ્રદ ઉદાહરણ એ છે કે કેવી રીતે અમેરિકનોએ રિપબ્લિકન પાર્ટી અને ડોનાલ્ડ ટ્રમ્પને મત આપ્યા અને એ પણ ત્યારે જ્યારે ટ્રમ્પની નીતિઓનો આ લોકોને કોઈ ફાયદો થવાનો ન હતો.

ઊલટાનું તેમનું નુકસાન થવાનું હતું, કારણ કે ઓબામા કૅર જેવી જનકલ્યાણની યોજનાઓ ટ્રમ્પે પરત ખેંચી લીધી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

બિનઅસરકારક હતું નોટબંધીનું પગલું?

તેમણે આ ઉખાણાંના જવાબમાં લખ્યું છે કે નોટબંધી દરમિયાન ગરીબ લોકો પોતાની મુશ્કેલીઓ કરતાં અમીરોને થતી મુશ્કેલીઓથી ખુશ હતા.

જોકે, અરવિંદ સુબ્રમણ્યને સાફ લખ્યું છે કે અમીરો પર અંકુશ લગાવવાના બીજા તમામ પગલાં હાજર હતા એવામાં નિર્દોષ અને ગરીબ લોકોને શા માટે ફસાવવામાં આવ્યા?

તેમણે લખ્યું, "મેં ઇકૉનૉમિક સર્વે 2016-17માં લખ્યું હતું કે જો ગરીબો સુધી સંસાધનો પહોંચાડવા માટે સબસિડી બિનઅસરકારક પગલું છે, તો અમીરો પાસેથી સંસાધન હાંસલ કરવા માટે નોટબંધી પણ બિનઅસરકારક પગલું છે."

નોટબંધી પર સુબ્રમણ્યનનો બીજો ઉખાણો તેની અસરને લઈને છે - રોકડ સપ્લાયની કુલ 86 ટકા નોટ ચલણમાંથી બહાર કરવાની અસર આર્થિક વિકાસ પર વધારે કેમ ના પડી? આનાથી વધુ નુકસાન શા માટે ના થયું?

આ અંગે ઉત્તર આપતા સુબ્રમણ્યન લખે છે કે નોટબંધીના ઝટકાઓથી દેશની જીડીપીને અસર થઈ હતી.

તેમણે લખ્યું, "નોટબંધીના પહેલાંના દોઢ વર્ષમાં જીડીપીનો વિકાસ દર 8 ટકાની આસપાસ હતો. નોટબંધી બાદના 21 મહિનામાં જીડીપીનો વિકાસ દર ઘટીને 6.8 ટકા થઈ ગયો હતો."

તેમણે એવું પણ લખ્યું છે, "મને નથી લાગતું કે કોઈ એ વાત પર વિવાદ કરશે કે નોટબંધીથી વિકાસની ગતિ ઘટી છે. ચર્ચા એ વાત પર છે કે તેની અસર કેટલી થઈ છે. મતલબ કે વિકાસ દર બે ટકા ઘટ્યો છે કે તેનાથી પણ ઓછો થયો છે."

એવું નથી કે અરવિંદ સુબ્રમણ્યને નોટબંધીના નિર્ણયની માત્ર આલોચના કરી છે, તેમણે નોટબંધીના કારણે થયેલી અસર અને આર્થિક માપદંડોને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો છે.

સુબ્રમણ્યને પ્રકરણના અંતે નોટબંધીને આધુનિક ભારતીય ઇતિહાસનો સૌથી અવિશ્વસનીય આર્થિક પ્રયોગ ગણાવ્યો છે.

જ્યારે પદ પર હતા, ત્યારે ચૂપ હતા

જોકે, તેમની સૌથી મોટી આલોચના એ વાત પર કરી શકાય કે જ્યારે નોટબંધી જેવું પગલું ભરવામાં આવ્યું ત્યારે તેઓ આર્થિક મામલાઓના સૌથી ઉચ્ચ પદ પર બેઠા હતા, પરંતુ ત્યાં સુધી તેમણે કંઈ ના કહ્યું.

જોકે, તેમની આલોચના એ મુદ્દે પણ થઈ રહી છે કે તેમણે પોતાના પુસ્તકની જાહેરાત માટે નોટબંધીને મુદ્દો બનાવ્યો છે.

જોકે, સુબ્રમણ્યને એવું જણાવ્યું છે કે મુખ્ય આર્થિક સલાહકાર સામે એ પડકાર હોય છે કે તેમણે એક જ સમયે કર્ણ અને અર્જુન બન્નેની ભૂમિકા નીભાવવી પડે છે.

તેમના અનુસાર આર્થિક સલાહકારને સામાન્ય લોકોનો વિશ્વાસ જીતવાનો હોય છે અને તે ત્યારે જ હાંસલ થઈ શકે જ્યારે સત્તા સામે સાચું બોલવામાં આવે.

આ મુદ્દે તેમણે પોતાના અંગે જણાવ્યું, "જ્યારે હું સત્તામાં નહોતો ત્યારે હું સરકારી નીતિઓનો આલોચક હતો."

સુબ્રમણ્યને પોતાના પુસ્તકમાં જીએસટી અંગે પણ લખ્યું છે. જીએસટીને તેમણે પાયારૂપ ફેરફાર ગણાવ્યો છે. તેમના અનુસાર આ પગલાં મારફતે ભારત એક દેશ, એક બજારના રૂપે સ્થાપિત થશે.

આ સિવાય તેમણે સામાન્ય લોકો માટે સરકારની જનકલ્યાણ યોજનાઓની તપાસ કરી છે. તેમણે જળવાયુ પરિવર્તન અને પર્યાવરણ સાથે ખેતીના મુદ્દે આધુનિક સમયના પડકારો અંગે પણ પ્રકાશ પાડ્યો છે.

અરવિંદ સુબ્રમણ્યને પોતાના પુસ્તકમાં એવું પણ જણાવ્યું કે કેવી રીતે તેમને મુખ્ય આર્થિક સલાહકાર બનાવવાની વાત મીડિયામાં છપાઈ રહી હતી અને સરકાર તરફથી તેમનો કોઈ સત્તાવાર માહિતી મળી નહોતી.

પરંતુ બૉસ તરીકે નાણાં મંત્રી અરુણ જેટલી તેમણે ડ્રીમ બૉસ ઠેરવ્યા છે. પરંતુ નોટબંધી પર નાણાં મંત્રીની ભૂમિકા અંગે પણ તેમણે કોઈ ટિપ્પણી કરી નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો