'સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં...' લખનારા ઇકબાલ અને ઈમાની પ્રેમકથા

    • લેેખક, ઝફર સૈયદ
    • પદ, બીબીસી ઉર્દૂ સંવાદદાતા

"હું વધુ લખી કે કહી નથી શકતો, તમે કલ્પના કરી શકો છો કે મારા દિલમાં શું છે..."

આ પત્ર અલ્લામા ઇકબાલે ઈમિલી ઈમાં વિગેનાસ્ટને નામે લખ્યો હતો...

"મારી બહુ ઇચ્છા છે કે હું આપની સાથે ફરી વાત કરી શકું અને આપને નિહાળી શકું, પરંતુ હું નથી જાણતો કે શું કરું."

"જે વ્યક્તિ આપની સાથે મિત્રતા કરી ચૂકી હોય તેના માટે તમારા વગર જીવવું શક્ય નથી. જે કંઈ પણ મેં લખ્યું છે એ માટે મને મહેરબાની કરીને મને માફ કરી દો."

જર્મન ભાષામાં લખાયેલા અલ્લામા ઇકબાલના અનેક પત્રોમાંના આ એક પત્રમાં તેમની લાગણી વ્યક્ત થઈ છે.

ઈમા સાથે ઇકબાલની મુલાકાત નીકર નદીને કિનારે હર્યા-ભર્યા મનમોહક હાઇડલબર્ગ શહેરમાં થઇ હતી.

એક તો મોસમ પણ કંઈક એવી હતી અને ઉપરથી ઇકબાલનું યૌવન અને વળી સૌમ્ય અને સુંદર ઈમા.

એક હિન્દુસ્તાની શાયરનું દિલ તેમના પર ઓવારી ગયું એમાં કોઈ આશ્ચર્યની વાત નથી, એવું ના થાત તો આશ્ચર્યની વાત ગણાત.

ઇકબાલની એ નજમ

ઇકબાલની નજમ, 'એક શામ' (હાઇડલબર્ગમાં નીકર નદીને કિનારે)થી તેમનાં અહેસાસનું ઠેકાણું મળે છે.

"ખામોશ હૈ ચાંદની કમર (ચાંદો) કી

શાખે હૈં ખામોશ (ચૂપ) હર શઝર (વૃક્ષ) કી

વાદી (ઘાટી) કે નવા ફરોશ (બોલવાવાળો) ખામોશ

કુહસાર (પહાડનો સિલસિલો) કે સબ્ઝ પોશ (હરિયાળી) ખામોશ

ફિતરત (પ્રકૃતિ) બેહોશ હો ગઈ હૈ

આગોશ (ખોળો) મેં શબ (રાત) કે સો ગઈ હૈ

કુછ ઐસા સુકૂત ક ફૂસૂં (ખામોશીનું આકર્ષણ) હૈ

નીકર કા ખરામ ભી સુકૂં હૈ

ઐ દિલ! તું ભી ખામોશ હો જા

આગોશ મેં ગમ કો લે કે સો જા..."

ઈમાના નામે અલ્લામાનો પત્ર

ઇકબાલના હૃદયમાં ઈમાનું શું સ્થાન હતું અને તેમનો ઈમા સાથે કેવો સંબંધ હતો તેનો અંદાજ આ પત્રથી લગાવી શકાય છે.

"મહેરબાની કરીને પોતાના આ દોસ્તને ભૂલતા નહીં, જે તમને સદાય પોતાના દિલમાં રાખે છે અને તમને ભૂલી શકતો નથી."

"હાઇડલબર્ગમાં મારું રોકાઈ જવું એક સુંદર સપનું લાગે છે અને હું આ સપનું દોહરાવવા ઇચ્છું છું. શું એ શક્ય છે? તમે સારી રીતે જાણો છો."

આપણે પાઠ્યપુસ્તકો અને જંયતી કે પુણ્યતિથિ ઉપર અપાતાં ભાષણોમાં જોતા આવ્યાં છીએ તે પરંપરાગત અવધારણાઓથી અલગ જ ઇકબાલની છબી આપણને આ પત્રો થકી જોવા મળે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

આ પત્રોમાં અલ્લામા ઇકબાલ 'હકીમુલ ઉમ્મત' (રાષ્ટ્રના ઉદ્ધારક) અને 'મુફક્કિર-એ-પાકિસ્તાન' (પાકિસ્તાનના ચિંતક) ઓછા અને ઇશ્કની લાગણીઓથી તરબતર યુવાન વધુ દેખાય છે.

21 જાન્યુઆરી 1908ના દિવસે ઈકબાલે લંડનથી ઈમાના નામે એક પત્રમાં લખ્યું, "મને એમ હતું કે તમે મારી સાથે આગળ વધુ પત્ર-વ્યવહાર કરવા નથી ઇચ્છતાં અને એ વાતે મને ઘણો અફસોસ થયો."

"હવે ફરી તમારો પત્ર મળ્યો છે તો એનાથી બહુ જ ખુશી મળી છે. હું સદા તમારા વિશે વિચારતો રહું છું અને મારું હૃદય સદાય સુંદર વિચારોથી તરબતર રહે છે."

"એક ચિનગારીથી જેમ આગ પ્રગટે છે અને એક આગથી મોટી જવાળા રોશન થાય છે."

"તમારામાં દયા-ભાવ, કરુણા નથી, આપ અણસમજુ છો. તમને જે મનમાં આવે એ કરો, હું કંઈ નહીં કહું, સદાય ધીરજ રાખીશ અને કૃતજ્ઞ રહીશ."

ખુશ રહેવાનો હક

ઇકબાલ એ વખતે ફક્ત પરિણીત જ નહોતા પરંતુ બે બાળકોના પિતા પણ બની ચૂક્યા હતા.

એ અલગ વાત છે કે તરુણવયે મા-બાપની પસંદગીથી કરીમબીબી સાથે થયેલાં લગ્નથી તેઓ બહુ નાખુશ હતા.

એક પત્રમાં તેમણે લખ્યું, "મેં મારા પિતાશ્રીને લખી દીધું છે કે તેમને મારાં લગ્ન નક્કી કરવાનો કોઈ અધિકાર નહોતો."

"ખાસ કરીને ત્યારે જયારે મેં પહેલેથી જ આવા કોઈ બંધનમાં બંધાવાની ના કહી હતી."

"હું તેને ભરણપોષણ આપવા તૈયાર છું પરંતુ તેને સાથે રાખી પોતાની જિંદગી બરબાદ કરવા માટે જરાય તૈયાર નથી."

"એક માણસની જેમ ખુશ રહેવાનો મને પણ હક છે. જો સમાજ અથવા કુદરત મને એ અધિકાર આપવાનો ઇનકાર કરે છે તો હું બંને સામે બગાવત કરું છું."

"હવે ફક્ત એક જ ઉપાય છે કે હું સદાયને માટે આ અભાગિયા દેશમાંથી જતો રહું અથવા તો શરાબનો આશરો લઉં જેનાથી આત્મહત્યા આસાન થઈ જાય."

પૂર્વના રહસ્યમયી અને જાદુઈ સમાજમાં ઉછરેલા ઇકબાલે બ્રિટન પહોંચી મહિલાઓનું ધ્યાન ચુંબકની જેમ પોતાની તરફ ખેંચી લીધું.

આ સમય દરમિયાન તેમની કવિતાઓ ઉત્તર ભારતમાં દરેક સ્થળે મશહુર થઈ ચૂકી હતી.

લોકો ગલીઓમાં તે કવિતાઓ ગાતા હતા, આ પ્રસિદ્ધિની થોડી-થોડી ચર્ચા ઇંગ્લૅન્ડ પણ પહોંચી ગઈ હતી.

કબાલની પ્રસિદ્ધિ

ઇકબાલથી પ્રભાવિત થનારી આ મહિલાઓમાં એક અતિયા ફૈઝી પણ હતાં, જેમણે એક પુસ્તકમાં ઈકબાલના એ સમય ઉપર પ્રકાશ પાડ્યો છે.

અતિયા ફૈઝી મુંબઈ (એ વખતના બોમ્બે)નાં એક સંપન્ન પરિવારથી આવતાં હતાં.

તેમના પિતા હસન આફનદી એક મોટા ઉદ્યોગપતિ હતા, જે બીજા દેશોનો પ્રવાસ કરતા રહેતા હતા.

તેઓ એક ઉચ્ચ, પ્રગતિશીલ અને ખુલ્લા વિચારો ધરાવતી વ્યક્તિ હતી.

તેમણે ન ફકત પોતાની પુત્રીઓને ઉચ્ચશિક્ષણ આપ્યું પરંતુ તેઓને પરદામાં રહેવા દબાણ પણ નહોતું કર્યું.

એ વખતના સંકુચિત હિન્દુસ્તાની સમાજમાં આ એક અનોખી વાત હતી.

કેમ કે, એક મહિલા જે ન ફકત અત્યંત શિક્ષિત હતાં. એ ઉપરાંત, તેઓ પુરુષોની સાથે સભાઓમાં બેસતાં અને તેમની સાથે બરાબરીના સ્તરે વાદ-વિવાદ પણ કરી શકતાં હતાં.

આ જ કારણ હતું કે અતિયાએ ઇકબાલ સિવાય શિબલીને પણ પ્રભાવિત કર્યા. જેનું વિવરણ શિબલીની 'હયાત-એ-મુઆશિકા'માં મળે છે.

કેટલાક લોકોનો અભિપ્રાય છે કે કદાચ ઇકબાલ અતિયાની મુહોબ્બતમાં કેદ થઈ ગયા હતા.

એ સાથે કોઈ સંબંધ નહીં રાખનારા લોકો મુજબ અલ્લામાની અતિયા સાથેની દોસ્તી ફક્ત બૌદ્ધિક સ્તરે હતી અને તેઓ તેમની સાથે દાર્શનિક સ્તરની ચર્ચાઓ કરતાં હતાં.

દિવસ અને રાતની જેમ

ઇકબાલ દ્વારા અતિયા અને ઈમાને નામે લખાયેલા પત્રોની જો તુલના કરવામાં આવે તો તેમની વચ્ચેનું અંતર દિવસ અને રાતની જેમ સ્પષ્ટ છે.

ઇકબાલના હૃદયની ચાહ કંઈક અલગ જ હતી અને તેમની ચાહત ક્યારેય પૂરી થશે કે નહીં એની એમને શંકા હતી.

"જલવા-એ હુસ્ન કી હૈ જિસસે તમન્ના બેતાબ

પાલતા હૈ જિસે આગોશ-એ તખૈયુલ (કલ્પનાનો ખોળો) મેં શબાબ (જુવાની)

અબદી (અમર) બનતા હૈ યહ આલમ-એ-ફાની (નશ્વર સંસાર) જિસ સે

એક અફસાના-એ-રંગી હૈ જવાની જિસ સે

આહ મૌજુદ ભી વહ હુસ્ન કહીં હૈ કી નહીં

ખાતિમ-એ દહર (જમાનાની અંગૂઠી) યા રબ વહ નગીં (નગીનો) હૈ કી નહીં"

મિલ ગયા વહ ગુલ મુઝે..."

ઇકબાલે પોતે જ એક જગ્યાએ લખ્યું છે કે 'બાત જો દિલ સે નિકલતી હૈ, અસર રખતી હૈ',

તો જર્મનીમાં એમની દુઆ કબૂલ થઈ.

અને કદાચ ઈમાના રૂપમાં તેમને એ 'નગીના' મળી ગયો જેની એમને તલાશ હતી.

ને એ પછી ઇકબાલને આ લખવામાં વાર ના લાગી,

"જુસ્તજુ જિસ ગુલ કી તડપાતી થી એ બુલબુલ મુઝે

ખૂબી-એ-કિસ્મત (ભાગ્ય) સે આખિર મિલ ગયા વહ ગુલ મુઝે

જૌ (પ્રકાશ) સે ઈસ ખુરશીદ (સૂરજ) કી અખ્તર (તારા) મેરા તાબિંદા (ચમકવાળું) હૈ

ચાંદની જિસકે ગુબાર-એ-રાહ (રસ્તાની ધૂળ) સે શરમિંદા હૈ

ઇકબાલ ઇંગ્લિસ્તાનમાં શું કરી રહ્યા હતા?

ઇકબાલ બે વર્ષ પહેલા બ્રિટન આવ્યા હતાં જ્યાં તેમણે કેમ્બ્રિજથી બીએની ડિગ્રી મેળવી હતી.

એ જ દરમિયાન તેઓએ 'ડેવલપમેન્ટ ઑફ મેટા ફિઝીક્સ ઇન ઈરાન' ને નામે એક લેખ લખ્યો હતો અને હવે તે પોતાના ઉસ્તાદ પ્રોફેસર ઑરનલ્ડની સલાહથી આ જ લેખ ઉપર જર્મનીની મ્યૂનિખ યુનિવર્સિટીથી પીએચડીની ડિગ્રી હાસલ કરવા ઇચ્છતા હતા.

આને માટે તેઓએ વર્ષ 1907ના વસંતમાં જર્મનીનો પ્રવાસ કર્યો હતો જ્યાં તેમની મુલાકાત ઈમા સાથે થઈ હતી.

ઈમાનો જન્મ 26 ઑગષ્ટ 1879માં નીકર નદીના કિનારે આવેલા એક નાનકડા કસ્બા હાઇલબ્રુનમાં થયો હતો.

ઈમાને ત્રણ બહેનો અને બે ભાઈઓ હતા. (મોટા ભાઈ કાર્લનો ઉલ્લેખ આગળ આવશે.) ઈમા 29 વર્ષીય ઈકબાલથી બે વર્ષ નાના પરંતુ કદમાં એક ઇંચ ઊંચા હતાં.

ઈમાની તસવીર

ઈમાની ફક્ત એક જ તસવીર આપણી નજર આગળથી પસાર થઈ છે.

જેમાં તેમની આંખોમાં એ જ મસ્તીભર્યું સ્મિત છલકે છે જેનો ઉલ્લેખ ઇકબાલે એ જ સમયની એક અપ્રકાશિત અને અધૂરી નઝ્મ 'ગુમશુદા દાસ્તાન'માં કર્યો છે.

"રખા થા મેજ પર અભી હમને ઉતાર કર

તૂને નઝર બચા કે હમારી ઉડા લિયા

આંખો મેં જો હૈ તબસ્સુમ શરીર સા"

ઈમાની માતૃભાષા જર્મન હતી પરંતુ તે યૂનાની અને ફ્રેંચથી સારી રીતે વાકેફ હતાં.

આ ઉપરાંત દર્શન અને કવિતામાં પણ તેમને રસ હતો અને આ જ તેમની અને ઇકબાલ વચ્ચેની સમાનતાનું કારણ હતું.

ઇકબાલના પત્રોથી જાણવા મળે છે કે તેઓએ ઈમા સાથે મળીને વિખ્યાત જર્મની કવિ ગોએટને પ્રારંભથી અંત સુધી વાચ્યા હતા.

યુનિવર્સિટીની ડીગ્રી બાદ ઈમાએ 'પેન્સીયૂન શીરર' નામના એક બોર્ડિંગ હાઉસમાં નોકરી કરી, જ્યાં તેઓ વિદેશી વિદ્યાર્થીઓને જર્મન ભાષા શીખવતાં હતાં. આના બદલામાં એમને મફતમાં રહેવા અને જમવાનું મળતું હતું.

ઇકબાલે એક જમાનામાં લખ્યું હતું, "મૈને ઐ ઇકબાલ યૂરોપ મેં ઉસે ઢૂંઢા અબસ... બાત જો હિન્દુસ્તાન કે માહ સીમાઓં મેં થી..."

પરંતુ આ વાત ઇંગ્લૅન્ડની હદ સુધી ઠીક હતી, જર્મની આવીને એમનો વિચાર બદલાઈ ગયો.

એક પત્રમાં તેઓ લખે છે, "અંગ્રેજ સ્ત્રીઓમાં એ નારીભાવ અને અલ્લડપણું નથી જે જર્મની સ્ત્રીઓમાં હોય છે."

"જર્મન સ્ત્રીઓ એશિયન સ્ત્રીઓ સાથે સમાનતા ધરાવે છે. તેમનામાં મહોબ્બતની ઉષ્મા હોય છે, અંગ્રેજ મહિલાઓમાં આ ઉષ્મા નથી."

"અંગ્રેજ સ્ત્રીઓને ઘરેલું જીવન અને તેના બંધનો એટલાં પસંદ નથી જેટલાં જર્મન સ્ત્રીઓને છે."

સંપૂર્ણ અલગ કબાલ

અતિયા ફૈઝીએ હાઇડલબર્ગમાં જે ઇકબાલને જોયા એનાથી તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા.

તેઓ પોતાના પુસ્તક 'ઇકબાલ'માં લખે છે, "આ એ ઇકબાલ કરતાં બિલકુલ અલગ હતા જેને મેં લંડનમાં જોયા હતા."

"એવું લાગતું હતું જાણે જર્મની તેમના વજૂદમાં સમાઈ ગયું છે અને તેઓ વૃક્ષોની નીચેથી પસાર થતા અને ઘાસ ઉપર ચાલતા જ્ઞાનને ગાળી રહ્યા છે."

"ઇકબાલનું આ પાસું મારા માટે તદ્દન અનોખું હતું અને લંડનમાં જે એક નિરાશાવાદી આત્મા તેમની ભીતર છવાઈ ગઈ હતી, તે અહીંયા તદ્દન ગાયબ થઈ ગઈ હતી."

લંડનના ઇકબાલ વિશે અતિયાએ લખ્યું છે, "તેઓ તેજ પુરુષ હતા અને અન્યોની નબળાઈઓનો ફાયદો ઉઠાવવા માટે દરેક વખતે તૈયાર રહેતા હતા."

"લોકો ઉપર મેણાંનાં તીર વરસાવતા રહેતા હતા. ત્યાં મહેફિલ દરમિયાન ખામોશીથી બલકે અદૃશ્ય કંટાળાની સ્થિતિમાં સહુની વાતો સાંભળતા પણ જેવી તક મળે કે તેઓ ચમકીને વાતચીતમાં સામેલ થઈ જતા અને પોતાનાં આશ્ચર્યજનક જ્ઞાન અને બુદ્ધિથી બધા પર છવાઈ જતા."

હાઈડલબર્ગમાં અતિયાએ જોયું કે ઇકબાલના શિક્ષક જયારે ટોકતા હતા ત્યારે બાળકોની જેમ પોતાના નખ ચાવવા લાગતા અને કહેતા, "અરે, મને એ વાતનો તો ખ્યાલ જ ન આવ્યો, મારે આમ નહીં, એમ કહેવું જોઈતુ હતું."

અતિયાના કહેવા મુજબ ઇકબાલ અહીંયા જર્મન શીખવા ઉપરાંત નૃત્ય, સંગીત, નૌકા ચલાવવાનું અને હાઇકિંગ પણ શીખતા હતા.

આ જ દરમિયાન તેમણે નૌકા ચલાવવાની હરીફાઈમાં ભાગ લીધો હતો પરંતુ છેલ્લે નંબરે આવ્યા.

અતિયાના પુસ્તકમાં ઇકબાલની નૌકા ચલાવતી તસવીર પણ છે.

અતિયાએ એક રોચક ઘટનાનું વર્ણન કર્યું છે જેનાથી જણાય છે કે મામલો એકતરફા નહોતો બલકે ઈમા પણ ઇક્બાલથી ખૂબ પ્રભાવિત હતાં.

મહેફિલોમાં છવાઈ જવું

બન્યું એવું કે એક દિવસ ઈમાએ ઓપેરા ગાવાનું શરૂ કર્યુ. ઇકબાલે તેમને સાથ આપવાનો પ્રયત્ન કર્યો પરંતુ પશ્ચિમી સંગીતથી અજાણ હોવાને કારણે ઇકબાલ બેસૂરા થઈ ગયા.

અહીં એ કહેવું જરૂરી છે કે ઇકબાલનો કંઠ ખૂબ જ સારો હતો.

હિન્દુસ્તાનમાં મુશાયરાઓમાં લયબદ્ધ રીતે શેર કહેવાની શરૂઆત તેમણે જ કરી હતી.

તેઓ જયારે પોતાના શેર પોતાના સુરીલા કંઠે કહેતા તો તેનો પ્રભાવ બમણો, ચારગણો થઈ જતો, મોટામાં મોટી મહેફિલ તેમના જાદુમાં તરબોળ થઈ જતી.

જ્યારે તેઓ ઓપેરા ગાતી ઈમાનો સાથ ન આપી શક્યા ત્યારે તેમને ખૂબ શરમ આવી અને તેમણે પીછેહઠ કરી.

કદાચ ઈમાને પણ તેનો આભાસ થયો અને એ જ રાત્રે તેઓએ અતિયાને વિનંતી કરી કે તેઓ તેને કોઈ હિન્દુસ્તાની ગીત શીખવી દે.

બીજા દિવસે સહુ નીકર નદીને કિનારે પિકનિક માટે નીકળ્યાં ત્યારે અચાનક ઈમાએ ગાવાનું શરૂ કરી દીધું, "ગજરાં બેચન વાલી નાદાન... યે તેરા નખરા..."

ઇકબાલ લગ્ન કરવા ચ્છતા હતા

ઈમાને મુખે આ ગીત સાંભળીને ઇકબાલ ઉપર જે અસર થઈ હશે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ નથી.

અતિયાના અનુસાર એક દિવસ ઈમા અન્ય છોકરીઓ સાથે મળીને કસરત કરી રહી હતી અને ઇકબાલ ટગરટગર તાકી રહ્યા હતા.

અતિયાએ ટોક્યા તો તેમણે કહ્યું, "હું ખગોળ વૈજ્ઞાનિક બની ગયો છું, તારાઓના ઝૂમખાંઓનું નિરીક્ષણ કરી રહ્યો છું!"

સંગીત ઉપરાંત પશ્ચિમી નૃત્ય પણ ઇકબાલની પહોંચ બહાર હતું.

અતિયાએ લખ્યું છે કે ઇકબાલ ઈમાની સાથે નૃત્ય પણ કરતા હતા પરંતુ એવા ગાંડપણ સાથે કે તેમના પગ વારંવાર પાછળ તરફ પડતા હતા.

ઇકબાલ પર અભ્યાસ કરનારા તજજ્ઞો મુજબ મામલો માત્ર વાતચીત સુધી જ નહોતો રહ્યો બલકે ઈકબાલ ઈમા સાથે લગ્ન કરવા ઇચ્છતા હતા.

ખુદ ઈમાના પિતરાઈ પુત્રી હિલાક્રશ હોફે સઈદ અખ્તર દુર્રાનીને જણાવ્યું હતું કે ઈમા 1908ની આસપાસ હિન્દુસ્તાન જવા ઇચ્છતી હતી પરંતુ તેમના મોટાભાઈ અને પરિવારના મોવડી એવા કાર્લે તેમને દુર દેશમાં એકલા જવાની મનાઈ કરી હતી.

બે મોટાભાઈ 'જાલિમ સમાજ' બની ગયા

બીજી તરફ ઇકબાલ હિન્દુસ્તાન પરત ફરીને બહુ હૃદયપૂર્વક પાછા યુરોપ જવા ઇચ્છતા હતા, જેનો એકરાર એમણે ફકત ઈમા સાથે જ નહીં પરંતુ અતિયાને લખેલા પત્રો પણ કર્યો છે.

અમે એવા એક પત્રનો અંશ ઉપર આપી ચૂકયા છીએ.

જે રીતે ઈમાના મોટાભાઈ તેમના હિન્દુસ્તાન જવાના રસ્તામાં આડા આવી ગયા એ જ રીતે ઇકબાલના મોટાભાઈ તેમને ફરી વિલાયત જવામાં ખલેલ બની ગયા.

9 એપ્રિલ 1909એ લખેલા એક પત્રમાં તેઓ લખે છે, "હું કોઈ નોકરી જ નથી કરવા ઇચ્છતો, મારો ઈરાદો તો એ છે કે જેટલું જલદી શક્ય હોય."

"આ દેશમાંથી ભાગી જાઉં. કારણ તો તમને ખબર છે. મારી ઉપર મારા મોટાભાઈનું નૈતિકઋણ છે, જેને કારણે હું અટકેલો છું."

નૈતિકઋણ એ હતું કે ઇકબાલનાં અભ્યાસનો ખર્ચ તેમના મોટાભાઈએ ઉઠાવ્યો હતો, અને તેઓ યૂરોપથી આવ્યા પછી એમને એ રકમ પરત આપવા ઇચ્છતા હતા.

તેઓ ઈમાને લખે છે, "કેટલાક સમય બાદ જયારે મારી પાસે પૈસા જમા થઈ જશે તો હું યુરોપને પોતાનું ઘર બનાવીશ, એ મારી કલ્પના છે અને મારી આકાંક્ષા છે કે આ બધું જ પૂરું થશે."

પરંતુ આ કલ્પનાઓ આ આકાંક્ષાઓ નિષ્ફળ કામના બની ગઈ. ઇકબાલના જીવનનો એ સમય કઠિન આર્થિક પરિસ્થિતિઓનો સામનો કરતા વીત્યો.

આ તમામ સમયગાળા દરમિયાન ઈમાની યાદ તેમના હૃદયમાંથી ક્યારેય ન ભૂંસાઈ.

તેઓ બહુ આશા સાથે લખે છે, "મને એ જમાનો યાદ છે જ્યારે હું તમારી સાથે ગોએથની કવિતાઓ વાંચતો હતો."

"હું આશા રાખુ છું કે તમને પણ એ ખુશીઓથી ભરપૂર દિવસો યાદ હશે જ્યારે આપણે એકબીજાથી એટલાં નિકટ હતાં."

"હું વધુ લખી કે કહી નથી શકતો, આપ કલ્પના કરી શકો છો કે મારા હૃદયમાં શું છે. મારી બહુ જ ઇચ્છા છે કે હું ફરીવાર તમને મળી શકું."

એક અન્ય પત્રમાં ઇકબાલે લખ્યું, "તમારા પત્રો મળે ત્યારે મને હંમેશાં ખુશી થાય છે અને હું આતુરતાથી એ સમયની રાહ જોઉં છું જયારે હું ફરી આપને આપના દેશમાં મળી શકીશ."

"હું જર્મનીમાં મારું રોકાણ ક્યારેય નહીં ભૂલું. હું અહીંયા સાવ એકલો રહું છું અને પોતાને બહુ ઉદાસ મહેસુસ કરું છું. આપણી કિસ્મત આપણા હાથમાં નથી."

હિન્દુસ્તાન પરત આવ્યા બાદ...

ઈમા સાથે મુલાકાતના 24 વર્ષ પછી 1931માં ગોળમેજી પરિષદ માટે જ્યારે ઇકબાલ લંડન ગયા ત્યારે એ વખતે પણ તેઓએ જર્મની જઈને ઈમાને મળવાનો પ્રયત્ન કર્યો હતો.

જોકે, ત્યાં સુધી ઘણું પાણી વહી ચૂક્યું હતું, ઇકબાલે બે અન્ય લગ્નો કરી લીધાં હતાં અને તેમનાં બાળકો જવાન થઈ ગયાં હતાં, એટલે આ મુલાકાત થઈ શકી નહીં.

ઇકબાલે બહુ અગાઉ લખ્યું હતું, "તેરે ઈશ્ક કી ઇન્તહા ચાહતા હું... મેરી સાદગી દેખ ક્યા ચાહતા હું."

કદાચ એ તેમની સાદગી જ હતી કે હિન્દુસ્તાન પરત આવ્યા બાદ પણ ઈમા સાથે મિલનનાં સપનાં જોતા રહ્યાં.

જોકે, આ એ જમાનો હતો જયારે હજી હવાઈમુસાફરી ભવિષ્યમાં હતી અને દરિયાઈ માર્ગે હિન્દુસ્તાનથી યુરોપ જવામાં મહિનાઓ વીતી જતા હતા.

એ બેઉ વચ્ચે ખરેખર સાત સમુદ્રોનું અંતર હતું.

ઈમા સાથે ઇકબાલના સંબંધોની વેલી ટોડલે ન ચઢી શકી પરંતુ ઈમાએ ઇકબાલની પ્રેરણા બનીને તેમની શાયરીમાં એ કસક અને દર્દનો અહેસાસ પેદા કરી દીધો જેને લીધે તેની ઓળખ છે.

તેમના લેખનમાં ઘણી નજમો એવી છે જે એ જમાનાની યાદગાર છે.

ઉપર આપવામાં આવેલા ઉદાહરણો ઉપરાંત 'હુસ્ન ઔર ઈશ્ક', ...કી ગોદ મેં બિલ્લી દેખ કર, ' ચાંદ ઔર તારે', 'કલી', 'વિસાલ', 'સલીમા', 'આશિક-એ-હરજાઈ', 'જલવા-એ-હુસ્ન', 'અખ્તર-એ-સુબહ', 'તન્હાઈ' અને અન્ય ઘણી નજમો સામેલ છે જેમાં ઈમા સાથેના સંબંધની ઘેરી છાપ દેખાય છે.

ઇકબાલ અને ઈમાનું મિલન ન થઇ શક્યું તેમ છતાં ઉર્દૂજગતે ઈમાના આભારી હોવું જોઈએ કે કેમ કે તેમના કારણે ઉર્દૂને થોડી વધારે પ્રેમ-પ્રસંગયુક્ત, અમર, અદ્ભૂત અને રૂમાની નજમો મળી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો