લોકરક્ષક પેપર લીક : અત્યાર સુધી ચારની ધરપકડ, જાણો કેવી રીતે પેપર લીક થયું?

ગત રવિવારે ગુજરાતમાં લેવામાં આવનાર લોકરક્ષકની પરીક્ષા રદ થયા બાદ હવે નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે.

પેપર લીક થયાના સમાચાર મળતાની સાથે જ પોલીસ ભરતી બોર્ડે આ પરીક્ષા રદ કરી દીધી હતી.

જેનાથી આશરે નવ લાખ પરીક્ષાર્થીઓને હાલાકી અને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.

આ મામલે તાત્કાલિક તપાસના આદેશ અપાયા બાદ પાંચ આરોપીઓનાં નામ સામે આવ્યાં હતાં.

પોલીસે આ પાંચમાંથી ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જેના કથિત મુખ્ય સુત્રધાર યશપાલ સોલંકીને પોલીસ હજી પકડી શકી નથી.

પેપર લીક કાંડમાં ભાજપના બે પદાધિકારીઓનાં નામ આવતાં તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

તમે આ વાંચ્યું કે નહીં?

કેવી રીતે લીક થયું પેપર?

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે કથિત મુખ્ય સૂત્રધાર યશપાલસિંહ સોલંકી હિંમતનગરના બાયડમાં ભાજપના પદાધિકારી મનહર પટેલના સંપર્કમાં હતો.

યશપાલસિંહ વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ઝેરોક્સનો કૉન્ટ્રેક્ટ ધરાવે છે. બંને વચ્ચે આ મુદ્દે ફોન પર વાતો થઈ હતી, જે કોલ ડિટેઇલ્સ રેકૉર્ડમાં બહાર આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ મામલે સામેલ ગાંધીનગરના પીએસઆઈ પી. વી. પટેલે રૂપલ શર્માનો સંપર્ક કરી રૂપલના નોકરીના સ્થળને કૌભાંડનું સેન્ટર બનાવ્યું હતું, જ્યાં પરીક્ષા આપનારા ઉમેદવારોને પ્રશ્નોના જવાબ વેંચવામાં આવ્યા હતા.

કૌભાંડના કથિત મુખ્ય સુત્રધાર યશપાલસિંહ સોલંકીએ દિલ્હીથી પેપર લીક કર્યું હતું.

આ અંગે માહિતી આપતા એસપીએ જણાવ્યું, "યશપાલસિંહ દિલ્હી પહોંચ્યા હતા, જ્યાં તેમણે પેપરના જવાબો મેળવ્યા હતા. એ પછી હવાઈ માર્ગે વડોદરા પરત ફર્યા બાદ તેમણે પોતાના માણસોને પેપરના જવાબ વેંચ્યા હતા."

ગાંધીનગરમાં પેપર વેંચ્યાં?

પોલીસ તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે મનહર પટેલે આ મામલે એવી ડિલ તૈયાર કરી હતી કે લીક કરાયેલા જવાબો સાચા પડે તો ઉમેદવારે એક લાખ રૂપિયા ચૂકવવાના રહેશે.

એ બાદ પરીક્ષા પાસ કરી લેવાતા બાકીની રકમ ચૂકવવાની રહેશે.

ગાંધીનગરની જે હૉસ્ટેલમાં રૂપલ શર્મા કામ કરે છે ત્યાંથી દસેક વિદ્યાર્થીઓને પેપર વેચવામાં આવ્યું હતું.

ગાંધીનગરમાં રહેતાં રૂપલ પોતે પણ પરીક્ષાનાં ઉમેદવાર હતાં. તેમના પિતા પોલીસ ઇન્સપેક્ટર તરીકે સેવા બજાવતા હતા.

મનહર પટેલે જયેશ નામની વ્યક્તિ મારફત ગાંધીનગર પેપર પહોંચાડ્યું હતું. મુકેશ ચૌધરી પણ પરીક્ષાના ઉમેદવાર છે.

જોકે, પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે કહ્યું કે હજી સુધી પેપર કેવી રીતે લીક થયું તેની જાણકારી મળી નથી. તપાસ આગળ વધશે ત્યારે જ ખબર પડશે કે કેવી રીતે પેપર લીક થયું.

પેપર લીકના આરોપીઓ કોણ છે?

લોકરક્ષકની પરીક્ષાના પેપર લીક મામલાની તપાસ કરી રહેલા ગાંધીનગરના એસ.પી. (પોલીસ સુપરિન્ટેન્ડન્ટ) વીરેન્દ્ર સિંહ યાદવ સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી હતી.

તેમણે માહિતી આપતા કહ્યું, "પેપર લીક મામલે હાલ પોલીસે વડોદરાના યશપાલ સોલંકી, ગાંધીનગરના રૂપલ શર્મા, બાયડ(હિંમતનગર)ના મનહર પટેલ, બનાસકાંઠાના મુકેશ ચૌધરી અને ગાંધીનગરના વાયરલેસ વિભાગના પોલીસ સબ ઇન્સપેક્ટર પી.વી. પટેલ સામે ગુનો નોંધાયો છે."

ઉપરોક્ત આરોપીઓમાંથી પોલીસે અત્યારસુધીમાં કથિત મુખ્ય સુત્રધાર યશપાલ સિવાય ચાર લોકોની ધરપકડ કરી લીધી છે.

કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "અગાઉની પરીક્ષાઓમાં પેપર લીકનું પગેરું ભાજપના નેતાઓ સુધી પહોંચ્યું હતું. આથી અમારી માગ છે કે ઊંડી તટસ્થ તપાસ કરવામાં આવે."

ભાજપના પ્રવક્તા હર્ષદ પટેલે આ અંગે કહ્યું, "તપાસમાં પાર્ટીના બે નેતાનાં નામ બહાર આવતાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ મુકેશ ચૌધરી અને મનહર પટેલને તાત્કાલિક અસરથી પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે. સરકાર કોઈ કસૂરવારને નહીં છોડે."

પટેલનું કહેવું છે કે કોંગ્રેસ 'રાજકીય લાભ' મેળવવા માટે ઊહાપોહ કરી રહી છે.

લોકરક્ષકની પરીક્ષા રદ કરવા પાછળનું કારણ

પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે પરીક્ષા રદ કરવાનો નિર્ણય તમામ ઉમેદવારોના હિત માટે લેવામાં આવ્યો હતો.

તેમણે કહ્યું, "અમારી પાસે બે વિકલ્પ હતા કે પેપર લીક થયા બાદ પણ પરીક્ષા લઈને પછી તપાસ કરવી અને બીજો કે પરીક્ષા રદ કરી દેવી."

"ટુંક સમયમાં ફરીથી પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવશે. પેપર લીક થવાના કારણે પરેશાન થયેલા વિદ્યાર્થીઓને કારણે મને પણ દુ:ખ થયું છે."

હાલ જે સૌથી મોટો પ્રશ્ન છે કે પેપર ક્યાં છપાયું છે, તે સવાલના જવાબમાં તેમણે કહ્યું કે આ એક ગોપનીય મામલો છે તેના વિશે કંઈ કહી ના શકાય.

જોકે, ફરી ફરીને પત્રકાર પરિષદમાં આ મામલો ઉઠતાં તેમણે એટલું કહ્યું હતું કે પેપર છાપનારી એજન્સી ગુજરાત બહારની છે. ગુજરાતની નથી.

ભાજપના નેતાઓના નામ મામલે બોલતાં તેમણે કહ્યું કે પ્રિન્ટીંગ પ્રેસ આ મામલામાં આરોપી એવા મનહર પટેલનો નથી.

તેમણે કહ્યું, "પેપર લીક થયાની મને પરીક્ષાના દિવસે જ જાણ થઈ હતી. મને 11 વાગ્યાની આસપાસ જાણ થઈ અને 12:30 પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો."

પરીક્ષાના નામે અફવા

સોશિયલ મીડિયામાં રદ થયેલી લોકરક્ષક પરીક્ષાને લઈને કેટલીક અફવાઓ ફેલાઈ રહી છે.

આ મામલે બોલતા વિકાસ સહાયે કહ્યું કે પરીક્ષાની કોઈ નવી તારીખ જાહેર કરવામાં આવી નથી.

તેમણે કહ્યું, "હાલ સોશિયલ મીડિયામાં 16મી તારીખે ફરી પરીક્ષા લેવાશે તેવી વાત વહેતી થઈ છે, જે અફવા છે."

"પરીક્ષાની તારીખ હવે ફરીથી જાહેર કરવામાં આવશે. જેથી કોઈએ અફવા પર ધ્યાન ના આપવું."

કઈ રીતે નક્કી થાય છે કે ક્યાં છપાશે પેપર?

લોકરક્ષકની પરીક્ષાનું પેપર લીક થયા બાદ લોકોના મનમાં તે પેપર ક્યાં છપાયું હતું અને કેવી રીતે તેને છાપવા આપવામાં આવે છે તે અંગેના પ્રશ્નો થઈ રહ્યા છે.

લોકરક્ષની પરીક્ષાનું પેપર અથવા અન્ય કોઈ પરીક્ષાના પેપર કયા પ્રિન્ટીંગ પ્રેસને છાપવા આપવા માટે શું નીતિ-નિયમો હોય છે?

આ મામલે માહિતી આપતા વિકાસ સહાયે કહ્યું, "આ મામલે પ્રેસનો ઇતિહાસ જોવામાં આવે છે. તે કેટલાં વર્ષથી કામ કરે છે?"

"આ પ્રેસમાં કેટલા લોકો કામ કરે છે, પ્રેસનો અનુભવ શું છે, આ પરિબળોને ધ્યાનમાં રાખીને પ્રેસને પસંદ કરવામાં આવે છે."

અલ્પેશ ઠાકોર 'ન્યાય યાત્રા' કાઢશે

રાધનપુરની બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય અને ઠાકોર સેનાના સ્થાપક અલ્પેશ ઠાકોરે પેપર લીકની ઘટનાને યુવાનો સાથે 'વિશ્વાસઘાત અને છેતરપિંડી' ગણાવી હતી.

ઠાકોરે છઠ્ઠી ડિસેમ્બરે ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી ન્યાય યાત્રા કાઢવાની જાહેરાત કરી છે.

આ મુદ્દે પાટીદાર અનામત આંદોલન સમિતિના સંયોજક હાર્દિક પટેલે ફેસબુક લાઇવ મારફત યુવાનોને સંબોધન કર્યું હતું.

હાર્દિકે કહ્યું, "યુવાનો જાગે અને જે તેમના માટે લડત ચલાવે છે તેમને સહયોગ આપે."

હાર્દિકે ગુજરાતના યુવાનોને 'ક્રાંતિ' કરવા આહ્વાન કર્યું હતું.

શું છે લોકરક્ષકદળ ભરતી?

લોકરક્ષક બિન-હથિયારધારી પોલીસ કૉન્સ્ટેબલની 3,151 (2,111 પુરુષ તથા 1,040 મહિલા), હથિયારધારી પોલીસ કૉન્સ્ટેબલ માટે 6,008 (4,026 અને 19,82) તથા જેલ સિપાહી 554 (499 પુરુષ તથા મહિલા 55) એમ કુલ કુલ 9,713 બેઠકો માટે પરીક્ષા પ્રસ્તાવિત હતી.

સમગ્ર ભરતી પ્રક્રિયા દરમિયાન બિન અનામત વર્ગની 5,132 (3,554 પુરુષો તથા 1578 મહિલાઓ), અનુસૂચિત જાતિની 643 (429 પુરુષ તથા 214 મહિલા), અનુસૂચિત જનજાતિની 1,458 (996 પુરુષ તથા 462 મહિલા) તથા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે 7 (તમામ મહિલાઓ) બેઠકો માટે ભરતી થવાની હતી.

આ પદ માટે પાંચ વર્ષના ફિક્સ વેતનથી ભરતી કરવામાં આવે છે અને નિમણૂક મેળવનાર ઉમેદવારને માસિક 19,950નું ફિક્સ વેતન આપવામાં આવે છે.

15મી ઑગસ્ટ 2018ના દિવસે 6,189 બેઠકો માટે જાહેરાત બહાર પાડવામાં આવી હતી. ત્યારબાદ વધુ 3,524 બેઠકો ઉમેરવામાં આવતાં કુલ બેઠક સંખ્યા 9,713 પર પહોંચી હતી.

ધો. 12 (કે સમકક્ષ) પરીક્ષામાં ઉત્તીર્ણ અને 18થી 33 વર્ષની ઉંમરના ઉમેદવારોને ભરતી માટે લાયક માનવામાં આવ્યા હતા. જોકે, એસસી, એસટી તથા એસઈબીસીને માટે ઉંમરમાં છૂટ આપવામાં આવી હતી.

રવિવારે સવારે ગુજરાત પોલીસના ઍડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ અને લોકરક્ષક ભરતી બોર્ડના વડા વિકાસ સહાયે પત્રકાર પરિષદ ભરીને પેપર લીક થવાને કારણે પરીક્ષા મોકૂફ રાખવાની તથા પરીક્ષાની આગામી તારીખ હવે પછી જાહેર કરવાની વાત કરી હતી.

લોકરક્ષક દળના વડા સહાયના જણાવ્યા પ્રમાણે 2,440 કેન્દ્રો પર આઠ લાખ 75 હજાર ઉમેદવારો પરીક્ષા આપવાના હતા, તેની ગણતરીની કલાકો પૂર્વે પેપર લીક થતા તેને રદ કરી દેવાયું હતું.

(અમદાવાદથી ભાર્ગવ પરીખના ઇન્પુટ્સ સાથે)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો