ફ્રાન્સે ફ્યૂલમાં થયેલો ભાવ વધારો પરત ખેંચ્યો, લોકોનો વિરોધ જોતાં લેવાયો નિર્ણય

ફ્રાન્સે ફ્યૂલમાં થયેલા ભાવ વધારાને પરત ખેંચવાની જાહેરાત કરી છે. આ નિર્ણય અનેક દિવસોથી વિવિધ શહેરોમાં થઈ રહેલા વિરોધના પગલે લેવામાં આવ્યો છે.

ફ્રાન્સના વડા પ્રધાને ફ્યૂલના ભાવમાં થયેલા વધારાને પરત ખેંચવાની જાહેરાત કરી હતી.

વડા પ્રધાન ઍડુર્ડ ફિલિપે કહ્યું છે કે આ ભાવ વધારાનો અમલ જે લોકો તેનાથી પ્રભાવિત થયા છે તેમના સાથે ચર્ચા કર્યા પહેલાં પરત ખેંચવામાં આવશે નહીં.

છેલ્લાં ત્રણ અઠવાડિયાંથી ફ્રાન્સમાં ફ્યૂલના વધેલા ભાવો સામે પ્રદર્શનો થઈ રહ્યાં હતાં.

જેનાં કારણે જનજીવનને અસર પડી હતી, ઉપરાંત અનેક શહેરોમાં ઘણું નુકસાન પણ થયું હતું.

ફ્રાન્સના જિલે જોન્સ (પીળા બંડીધારીઓ)ની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને તેઓ સરકાર સામે વધારે ઉગ્ર બનીને પ્રદર્શન કરી રહ્યા છે. જેને જોતાં ફ્રાન્સની સરકારે આ નિર્ણય કર્યો છે.

નવેમ્બરના મધ્યભાગથી 'પીળા બંડીધારીઓ' વિવાદાસ્દ ફ્યૂઅલ ટૅક્સનો વિરોધ કરી રહ્યા છે, જે હવે સત્તાવિરોધી આક્રોશમાં પરિવર્તિત થઈ રહ્યો છે.

કોણ છે 'પીળા બંડીધારી?'

ફ્રાન્સના કાયદા મુજબ દરેક વાહનમાં જિલે જોન્સ (પીળા રંગની બંડી) રાખવી જરૂરી છે. તે ચમકતી હોય છે, એટલે દૂરથી દેખાય આવે છે.

પ્રદર્શનકારીઓ પીળી બંડી ધારણ કરીને રસ્તા ઉપર ઉતરી રહ્યાં છે અને સરકાર વિરોધી પ્રદર્શનોમાં ભાગ લઈ રહ્યાં છે એટલે તેમને 'પીળા બંડીધારી' તરીકે ઓળખવામાં આવે છે.

સોશિયલ મીડિયા ઉપર ચર્ચામાંથી આ અભિયાનને હવા મળી.

મૈક્રૉંનું કહેવું છે કે રાજકીય વિરોધીઓ તેમના સુધારવાદી ઍજન્ડાને ખોરંભે પાડવા માગે છે એટલે વિરોધ પ્રદર્શનોને 'હાઈજેક' કરી દીધા છે.

કટોકટી લાદવા વિચારણા

ફ્રાન્સના ગૃહ પ્રધાનના કહેવા પ્રમાણે, રવિવારે રાષ્ટ્રવ્યાપી વિરોધપ્રદર્શન થયા હતા, જેમાં લગભગ એક લાખ 36 હજાર લોકોએ ભાગ લીધો હતો.

આ દેખાવોમાં ત્રણ લોકોનાં મૃત્યુ થયા છે, જ્યારે સુરક્ષાબળોના 23 કર્મચારીઓ સહિત 110 જેટલા લોકો ઘાયલ થયા છે.

આ દેખાવોમાં ફ્રાન્સની જાહેર સંપત્તિને નુકસાન થયું છે, જેની વ્યાપક ટીકા થઈ રહી છે.

મૈક્રૉંનું કહેવું છે કે રાજકીય વિરોધીઓ તેમના સુધારવાદી ઍજન્ડાને ખોરંભે પાડવા માગે છે એટલે વિરોધીઓએ વિરોધ પ્રદર્શનોને 'હાઈજેક' કરી દીધા છે.

ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠકમાં જરૂર પડ્યે કટોકટી લાદવાનો પણ વિચાર કરવામાં આવ્યો હતો.

સ્થિતિની ગંભીરતા જોતા મૈક્રૉંએ તેમની સર્બિયાની મુલાકાત રદ કરી દીધી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો