You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મધ્ય પ્રદેશની ચૂંટણીમાં ભાજપની હાર થશે, એવો RSSનો સર્વે કેટલો સાચો
રાજસ્થાનની વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષોનાં પ્રચાર અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યાં છે.
રાજ્યની 200 વિધાનસભા બેઠકો પર 7 ડિસેમ્બરે મતદાન યોજાશે અને 11 ડિસેમ્બરે મતગણતરી થશે.
જ્યારે મધ્ય પ્રદેશમાં ચૂંટણી પ્રચાર હવે થંભી ગયો છે, બુધવારે મતદાન યોજાશે. મધ્ય પ્રદેશમાં પણ મતગણતરી 11 ડિસેમ્બરે જ યોજાશે.
બન્ને રાજ્યોની ચૂંટણી દરમિયાન સોશિયલ મીડિયા પર પ્રચારનો મારો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં કેટલીક ખોટી માહિતી અને વિગતો પણ શેર કરાઈ રહી છે.
આ ઉપરાંત સોશિયલ મીડિયા પર કેટલીક તસવીર અને વીડિયો અપૂરતી અથવા ખોટી માહિતી સાથે શેર કરાઈ રહ્યાં છે.
મધ્ય પ્રદેશ ચૂંટણી પર આરએસએસનો સર્વે
મધ્ય પ્રદેશ ચૂંટણી સંદર્ભે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો એક કથિત સર્વે સોશિયલ મીડિયા પર શેર કરાઈ રહ્યો છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લેટરપૅડ પર જાહેર થયેલા એક પત્રમાં દાવો કર્યો છે કે મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોની જાહેરાત બાદ 15 થી 21 નવેમ્બર દરમિયાન આ સર્વે કરાયો હતો.
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતીય જનતા પાર્ટીના મધ્ય પ્રદેશ અધ્યક્ષ અને જબલપુરના સાંસદ રાકેશ સિંહને સંબોધીને લખેલા આ પત્રમાં લખ્યું છે કે ઉજ્જૈનમાં સ્થિતિ અચાનક કથડી ગઈ છે.
આ ઉપરાંત ઇન્દોર, ગ્વાલિયર, રીવા અને મધ્ય પ્રદેશના મધ્ય ભાગમાં ટિકિટ વિતરણની ભૂલોનાં પરિણામ દેખાઈ રહ્યાં છે.
આ પત્રમાં એવો પણ દાવો કર્યો છે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહની રેલીઓનો મધ્ય પ્રદેશના લોકો પર નકારાત્મક પ્રભાવ પડી રહ્યો છે.
આ કથિત સર્વે પ્રમાણે કોંગ્રેસની 142 બેઠકો પર મજબૂત સ્થિતિ છે.
જોકે, તપાસ બાદ જાણવા મળ્યું કે આ સર્વે ફેક છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દિલ્હી અને ભોપાલ સ્થિત કાર્યાલયે જણાવ્યું કે તેમને રવિવારે આ પત્ર મળ્યો હતો.
આરએસએસ, ભોપાલના જિલ્લા પ્રચારક મનોહર રાજપાલે જણાવ્યું કે પત્રમાં પ્રમોદ નામદેવ નામની વ્યક્તિના હસ્તાક્ષર છે, આ નામથી કોઈ સર્વે આરએસએસ દ્વારા કરાયો નથી.
તેમણે એવું પણ જણાવ્યું હતું કે પ્રમોદ નામદેવનો જે હોદ્દો પત્રમાં દર્શાવ્યો છે, એવો કોઈ જ હોદ્દો સંઘમાં નથી.
ગહેલોત અનો રાહુલના ડાન્સનો વીડિયો
ભાજપનું સમર્થન કરવાનો દાવો કરતાં કેટલાક ફેસબુક પેજમાં એક વીડિયો શેર કરાઈ રહ્યો છે.
આ વીડિયોમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને રાજસ્થાનના પૂર્વ મુખ્ય મંત્રી અશોક ગહેલોત કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ડાન્સ કરતા દેખાઈ રહ્યા છે.
ઘણા લોકોએ ફેસબુક અનો વૉટ્સઍપ પર આ વીડિયો શેર કરીને કૅપ્શનમાં લખ્યું છે, "ગહેલોત ગાંધી પરિવારના સેવક છે. તેઓ એમની જ સેવા કરતા રહેશે."
"જે નેતા ચૂંટણી પ્રચાર વખતે રાહુલ ગાંધી સાથે ડાન્સ કરવા માટે સમય કાઢતા હોય, તે રાજસ્થાનના લોકો માટે શું સમય કાઢશે?"
સોમવારે રાત્રે ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયએ આ વીડિયો ટ્વીટ કર્યો છે.
તેમણે ટ્વીટમાં લખ્યું, "ગહેલોતજી તમે આ વીડિયોમાં શું કરો છો? રાજસ્થાનની જનતાની સેવા કે 'બેબી સિટિંગ'? રાજસ્થાનની જનતા એ જાણવા માગે છે."
તપાસ આધારે જાણવા મળ્યું કે આ વીડિયોને રાજસ્થાનની ચૂંટણી સાથે કોઈ સંબંધ નથી.
કેટલાક લોકોએ આ વીડિયોને સમજી-વિચારીને આયોજનબદ્ધ રીતે અલગ ઍંગલ આપ્યું છે.
આ વીડિયો એક વર્ષ જૂનો છે અને આ વીડિયો ગુજરાતના વડોદરા શહેર પાસે આવેલા છોટા ઉદેપુર જિલ્લામાં યોજાયેલા એક કાર્યક્રમમાં શૂટ કર્યો હતો.
રાહુલ ગાંધી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરવા ઑક્ટોબર, 2017માં ત્રણ દિવસની મુલાકાતે ગયા હતા.
આ દરમિયાન કોંગ્રેસ પક્ષના ગુજરાત ચૂંટણીના પ્રભારી અશોક ગહેલોત અને રાહુલ ગાંધી આદિવાસી કલાકારોના નૃત્યમાં જોડાયા હતા.
કાર્યક્રમ પછી રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે આદિવાસી સંસ્કૃતિ જ ભારતીય સભ્યતાનો પાયો છે. આપણે આમની પાસેથી ઘણું શીખવાનું છે.
અમે અમિત માલવીય સાથે આ વીડિયો વિશે વાત કરવાનો પ્રયાસ કર્યો તો તેમની ઑફિસથી જવાબ મળ્યો કે આ વીડિયો સોમવારે જોધપુરમાં યોજાયેલી કોંગ્રેસની રેલીનો છે, જ્યાં અશોક ગહેલોત અને રાહુલ ગાંધી બન્ને એક જ મંચ પર હાજર હતા.
'રામ ભક્તોને પાણી પીવડાવતી યૂપી પોલીસ'
અયોધ્યામાં રામ મંદિર બનાવવા અંગે 25 નવેમ્બરે યોજાયેલી 'ધર્મ સભા'અંગે 'ફેક સામગ્રી' સોશિયલ મીડિયા પર શેર કરાઈ રહી છે.
અમારી તપાસમાં જાણવા મળ્યું હતું કે અયોધ્યાના નામ પર મરાઠા આંદોલન અને કર્ણાટકના વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળની તસવીરોનો ઉપયોગ થઈ રહ્યો છે.
હવે અન્ય એક ફેક તસવીર વાઇરલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે. આ તસવીરમાં યૂપીના પોલીસ કર્મચારી એક વૃદ્ધને પાણી પીવડાવતા નજરે પડે છે.
આ તસવીરને ફેસબુક અને વૉટ્સઍપ પર શેર કરાઈ રહી છે.
સાથે કૅપ્શન લખ્યું છે, "વર્ષ 1992માં જે પોલીસ કર્મચારીઓએ રામભક્તો પર ગોળીઓ ચલાવી હતી, એ પોલીસ આજે રામભક્તોની સેવામાં લાગી છે."
પણ આ તસવીર અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે તસવીર સાથે આ મૅસેજને જોડીને એક કાલ્પનિક પરિસ્થિતિ ઘડી કાઢી છે.
જોકે, આ તસવીર 25 મે 2018ના રોજ ઉત્તર પ્રદેશ પોલીસે તેમના સત્તાવારા ટ્વિટર હૅન્ડલ @Uppoliceથી ટ્વીટ કરી હતી.
આ સિવાય અન્ય બે તસવીરો સાથે યૂપી પોલીસે ટ્વીટ કર્યું હતું, 'ઘરના વડીલોને ઘણી વખત તમારા તરફથી કૅર અને સમયની જ અપેક્ષા હોય છે. #EldersFirstUPP #UPPolice'
(આ અહેવાલ ફેક ન્યૂઝ સામે હાથ ધરવામાં આવેલા પ્રોજેક્ટ 'એકતા ન્યૂઝરૂમ'ના ભાગરૂપ છે.)
(જો તમને કોઈ શંકાસ્પદ અહેવાલ, વીડિયો, તસવીર કે દાવા મળ્યા હોય અને તમે એની સત્યતા ચકાસવા ઇચ્છતા હો તો તેને 'એકતા ન્યૂઝરૂમ'ના નંબર +91 89290 23625 પર વૉટ્સઍપ કરો અથવા અહીં ક્લિક કરો.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો