રાજ ઠાકરે : ગુજરાતમાંથી ઉત્તર ભારતીયોના પલાયનની કેમ ચર્ચા નહીં?

ઉત્તર ભારતીયોને આકર્ષવા માટે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ તેમના એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જેમાં ઠાકરેએ ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર થયેલા હુમલાનો ઉલ્લેખ કરીને મીડિયાની ભૂમિકા ઉપર સવાલ ઉઠાવ્યા હતા.

આ કાર્યક્રમને અનુસંધાને ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અને કાર્યક્રમમાં હાજર રહેનારાઓના આધારકાર્ડ સહિતની વિગતો લેવામાં આવી હતી.

જેમાં વારાણસીથી આવેલાં 21 પંડિતોએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર કરીને રાજ ઠાકરેને આશીર્વાદ આપ્યા.

ઉત્તર ભારતીય મહાપંચાયત દ્વારા કાંદિવલીના ભૂરાભાઈ હૉલ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો.

સામાન્ય રીતે રાજ ઠાકરે હિંદીભાષીઓ વિરુદ્ધ નિવેદનો આપતા રહે છે એટલે તેમની આ બેઠક પર રાજકીય વિશ્લેષકો તથા રાજનેતાઓની નજર હતી.

આપને આ પણ વાંચવું ગમશે

'ગુજરાતમાંથી પલાયનની ચર્ચા નહીં'

ઠાકરેએ કહ્યું, "તાજેતરમાં ગુજરાતમાં ઉત્તર ભારતીયો ઉપર હુમલા થયા હતા અને 10-15 હજાર લોકોએ પલાયન કરવું પડ્યું હતું અને તેઓ મુંબઈમાં આવ્યા હતા. આ અંગે કોઈએ નરેન્દ્ર મોદી (વડા પ્રધાન) કે અમિત શાહ (ભાજપના અધ્યક્ષ)ને કોઈએ સવાલ ન પૂછ્યા, પરંતુ મને સવાલ પૂછવામાં આવે છે."

રાજે કહ્યું હતું કે ગુજરાતમાંથી ઉત્તર ભારતીયોના પલાયનનો મુદ્દો માત્ર બે દિવસ મીડિયામાં ચર્ચાયો. સાથે ઉમેર્યું, 'મેં જ્યારે કહ્યું હતું કે પરીક્ષા આપવા આવેલાં ઉત્તર ભારતીયોને કાઢો તો મીડિયાએ પંદર દિવસ તેની ચર્ચા કરી હતી.'

રાજે કહ્યું, "જો મહારાષ્ટ્રમાં કોઈ ઉદ્યોગ સ્થાપવામાં આવે તો પહેલાં સ્થાનિક યુવકને તક મળવી જોઈએ. આવી જ રીતે જો ઉત્તર પ્રદેશ કે બિહારમાં ઉદ્યોગ સ્થાપવામાં આવે તો સ્થાનિક યુવકને પ્રાથમિક્તા મળવી જોઈએ, તેમાં ખોટું શું છે?"

હિંદીમાં ભાષણ અને વિરોધ

રાજે હિંદીમાં ભાષણ આપ્યું અને તેની શરૂઆત, 'ભાઈઓ ઔર બહેનો'થી કરી હતી.

રાજે કહ્યું કે અગાઉ તેમણે ગુજરાતીઓ તથા મારવાડીઓ સાથે સંવાદ કર્યો હતો, પરંતુ તેમની સાથે મરાઠી ભાષામાં જ વાત કરી છે.

રાજના કહેવા પ્રમાણે, હૉલમાં હાજર લોકો તથા અન્યત્ર જે કોઈ ભાષણને સાંભળે તેઓ સમજી શકે તે માટે તેઓ હિંદીમાં સંબોધન કર્યું.

રાજે હિંદીને રાષ્ટ્રભાષાનો દરજ્જો આપવા અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા અને ક્હ્યું હતું, 'મરાઠી, તામિલ અને ગુજરાતી પણ દેશની જ ભાષાઓ છે.'

કાર્યક્રમના મંચ પર માત્ર રાજ ઠાકરેના બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.