You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દૃષ્ટિકોણ : સંકટગ્રસ્ત હોવા છતાંય ખેડૂતો માટે જાતિ અને ધર્મ મોટા કેમ?
- લેેખક, અરવિંદ મોહન
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
દિલ્હીમાં ખેડૂતોની કૂચમાં અગાઉ મહેન્દ્રસિંહ ટિકૈતના સમયની કૂચ જેવી ન હતી. તેમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થતા. એ પછી ખેડૂતોની રેલીઓ અને બેઠકો નાની અને પ્રભાવહીન રહેતી. મીડિયા પણ માત્ર શહેરમાં ફેલાવાયેલી ગંદકી તથા ટ્રાફિકજામની જ વાત કરતું.
અગાઉની સરખામણીએ આ વખતની રેલી નાની હોવા છતાંય મોટી દેખાતી હતી, કારણ કે મીડિયા અચાનક જ ખેડૂત સમર્થક બની જાય છે અને સમગ્ર વિપક્ષ પણ તેમનું હિતૈષી બની જાય છે.
સરકારનો ખેડૂત હિતૈષી હોવાનો દાવો પણ અસ્થાને નથી. ચાલુ બજેટમાં ખેડૂતને ઉત્પાદનખર્ચથી દોઢ ગણી રકમ આપવાની જાહેરાત થઈ છે. ટેકાના ભાવોમાં પણ ઠીકઠાક વધારો થયો છે.
સ્વામીનાથન ઐય્યર જેવા અર્થશાસ્ત્રીઓ સરકારની આ જાહેરાતને તેના 'ગળાની ફાંસ' સમાન માન છે.
ચર્ચાથી વધુ સહાનુભૂતિ કેમ?
આ વખતે ખેડૂતોની સભામાં વિપક્ષને કારણે ચર્ચા ઓછી અને સહાનુભૂતિ વધુ દેખાઈ. દિલ્હીના રામલીલા મેદાન ખાતે ખેડૂતોની સભામાં લગભગ તમામ વિપક્ષી નેતા સામેલ હતા, પરંતુ આયોજનમાં તેમનો કોઈ ફાળો ન હતો.
સીતારામ યેચુરી, ડી. રાજા, શરદ યાદવ અને શરદ પવારની હાજરીથી ચર્ચા શરૂ ન થઈ, પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તથા દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલની હાજરીથી આ રેલી 'સમાચાર' બની ગયા.
કેજરીવાલ મુખ્ય આયોજક યોગેન્દ્ર યાદવના મહેમાન બનીને ત્યાં પહોંચ્યા. બધાય માત્ર નરેન્દ્ર મોદી અને ભાજપને વગોવવા ઉપરાંતની પણ તક દેખાઈ હશે.
રાહુલ ગાંધી ત્યાં પહોંચ્યા અને લોકોને ચોંકાવ્યાં, એવી જ રીતે તેમની સરકાર આવે તો ખેડૂતોનું દેવું માફ કરવાની જાહેરાત કરીને પણ ચોંકાવ્યાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આપને આ પણ વાંચવું ગમશે
આ માત્ર સંયોગ હતો કે કોઈ વિસ્તૃત વ્યૂહરચનાનો ભાગ, તે અકળ છે.
કેજરીવાલે ભાજપ સરકારના દાવ તથા સુપ્રીમ કોર્ટમાં ઍફિડેવિટ આપીને સ્વામિનાથન પંચનો રિપોર્ટ લાગુ નહીં કરવાની વાત ઉપર નિશાન સાધ્યું અને કહ્યું કે આ બાબત કેન્દ્રની ભાજપ સરકારની બે મોઢાંની વાતને છતી કરે છે.
રાહુલ ગાંધીએ ક્હ્યું કે ઉદ્યોગપતિઓનાં દેવાં માફ થઈ જાય છે અને ખેડૂતોએ દેવાદાર થઈને જીવવું પડે છે.
લગભગ બસ્સોથી વધુ સંગઠનના હજારો ખેડૂતો દેવું માફ કરવા તથા સ્વામિનાથન પંચની ભલામણો લાગુ કરવાની માગ કરી રહ્યાં છે.
રાહુલ-કેજરીવાલની હાજરી યોગ્ય ?
ખેડૂતોની માગ છે કે ત્રણ અઠવાડિયાનું સંસદનું વિશેષ સત્ર માત્ર ખેડૂતો તથા કૃષિ સંબંધિત બાબતોને ચર્ચવા માટે બોલાવવામાં આવે. આ માટે ખેડૂતોને તબીબો, એંજિનિયર્સ તથા વકીલો જેવા તબક્કાનું પણ સમર્થન હાંસલ થયું છે.
પાક વીમા યોજનાના નામે નવી રીતે શરૂ થયેલી લૂંટ તથા ગત બે વર્ષ દરમિયાન નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરો દ્વારા ખેડૂતોની આત્મહત્યા સંબંધિત આંકડા રજૂ નહીં કરવા અંગે સવાલ ઉઠાવવામાં આવ્યા.
આ બાબતો આપણને આશ્ચર્ય પમાડે, પરંતુ તે હકીકત પણ છે.
સ્વાભાવિક છે કે રાહુલ ગાંધી તથા કેજરીવાલની મુલાકાતને કારણે આ બધીય બાબતો બાજુએ ધકેલાઈ ગઈ, પરંતુ તેમના આગમનથી ખેડૂતોનો અવાજ કેટલો બૂલંદ થયો તે એક સવાલ છે.
રેલીના મુખ્ય આયોજક તથા સ્વરાજ ઇંડિયા સાથે જોડાયેલા યોગેન્દ્ર યાદવના કહેવા પ્રમાણે, આ રેલીથી કંઈ નથી મળ્યું તથા તેનાથી નેતાઓનાં વલણમાં પરિવર્તન પણ નહીં આવે. કાલે જ્યારે આ લોકો સત્તા પર આવશે, ત્યારે તેમની સામે લડવા માટે એક વધારાનું હથિયાર ચોક્કસથી હશે.
યોગેન્દ્ર યાદવ માને કે ન માને, પરંતુ એક વાત ચોક્કસ છે કે આ નેતાઓના આગમન બાદ ખેડૂતોની રેલી ચર્ચામાં આવી.
ખેડૂતો પરેશાન અને સત્તાધીશો મગ્ન
ચાલુ વર્ષે દિલ્હીમાં અનેક ખેડૂત આંદોલન થયા. જે દિવસે દિલ્હીમાં ખેડૂતોએ કાર્યક્રમ આપ્યો, એજ દિવસે કોલકત્તામાં પણ એક કાર્યક્રમ યોજાયો.
એક અઠવાડિયા પહેલાં મુંબઈમાં પણ ખેડૂતો એકઠાં થયાં હતાં. ત્યારે મહારાષ્ટ્ર સરકારે તેમની માગણીઓ સ્વીકારને તેમને પરત મોકલી દીધા. અગાઉ ફેબ્રુઆરીમાં પણ આવું જ થયું હતું.
બીજી બાજુ, અવ્યવસ્થિત ઢબે ખેડૂતોનો આક્રોશ ફૂટી રહ્યો છે. ઠેર-ઠેરર દૂધ-શાકભાજી તથા અનાજને રસ્તા ઉપર ફેંકવા અને હોબાળો કરવાની ઘટનાઓ સામાન્ય બની રહી છે.
જો મોટાપાયે ઉત્પાદન થાય તો પણ ખેડૂતો માટે સમસ્યારૂપ બની રહે છે, કારણ કે તેનાથી તેમને ઉત્પાદનખર્ચ જેટલી રકમ પણ નથી મળતી.
ખેતીમાં નફો નથી રહ્યો. મંદસૌરની જેમ અનેક સ્થળોએ ખેડૂતો પર ગોળીબાર થયા છે. દેવાના બોજ હેઠળ દબાયેલા ખેડૂતો આત્મહત્યા કરી રહ્યાં છે, તો કેટલાક ખેડૂતો ઉપજની કિંમત માંગતી વેળાએ.
લાખો ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે.
ખેડૂત જેવી મોટી જમાતની આવી સ્થિતિ છે, છતાંય રાજકીય પક્ષો તથા નેતાઓ ફરીથી ચૂંટાઈ આવે છે, તે પણ સત્ય છે.
મતલબ કે ખેડૂતો તેમની અવગતિ ભૂલીને જાતિ અને ધર્મના નામે મત આપે છે.
આ વખતે સ્થિતિ બદલાતી જણાય છે. ભારે લોકપ્રિયતા સાથે સત્તામાં આવેલી નરેન્દ્ર મોદીની સરકારને ખેડૂતો તથા બેકાર યુવાનોનો ડર લાગી રહ્યો છે. લગભગ દરેક સ્થળેથી આવા જ રિપોર્ટ મળી રહ્યા છે.
કદાચ એટલે જ લગભગ 200 જેટલા સંગઠોની ભાગીદારી છતાંય માત્ર અમુક હજાર ખેડૂતો જ દિલ્હી પહોંચ્યા, છતાં વિપક્ષના નેતાઓ લાઇનબદ્ધ રીતે હાજર થઈ ગયા.
રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ અને યોગેન્દ્ર યાદવના સંબંધોમાં પરિવર્તન આવે કે ન આવે, પરંતુ જો વિપક્ષને ખેડૂતોના માધ્યમથી પોતાના માટે કોઈ તક દેખાય તો તે પણ પરિવર્તન જ છે.
યોગેન્દ્ર તથા તેમના સાથી આટલું પણ કરી શકે તો તે તેમની મોટી સફળતા હશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો