You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું અમેરિકા અને નેધરલૅન્ડ્સમાં રામ મુદ્રા ચાલે છે?
રાજસ્થાન, તેલંગણા સહિત તમામ રાજ્યોમાં જ્યાં ચૂંટણીનો સમય છે, ત્યાં તમામ પ્રકારના ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યા છે.
ઘણી જગ્યાએ અમને જોવા મળ્યું કે અધૂરી માહિતીને એક ખાસ દૃષ્ટિકોણ આપીને સોશિયલ મીડિયા અને મૅસેજિંગ ઍપ પર શેર કરવામાં આવી અને ઘણા લોકોએ તેને પર્સનલ પેજ પર પણ પોસ્ટ કરી.
આવી જ એક પોસ્ટ અમને સોશિયલ મીડિયા પર અમને જોવા મળી જેમાં દાવો કરવામાં આવ્યો કે રામ નામવાળી કરન્સી નોટ અમેરિકા અને નેધરલૅન્ડ્સમાં સત્તાવાર રીતે વાપરવામાં આવી રહી છે.
આ સાથે લોકોએ નોટની તસવીર પણ ટ્વીટ કરી.
કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સે નોટની વિગતો પણ લખી છે, જેમાં 18 ભાષાઓમાં તેની પર રામનું નામ લખ્યું છે, ચમકદાર નોટ પર પ્રભુ રામનું ચિત્ર છે અને તેની કિંમત યુરો અને ડૉલર કરતા પણ વધારે છે.
હિંદી અખબાર રાજસ્થાન પત્રિકા અને દૈનિક જાગરણે પણ આ સંબંધિત સમાચાર વેબસાઇટ પ્રકાશિત કર્યા હતા.
તેમણે સમાચારમાં લખ્યું હતું કે 'આ દેશોમાં ચાલે છે રામ મુદ્રા, 10 યુરોમાં મળે છે એક રામ.'
અમે તપાસ કરી તો માલૂમ પડ્યું કે રામ મુદ્રાની વાત સાચી છે, પણ તે અમેરિકા અને નેધરલૅન્ડ્સમાં સત્તાવાર ચલણ તરીકે ચાલુ છે તે દાવો એકદમ ખોટો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બન્ને દેશોની સેન્ટ્રલ બૅન્કોએ તેને ક્યારેય સત્તાવાર ચલણ તરીકે જાહેર નથી કર્યું.
તમે આ વાંચ્યું કે નહીં?
રામ મુદ્રા હોવાનો દાવો
રામ મુદ્રા સંબંધિત જાણકારી અને તસવીરો પહેલાંથી જ સોશિયલ મીડિયા પર ફરતી હતી, પરંતુ તાજેતરમાં રામ મંદિર સંબંધિત ઘટનાઓને પગલે આ પ્રકારની પોસ્ટને વધારે ફેલાવવામાં આવી રહી છે.
આ પ્રકારનો દાવો કરનારા એક ટ્વિટર યુઝરને અમેરિકાના @SpokenTwilight નામના યૂઝરે જવાબ આપ્યો.
તેમણે લખ્યું, "મારા મની બોક્સમાં રામ નામવાળી કેટલીક નોટ છે. તેને અમેરિકાના ઘણા શહેરો અને રાજ્યોમાં ડૉલરની જેમ સ્વિકારવામાં આવે છે."
આ યૂઝરે પોસ્ટની માહિતી વિશે વાત કરીએ તો કોઈ અમેરિકા હિંદુ નવચેતના સાથે જોડાયેલું પેજ છે અને તેને ફેબ્રુઆરી 2018માં બનાવવામાં આવ્યું હતું.
શું છે રામ મુદ્રા?
અમારી તપાસમાં માલૂમ પડ્યું કે મધ્ય-પશ્ચિમી ભાગમાં સ્થિત આઇયોવા રાજ્યની 'મહર્ષિ વૈદિક સિટી'માં 'ધ ગ્લોબલ કન્ટ્રી ઑફ વર્લ્ડ પીસ' નામની સંસ્થાએ વર્ષ 2002માં આ નોટો વહેંચી હતી.
આ વર્ષે સંસ્થાએ નેધરલૅન્ડ્સમાં પણ આવી નોટો વહેંચી હતી.
'મહર્ષિ વૈદિક સિટી 'ધ ગ્લોબલ કન્ટ્રી ઑફ વર્લ્ડ પીસ' નામની સંસ્થાનો જ એક ભાગ છે. તેની સ્થાપના મહર્ષિ મહેશ યોગી (મહેશ પ્રસાદ શર્મા)એ કરી હતી.
વર્ષ 2008માં તેમનું અવસાન થતાં હાલમાં આ કરન્સી વિશે ખાસ કોઈ જાણકારી ઉપલબ્ધ નથી, પરંતુ તે વૈદિક સિટીનાં મુખ્ય આકર્ષણોની યાદીમાં આજે પણ સામેલ છે.
આ સંસ્થાએ તેમની વેબસાઇટ પર લખ્યું છે, "24 ફેબ્રુઆરી 2002ના રોજ વૈદિક સિટીએ રામ મુદ્રા વહેંચવવાનું શરૂ કર્યું. સિટીના આર્થિક વિકાસ અને સ્થાનિક વેપારને વેગ આપવા માટે સિટી કાઉન્સિલે રામ મુદ્રાનું ચલણ સ્વિકાર્યું હતું."
"કાગળની એક રામ મુદ્રાની કિંમત 10 અમેરિકી ડૉલર નક્કી કરવામાં આવી છે. આ દરથી કોઈ પણ વ્યક્તિ રામ મુદ્રા ખરીદી શકે છે. નોટો માટે ત્રણ વિકલ્પ આપવામાં આવ્યા છે. એક રામ, પાંચ રામ અને દસ રામ."
એટલે કે આ મુદ્રાનો ઉપયોગ માત્ર આશ્રમની અંદર અથવા તેની સાથે જોડાયેલા સભ્યો વચ્ચે જ થઈ શકતો હતો.
અમેરિકાની ટેક્સાસ યુનિવર્સિટીમાં ઍસોસિયેટ પ્રોફેસર પકંજ જૈન ગત વર્ષે એક ટ્વીટમાં લખ્યું હતું કે અમેરિકા સ્થિત મહર્ષિ વૈદિક સિટીએ વૈદિક સ્ટાઇલની કૃષિ, આરોગ્ય અને શિક્ષણ સાથે સાથે રામ મુદ્રાની શરૂઆત કરી હતી.
રામ મુદ્રા બૉન્ડ
એક સમય હતો કે જ્યારે મહર્ષિ મહેશ યોગીના અનુયાયીઓની સંખ્યા 60 લાખથી પણ વધુ હતી.
એમેરિકાના પ્રખ્યાત ઇંગ્લિશ બૅન્ડ 'ધ બીટલ્સ'ના સભ્યો પણ તેમના અનુયાયી હતા.
તે વખતે રામ મુદ્રાને એક બૉન્ડ તરીકે વેચવામાં આવતી હતી.
બીબીસીના એક જૂના રિપોર્ટ અનુસાર, વર્ષ 2003માં નેધરલૅન્ડ્સમાં 100 દુકાનો, 30 ગામ અને કેટલાક શહેરોના કેટલાક ભાગોમાં રામ મુદ્રા ચાલતી હતી.
એ સમયે ડચ સેન્ટ્રલ બૅન્કે કહ્યું હતું કે રામ મુદ્રા પર તેઓ ધ્યાન રાખી રહ્યા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મહર્ષિ મહેશ યોગીની સંસ્થા એક ક્લૉઝ ગ્રૂપમાં જ આ કરન્સીનો ઉપયોગ કરશે અને કાનૂનથી બહાર જઈને કંઈ નહીં કરે.
નેધરલૅન્ડ્સની સરકારી બૅન્ક અનુસાર, વૈદિક સિટીએ વર્ષ 2002માં એક લાખની રામ મુદ્રા છાપી હતી.
પરંતુ તેને ક્યારેય કાનૂની ચલણ જાહેર નથી કરાયું. તે માત્ર એક કાગળનો ટુકડો હતો. જેની એક સંસ્થા અનુસાર એક કિંમત નક્કી કરવામાં આવી હતી અને લોકો શ્રમ અથવા પ્રોડક્ટ બદલે એકબીજા પાસેથી તેની આપલે કરતા હતા.
'રામ મુદ્રા વિદેશમાં છે તો ભારતમાં કેમ નહીં?'
ગુજરાતની સનાતન ધર્મ ફાઉન્ડેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પોતાની ઓળખ આપતા ઉમેદસિંહ ચાવડાએ ટ્વિટર પર લખ્યું કે, "નેધરલૅન્ડ્સ અને અમેરિકામાં ઉપયોગમાં લેવાઈ રહેલી એક રામ મુદ્રાનું મૂલ્ય 10 યુરો છે."
તેની સાથે તેમણે એક સવાલ પણ કર્યો. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટૅગ કરીને લખ્યું,"જો વિદેશોમાં રામ મુદ્રા ચાલી શકે છે, તો ભારતમાં કેમ નહીં?"
કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટ પર એવું પણ લખવામાં આવ્યું કે "ભારતમાં રામ રાજ્ય લાવવા માટે વૈશ્વિક રામ મુદ્રા રામનો ભારતમાં શરૂ કરવી જોઈએ."
કેટલાક તથાકથિત હિંદુ સંગઠનો પણ રામ મંદિર બનવાની સાથે રામ મુદ્રાની હિમાયત કરે છે.
કેટલાક લોકોએ કરન્સીની હાલની સ્થિતિ પર સવાલ કરતા લખ્યું કે ભારત કેમ ગાંધી પર જ અટકી ગયું છે?
ભારતે પણ અન્ય દેશોની જેમ કરન્સી પર કેટલાક લોકોના ચહેરા લગાવવા જોઈએ.
ઇસ્ટ ઇન્ડિયા કંપનીના 'હિંદુ સિક્કા'
સોશિયલ મીડિયા પર ચર્ચા માત્ર હિંદુ નોટોની જ નથી. લોકોનો એવો પણ દાવો છે કે બ્રિટનની ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ 17મી સદીમાં હિંદુઓના સન્માન માટે પોતાના સિક્કાઓ પર દેવી-દેવતાઓના ચિત્રોનો ઉપયોગ કર્યો હતો, પણ આ દાવો પણ ખોટો છે.
આ મામલે અમે બ્રિટનના એશમોલિયન સંગ્રહાલયના સિક્કાના નિષ્ણાત શેલેંન્દ્ર ભંડારે સાથે વાત કરી.
ભંડારેએ અમને જણાવ્યું,"આધુનિક તકનીકના ઉપયોગથી આ ઐતિહાસિક દેખાતો સિક્કો તૈયાર કરવામાં આવ્યો છે. આવા સિક્કાઓનો ઉપયોગ આજે પણ ધાર્મિક અનુષ્ઠાનોમાં કરવામાં આવે છે."
ભંડારે ઉમેરે છે, "ફકીર અને સાધુ પણ ઘણી વખત સિક્કાના ઉપયોગને પ્રોત્સાહન આપે છે. આ લોકો ઘણી વાર ગરીબ અને નિઃસંતાન દંપતીઓને આવા સિક્કા રાખવાની સલાહ આપતા હોય છે."
"પરંતુ આ સિક્કાઓ ઐતિહાસિક છે એવું કોઈ પણ રીતે કહી ન શકાય."
(આ કહાણી ફેક ન્યૂઝ સામે લડવા માટે બનાવવામાં આવેલા 'એકતા ન્યૂઝરૂમ'નો ભાગ છે.)
જો તમારી પાસે આવી ખબર, વીડિયો, તસવીર અથવા દાવાઓ આવે છે. જેના પર તમને શંકા હોય તો તેમના સત્યની તપાસ માટે તમે તેને એકતા ન્યૂઝરૂમને આ નંબર +91 89290 23625 પર વૉટ્સઍપ કરો અથવા અહીં ક્લિક કરો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો