Kiss Day : એક વ્યક્તિ એવી છે જેમના માટે ચુંબન કરવું એ મોતને નોતરું આપવા જેવું છે

    • લેેખક, ઍલી કૉસ્ટેલો અને ક્રિસ્ચિન હીગેલ
    • પદ, બીબીસી ન્યૂઝબીટ

મોટા ભાગે લોકો પોતાના પહેલાં ચુંબન અંગે ખુશ અને આતુર રહેતાં હોય છે પણ એક વ્યક્તિ એવી છે જેમના માટે ચુંબન કરવું એ મોતને નોતરું આપવા જેવું છે.

બ્રિટનના સરીના રહેવાસી ઑલી વૅદરૉલ જણાવે છે કે એમના માટે ઍલર્જી એક મોટી સમસ્યા બની ગઈ છે.

એને કારણે તેઓ બહારનું ભોજન લઈ શકતા નથી. એમણે રજાઓમાં બહાર જતાં પહેલાં પણ એમને વિચારવું પડે છે.

એટલે સુધી કે કોઈ વ્યક્તિ સાથે નજીકના સંબંધો વિકસાવવામાં પણ એમને વિચાર કરવો પડે છે.

22 વર્ષનાં ઑલી વૅદરૉલને મગફળીની ઍલર્જી છે.

આ ઍલર્જીને કારણે બાળપણમાં એમની તબીયત એટલે સુધી લથડી હતી કે એમને હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.

ઑલી જણાવે છે કે ઍલર્જીને કારણે તેમનું થૂંક એટલું ગાઢ બની ગયું હતું કે તેઓ શ્વાસ પણ લઈ શકતા નહોતા. ત્યારથી એમની જિંદગી સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે.

ઑલી વૅદરૉલે બીબીસી 'રેડિયો 1 ન્યૂઝબીટ' સાથે પોતાની મુશ્કેલીઓ, પોતાની ઍલર્જી અને તેની એની સામેની પોતાની લડત અંગે વાત કરી હતી.

જ્યારે ખાધું હતું પીનટ બટર

ઑલી જણાવે છે કે પીનટ બટર ખાવાના કારણે તેમને હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું અને એ તેમની જિંદગીનો સૌથી ભયાનક અનુભવ હતો.

એમને કોઈ ખબર નહોતી પડી કે એમના શરીરમાં થઈ શું રહ્યું છે.

એ વખતે એમની ચામડી પર સોજો આવવાની સાથે ત્વચા લાલ પડી ગઈ હતી.

મોટા ભાગનાં લોકો એવું વિચારે છે કે જે ચીજથી એમને ઍલર્જી હોય તેમણે એ ખાવાનું છોડી દેવું જોઈએ.

તમે આ વાંચ્યું કે નહીં?

જોકે, ઑલી માટે આ બધું એટલું સરળ નહોતું.મગફળી ખાવાનું તો તેઓ છોડી દે પણ જો અન્ય કોઈ ખાધમાં મગફળીનો થોડો અંશ પણ હોય તો એ તેમના માટે જીવલેણ સાબિત થઈ શકે તેમ હતો.

એટલે સુધી કે તેઓ કોઈને ચુંબન પણ કરી શકે તેમ નથી. કારણ કે જો સામેવાળી વ્યક્તિએ મગફળી કે તેની કોઈ બનાવટ ખાધી હોય તો પણ ઑલી માટે જોખમી બની શકે એમ છે.

ઑલી જણાવે છે, ''આ કારણથી ઘણાં લોકોનો જીવ સુધ્ધાં ગયો છે. આ એક મોટું જોખમ છે. જે લોકોને ઍલર્જી નથી તેઓ આ અંગે કદી વિચારી પણ શકતાં નથી.''

''જો તમને કે પછી તમારા સગાવહાલાંને ઍલર્જી નથી તો તમારા માટે રજાઓ ગાળવાની તૈયારી કરવી, ફ્લાઇટથી જવું કે પછી પ્રેમ સંબંધ બાંધવો સરળ અને નિશ્ચિંત છે.''

મગજમાં ચગડોળે ચઢતા ભોજનના વિચાર

ઑલી વૅદરૉલ માટે બહારનું ભોજન પણ એક મોટી સમસ્યા છે.

ઑલી જણાવે છે કે એમણે ઘણી રાતો તો એ વિચારવામાં જ ગાળી છે કે ક્યાંક એમને ઍલર્જી તો નથી થઈ રહી અને આ માટે તેઓ બહારનું ભોજન પણ ટાળે છે.

જો ઑલીને થોડાક સમય માટે બહાર જવું હોય તો તેઓ સૌ પહેલાં ભોજન અંગે વિચારે છે.

તેઓ જણાવે છે, ''આ કારણે તમારી જિંદગીનો મોટા ભાગનો સમય એ વિચારવામાં જ પસાર થઈ જાય છે કે તમે કેવી રીતે સુરક્ષિત ભોજન લઈ શકો.''

''તમે તરત ક્યાંય બહાર પણ ના જઈ શકો. પહેલાં તો તમારે તમારા ભોજનની વ્યવસ્થા કરવી પડશે."

વિમાનની સફરની પરેશાની

વિદેશમાં રજા ગાળવા જવું એ પણ ઓલી માટે જોખમ ખેડવાથી કંઈ ઓછું નથી.વિમાનમાં મળતાં ભોજપ ઉપરાંત વિમાનના સ્ટાફ દ્વારા બોલાતી ભાષા પણ તેમના માટે અગત્યની બની રહે છે.

જો ભાષા સમજવામાં થોડી પણ ભૂલ થઈ તો તેમનો જીવ પણ જઈ શકે છે.

ઑલી જણાવે છે ,''જો મને વિમાનની મુસાફરી દરમ્યાન ઍલર્જી થઈ જાય તો ઘણાં લોકો એવું વિચારે છે કે જો મારી પાસે એપીએન (ઍલર્જીની દવા) હશે તો હું એનાથી ઠીક થઈ જઈશ પણ એવું નથી.''

ઍરલાઇન્સમાં સારવારનાં સાધનો અને ફર્સ્ટ ઍડનો સામાન રાખવામાં આવતો હોય છે પણ ઑલીને બીક રહે છે કે તે હંમેશા પૂરતાં હોતાં નથી.

તેઓ જણાવે છે ,''જો તમે એપીએનનો ઉપયોગ કરો છો તો તમારે ત્યાર બાદ તરત જ સારવારની જરૂર હોય છે પણ વિમાનમાં આવું શક્ય નથી.''

''તે વાતાવરણ સુરક્ષિત નથી હોતું. હું મુસાફરી દરમિયાન એ જ ભોજન લઉં છું, જે મને સુરક્ષિત જણાય છે. ''

''તમે એક જ હૉટલની અલગ-અલગ શાખાઓમાં પણ ભોજન લઈ શકતા નથી કારણ કે દરેક જગ્યાએ એને બનાવવાની રીત અલગ અલગ હોય છે. આ ખૂબ વિચિત્ર બાબત છે પણ આનાથી પણ જોખમ ઊભું થઈ શકે છે. ''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો