ઈરાન: એ બહાઈ લોકો જેમને બે ગજ જમીન પણ હાંસલ નથી

    • લેેખક, અલી મામૂરી
    • પદ, ધાર્મિક બાબતોના જાણકાર

દિલ્હીનું લોટસ ટૅમ્પલ આમ તો ભારતમાં એક પર્યટન કેન્દ્ર રૂપે જાણીતું છે પરંતુ ઓછા લોકોને જાણકારી હશે કે આ હકીકતમાં બહાઈ ધર્મનું પૂજા સ્થળ છે.

બહાઈ ધર્મનાં મૂળિયા ઈરાનમાં છે જ્યાં છેલ્લા કેટલાંક સમયથી આ સમુદાયમાં અસુરક્ષિતતાની ભાવના વધી ગઈ છે.

ઈરાનમાં બહાઈ સમુદાયના નેતાઓને જેલમાં મોકલવાની ઘટનાઓ લોકો ભૂલ્યા પણ નહોતાં કે આ જ વર્ષે સપ્ટેમ્બરમાં એક ઈરાની નાગરિક સમશી અકદસી આજમિયાનનો મૃતદેહ દમાવંદના વિસ્તારમાં કબરની બહાર કાઢીને દૂર જંગલમાં ફેંકી દેવામાં આવ્યો.

આ ઘટના સ્થાનિક અધિકારીઓની એ ચેતવણી પછી થઈ જેમાં વિસ્તારના બહાઈ સમાજને તેમના પોતાના ખાનગી કબ્રસ્તાનમાં પણ મૃતદેહો દફનાવવાની મનાઈ કરવામાં આવી હતી.

આ પહેલાં પણ ઈરાનનાં ઘણાં શહેરોમાં બહાઈ સમુદાયનાં કબ્રસ્તાનોમાં તોડફોડની ઘટનાઓ બનતી આવી છે.

એવું પણ બન્યું છે કે મૃતદેહો દફનાવતા અટકાવવા માટે તેમનાં કબ્રસ્તાન જ બંધ કરી દેવામાં આવ્યાં.

બહાઈ સમુદાયના કબ્રસ્તાનને મુદ્દે ઈરાનમાં આવી અસંવેદનશીલતા શા માટે છે?

તેમનાં કબ્રસ્તાનો શા માટે તોડી નાખવામાં આવે છે અને પોતાના ખાનગી કબ્રસ્તાનોમાં પણ તેમના મૃતદેહો દફ્નાવતા શા માટે અટકાવવામાં આવે છે?

શું આ પ્રકારનો વર્તાવ ઇસ્લામિક શરીયત મુજબ વાજબી છે? મુખ્યત્વે શિયા ઇસ્લામિક કાનૂનમાં, જેના પાયા ઉપર ઈરાનનું ઇસ્લામી ગણતંત્ર કામ કરે છે?

આવા સવાલોની એક લાંબી વણઝાર છે જેના જવાબ ફક્ત બહાઈ લોકો જ નથી શોધી રહ્યાં પરંતુ અન્ય લોકો પણ આ વિશે જાણવા ઇચ્છે છે.

કોણ છે આ બહાઈ લોકો?

બહાઈ દુનિયાના સૌથી નવા ધર્મોમાં ગણાય છે. એની સ્થાપના બહાઉલ્લાહે વર્ષ 1863માં ઈરાનમાં કરી હતી.

બહાઈ લોકો એમ માને છે કે દુનિયાના તમામ ધર્મ સાચા છે અને તમામ લોકોને માનવતાના લાભાર્થે ભેગા મળીને કાર્ય કરવું જોઈએ.

દુનિયાના 235 દેશોમાં બહાઈ ધર્મને માનનારા લોકોની સંખ્યા લગભગ સાંઠ લાખ છે.

એવું મનાય છે કે બહાઈ ધર્મનો ઉદય ઇસ્લામની શિયા શાખામાંથી જ થયો.

આજે સંજોગો એવા છે કે પોતાના જ દેશમાં આ બહાઈ લોકો બીજા દરજ્જાનું જીવન જીવી રહ્યાં છે.

ઈરાન જ નહીં બલકે મધ્ય પૂર્વના અન્ય દેશોમાં પણ બહાઈ સમુદાય ઉપેક્ષા અને દમનનો શિકાર છે.

બહાઈ લોકોને તેમના વિશેષ કબ્રસ્તાનમાં મૃતદેહોને દફ્નાવતાં અટકાવવા માટે, તેમના કબ્રસ્તાનમાં તોડફોડ અને દફનાવાયેલા મૃતદેહોને બહાર કાઢીને ફેંકી દેવા પાછળનો હેતુ આ લઘુમતી સમુદાયનો નાશ કરવા અને રોજીંદા જીવનમાં તેમની સામાજિક હાજરીને ખતમ કરવાનો છે.

બહાઈ સમુદાય પહેલેથી જ મુસલમાનોનાં કબ્રસ્તાનોમાં પોતાને દફનાવી શકતા નથી.

હવે નવી જાહેરાત ઉપર અમલ કરીને પોતાનાં સામુદાયિક કબ્રસ્તાનમાં પણ દફનાવી નહીં શકે, તો પછી તેમના માટે મૃતદેહોને દફનાવવાની કોઈ જગ્યા જ નથી બચતી.

મૃતદેહો દફ્નાવવાથી અટકાવવાની આ જાહેરાત સિલસિલાની એક કડી છે જે અંતર્ગત બહાઈ લોકોને પોતાના ધાર્મિક અને સાંસ્કૃતિક રીતિ રિવાજ અપનાવવા અને પોતાની પસંદગીનું શિક્ષણ મેળવવાથી અટકાવામાં આવી રહ્યા છે.

આ દબાણોનો એક ઉદ્દેશ એ પણ છે કે બહાઈ સમુદાયના લોકો મજબૂર થઈને પોતાનો ધર્મ છોડી દે અને ઇસ્લામ કબૂલ કરી લે.

દમન ઈતિહાસ

પોતાના સાંસ્કૃતિક વિરોધીઓનું આ રીતનું દમન કરવાનો એક લાંબો ઇતિહાસ રહ્યો છે.

જ્યારે ઈસ્લામના ત્રીજા ખલીફા ઉસ્માન બિન અફ્ફાનની તેમના વિરોધીઓએ હત્યા કરી દીધી ત્યારે તેમને મદીનામાં એ યહૂદીઓના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા જે મદીના છોડીને જતા રહ્યા હતા.

પછીથી મુઆવિયા બિન અબુ સુફયાને મદીનામાં મુસલમાનોના કબ્રસ્તાનનો વિસ્તાર કરીને ઉસ્માનની કબરને આ કબ્રસ્તાનમાં મેળવી દીધી.

ઇસ્લામી ઇતિહાસના ઘણા મહાપુરુષોને અજ્ઞાત જગ્યાઓએ દફનાવવામાં આવ્યા એ પાછળ આ જ કારણ રહ્યું છે, જેથી તેમના વિરોધી તેમની કબરને ખોલી ના શકે.

પરંતુ એવું નથી લાગતું કે બહાઈ સમુદાય ઉપર દમન કરનારાઓનું લક્ષ્ય પૂરું થશે.

પ્રતિક્રિયાની આશંકા

જો બહાઈ સમુદાય વિરુદ્ધ દમન અને હિંસામાં તેજી આવે છે તો સ્વાભાવિક રીતે જ આ મુદ્દે પ્રતિક્રિયા પણ થવાની.

બહાઈ લોકો વિરોધમાં એકજુટ થઈ શકે છે. એ ઉપરાંત દમન વિરુદ્ધ અને બહાઈ સમુદાય માટે અન્ય લોકોમાં પણ હમદર્દી પેદા થશે.

દુનિયાના અન્ય દેશો તરફથી પણ આ બાબતે પ્રતિક્રિયા અપાય એવા અણસાર છે.

કબર ખોદીને મૃતદેહો કાઢવા ઈસ્લામી કાનૂનમાં પણ યોગ્ય નથી મનાતું અને આને મડદાં અને મૃત વ્યક્તિના સ્વજનોનો અનાદર અને અપમાન માનવામાં આવે છે.

કબરનું ખોદાણ અથવા કબરને ફરીવાર ખોલવી એવા જ સંજોગોમાં યોગ્ય માનવામાં આવે છે જ્યારે કોઈ હત્યાના કેસને ઉકેલવામાં આનાથી મદદ મળે અથવા મૃતદેહો સાથે છીનવાયેલું ધન છુપાવવામાં આવ્યું હોય.

આ વાત પણ ફક્ત મુસલમાનોની કબર ઉપર લાગુ થાય છે અન્ય ધર્મોમાં માનનારાઓ ઉપર નહીં.

તો શું મૃતદેહના અનાદરની વાત ફક્ત મુસલમાનોની કબર ઉપર જ લાગુ થશે અને ગેર-મુસ્લિમોની કબરો આ સન્માનની હકદાર નથી?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો