તમે જાણો છો કે દુનિયાનું સૌથી મોંઘુ માંસ ક્યાં મળે છે?

    • લેેખક, મૅક્સ ડન્કન
    • પદ, બીબીસી ટ્રાવેલ

પશ્ચિમના દેશોમાં ડુક્કરનું માંસ બહુ રસપૂર્વક ખાવામાં આવે છે.

ખાસ કરીને ડુક્કરના સ્નાયુઓનું માંસ બહુ જ લોકપ્રિય છે. જેને અંગ્રેજીમાં હૅમ કહેવામાં આવે છે.

શું તમને ખબર છે કે દુનિયાનું સૌથી મોંઘુ હૅમ ક્યાં બને છે? જો નથી તો ચાલો આજે તમને એ જગ્યાની સફર કરાવીએ.

દક્ષિણી યુરોપના આઇબેરિયન દ્વીપ ઉપર બે દેશો છે, પોર્ટુગલ અને સ્પેન. આ બંનેય દેશ પોતાની જુદી સભ્યતા માટે જાણીતા છે.

એક વખત હતો, જ્યારે આ બંને દેશોએ આખી દુનિયામાં વિશાળ સામ્રાજ્ય ઊભું કર્યું હતું.

સ્પેનનું શાસન દક્ષિણ અમેરિકાના મોટાભાગનાં દેશોમાં હતું. મેક્સિકો પણ તેનો ગુલામ દેશ હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

બીજી તરફ પોર્ટુગલના લોકોએ ફિલીપીન્સથી માંડીને બ્રાઝીલ સુધી પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કર્યું હતું.

ખેર, આજે વાત આમના સામ્રાજ્યની નહીં, બલકે સ્પેનમાં તૈયાર કરવામાં આવતા દુનિયાના સૌથી મોંઘા ડુક્કરના માંસ એટલે કે હૅમની.

આ એટલું મોંઘુ છે કે તેની કિંમત સાંભળીને તો તમારા હોશ ઉડી જશે. ડુક્કરનો પગ લગભગ સવા ત્રણ લાખ રૂપિયે વેચાય છે.

પરંતુ, એને તૈયાર કઈ રીતે કરવામાં આવે છે, એ જાણ્યા બાદ તમને આ કિંમત વાજબી લાગશે.

તો, ચાલો જઈએ સ્પેનની સફરે.

આટલું મોંઘું શા માટે?

હૅમને સ્પેનિશ ભાષામાં હમોન કહે છે.

આઇબેરિયન પ્રાયદ્વીપમાં છેલ્લા બે હજાર વર્ષથી પણ વધારે પહેલાંથી ડુક્કરનું માંસ રુચિપૂર્વક ખવાતું આવ્યું છે.

રોમના કવિ માર્શલે ઈસવીસન પહેલી સદીમાં આજના સ્પેનમાં ડુક્કરનું માંસ ખાવાનો ઉલ્લેખ પોતાના પુસ્તકમાં કર્યો હતો.

ત્યારથી માંડીને આજ સુધી સ્પેનના ગ્રામીણ વિસ્તારોમાં દરેક ઉજવણીમાં ડુક્કરની બલી ચઢાવવાનો રિવાજ છે.

બલી ચઢાવ્યા બાદ બચેલા માંસને તો તરત જ રાંધીને ખાઈ લેવામાં આવે છે પરંતુ એના પાછલા પગ અને ખાસ કરીને તેની પૂંઠને સાચવી રાખવામાં આવે છે.

એને સુકવીને હૅમ તૈયાર થાય છે. હમોન અથવા હૅમ, સ્પેનની સંસ્કૃતિનો બહુ મહત્ત્વનો ભાગ છે.

નાનાં ગામ હોય કે મોટાં શહેર, સ્પેનમાં દરેક જગ્યાએ ડુક્કરના માંસનું ખૂબ જ મહત્ત્વ છે.

સ્પેનના લોકો દર વર્ષે લગભગ એક લાખ સાંઠ હજાર ટન ડુક્કરનું માંસ ખાઈ જાય છે.

દુનિયાના કોઈ અન્ય દેશમાં ડુક્કરનું માંસ આટલા પ્રમાણમાં ખાવામાં આવતું નથી.

હૅમ આમ તો દરેક ડુક્કરની પૂંઠમાંથી તૈયાર થઈ શકે છે.

પરંતુ સ્પેનની ખાસ કાળી નસલનાં ડુક્કરોના હૅમને સહુથી સ્વાદિષ્ટ માનવામાં આવે છે.

ખાસ ડુક્કરનું ખાસ માંસ

આનો સ્વાદ જ કંઈક જુદો હોય છે. જેમ, ફ્રાંસમાં વાઇનને કોઈ ખાસ વિસ્તારની ઓળખ તરીકે માનવામાં આવે છે.

એ જ રીતે, સ્પેનના જબુગો વિસ્તારમાં જે ડુક્કર ઉછેરવામાં આવે છે, તેનું હૅમ સૌથી સ્વાદિષ્ટ માનવામાં આવે છે.

આ અંડાલુસિયા નામના નાનકડા કસ્બાથી નજીકના વિસ્તારોમાં ઉછેરવામાં આવે છે.

સ્પેનિશ ભાષામાં આ ખાસ નસલનાં ડુક્કરોથી બનેલા હૅમને હમોન આઈબેરિકો ડે બેલોતટાના નામથી ઓળખવામાં આવે છે.

હકીકતમાં આ વિસ્તાર ઘાંસનાં મેદાનોવાળો છે. આને ડેહેસા કહે છે.

મધ્ય અને દક્ષિણી સ્પેન ઉપરાંત પાડોશી દેશ પોર્ટુગલમાં ફેલાયેલા આ વિસ્તારમાં ખેતી પણ થાય છે, જંગલ પણ છે અને ચરિયાણ વિસ્તાર પણ.

અહીંની ઇકો સિસ્ટમ, શોષણને લીધે બચેલી છે. અહીંયા ખાસ પ્રકારના ઓક એટલે કે શાહબલૂતનાં ઝાડ મળે છે.

જેના ફળ ખાઈને જ ઘેટાં પોતાનું પેટ ભરે છે. સ્પેનના આ વિસ્તારમાં રહે છે એટુઆર્દો ડોનાટો.

તેઓ પણ ક્યારેક શહેરમાં રહેતા હતા પરંતુ બહેતર જીવનની શોધમાં એટુઆર્દો 1989માં જબુગો આવીને વસી ગયા.

તેઓ કુદરતના સાનિધ્યમાં સમય ગાળવા ઇચ્છતા હતા.

ઑર્ગેનિક ઢબે પાલનપોષણ

તેમણે થોડીક જમીન ખરીદી અને 1995માં ડુક્કર ઉછેરવાનો વ્યવસાય શરૂ કર્યો.

હૅમનો પહેલો જથ્થો તેમણે લગભગ દશ વર્ષ પછી એટલે કે વર્ષ 2005માં તૈયાર કર્યો.

તેઓ પોતાના ડુક્કરોને ઉછેરવામાં કેમિકલનો સહેજ પણ ઉપયોગ નથી કરતા. ના તેઓ હૉર્મોનના ઇન્જેક્શનો આપે છે.

તેઓ ડુક્કરોને કાપતાં પહેલાં તેને કુદરતી રીતે ઉછરવા દે છે.

આ જ કારણ છે કે તેમના ફાર્મમાં તૈયાર થયેલું હૅમ, દુનિયામાં સૌથી મોંઘુ છે. કારણકે તેમાં રોકાણ પણ વધુ છે.

લગભગ 3 લાખ 28 હજાર રૂપિયાની કિંમતનો ડુક્કરનો એક પગ વેચનાર એટુઆર્દોના હૅમને ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ સ્થાન મળ્યું છે.

એટુઆર્દોના ડુક્કર ફાર્મની પાસે જ એક નેશનલ પાર્ક છે. આ સંરક્ષિત વિસ્તાર છે. અહીંયા વૃક્ષોને કાપવાનું કાર્ય થતું નથી.

પરિણામ એ છે કે તેમના ડુક્કરોને આખું વર્ષ કુદરતી રીતે ભોજન ઉપલબ્ધ રહે છે.

તે એક્રોન એટલે કે ઓકનાં ઝાડનાં ફળ ખાઈને પેટ ભરે છે. આ જ કારણ છે કે આ ડુક્કરોનું માંસ અલગ જ પ્રકારનો સ્વાદ ધરાવે છે.

જે ફળ અને બીજ અહીંયા મળે છે, તે સ્વાસ્થ્ય માટે બહુ સારાં મનાય છે.

એ વાત ખુદ અમેરિકાનું નેશનલ સેન્ટર ફૉર બાયોટૅકનૉલૉજી ઇન્ફર્મેશન પોતે કહે છે.

અહીંયા પણ શાહબલૂતનાં ઝાડની ઘણી નસલો મળે છે, જે અલગ-અલગ વખતે ફળ આપે છે.

ડુક્કરો માટે વર્ષ આખાયના ભોજનની વ્યવસ્થા હોય છે.

આ ઉપરાંત એટુઆર્દો તેમને જૈતુન, સુકા મેવા અને છોડના મૂળ પણ ખવડાવે છે.

સાથે જ તેઓ પોતાના ડુક્કરોને દાળ અને ઑર્ગેનિક અનાજ પણ ખવડાવે છે.

આ માંસ કેવી રીતે તૈયાર થાય છે

આઇબેરિયાના ડુક્કરો સામાન્ય રીતે કાળા રંગનાં હોય છે.

એટુઆર્દોના ડુક્કરોનો રંગ સોનેરી ભૂરો હોય છે. એમના શરીર ઉપર ચકતા હોય છે.

આ નસલ કાળાં ડુક્કરોની વધુ માગને કારણે લગભગ સમાપ્ત જ થવા આવી હતી પરંતુ આજે એટુઆર્દોના ફાર્મમાં એની વસતી છે.

આ નસલનાં ડુક્કરને કાપતાં પહેલાં લગભગ ત્રણ વર્ષ સુધી તેનું પાલનપોષણ કરવામાં આવે છે. ત્યારે જ તેમનું હૅમ સારું તૈયાર થાય છે.

યોગ્ય વજન થઈ ગયાં પછી ડુક્કરોને કાપીને તેમના પાછલા પગ જુદાં પાડવામાં આવે છે.

બાકીના માંસનો તો તરત જ ઉપયોગ કરવામાં આવે છે.

આ જ પાછલા પગથી તૈયાર થાય છે વિશ્વનું સૌથી મોંઘુ હૅમ.

એટુઆર્દો આ પગને સાત વર્ષ સુધી સુકવ્યા પછી બજારમાં વેચે છે.

સૌથી પહેલાં આ પગને મીઠાના ઢગલામાં સાત દિવસ સુધી રાખવામાં આવે છે.

પછી તેને ધોઈને ખુલ્લા, હવા અને ઉજાસવાળા ઓરડામાં ટીંગાડી દેવામાં આવે છે.

અહીંયા એ લગભગ ત્રણ મહિના સુધી લટકતા રહે છે પછી તેમને મકાનના ભોંયરામાં લઈ જઈને સાચવવામાં આવે છે.

ભોંયરામાં ડુક્કરના પગને લગભગ પાંચ વર્ષ સુધી સૂકવવામાં આવે છે. પછી એને સાફ અને પૅક કરીને બજારમાં વેચવામાં આવે છે.

પહેલાં તો સ્પેનના લોકો કાળાં ડુક્કરોની પૂંઠના માંસના જ શોખીન હતાં પરંતુ 2016માં એટુઆર્દો જે માંસ બજારમાં લાવ્યા પછી આ જ સૌથી શ્રેષ્ઠ હૅમ મનાય છે.

આ હૅમને પાતળા પીતામાં કાપવાની કળા પણ અલગ હોય છે. એ માટે પણ કુશળ લોકોને જ બોલાવવામાં આવે છે.

તેઓ કાપીને ચાખનારાઓ સામે હૅમના ટુકડા મૂકતા જાય છે.

ઉપરના ભાગના માંસનો અલગ સ્વાદ હોય છે. જ્યારે પગની પાસેના ટુકડાઓનો સ્વાદ અલગ પ્રકારનો હોય છે.

સ્પેનના મોટાં અને પ્રખ્યાત રેસ્ટોરાંમાં હૅમને કાપવાનું મોટું આયોજન થતું હતું.

એને સામાન્ય તાપમાન ઉપર કાપીને તરત પીરસવામાં આવે છે, જેથી સ્વાદ ના બગડે.

એટુઆર્દો કહે છે કે, 'અમે જીવવા માટે પૈસા કમાઈએ છીએ. પૈસા કમાવવા માટે નથી જીવતાં."

એટલે જ તો, દુનિયાનું સૌથી મોંઘુ હૅમ તૈયાર કરી રહ્યા છીએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો