'લોકરક્ષક દળ માટે દોઢ વર્ષ મહેનત કરી, પરંતુ પરિણામ...'

    • લેેખક, રવિ પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી

"આર્થિક પરિસ્થિતિને લીધે હું મજૂરી પણ કરું છું અને સાથેસાથે પરીક્ષાની તૈયારી પણ કરું છું. પોલીસની પરીક્ષા માટે હું છેલ્લા ત્રણ મહિનાથી મજૂરી છોડીને દિવસની 7થી 8 કલાક વાંચતો હતો. પરંતુ આખરે પેપર લીક થઈ જતા બધું જ વિખેરાઈ ગયું."

આ શબ્દો એવા લાખો વિદ્યાર્થીઓમાંના એક વિદ્યાર્થીના છે, જેઓ લોકરક્ષક દળની પરીક્ષા આપવા માટે ગયા હતા અને તેમને જાણ થઈ કે પેપર લીક થઈ ગયું છે.

પોરબંદરમાં જન્મેલા અને છેલ્લા પાંચ વર્ષથી સરકારી નોકરીઓ માટેની પરીક્ષાની તૈયાર કરતા રાકેશ (નામ બદલ્યું છે) એ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેમની મહેનત પર પાણી ફરી ગયું છે.

રાકેશ કહે છે, "અમારા ઘરનું ગુજરાન અમારા બંન્ને ભાઈઓ પર ચાલે છે, પરંતુ મારે પરીક્ષાની મહેનત કરવી હતી એટલે મેં કામ છોડી દીધું અને સંપૂર્ણ ધ્યાન વાંચવામાં જ આપ્યું."

"લોકરક્ષક દળની પરીક્ષા માટે હું છેલ્લા ત્રણ મહિનાથી તૈયારી કરતો હતો. તે માટે દરરોજના સાત-આઠ કલાક વાંચતો હતો જેથી આ પરીક્ષામાં ઉતીર્ણ થઈ શકું."

રાકેશનું કહેવું છે કે તેમને જે પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતું તે તેમના શહેરથી અંદાજે 75 કિલોમીટર દૂર હતું.

તેઓ કહે છે, "પરીક્ષાનો સમય ત્રણ વાગ્યાનો હતો, તેથી મારે સવારે 10 વાગ્યાની આસપાસ ઘરેથી નીકળવું પડ્યું હતું. હું ત્યાં સમયસર પહોંચી તો ગયો, પરંતુ પરીક્ષાના થોડા સમય પહેલાં જાણવા મળ્યું કે પરીક્ષાનું પેપર લીક થયું હોવાથી પરીક્ષા રદ કરવામાં આવી છે."

રાકેશના જણાવ્યા અનુસાર એક દિવસનો કુલ ખર્ચ અંદાજે 500 રૂપિયા જેટલો થયો હતો. આ સાથે જ તેઓ મજૂરીનું કામ છોડીને પરીક્ષા આપવા ગયા હતા એટલા માટે તે દિવસનું વેતન પણ અંદાજે 500 રૂપિયા જતું કરવું પડ્યું હતું.

જો દરેક પાસાને જોઈએ તો છેલ્લા ત્રણ મહિનાથી સાત કલાકનું વાંચન, એક દિવસનું વેતન સાથે જ 500 રૂપિયા જેટલો પરીક્ષા આપવા જવાનો ખર્ચ કરવા છતાં આખરે પરીક્ષા રદ થાય તો તેના માટે જવાબદાર કોણ?

પરંતુ આ રીતે તંત્રની બેદકારીનો ભોગ માત્ર રાકેશ એકલા જ નથી બન્યા. ગુજરાતના અનેક યુવાનોની કહાણી પણ કંઈક આવી જ છે.

વર્ષોની મહેનત પર પાણી ફરી વળ્યું

જામનગર ખાતે રહેતાં અને છેલ્લા દોઢ વર્ષથી સરકારી નોકરીની તૈયારી કરી રહેલાં ભારતીબહેને બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં પોતાની આપવીતી જણાવી.

ભારતીબહેન કહે છે, "હું છેલ્લાં દોઢ વર્ષથી લોકરક્ષક દળની પરીક્ષાની તૈયારી કરું છું. માત્ર આ પરીક્ષામાં જ ઉતીર્ણ થવાને કારણે હું દિવસના 8થી 10 કલાક મહેનત કરતી હતી. હું આખો દિવસ લાઇબ્રેરીમાં વાંચતી હતી અને ક્યારેક તો જમવાનું પણ નહોતું મળતું."

ભારતીબહેને એવું પણ જણાવ્યું કે તેમનું ધ્યેય પોલીસદળમાં જવાનું હોવાથી તેઓ અન્ય કોઈ પરીક્ષાની તૈયારીઓ નહોતાં કરતાં.

ભારતીબહેનનું કહેવું છે કે જો આવી રીતે પરીક્ષાનું પેપર લીક થઈ જાય અને પરીક્ષા રદ થઈ જાય તો તેમાં અમારો શું વાંક?

ભારતીબહેન આગળ જણાવે છે, "મારી પરીક્ષાનું કેન્દ્ર મારા ગામથી લગભગ 100 કિલોમીટર દૂર હતું. ત્યાં પહોંચવા માટે હું મારા પિતા સાથે વહેલી સવારે છ વાગ્યે ઘરેથી નીકળી હતી."

"પરંતુ દરેક બસ ખીચોખીચ ભરેલી હોવાથી કોઈ બસ ડ્રાઇવર બસ થોભાવવા તૈયાર નહોતા. આખરે એક બસ ઊભી રહી, પરંતુ તેમાં બેસવાની તો શું ઊભવાની પણ જગ્યા નહોતી."

"એટલું જ નહીં આખો દિવસ પરેશાન થયા, અંદાજે એક હજાર જેટલા રૂપિયા ખર્ચ્યા, પરીક્ષા માટે આટલી મહેનત કરી અને છેવટે મળ્યું શું, માત્ર નિરાશા."

આવી જ કહાણી 20 વર્ષનાં મીતલબહેનની પણ છે. તેમણે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, "હું છેલ્લા ત્રણ મહિનાથી દિવસના 8 કલાક વાંચતી હતી."

"આખો દિવસ લાઇબ્રેરીમાં જમાવાના ઠેકાણા વિના સતત વાંચીએ, ત્યારે સરકારી નોકરીમાં ઉતીર્ણ થઈ શકાય."

"હવે આ રીતે પેપર લીક થઈ જાય તો અમે જે માનસિક અને શારીરિક હાલાકી ભોગવી તેનું શું?"

મીતલબહેને કહ્યું કે તેમનું પરીક્ષા કેન્દ્ર રાજકોટ હતું. વહેલી સવારે જે પરીક્ષા આપવા ઘરેથી નીકળ્યા એ જ રદ થઈ ગઈ.

તમે આ વાંચ્યું કે નહીં?

'વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં જઈ શકે છે'

આવા જ એક પરીક્ષાર્થી મિતેશ ચાવડા (નામ બદલાવેલ છે) સાથે બીબીસી ગુજરાતીએ વાતચીત કરી તો તેમની કહાણી પણ આ વિદ્યાર્થીઓની કહાણીને મળતી આવે છે.

મિતેશે જણાવ્યું, "મારું પરીક્ષા કેન્દ્ર મારા ઘરથી અંદાજે 100 કિલોમીટર દૂર હતું. પરંતુ મારા પરીક્ષા કેન્દ્રનું સરનામું પણ સરળતાથી મળે તેવું નહોતું."

મિતેશના જણાવ્યા અનુસાર તેમનો આખા દિવસનો ખર્ચ અંદાજે 500 રૂપિયા જેટલો થયો હતો. આ સાથે જ તેઓ કામ પણ કરે છે તો એક દિવસની મજૂરીના 500 રૂપિયા ગણવામાં આવે તો 1 હજાર રૂપિયા જેટલું નુકસાન થયું.

મિતેશે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા એક મહિનાથી આ પરીક્ષાની તૈયારીઓ કરતા હતા અને દિવસના 4થી5 કલાક વાંચતા હતા.

તેમણે કહ્યું, "સરકારી નોકરીની આશાએ મેં મહેનત કરી હતી, પરંતુ પરીક્ષા રદ થતા જ બધું જ વિખેરાઈ ગયું."

"મારી નજરમાં એવા વિદ્યાર્થીઓ પણ છે જેમણે તનતોડ મહેનત કરી હતી અને પરીક્ષા રદ થતા તેઓ ડિપ્રેશનની સ્થિતિમાં આવી ગયા."

પરીક્ષા માટે 180 કિમીની મુસાફરી

26 વર્ષના ગોવિંદ રાજકોટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે અને તેઓ પણ લોકરક્ષક દળની પરીક્ષા આપવા માટે રાજકોટથી પોરબંદર અંદાજે 180 કિમી દૂર ગયા હતા.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, "આ પરીક્ષાની તૈયારીઓના ભાગરૂપે છેલ્લા એક મહિનાથી દિવસના 3-4 કલાક વાંચતો હતો."

ખેડૂત પરિવારમાંથી આવતા ગોવિંદના જણાવ્યા અનુસાર પરીક્ષાનું કેન્દ્ર ખૂબ જ દૂર હોવાને કારણે તેઓ ખૂબ જ પરેશાન થયા હતા.

એટલું જ નહીં ઉપરથી એવી પણ જાણ થઈ કે પરીક્ષા રદ થઈ ગઈ ત્યારે તેઓ ખૂબ જ હતાશ થઈ ગયા હતા.

કેવી રીતે થયું પેપર લીક?

ગત રવિવારે ગુજરાતમાં લેવામાં આવનાર લોકરક્ષકની પરીક્ષા રદ થયા બાદ હવે નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે.

પેપર લીક થયાના સમાચાર મળતાની સાથે જ પોલીસ ભરતી બોર્ડે આ પરીક્ષા રદ કરી દીધી હતી.

જેનાથી આશરે નવ લાખ પરીક્ષાર્થીઓને હાલાકી અને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.

આ મામલે તાત્કાલિક તપાસના આદેશ અપાયા બાદ પાંચ આરોપીઓનાં નામ સામે આવ્યાં હતાં.

પોલીસે આ પાંચમાંથી ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જેના કથિત મુખ્ય સુત્રધાર યશપાલ સોલંકીને પોલીસ હજી પકડી શકી નથી.

પેપર લીક કાંડમાં ભાજપના બે પદાધિકારીઓનાં નામ આવતાં તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે કથિત મુખ્ય સૂત્રધાર યશપાલસિંહ સોલંકી હિંમતનગરના બાયડમાં ભાજપના પદાધિકારી મનહર પટેલના સંપર્કમાં હતો.

યશપાલસિંહ વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ઝેરોક્સનો કૉન્ટ્રેક્ટ ધરાવે છે. બંને વચ્ચે આ મુદ્દે ફોન પર વાતો થઈ હતી, જે કોલ ડિટેઇલ્સ રેકૉર્ડમાં બહાર આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ મામલે સામેલ ગાંધીનગરના પીએસઆઈ પી. વી. પટેલે રૂપલ શર્માનો સંપર્ક કરી રૂપલના નોકરીના સ્થળને કૌભાંડનું સેન્ટર બનાવ્યું હતું, જ્યાં પરીક્ષા આપનારા ઉમેદવારોને પ્રશ્નોના જવાબ વેંચવામાં આવ્યા હતા.

કૌભાંડના કથિત મુખ્ય સુત્રધાર યશપાલસિંહ સોલંકીએ દિલ્હીથી પેપર લીક કર્યું હતું.

આ અંગે માહિતી આપતા એસપીએ જણાવ્યું, "યશપાલસિંહ દિલ્હી પહોંચ્યા હતા, જ્યાં તેમણે પેપરના જવાબો મેળવ્યા હતા. એ પછી હવાઈ માર્ગે વડોદરા પરત ફર્યા બાદ તેમણે પોતાના માણસોને પેપરના જવાબ વેંચ્યા હતા."

કેસનું ગાંધીનગર કનેક્શન

પોલીસ તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે મનહર પટેલે આ મામલે એવી ડિલ તૈયાર કરી હતી કે લીક કરાયેલા જવાબો સાચા પડે તો ઉમેદવારે એક લાખ રૂપિયા ચૂકવવાના રહેશે.

એ બાદ પરીક્ષા પાસ કરી લેવાતા બાકીની રકમ ચૂકવવાની રહેશે.

ગાંધીનગરની જે હૉસ્ટેલમાં રૂપલ શર્મા કામ કરે છે ત્યાંથી દસેક વિદ્યાર્થીઓને પેપર વેચવામાં આવ્યું હતું.

ગાંધીનગરમાં રહેતાં રૂપલ પોતે પણ પરીક્ષાનાં ઉમેદવાર હતાં. તેમના પિતા પોલીસ ઇન્સપેક્ટર તરીકે સેવા બજાવતા હતા.

મનહર પટેલે જયેશ નામની વ્યક્તિ મારફત ગાંધીનગર પેપર પહોંચાડ્યું હતું. મુકેશ ચૌધરી પણ પરીક્ષાના ઉમેદવાર છે.

જોકે, પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે કહ્યું કે હજી સુધી પેપર કેવી રીતે લીક થયું તેની જાણકારી મળી નથી. તપાસ આગળ વધશે ત્યારે જ ખબર પડશે કે કેવી રીતે પેપર લીક થયું.

ઘટનાના આરોપીઓ કોણ છે?

લોકરક્ષકની પરીક્ષાના પેપર લીક મામલાની તપાસ કરી રહેલા ગાંધીનગરના એસ.પી. (પોલીસ સુપરિન્ટેન્ડન્ટ) વીરેન્દ્ર સિંહ યાદવ સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી હતી.

તેમણે માહિતી આપતા કહ્યું, "પેપર લીક મામલે હાલ પોલીસે વડોદરાના યશપાલ સોલંકી, ગાંધીનગરના રૂપલ શર્મા, બાયડ(હિંમતનગર)ના મનહર પટેલ, બનાસકાંઠાના મુકેશ ચૌધરી અને ગાંધીનગરના વાયરલેસ વિભાગના પોલીસ સબ ઇન્સપેક્ટર પી.વી. પટેલ સામે ગુનો નોંધાયો છે."

ઉપરોક્ત આરોપીઓમાંથી પોલીસે અત્યારસુધીમાં કથિત મુખ્ય સુત્રધાર યશપાલ સિવાય ચાર લોકોની ધરપકડ કરી લીધી છે.

કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "અગાઉની પરીક્ષાઓમાં પેપર લીકનું પગેરું ભાજપના નેતાઓ સુધી પહોંચ્યું હતું. આથી અમારી માગ છે કે ઊંડી તટસ્થ તપાસ કરવામાં આવે."

ભાજપના પ્રવક્તા હર્ષદ પટેલે આ અંગે કહ્યું, "તપાસમાં પાર્ટીના બે નેતાનાં નામ બહાર આવતાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ મુકેશ ચૌધરી અને મનહર પટેલને તાત્કાલિક અસરથી પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે. સરકાર કોઈ કસૂરવારને નહીં છોડે."

પટેલનું કહેવું છે કે કોંગ્રેસ 'રાજકીય લાભ' મેળવવા માટે ઊહાપોહ કરી રહી છે.

શું છે લોકરક્ષકદળ ભરતી?

લોકરક્ષક બિન-હથિયારધારી પોલીસ કૉન્સ્ટેબલની 3,151 (2,111 પુરુષ તથા 1,040 મહિલા), હથિયારધારી પોલીસ કૉન્સ્ટેબલ માટે 6,008 (4,026 અને 19,82) તથા જેલ સિપાહી 554 (499 પુરુષ તથા મહિલા 55) એમ કુલ કુલ 9,713 બેઠકો માટે પરીક્ષા પ્રસ્તાવિત હતી.

સમગ્ર ભરતી પ્રક્રિયા દરમિયાન બિન અનામત વર્ગની 5,132 (3,554 પુરુષો તથા 1578 મહિલાઓ), અનુસૂચિત જાતિની 643 (429 પુરુષ તથા 214 મહિલા), અનુસૂચિત જનજાતિની 1,458 (996 પુરુષ તથા 462 મહિલા) તથા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે 7 (તમામ મહિલાઓ) બેઠકો માટે ભરતી થવાની હતી.

આ પદ માટે પાંચ વર્ષના ફિક્સ વેતનથી ભરતી કરવામાં આવે છે અને નિમણૂક મેળવનાર ઉમેદવારને માસિક 19,950નું ફિક્સ વેતન આપવામાં આવે છે.

15મી ઑગસ્ટ 2018ના દિવસે 6,189 બેઠકો માટે જાહેરાત બહાર પાડવામાં આવી હતી. ત્યારબાદ વધુ 3,524 બેઠકો ઉમેરવામાં આવતાં કુલ બેઠક સંખ્યા 9,713 પર પહોંચી હતી.

ધો. 12 (કે સમકક્ષ) પરીક્ષામાં ઉત્તીર્ણ અને 18થી 33 વર્ષની ઉંમરના ઉમેદવારોને ભરતી માટે લાયક માનવામાં આવ્યા હતા. જોકે, એસસી, એસટી તથા એસઈબીસીને માટે ઉંમરમાં છૂટ આપવામાં આવી હતી.

રવિવારે સવારે ગુજરાત પોલીસના ઍડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ અને લોકરક્ષક ભરતી બોર્ડના વડા વિકાસ સહાયે પત્રકાર પરિષદ ભરીને પેપર લીક થવાને કારણે પરીક્ષા મોકૂફ રાખવાની તથા પરીક્ષાની આગામી તારીખ હવે પછી જાહેર કરવાની વાત કરી હતી.

લોકરક્ષક દળના વડા સહાયના જણાવ્યા પ્રમાણે 2,440 કેન્દ્રો પર આઠ લાખ 75 હજાર ઉમેદવારો પરીક્ષા આપવાના હતા, તેની ગણતરીની કલાકો પૂર્વે પેપર લીક થતા તેને રદ કરી દેવાયું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો