સબરીમાલા મુદ્દે મહિલાઓમાં કોણ ફાટ પડાવી રહ્યું છે?

    • લેેખક, દેવીકા જે
    • પદ, ઇતિહાસકાર અને સામાજિક વક્તાં

સબરીમાલામાં 'પરંપરા'ની સુરક્ષા માટે થઈ રહેલી હિંસા માટે જે કારણો આપવામાં આવી રહ્યાં છે તેમાં સૌથી ક્રૂર એ છે કે કુલીન ઘરની મહિલાઓ હિંદુ ધર્મ સામે ષડયંત્ર ઘડી રહી છે.

આ વાતથી મને અચંબો નથી થતો. કેરળમાં માતૃસત્તાવાળો સમાજ છે અને મહિલાઓને સમાન અધિકારની સ્વતંત્રતા એવો ભ્રમ સતત રહ્યો છે.

આ સુંદર ભ્રમણાને તોડવા માટે અનેક સાબિતીઓ છતાં પણ એની એ જ વાત કહેવામાં આવી રહી છે.

એક ખૂબ સુંદર શોધ છે, જે પારિવારિક હિંસા, યૌન શોષણ, સ્વતંત્ર આવકનાં સ્રોતો સુધીની પહોંચ અને માનસિક સ્વાસ્થ જેવી વિકાસને લગતી બિનપરંપરાગત બાબતોમાં જાતીય અસમાનતાના મોટા ભેદભાવને રજૂ કરે છે.

ઉદાહરણ માટે એક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે શિક્ષણનું સ્તર વધવાની સાથે સાથે પારિવારિક હિંસા અને દહેજની સમસ્યા પણ વધી રહી છે.

એ પણ ધ્યાનમાં લેવા જેવી બાબત છે કે કેરળના કુલ શ્રમબળમાં મહિલાઓનું યોગદાન માત્ર 24.8 ટકા છે. જ્યારે ત્યાં આખા દેશમાં સૌથી વધારે 92 ટકા મહિલાઓ શિક્ષિત છે.

કેરળમાં રહેનારી એક વ્યક્તિ તરીકે હું એ સાક્ષી આપી શકું છું કે અહીં મહિલાઓ પ્રત્યે દ્વેષનો ભાવ દેશમાં અન્ય કોઈ સ્થળ જેટલો જ છે.

વળી ,વાસ્તવિકતા એ પણ છે કે અહીં મહિલાઓના અધિકારની વાતો કરનારાઓની સંખ્યા પણ અપેક્ષા કરતાં ઓછી છે.

તેઓ રાજ્યમાં સત્તાની નજીક પણ નથી અને એમનાં પર હુમલા પણ કરવામાં આવે છે. આ વાત કોઈથી છૂપી નથી.

કુલીન વર્ગ સાથે જોડવાનો પ્રયાસ

ટીકાકારો હંમેશા પોતાની સગવડ મુજબ તથ્યોની પસંદગી કરતાં હોય છે.

એટલે સુધી કે તેઓ પોતાની વાતને વધારે અસરકારક સાબિત કરવા માટે સ્થાનિક ટેલિવિઝન પર પણ એવી વિશેષાધિકાર પ્રાપ્ત મહિલાઓને બેસાડી દેતા હોય છે કે જે પરંપરાના નામે કોર્ટના નિર્ણયનો વિરોધ કરે છે.

અહીં પણ સ્પષ્ટ રીતે બેવડું વલણ અપનાવવામાં આવે છે.

આ ચર્ચાઓમાં કેરળ અને અન્ય જગ્યાઓની મહિલાઓ સાર્વજનિક રીતે કોર્ટના નિર્ણયની તરફેણ કરે છે અને એમના પર ' કુલીન વર્ગ 'નું લેબલ લગાડી દેવામાં આવે છે.

સાથે સાથે એ પણ કહેવામાં આવે છે કે વંચિત મહિલાઓ અને ભક્તો માટેની એમની ચિંતા એકદમ શહેરી છે, એટલે કે એ માત્ર ઢોંગ છે.

આની સામે જે મહિલા પ્રવક્તા અદાલતનાં નિર્ણયનો વિરોધ કરે છે અને તાકાત તેમજ વિશેષાધિકારનો આનંદ ઉઠાવે છે એમને કેરળની સામાન્ય મહિલાઓની હિતેચ્છુ ગણવામાં આવે છે.

આ રીતે આ મુદ્દાને વર્ગમાં વિભાજીત કરી દઈ મહિલાઓ સામે મહિલાઓને જ ઊભી કરી દેવાના પ્રયાસો થાય છે.

જે મહિલાઓ અધિકારની વાતો કરે છે તેમને ઢોંગી કે શહેરી કે પાખંડી ગણાવી સામાન્ય મહિલાઓથી દૂર કરી દેવામાં આવે છે.

આનાથી જે પક્ષ કે વિપક્ષમાં જોડાયેલી નથી એવી મહિલાઓ અધિકારના આ આંદોલનમાં જોડાઈ શકતી નથી.

કુલીન વર્ગમાંથી આવતી હોય કે ના આવતી હોય પણ સમાન અધિકારોની વાતો કરનારી તમામ મહિલાઓએ આ નિયમનો વિરોધ કરવો જોઈએ કે જેમાં એમ કહેવામાં આવ્યું છે કે અયપ્પા સ્વામીનું બ્રહ્મચર્ય અખંડિત રાખવા માટે સબરીમાલા મંદિરમાં 10 થી 50 વર્ષની ઉંમર ધરાવતી મહિલાઓને પ્રવેશ ના મળવો જોઈએ.

બળાત્કાર માટે પણ આ જ તર્ક

મહિલાઓના પ્રવેશનો વિરોધ કરાનારા એ તર્ક આપે છે કે મહિલાઓની હાજરી પુરુષ ભક્તોમાં ' યૌન ઉર્જા ' ઉત્પન્ન કરશે.

શું આ એ જ પ્રકારની વાત નથી કે રેપ કે યૌન હિંસાનો ભોગ બનેલી પીડિતાનાં કપડાં અને હાવ-ભાવે જ હુમલાખોરોને ઉશ્કેર્યા હશે?

જો આવી ધારણા પરંપરાના રૂપે રજૂ કરવામાં આવી રહી છે તો તે એક લોકતાંત્રિક સમાજમાં દરેક વ્યકિતએ આનો વિરોધ કરવો ખૂબ જરૂરી છે.

સવાલ એ ઊભો થાય છે કે જ્યારે 20મી સદીની શરૂઆતમાં સમાજ સુધારણા આંદોલનોમાં ઘણી દમનકારી પ્રથાઓ નાબૂદ કરી દેવામાં આવી છે તો પછી આ પરંપરાનો આટલો બચાવ કેમ કરવામાં આવી રહ્યો છે?

આ પરંપરા અને વિશ્વાસને મહિલાઓ જ આગળ વધારી રહી છે અંતે એ તર્ક આપવો ફકત એક ભ્રમણા છે.

ઇતિહાસમાં કોઈ પણ કારણ એટલા માટે મહત્ત્વનું નથી બન્યું કે એના બચાવમાં ભીડ હિંસા પર ઉતરી આવી હોય.

જો આપણે મતાધિકાર આંદોલનને જોઈએ તો એ જાણીને આશ્ચર્ય થશે કે કઈ રીતે અમેરિકામાં મતાધિકાર આપનારા સંગઠન સાથે જોડાયેલી હોવા છતાં મહિલાઓને મતાધિકાર આપવામાં આવ્યો હતો.

મંદિરમાં ભેદભાવ કેમ?

તાજેતરનાં મહિનાઓમાં જ ભારતની સુપ્રીમ કોર્ટે ઘણા ઉપનિવેશક કાયદાઓને દૂર કરી દીધા છે. જેમાં 157 વર્ષ જૂનો કાયદો પણ સામેલ છે જે સજાતીય સંબંધોને અપરાધ ગણતો હતો.

સબરીમાલા મંદિરમાં મહિલાઓનાં પ્રવેશ બાબતે આ જ અદાલતે એક મહત્ત્વપૂર્ણ સવાલ ઉઠાવ્યો કે જો ભગવાન જાતે જ સ્ત્રી-પુરુષમાં ભેદભાવ નથી રાખતા તો પછી મંદિરોમાં આ ભેદભાવ કેમ?

સબરીમાલા મંદિરમાં લગાડેલા પ્રતિબંધોને દૂર કરતાં કોર્ટે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કર્યું છે ,''ધર્મના પાલનનો અધિકાર મહિલા અને પુરુષ બન્નેનો છે.''

જો ભારતની સુપ્રીમ કોર્ટ આવું માને છે તો આપણે કેમ નહીં?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો