હિંદીભાષીઓ માટે 'ગદ્દાર' સિદ્ધુ પંજાબીઓ માટે હીરો કેમ?

    • લેેખક, અતુલ સંગર
    • પદ, સંપાદક, બીબીસી પંજાબી

ક્રિકેટરમાંથી રાજકીય નેતા બનેલા નવજોતસિંઘ સિદ્ધુ આજકાલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. સિદ્ધુ પંજાબ માટે, મુખ્યત્વે શીખો માટે ત્યારે હીરો બની ગયા જયારે તેઓ 'પાકિસ્તાની જનરલના દૂત' બનીને પરત ફર્યા અને બંને દેશોની આંતરરાષ્ટ્રીય સીમા પર કરતારપુર કૉરિડોર બનાવવાની વાત કરી.

સોશિયલ મીડિયા પર લોકો તેમને પંજાબી 'શાંતિ-પ્રિય વ્યક્તિ અને પવિત્ર' શીખ કહી રહ્યા છે.

પાકિસ્તાની જનરલને ગળે મળવા અને વડા પ્રધાન ઈમરાન ખાનની પ્રશંસા કરવા બદલ સિદ્ધુ માટે પંજાબની બહાર, ખાસ કરીને હિંદીભાષી વિસ્તારોમાં 'ગદ્દાર' શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

તેમની ખૂબ ટીકા થઈ હતી પરંતુ સામાન્ય શીખ આ ટીકા સાથે સહમત થતાં દેખાયા નહીં.

ટીવી અને ક્રિકેટની દુનિયાના સ્ટાર રહી ચૂકેલા આ જ સિદ્ધુ જ્યારે પણ 22 ગજની પીચ ઉપર રમવા ઊતરતા હતા, ત્યારે તેમને રાષ્ટ્રીય ગૌરવ સાથે જોડીને જોવામાં આવતા હતા.

પરંતુ રાતોરાત તેઓ ઘણાબધા માટે ખલનાયક કેવી રીતે બની ગયા?

જ્યારે તેમણે કૅપ્ટન અમરિન્દરસિંઘ ને ફક્ત સેનાના એક કૅપ્ટન કહ્યા ત્યારે પંજાબના ઘણા મંત્રીઓએ તેમના રાજીનામાંની માગણી કરી હતી.

તેમ છતાં તેઓ પંજાબીઓના હૃદયમાં વસેલા રહ્યા. આવું શા માટે બન્યું?

હિંદીભાષી અને પંજાબીઓના અભિપ્રાયોમાં આટલું મોટું અંતર શા માટે છે?

ઘણા દશકાઓથી માંગણી થઈ રહી હતી

કરતારપુર ભારતીય સરહદથી લગભગ પાંચ કિલોમીટર દૂર પાકિસ્તાનમાં છે. અહીં શીખોના પહેલા ગુરુ, ગુરુ નાનકદેવ પોતાના જીવનનાં અંતિમ 18 વર્ષ રહ્યા હતા.

કરતારપુર શીખોનાં પવિત્ર સ્થળોમાંનું એક છે. જ્યાં ફક્ત શીખ જ નહીં, બલકે અન્ય ધર્મોના શ્રદ્ધાળુઓ પણ પ્રાર્થના કરવા આવે છે.

પહેલાં શ્રદ્ધાળુઓને કરતારપુર જવા માટે ભારત સરકાર પાસેથી વિશેષ પરવાનગી લેવી પડતી હતી.

તેઓ અહીં લાહોર થઈને લગભગ 100 કિલોમીટરનો પ્રવાસ ખેડીને પહોંચતા હતા.

એટલે જ શીખો કેટલાય દાયકાઓથી કરતાપુર કૉરિડૉરની માગ કરી રહ્યા હતા.

ગુરુ નાનકદેવની 550મી જયંતી બંને તરફથી શીખ શ્રદ્ધાળુઓ ધૂમધામથી ઉજવશે. જેનું આયોજન બંને દેશોની સરકાર પોતપોતાનાં ક્ષેત્રોમાં કરશે.

સરહદ ખોલવાની માગણી ઘણા દશકાઓથી થઈ રહી હતી પરંતુ જ્યારે પાકિસ્તાનના સેના પ્રમુખ કમર બાજવાએ પાકિસ્તાન સરકારની આ ઈચ્છાને જાહેર કરવા માટે સિદ્ધુને પસંદ કર્યા ત્યારે તો એ નક્કી જ હતું કે તેઓ શીખોના હીરો બની જશે.

નકારાત્મક દલીલોની વચ્ચે પંજાબીઓની સકારાત્મક મહેચ્છા

સિદ્ધુની પાકિસ્તાની સેના વડા કમર બાજવાને ગળે મળવાની ચેષ્ટાની મીડિયા અને પંજાબની બહાર ખૂબ ટીકા થઈ.

સોશિયલ મીડિયા પર પણ આ બાબતે ઘણી દલીલો થઈ.

શીખોના પારંપરિક પક્ષ દણાતા અકાલી દળે ઘટનાની નિંદા કરી. બીજી તરફ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંઘે પણ કહ્યું હતું કે આવું ના થયું હોત તો સારું થાત.

જોકે, આ દરમિયાન સામાન્ય શીખોએ ગુરુદાસપુર સીમાથી કરતારપુર જવાની સંભાવના અને આશાઓ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રાખ્યું.

રાજકારણના જાણકાર પ્રોફેસર હરીશ પૂરી કહે છે, "અકાલીઓની નિંદાએ હકીકતમાં સિદ્ધુની મદદ કરી. તેમના માટે કેન્દ્રીય મંત્રી હરસિમરતકૌર બાદલ અને તેમના પતિ અને ભૂતપૂર્વ ઉપ મુખ્યમંત્રી સુખબીરસિંઘ બાદલે 'ગદ્દાર' જેવા શબ્દોનો પ્રયોગ કર્યો."

"પછીથી સિદ્ધુનો ઉપહાસ કરનારા હરસિમરતકૌર બાદલ પોતે કરતારપુર કૉરિડૉરના શિલાન્યાસ કાર્યક્રમમાં પાકિસ્તાન ગયાં.''

''એ કાર્યક્રમમાં સિદ્ધુ અને પાકિસ્તાન સેનાના પ્રમુખ કમર બાજવા પણ સામેલ હતા."

વરિષ્ઠ સમીક્ષક અને લેખક જગતારસિંઘ કહે છે, "રાષ્ટ્રીય જરૂરિયાતો અને દેશભક્તિને દરેક વ્યક્તિ સમજે છે પરંતુ પંજાબની બહાર કરતારપુર બાબતે જે સ્તરની નકારાત્મક દલીલબાજી થઈ, તે આશ્ચર્યજનક હતી."

"ઈતિહાસમાં પંજાબ અને કાશ્મીર 'પ્રૉક્સી વૉર' અને યુદ્ધનો પહેલો ઘા ઝીલનારાં રાજ્યો રહ્યાં છે. જો પંજાબી શાંતિની કામના કરી રહ્યા છે તો એમાં ખોટું શું છે?''

''શીખ ધર્મના ઘણાં મહત્વના સ્થળો પાકિસ્તાનમાં છે અને તેઓ એ વાતે દુ:ખી છે કે કરતારપુર કૉરિડૉર અંગેની તેમની ઈચ્છા ઘણા દેશવાસીઓની નજરમાં તેમને શંકાસ્પદ બનાવી રહી છે."

પાકિસ્તાનની સફળતા અને ભારતની ચૂક

એ સ્પષ્ટ છે કે પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને સંદેશવાહક રૂપે સિદ્ધુને પસંદ કરીને કૂટનીતિ કરી છે.

પહેલાં એવી સુચના આવી કે ભારતના રાષ્ટ્રપતિ શિલાન્યાસ કરશે પરંતુ પછીથી ઉપરાષ્ટ્રપતિના નામની જાહેરાત કરવામાં આવી.

પાકિસ્તાનના આમંત્રણને ભારતીય વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે એમ કહીને નકારી દીધું કે તેઓ પહેલાંથી નક્કી થયેલા કાર્યક્રમોમાં વ્યસ્ત રહેશે.

તેમણે બે શીખ મંત્રીઓને મોકલવાની વાત કહી, જેમાંથી એક હરસિમરતકૌર હતાં, જેમણે આ બાબતમાં સિદ્ધુની ટીકા કરી હતી.

જોકે, આખા ઘટનાક્રમ દરમિયાન પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન શીખોના હૃદયમાં સ્થાન ઊભું કરતા નજરે પડ્યા.

બીજી તરફ ભારત સરકાર આનો ઉપયોગ બન્ને દેશો વચ્ચેના સંબંધો સુધારવા માટે કરી શકી નહીં.

ભારત-પાક તણાવ વચ્ચે પંજાબનું દુ:ખ

કરતારપુરનો શિલાન્યાસ કાર્યક્રમ બંને દેશો વચ્ચે એક નવા સંબંધની શરૂઆત કરવા માટેની એક તક હતી.

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે મીડિયાને કહ્યું હતું, "છેલ્લાં 20 વર્ષથી ભારત કરતારપુર કૉરિડૉર ખોલવાની માગ કરતું રહ્યુ પરંતુ આ પહેલી વાર છે કે જ્યારે પાકિસ્તાને સકારાત્મક પ્રતિભાવ આપ્યો.''

''પરંતુ એનો મતલબ એ નથી કે બંને દેશોની વચ્ચે દ્વિપક્ષીય વાર્તા શરૂ થશે. સંવાદ અને આતંકવાદ એક સાથે ના થઈ શકે."

તેમનું આ નિવેદન એવા વખતે આવ્યું હતું જયારે કરતારપુર કૉરિડૉરનો શિલાન્યાસ કાર્યક્રમ ચાલી રહ્યો હતો.

પંજાબના સોશિયલ મીડિયા યુઝર્સે એ વાતે વાંધો વ્યક્ત કર્યો કે પંજાબીઓ જે ક્ષણની વાટ દાયકાઓથી જોઈ રહ્યા હતા એ ક્ષણ આવી તો રાજકારણ કેમ રમાઈ રહ્યું છે.

સંવાદ અને આતંકવાદ એક સાથે ના થઈ શકે, ભારતનું આ વલણ ઘણાં વર્ષો જુનું છે.

તાજેતરના નિવેદન નિરંકારી ભવન પરના ગ્રૅનૅડ હુમલા અને ભારત પાકિસ્તાનની સીમા પર ચાલી રહેલી હિંસા દરમિયાન આવ્યું હતું.

નિરંકારી ભવનના કિસ્સામાં સુરક્ષા દળોએ બે શીખ યુવકોની ધરપકડ કરી છે.

એવો આરોપ છે કે તેમના તાર કથિત 'ખાલિસ્તાન લિબરેશન ફોર્સ' સાથે જોડાયેલા છે, જેનું સંચાલન કથિત રીતે પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈના ઇશારે થઈ રહ્યું છે.

શીખ ભાવનાઓની વિરુદ્ધ પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંઘે ભારત-પાક સીમા પર ભારતીય સૈનિકો પર થઈ રહેલા હુમલાઓ અને પંજાબમાં આઈએસઆઈની કથિત ગતિવિધિઓ વિરુદ્ધ પાકિસ્તાની સેના પ્રમુખ કમર બાજવાને કડક ચેતવણી આપી હતી.

જોકે, તેમણે પણ કરતારપુર કૉરિડૉરની પાકિસ્તાનની પહેલનું સ્વાગત કર્યું હતું.

1984માં શીખ વિરોધો હિંસા બાદ અમરિન્દરસિંઘે કોંગ્રેસ પાર્ટી અને સંસદના સભ્યપદનો ત્યાગ કર્યો હતો.

શીખોનો તેમના પર વિશ્વાસ છે અને તેઓ આ વિશ્વાસને લીધે જ તેમની ભાવનાઓ વિરુદ્ધ જવાનું જોખમ લઈ રહ્યા છે.

પ્રોફેસર હરીશ પૂરી કહે છે, "બિનપંજાબીઓ માટે આ સમજવું બહુ મુશ્કેલ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ પંજાબને કેવી રીતે અસર કરે છે.''

''તેઓ બંને દેશોની વચ્ચે સામાન્ય સ્થિતિ ઈચ્છે છે. એટલે અન્ય રાજ્યો માટે પંજાબની નાડી સમજવી મુશ્કેલ બને છે."

ભારતની તરફ કરતારપુર કૉરિડૉરના શિલાન્યાસ દરમિયાન પંજાબમાં ખુબ રાજકીય નાટક થયાં.

પંજાબ સરકારમાં મંત્રી એસ.એસ. રંધાવાએ શિલાન્યાસના પથ્થર ઉપર પોતાનાં અને મુખ્યમંત્રી કૅપ્ટન અમરિન્દરસિંઘનાં નામ પર કાળી પટ્ટી લગાવી દીધી.

તેમનો વાંધો એ હતો કે શિલાન્યાસના પથ્થર પર પ્રકાશસિંઘ બાદલ અને સુખબીરસિંઘ બાદલનાં નામ હતાં.

તેમનું કહેવું હતું કે આ અકાલી અને ભાજપાનો કાર્યક્રમ નહોતો.

વર્ષ 2015માં પંજાબમાં ઈશનિંદાની જે ઘટનાઓ બની હતી, તેમાં પ્રકાશસિંઘ બાદલ અને સુખબીરસિંઘ બાદલ વિરુદ્ધ કાર્યવાહીની માગણી થઈ રહી છે.

કેસની તપાસ માટે બનાવવામાં આવેલી એસઆઈટીએ પણ આ મુદ્દે તેમની પૂછપરછ કરી હતી.

ધર્મપ્રેરિત ઉત્તેજનાપૂર્ણ વાતાવરણ વર્ષ 2015થી યથાવત છે. આ વાતાવરણ જે પણ ધર્મની તરફેણમાં ઉભેલું નજરે પડ્યું છે, તેને લોકોનું સમર્થન મળ્યું છે.

સિદ્ધુ અકાલીઓના વિરોધી રહ્યા છે. કરતારપુર કેસમાં અકાલીઓએ જેટલો સિદ્ધુનો વિરોધ કર્યો, તેમને લોકોનું એટલું જ વધુ સમર્થન મળ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો