'જાંઘવાળી તસવીર' ફેસબુક પર પોસ્ટ કરતા કેમ મહિલાની ધરપકડ કરાઈ?

ગયા મહિને કેરળના વિવાદિત સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરવાની નિષ્ફળ કોશિશ કરનારી મહિલાને પોલીસે 'અશ્લીલતા પ્રદર્શિત કરતી' એક તસવીર પોસ્ટ કરવાના આરોપસર ધરપકડ કરી છે.

32 વર્ષનાં રેહાના ફાતિમા પર આરોપ છે કે સબરીમાલા મંદિરમાં જતી વખતે તેમણે સોશિયલ મીડિયા પર ફેસબુક પર પોતાની એક સેલ્ફી પોસ્ટ કરી હતી. આ તસવીરમાં તેમની સાથળ દેખાઈ રહી છે.

રેહાના ટેલિકૉમ ટેકનિશિયન તરીકે કામ કરે છે અને એક મૉડલ છે.

આ ઑક્ટોબરમાં રેહાના અને એક અન્ય મહિલા પત્રકાર ચુસ્ત સુરક્ષા વચ્ચે સબરીમાલા મંદિર પહોંચ્યાં હતાં.

તેઓ મંદિરના મુખ્ય દરવાજા સુધી પહોંચી ગયાં હતાં પરંતુ ભક્તોના વિરોધના કારણે તેમને ત્યાંથી પરત આવવું પડ્યું હતું.

એવું માનવામાં આવે છે કે સબરીમાલા મંદિરમાં મોજૂદ ભગવાન સ્વામી અયપ્પા કુંવારા છે અને તેના કારણે 10 થી 50 વર્ષ સુધીની મહિલાઓ મંદિરમાં પ્રવેશ કરી શકતી નથી.

હિંદુ ધર્મમાં આવી મહિલાઓને અપવિત્ર માનવામાં આવે છે જે માસિકની ઉંમરમાં હોય.

આ કારણે માસિકના દિવસોમાં તેમને પૂજાપાઠ કરવા પર પણ પ્રતિબંધ હોય છે.

રેહાનાનાં મિત્ર અને મહિલાઅધિકાર કાર્યકર્તા આરતીએ બીબીસીને કહ્યું કે મંગળવારે રેહાનાની કોચ્ચિ સ્થિત તેમની ઑફિસથી ધરપકડ કરવામાં આવી હતી.

તેમણે કહ્યું કે રેહાનાને જજે 14 દિવસની રિમાન્ડ પર મોકલી છે કેમ કે તેમના સામેના આરોપોની તપાસ થઈ શકે.

રેહાના પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો પણ આરોપ છે.

રેહાના સરકારી ટેલિકૉમ કંપની બીએસએનએલમાં કામ કરે છે.

બીએસએનએલે કહ્યું કે તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી રેહાનાને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

તમે આ વાંચ્યું કે નહીં?

મામલો શું છે?

ગયા સપ્તાહે સબરીમાલા જવાના રસ્તે રેહાનાએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર પોતાની આ તસવીર પોસ્ટ કરી હતી.

તેમાં તેઓ કાળાં કપડાંમાં હતાં (સ્વામી અયપ્પાના ભક્તો કાળાં કપડાં પહેરે છે) તેમના માથા પર ચંદન લાગેલું હતું.

તેમણે પોતાનાં કપડાં ઘૂંટણ સુધી ઊંચા હતાં એ રીતે તસવીર લીધી હતી.

એવો આરોપ છે કે આ તસવીર સ્વામી અયપ્પાની એક ભંગિમાની મજાક ઉડાવી રહી છે.

પોલીસને રેહાના વિરુદ્ધ અશ્લીલતાનું પ્રદર્શન કરતી તસવીર પોસ્ટ કરવા અને અયપ્પાના ભક્તોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાની ફરિયાદ મળી, જે બાદ તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી.

આ મહિનાની શરૂઆતમાં રેહાનાએ એક નીચલી કોર્ટમાં અરજી દાખલ કરીને અપીલ કરી હતી કે પોલીસ તેમની ધરપકડ ના કરે.

જોકે, કોર્ટે તેમની અરજીને ફગાવી દીધી હતી જે બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

ગુરુવારે રેહાનાના પરિવારે કહ્યું હતું કે તેમણે જામીન અરજી કરી છે અને તેના પર શુક્રવારે સુનાવણી થવાની છે.

રેહનાનાં મિત્ર આરતીએ બીબીસીને કહ્યું કે રેહાના કોઈની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા માગતી ન હતી અને તેમણે કોઈ અશ્લીલ હરકત કરી ન હતી.

તેઓ સવાલ કરે છે, "એ પુરુષોનું શું જેઓ પોતાની છાતી ખુલી કરીને અને પોતાની સાથળો દેખાડતા સબરીમાલા જાય છે? તેમને કેમ અશ્લીલ માનવામાં આવતા નથી."

કેટલાક હિંદુત્વવાદી ગ્રૂપો એટલા માટે રેહાનાથી નારાજ છે કે તેઓ એક મુસલમાન છે અને સ્વામી અયપ્પાની ભક્ત હોવાનો દાવો કરે છે.

આરતી કહે છે કે જ્યારે રેહાનાએ આ તસવીર ફેસબુક પર પોસ્ટ કરી તો તેમને અપમાનજનક ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો ત્યાં સુધી કે તેમને બળાત્કારની ધમકીઓ પણ મળી.

તેઓ કહે છે, "આ એ લોકો છે જે ધાર્મિક સદ્ભાવને બગાડવાની કોશિશ કરી રહ્યા છે."

"સબરીમાલામાં બધા ધર્મોના પુરુષોનું સ્વાગત થાય છે માત્ર મહિલાઓનો પ્રવેશ વર્જિત છે."

મંદિરનાં કપાટ મહિલાઓ માટે ખોલવાના સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેરળ અને પૂરો દેશ બે તબક્કામાં વહેંચાઈ ગયો છે.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હજારો પ્રદર્શનકારીઓ મહિલા ભક્તોનો રસ્તો રોકવા માટે રસ્તા પર ઊતરી આવ્યા હતા. જેમાં મહિલાઓ પણ સામેલ હતી.

આ પ્રદર્શનો દરમિયાન અનેક મહિલાઓ પર હુમલા થયા અને સંપત્તિને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.

સબરીમાલા પ્રશાસનનું કહેવું છે કે મંદિરમાં મહિલાઓના પ્રવેશ માટે રોક એટલા માટે છે કે ભગવાના સ્વામી અયપ્પા કુંવારા છે.

આ વર્ષે સપ્ટેમ્બરમાં સુપ્રીમ કોર્ટે આ પ્રતિબંધને હટાવવાનો આદેશ આપ્યો હતો અને કહ્યું કે તમામ ઉંમરની મહિલાઓ સબરીમાલામાં પ્રવેશ કરી શકે છે.

આ આદેશને લગભગ બે મહિના થઈ ગયા છે પરંતુ હિંદુ માન્યતાઓને માનનારા ભક્તોના વિરોધને કારણે હજી સુધી મંદિરમાં મહિલાઓને પ્રવેશ મળી શક્યો નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો