અફઘાન મુજાહિદ્દીનો સાથેનો 30 વર્ષ પહેલાંનો યાદગાર પ્રવાસ

લંડનની ઉત્તર-પશ્ચિમ દિશામાં આવેલા હાઈ વાયકોમ્બ શહેરના જોન ઇંગ્લૅન્ડે મૂળ અફઘાનિસ્તાનના વતની અને તેમના પાડોશી રહમતુલ્લા સફી સાથે 1970ના દાયકાના અંત ભાગમાં દોસ્તી કરી હતી.

રહમતુલ્લાએ તેમના મૂળ દેશમાંના યુદ્ધગ્રસ્ત વિસ્તારની મુલાકાતનું આમંત્રણ જોન ઇંગ્લૅન્ડને 1988માં આપ્યું હતું. પછી તેઓ એ બિનપરંપરાગત પ્રવાસે નીકળી પડ્યા હતા.

ત્રણ સપ્તાહના એ પ્રવાસ દરમિયાન થયેલા અનુભવને જોને એક ડાયરીમાં નોંધ્યા હતા અને ફોટા પાડ્યા હતા.

એ પ્રવાસનોંધ અને ફોટોગ્રાફ્સ સમાવતી 'ગોઇંગ ઇનસાઇડ' નામની એક ઇલેક્ટ્રૉનિક બુકનું પ્રકાશન જોને જાતે તેમના પરિવાર, ભાવિ પેઢી તથા દોસ્તો માટે કર્યું હતું.

અફઘાનિસ્તાનમાં 30 વર્ષ પહેલાં જીવન કેવું હતું તે આ ફોટોગ્રાફ્સમાં જોવા મળે છે.

શું તમે આ વાંચ્યું?

રહમતુલ્લા જોનની શેરીમાં 1978માં રહેવા આવ્યા ત્યારે તેમની સૌપ્રથમ મુલાકાત થઈ હતી.

જોન એક પ્રાથમિક શાળામાં વાઇસ પ્રિન્સિપાલ હતા, જ્યારે રહમતુલ્લા હાઈ વાયકોમ્બ શહેરની પ્લાસ્ટિકની એક ફૅક્ટરીમાં કામ કરતા હતા.

બ્રિટન આવ્યા એ પહેલાં રહમતુલ્લા અફઘાનિસ્તાન સૈન્યના ખાસ દળોમાં એક કર્નલ હતા અને તેમનાં પત્ની વકીલ હતાં.

જોકે, 1973ના બળવામાં કિંગ ઝહિર શાહને પદભ્રષ્ટ કરવામાં આવ્યા પછી બધું બદલાઈ ગયું હતું.

એ ઘટનાનાં છ વર્ષ બાદ સોવિયેત સંઘે અફઘાનિસ્તાન પર ચડાઈ કરી હતી અને રહેમતુલ્લા એક મુજાહિદ્દીન જૂથમાં જનરલ બન્યા હતા.

સમય જતાં રહમતુલ્લા તથા તેમના પરિવારને બ્રિટનમાં રાજ્યાશ્રય આપવામાં આવ્યો હતો.

જોનની ડાયરીમાં તેમના પાકિસ્તાનના પેશાવર અને અફઘાનિસ્તાનની સરહદથી પક્તિયા પ્રાંતની રાજધાની ગર્દેઝ શહેર સુધીના પ્રવાસની નોંધ છે.

રહમતુલ્લાનો મુજાહિદ્દીનો અત્યંત આદર કરતા હતા. રહમતુલ્લા સાથેના પ્રવાસમાં મળેલા અફઘાન પુરુષો સાથે જોને વાતચીત કરી હતી અને કેટલાંક નિરીક્ષણો નોંધ્યાં હતાં.

જોને ઝડપેલા ફોટોગ્રાફ્સમાં સમૃદ્ધ ખીણો, વેરાન મેદાનો, બળેલાં રશિયન વાહનો અને બૉમ્બમારાનો ભોગ બનેલી ઇમારતો તથા મોટા ખાડાવાળા રસ્તા જોવા મળે છે.

એ સમયે અફઘાનિસ્તાનમાં ભડકદાર રંગે રંગાયેલી ટ્રક્સ કે ટોયોટા જીપ પરિવહનનાં મુખ્ય સાધનો હતાં.

જોને શોધી કાઢ્યું હતું કે મુજાહિદ્દીનો તેમનાં શસ્ત્રો સાથે અને ખાસ કરીને તેઓ લડાઈ કરવા જવાના હોય ત્યારે ફોટા પડાવવા આતુર હોય છે.

ઘણા ફોટોગ્રાફ્સનું પ્રોસેસિંગ જોને પેશાવરમાં કર્યું હતું, જેમના રંગ 30 વર્ષમાં ઝાંખા પડી ગયા છે. કાળજીપૂર્વકના સ્કેનિંગ તથા રિટચિંગને લીધે એ ફોટોને જાળવી શકાયા હતા.

જોને તેમની ટ્રાવેલ ડાયરીમાં પાકિસ્તાનની સીમા નજીકના જાલી ખાતેના એક કૅમ્પમાં વિતાવેલી રાતનો અનુભવ પણ નોંધ્યો છે.

એ રાતે ભોજનમાં માંસ, ભાત, નાન તથા તરબૂચના મોટા ટૂકડા આપવામાં આવ્યા હતા. એ પછી તમામ પુરુષોએ ગીતો ગાયા હતા અને નાચ્યા હતા. મુજાહિદ્દીન લડવૈયાઓ આવું કરતા હશે તેની જોનને આશા ન હતી.

સ્થાનિક લોકો જોનને કૂતુહલભરી નજરે નિહાળતા હતા. તેમણે પાસપોર્ટ ક્યારેય જોયો ન હતો. બ્રિટનમાં ચીજવસ્તુઓના ભાવ સાંભળીને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને ટૉઇલેટ પેપરના ઉપયોગની વાત તેમને વિચિત્ર લાગી હતી.

જોકે, રહમતુલ્લા બીબીસીની વર્લ્ડ સર્વિસના કાર્યક્રમો નિયમિત રીતે સાંભળતા હોવાથી, મતભેદ હોવા છતાં, બધા બીબીસીથી પરિચિત હતા.

જોનને જાણવા મળ્યું હતું કે મોટાભાગના લોકો પાસે એકે-47 ગન હતી, જે 'મુજાહિદ્દીનોને પ્રિય' હતી.

પેશાવરથી દક્ષિણમાં 40 કિલોમીટર દૂર આવેલા દારા આદમ ખેલ ગામ વિશેની નોંધમાં જોને લખ્યું હતું, 'લગભગ દરેક દુકાનમાં શસ્ત્રો તથા દારુગોળો બનાવવામાં આવતો હતો અથવા તેનું વેચાણ થતું હતું.'

'તમે મશીન ગન્સ, ઍન્ટિ-ઍરક્રાફ્ટ ગન્સ, મોઝેર્સ, લંગેર્સ, એકે-47 કોઈ પણ પ્રકારની ગન ખરીદી શકો.'

પોતાની આ અસાધારણ પ્રવાસની વાત કરતાં જોને કહ્યું હતું, 'અફઘાન લોકોની ઉદારતા, આગતાસ્વાગતા અને દયાળુ સ્વભાવે અફઘાનિસ્તાનમાં મારો સમય યાદગાર બનાવી દીધો હતો.'

'યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં હોવા છતાં મને ક્યારેય અસલામતીનો અનુભવ થયો ન હતો. એ અનુભવ હું ક્યારેય નહીં ભૂલું.'

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો