તાલિબાન, ભારત અને રશિયાની વાતચીતથી શું મળશે?

    • લેેખક, ટીમ બીબીસી
    • પદ, નવી દિલ્હી

અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થપાય તે માટે રશિયાએ એક સંમેલનનું આયોજન કર્યુ છે.

આ સંમેલનમાં ભાગ લેવા માટે અનેક દેશના પ્રતિનિધિઓ મૉસ્કો પહોચ્યા છે.

આ સંમેલનમાં સમગ્ર વિશ્વની નજર ત્રણ પક્ષો પર મંડાયેલી રહેશે. પ્રથમ પક્ષ છે ભારત. આ સંમેલનમાં ભારત બિનસત્તાવાર રીતે જોડાશે.

બીજો પક્ષ છે અફઘાનિસ્તાન. અફઘાનિસ્તાન પણ આ સંમેલનમાં સીધી રીતે ભાગ લઈ રહ્યું નથી.

અફઘાન સરકારે એક સ્વતંત્ર પ્રતિનિધિ મંડળ મૉસ્કો મોકલ્યું છે.

ત્રીજો પક્ષ તાલિબાન છે. તાલિબાનના કેટલાક વરિષ્ઠ નેતાઓ પ્રતિનિધિ તરીકે આ સંમેલનમાં ભાગ લેવા રશિયા પહોચ્યા છે.

વર્ષ 2001માં તાલિબાન સરકારે કરેલા બહિષ્કાર બાદ અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપવાનો પક્ષ લઈ રહેલા દેશો તાલિબાન સાથે ચર્ચા કરવા સહમત થયા હોય તેવી આ પ્રથમ બેઠક હશે.

આ બેઠકમાં ભારત પણ પહેલીવાર બિનસત્તાવાર રીતે ભાગ લઈ તાલિબાન સાથે ચર્ચા કરશે.

ભારતની ભૂમિકા શું?

આ સંમેલનમાં ભારતની ભૂમિકા વિશે માહિતી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું હતું કે ભારત આ સંમેલનમાં બિનસત્તાવાર રીતે ભાગ લઈ રહ્યું છે.

ભારત તાલિબાન સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા કરશે નહીં.

રવીશે જણાવ્યું, "રશિયા દ્વારા આયોજીત સંમેલનથી ભારત વાકેફ છે. ભારત અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપવાના દરેક પ્રયત્નોનું સમર્થન કરે છે."

"આ પ્રકારના પ્રયાસમાં અફઘાનિસ્તાન સરકારની ભાગીદારી હોવી આવશ્યક છે. આ બેઠકમાં ભારતની ભાગીદારી બિનસત્તાવાર રહેશે."

આ સંમેલનમાં ભારતના પૂર્વ રાજદૂતોનું પ્રતિનિધિમંડળ ભાગ લેશે.

શા માટે બેઠક થઈ રહી છે?

આ બેઠકને રશિયા દ્વારા અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપવાના પ્રયાસ તરીકે ગણવામાં આવે છે.

રશિયન-ઇઝરાયલી લેખક શામીરે રશિયન સમર્થક મીડિયા સંસ્થા માટે લખેલા અહેવાલમાં જણાવ્યું, "અફઘાનિસ્તાનમાં શાંતિની સ્થાપના અને યુદ્ધ વિરામ માટે રશિયાએ પહેલ કરી છે"

જોકે, અફઘાનિસ્તાનમાં સ્થાનિકોને આ બેઠકથી ખાસ અપેક્ષા નથી. સ્થાનિકોના મતે રશિયા જ તાલિબાનને હથિયારો અને નાણાકીય સહાયતા પુરી પાડે છે.

અફઘાનિસ્તાનના સાંસદ સાલેહ મોહમ્મદ સાલેહે ટીવી ચેનલ ટોલો ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું: "અમેરિકા અને રશિયા બન્ને મહાસત્તા વચ્ચે તણાવ પેદા થયો છે. આ સ્થિતિમાં અફઘાનિસ્તાનમાં ફક્ત અમેરિકાની જ હાજરી હોય તેવું રશિયા ઇચ્છતું નથી."

"આ બેઠક અફઘાનિસ્તાનમાં શાંતિની સ્થાપના માટે યોજાઈ નથી."

શું અપેક્ષા છે?

આ સંમેલન અગાઉ 4 નવેમ્બરે યોજાવાનું હતું. જોકે, બાદમાં તેની તારીખ 9 નવેમ્બર નક્કી થઈ હતી.

અફઘાનિસ્તાનના વરિષ્ઠ પત્રકારોના મતે કાબુલ અને અમેરિકાએ પોતાનું વલણ કડક કર્યું તેથી મજબૂરીમાં રશિયાએ પોતાનું વલણ બદલ્યું છે.

ઑગસ્ટમાં એક નિવેદન જાહેર કરી રશિયાના વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે આ બેઠકનો હેતુ રશિયા અને અફઘાનિસ્તાન વચ્ચે અંતર ઘટાડવાનો છે.

12 દેશોને નિમંત્રણ

આ સંમેલનમાં ભાગ લેવા માટે રશિયાએ 12 દેશોને આમંત્રણ આપ્યું હતું.

આમંત્રિત દેશોની યાદીમાં ભારત, ઇરાન, ચીન, પાકિસ્તાન, તઝાકિસ્તાન, અને તુર્કમેનિસ્તાનનો સમાવેશ થાય છે.

જોકે, કેટલા દેશો સંમેલનમાં ભાગ લીધો તે સ્પષ્ટ થયું નથી.

6 નવેમ્બરે તાલિબાને લેખિત નિવેદન આપી જણાવ્યું હતું કે આ સંમેલનમાં ભાગ લેવા રશિયાએ તેમને આમંત્રણ પાઠવ્યું છે.

તાલિબાનનું એક પ્રતિનિધિમંડળ આ સંમેલનનો હિસ્સો બનશે.

તાલિબાને નિવેદનમાં લખ્યું, "તાલિબાનનું પ્રતિનિધિમંડળ સંમેલનમાં ભાગ લેશે. જોકે, પ્રતિનિધિમંડળ તમામ પક્ષકારો સાથે ચર્ચા નહીં કરે."

"અમારું પ્રતિનિધિમંડળ અફઘાનિસ્તાનમાં અમેરિકાની ઘૂસણખોરી પર ચર્ચા કરશે. આ વિસ્તારની શાંતિ વિશે પણ અમે ચર્ચા કરીશું."

જોકે, તાલિબાને અફઘાનિસ્તાનમાં ઉગ્રવાદી હુમલાઓ બંધ કર્યા નથી. આ વર્ષે તાલિબાને ગાઝી, ફરાહ, કુંદુજ, અને ઉરૂઝગાન પ્રાંતમાં હુમલા કર્યાં છે.

નિષ્ણાતો શું કહે છે?

અફઘાનિસ્તાન અને તાલિબાનને લગતી બાબતોના પાકિસ્તાનના નિષ્ણાત પત્રકાર રહીમુલ્લા યુસુફઝઈએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ સંમેલનથી વિશેષ અપેક્ષાઓ રાખવી જોઈએ નહીં.

યુસફઈની વાતચીતના અંશ

ભારત, ઇરાન, અમેરિકા વગેરે દેશોના પ્રતિનિધિઓ આ બેઠકમાં જોડાશે.

અફઘાનિસ્તાનમાં શાંતિની સ્થાપના કેવી રીતે થઈ શકે એ વિશે તાલિબાનનો મત જાણવામાં આવશે.

જોકે, આ બેઠક દ્વારા અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થપાય તેવું માનવું યોગ્ય નથી.

જ્યાં સુધી અમેરિકા નહીં ઇચ્છે ત્યાં સુધી અફઘાનિસ્તાન અને તાલિબાન વચ્ચે ચર્ચા નહીં થાય.

જ્યાં સુધી ચર્ચા નહીં થાય ત્યાં સુધી આ સમસ્યાનું સમાધાન નહીં આવે.

અમેરિકા કતારમાં તાલિબાન સાથે વાતચીત કરી રહ્યું છે. બન્ને પક્ષો વચ્ચે જુલાઈ અને ઑક્ટોબરમાં ચર્ચા થઈ હતી.

તાલિબાનની માગ એવી હતી કે અફઘાનિસ્તાનમાંથી વિદેશી સેનાઓની ઘરવાપસી થાય.

તાલિબાન કહે છે કે આ અંગેનો નિર્ણય ફક્ત અમેરિકા કરી શકે છે. જેથી તાલિબાન અને અફઘાનિસ્તાન વચ્ચે વાતચીત નથી થતી.

મૉસ્કોના સંમેલન કરતા કતારમાં થઈ રહેલી વાતચીતથી આ મુદ્દાનો હલ નીકળે તેવી શક્યતા વધારે છે.

(બીબીસી મૉનિટરિંગના ઇનપુટ્સ સાથે)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો