મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018 : કોંગ્રેસનું ખરું કામ દિગ્વિજયસિંહ કરી રહ્યા છે?

    • લેેખક, રજનીશ કુમાર
    • પદ, બીબીસી સંવાદદાતા ભોપાલથી

ભોપાલમાં ચિનાર પાર્ક સામે અમિત કોંગ્રેસની પ્રચાર સામગ્રીઓ વેચવાનું કામ કરે છે. કોંગ્રેસનું કાર્યાલય નજીકમાં જ છે.

સાંજના સમયે અચનાક 'દિલીપ ભૈયા ઝિંદાબાદ'ના નારા શરૂ થઈ ગયા.

કોંગ્રેસના કાર્યકર્તાઓ આ નારાઓ સ્થાનિક નેતાના સમર્થનમાં લગાવી રહ્યાં છે. કાર્યકર્તાઓએ દિલીપ ભૈયાના હારતોરા કર્યા અને સેલ્ફી લીધી.

અમિતની બાજુમાં જ રઘુનાથ પણ પ્રચાર સામગ્રી વેચવાનું કામ કરે છે.

અમતિના સ્ટૉલની સામે એક કાર આવી ઊભી રહે છે. તેમાં બેસેલા લોકો કોંગ્રેસના ઝંડાની કિંમત પૂછે છે.

કારમાં બેસેલા લોકોએ કહ્યું કે કાપડ બરાબર નથી અને અને કિંમત પણ વધારે છે.

અમિત ઝંડાને પાછો લઈને મૂકી દે છે. અમિતે એ સજ્જનોને કહ્યું કે 'તમે અહીંથી મારી દુકાન બંધ કરાવશો?'

સંગઠનની નબળાઈ અને આર્થિક તંગી

રઘુનાથના જણાવ્યા મુજબ, જ્યારે કમલનાથ કાર્યાલયે આવે, ત્યારે ઝંડાનું વેચાણ વધી જાય છે.

કોંગ્રેસની પ્રચાર સામગ્રીનાં ઓછા વેચાણનું કારણ આપતા રઘુનાથે કહ્યું, "15 વર્ષથી ભાજપનું શાસન છે, કોંગ્રેસ પાસે પૈસા જ ક્યા છે? પૈસા તો ભાજપ પાસે છે."

ત્યારે એ યુવકે રઘુનાથને કહ્યું 'એટલે જ કહું છું કે ભાજપના ઝંડા વેચો.' રઘુનાથે કઈ પણ જવાબ આપ્યો નહીં.

અહીંના કોંગ્રેસ કાર્યલાયનું નામ ઈંદિરા ભવન છે. કાર્યાલયની બહાર ઈંદિરા ગાંધીની પ્રતિમા મૂકાયેલી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

કાર્યાલયના ત્રીજા માળે ચૂંટણી પ્રભારી દીપક બાબરિયા બંધ હૉલમાં કોંગ્રેસી નેતાઓની વચ્ચે ઘેરાયેલા છે.

એ લોકોમાંથી કેટલાક લોકો જિલ્લા પ્રમુખ બનાવવાની ભલામણ કરી રહ્યાં છે. કેટલાક લોકોની ઇચ્છા છે કે તેમને અલ્પસંખ્યક વિભાગના પ્રમુખ બનાવવામાં આવે.

ટોળામાંના એક સજ્જે માગણી કરી કે તેમને બુંદેલખંડ જવા માટે ગાડીની વ્યવસ્થા કરી આપવામાં આવે અને ગાડી વીઆઈપી હોવી જરૂરી છે.

દીપક બાબરિયાએ પોતાની બૅગમાંથી કાગળ કાઢ્યો અને એ વ્યક્તિને કહ્યું નીચે જતા રહો.

થોડી વારમાં તે સજ્જન પાછા ઉપર આવ્યા, તેમની સાથે અન્ય વ્યક્તિ પણ હતા.

એ વ્યક્તિએ બાબરિયાને કહ્યું 'ગાડી શા માટે નહીં મળે?'

ત્રણે વચ્ચે વાતચીત થઈ, પરંતુ કોઈ ઉકેલ નીકળ્યો નહીં.

કોંગ્રેસના મતે, વર્ષ 2003-2008 અને 2013ની ચૂંટણીમાં સંગઠનમાં સંપ નહોતો, જ્યારે આ વખતે સંગઠનમાં એકતા છે.

જોકે, કોંગ્રેસની સમસ્યા સંપ નથી. લાંબા સમયથી સત્તાથી દૂર રહેવાના કારણે કોંગ્રેસ નાણાકીય ભીડમાં છે, કોંગ્રેસ પાસે શિવરાજસિંહ જેવો લોકપ્રિય ચહેરો નથી.

દીપક બાબરિયા આ તમામ વાતોને સ્વીકારે છે, પરંતુ તેમના મતે રાજ્યમાં ભાજપ વિરોધી લહેર છે અને કોંગ્રેસ તમામ પડકારોને ઝીલવા સક્ષમ છે.

બાબરિયા કહે છે કે પક્ષ દ્વારા શિવરાજની વિરુદ્ધ કમલનાથ અને સિંધિયાની પસંદગી કરાઈ છે.

સંગઠન દ્વારા આ બન્નેમાંથી એકની ચૂંટણી બાદ પસંદગી થશે.

દિગ્વિજયનું કામ

પરંતુ શું કોંગ્રેસ સત્તાપક્ષ વિરોધી લહેરના ભરોસે બેઠી છે? રાજ્યના વરિષ્ઠ પત્રકાર વિજયદત શ્રીધર કહે છે:

"મધ્ય પ્રદેશમાં આ ચૂંટણી પાછલી ચૂંટણી કરતાં અલગ છે."

"રાહુલ ગાંધીએ દિગ્વિજય સિંહને મોટું કામ સોંપ્યું છે. મને લાગે છે તેમના સિવાય કોંગ્રેસમાં આ કામ કોઈ કરી શકે નહીં."

"દિગ્વિજય દરરોજ સંગઠનના બળવાખોરોને મળે છે અને તેમને કમલનાથ પાસે મોકલી આપે છે."

"મધ્ય પ્રદેશના દરેક જિલ્લામાં દિગ્વિજય સિંહના માણસો છે અને તેઓ લોકોને સમજાવી શકે છે. આ તેમની વિશેષતા છે."

શ્રીધરના મતે, ચૂંટણીમાં રસાકસી સર્જાય તેવી સ્થિતિ છે. તેઓ કહે છે કે રાજ્યની જનતા શિવરાજના મંત્રીઓ અને ધારાસભ્યોથી નારાજ છે.

કોંગ્રેસ કાર્યાલયમાં જ્યોતિરાદિત્ય સિંઘિયા, કમલનાથ, અને દિગ્વિજય સિંહના અલગ અલગ રુમ છે.

સિંધિયા સભાઓ સંબોધી રહ્યાં છે તેથી કાર્યાલયની મુલાકાત નથી લેતા.

દિગ્વિજયની આવનજાવન થતી રહે છે, કોંગ્રેસના કાર્યકર્તાઓ એ બાબતને સ્વીકારે છે કે દિગ્વિજયે અનેક બળવાખોર કાર્યકર્તાઓને સમજાવ્યા છે.

કોંગ્રેસ ભાજપના 15 વર્ષના શાસનની આકરી ટીકા કરે છે, પરંતુ જ્યારે દિગ્વિજયના 10 વર્ષના શાસનની વાત આવે છે ત્યારે કોઈ જવાબ નથી આપતી.

બુધની બેઠક પરથી શિવરાજ વિરુદ્ધ ચૂંટણી લડનારા ઉમેદવાર અરુણ યાદવે વાતોવાતોમાં કહી દીધું કે કોંગ્રેસ એ જ 10 વર્ષના શાસનનું પરિણામ ભોગવી રહી છે.

'દિગ્વિજયની છાપ ખરાબ કરાઈ'

આ જ સવાલ દીપક બાબરિયા અને શોભા ઓઝાને પૂછ્યો કે કોંગ્રેસે 10 વર્ષના શાસનમાં એવું તે શું ખોટું થયું કે પાર્ટી 15 વર્ષ સુધી સત્તામાં પરત નથી આવી.

શોભા ઓઝા કહે છે કે નાણાકીય જોગવાઈ ન હતી. છત્તીસગઢની રચના થયા બાદ પાર્ટીના તમામ સ્રોત છત્તીસગઢ તરફે ફંટાયા હતા.

જોકે, છત્તીસગઢની રચના વર્ષ 2003માં થઈ અને દિગ્વિજયની સરકાર વર્ષ 2003માં હારી ગઈ હતી.

જ્યારે છત્તીસગઢની રચના થઈ, ત્યારે ત્યાં પણ કોંગ્રેસની સરકાર હતી.

દીપક બાબરિયાના મતે, કોંગ્રેસની હારનું કારણ સંગઠનમા એકતાનો અભાવ હતો.

મધ્ય પ્રદેશની ચૂંટણીઓ પર નજર નાખીને બેસેલા લોકો એ બાબતનો સ્વીકાર કરે છે કે આ વખતે કોંગ્રેસમાં એકતા છે.

જોકે, લોકોના મતે કોંગ્રેસ પાસે શિવરાજની ટક્કરમાં કોઈ ચહેરો નથી.

જાણકારોના મતે સિંધિયા અને કમલનાથ મધ્ય પ્રદેશને સરખી રીતે સમજતા નથી.

દિગ્વિજયને રાજ્યની સમજ છે, પરંતુ તેમની છાપ ખરડાયેલી છે.

શ્રીધરના મતે આ ચૂંટણીમાં કોંગ્રેસ માટે આ સૌથી મોટો પડકાર છે.

વરિષ્ઠ પત્રકાર લજ્જાશંકર હરદેનિયાના મતે, શિવરાજને પડકારી શકે તેવા નેતા દિગ્વિજય જ છે, પરંતુ દિગ્વિજયની છબી ખરડી નાખવામાં ભાજપને સફળતા મળી છે.

નામ ન આપવાની શરતે ભાજપના પ્રવક્તાએ પણ જણાવ્યું હતું કે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ પાસે સૌથી મોટા નેતા તરીકે દિગ્વિજય સિંહ જ છે.

દિગ્વિજયની પકડ જિલ્લાના દરેક ગામમાં જ નહીં, પરંતુ દરેક બ્લૉકમાં છે.

જોકે, દિગ્વિજયની છબી ખરડાયેલી છે અને છતાં કોંગ્રેસ તેમની પાસે રેલીઓ કરાવી રહી છે.

મુસ્લિમોને ટિકિટ

અત્યારે સાંજના 6 વાગ્યા છે. દીપક બાબરિયા હજુ પણ હૉલમાં જ છે.

લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દીપક કહે છે કે અત્યારે ફક્ત ચૂંટણીના પ્રચારની જ ચર્ચા કરો.

આ દરમિયાન એક સહયોગી પત્રકારે દીપકને પૂછ્યું કે આ વખતે કોંગ્રેસે મુસ્લિમોને ટિકિટ આપવાનું કેમ ટાળ્યું?

આ સવાલ સાંભળતા જ ઓફિસમાં બેસેલા કેટલાક મુસ્લિમ નેતાઓના કાન સતર્ક થઈ ગયા.

કદાચ આ નેતાઓ પણ આ સવાલનો જવાબ સાંભળવા માટે આતુર હતા.

બાબરિયા અનિચ્છાએ જવાબ આપ્યો, "લોકતંત્રમાં કોંગ્રેસે સિંદ્ધાંતો અને રાજકીય મજબૂરીનો સામનો કરવો પડે છે."

"જોકે, વર્તમાન પરિસ્થિતિમાં અને બન્ને બાબતો વિરોધાભાષ સર્જે છે."

"વિરોધીઓની રણનીતિના લીધે અમે આવી સ્થિતિમાં મૂકાઈ ગયા છીએ."

ભાજપના કાર્યાલયની મુલાકાત લેતા ખબર પડે છે કે તેમને કોઈ પણ પ્રકારની સમસ્યા નથી.

ભાજપને એવું પૂછો કે તમે મુસ્લિમોને ટિકિટ કેમ નથી આપી? તો ભાજપ સ્પષ્ટપણે કહે છે કે અમે ધર્મના આધારે નહીં, પરંતુ ચૂંટણીમાં જીત મેળવી શકે તેવા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો