BBC લોકસભાની ચૂંટણી દરમ્યાન રિયાલિટી ચેક કરશે: ડિરેક્ટર જનરલ ટોની હૉલ

બીબીસીના દિલ્હીમાં આયોજિત કાર્યક્રમ #BeyondFakeNews માં બીબીસીના ડિરેક્ટર જનરલ ટોની હૉલે ફેક ન્યૂઝને પત્રકારત્વ જગતની સૌથી મોટી સમસ્યામાંની એક ગણાવી છે.

એમણે આ સમસ્યા સામે લડવા સમાચાર પક્રિયાને પારદર્શી બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

ભારતના સાત શહેરોમાં સોમવારે બીબીસીના #BeyondFakeNews કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હીના કાર્યક્રમમાં બીબીસીના ડિરેક્ટર જનરલ ટોની હૉલ વીડિયો કૉન્ફરન્સિગ દ્વારા જોડાયા હતા.

ટોની હૉલે ભારતમાં ફેક ન્યૂઝ સામે બીબીસીના અભિયાનની પ્રશંસા કરી હતી.

હૉલે કહ્યું ,''બીબીસી ભારતના શહેરોમાં જે કામ કરી રહ્યું છે એનાથી લોકોમાં ફેક ન્યૂઝ અંગે જાગરૂકતા વધી છે."

"યુવા પેઢી ફેક ન્યૂઝની બાબતને સારી રીતે સમજે-વિચારે એ ખૂબ જરૂરી છે, કારણ કે તો જ તેઓ તેમના માતાપિતા અને બીજા લોકોને ફેક ન્યૂઝની ગંભીરતા અંગે જણાવી શકશે કે કયા સમાચાર પર ભરોસો કરવો જોઈએ અને કયા પર નહીં. આ આપણા અને આપણા લોકતંત્ર માટે ખૂબ જરૂરી છે. હું આપના આ પ્રયાસને ખૂબ-ખૂબ બિરદાવું છું.''

'નિષ્ણાત પત્રકારોનું મહત્ત્વ'

ટોની હૉલે શાળાનાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓના ફેક ન્યૂઝ અંગેના પ્રશ્નોના જવાબ આપ્યા. એક વિદ્યાર્થીએ તેમને પૂછ્યું કે 'લંડનમાં અને વૈશ્વિક સ્તરે બીબીસી ફેક ન્યૂઝ સામે કેવી રીતે લડે છે?'

ટોની હૉલે કહ્યું કે તેઓ પત્રકારત્વમાં નિષ્ણાતોની હાજરીની હિમાયત કરે છે, દુનિયાભરમાં અર્થવ્યવસ્થા, વેપાર, પરિવહન, રાજકારણ અને અલગ અલગ વિષયોના નિષ્ણાત પત્રકાર હોવા જોઈએ.

એમણે કહ્યું, ''આ પત્રકારો સારી રીતે જાણે છે કે પોતાના વિષય પર લોકો સાથે કેવી રીતે વાત કરવાની છે કે, જેથી લોકો તથ્યો પર વિશ્વાસ મૂકી શકે. આ પત્રકારત્વની થોડીક જૂની રીત છે, પણ ખૂબ અસરકારક છે.''

બીબીસીના ડિરેક્ટર જનરલે જણાવ્યું કે દુનિયાભરના દરેક ક્ષેત્રમાં બીબીસીના પોતાના સંવાદદાતા હોવાને કારણે ઘણો લાભ મળે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

રિયાલિટી ચેક

ફેક ન્યૂઝ સામે લડત માટેનો ત્રીજો ઉપાય જણાવતા તેમણે કહ્યું, ''જનતાને સાચા અને ખોટાનો તફાવત સમજાવવાના કામમાં પત્રકારોને જોડવા જોઈએ."

"લંડનમાં અમારો 'રિયાલિટી ચેક' નામનો એક કાર્યક્રમ છે, જેને અમે દુનિયાભરમાં ફેલાયેલા અમારા બ્યૂરોમાં લાગુ કરવા માંગીએ છીએ. એનો હેતુ એ છે કે કોઈ જગ્યાએથી કોઈ દાવો કરવામાં આવતો હોય તો તેની સત્યતા પ્રમાણિત કરી શકાય.''

ટોની હૉલે એક ઉદાહરણ આપતા કહ્યું, ''હાલમાં જ અમારા શાનદાર કાર્યક્રમ 'આફ્રિકા આઈ'એ એક એવી બાબત અંગે તપાસ કરી કે, જેમાં કૅમરૂનના સૈનિકોએ બે ગ્રામીણ મહિલાઓ અને બાળકોની ગોળી મારી હત્યા કરી નાખી હતી."

"કેમરૂન સરકારે પહેલાં તો આ વાતને રદિયો આપ્યો, પણ આ બાબત પર સતત તપાસ કરતા રહીને અમે એ સાબિત કર્યું કે આ હત્યા ખરેખર કરવામાં આવી હતી અને એમાં કૅમરૂનના સૈનિકો પણ સામેલ હતા, આ અંગેનાં તથ્યો અને પુરાવા પણ અમે રજૂ કર્યાં. મને લાગે છે કે આ પ્રકારનું પત્રકારત્વ ખૂબ જરૂરી છે.''

આ ઉપરાંત એમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે ફેક ન્યૂઝ અંગે વધુને વધુ વાત કરવામાં આવવી જોઈએ અને શાળા-મહાશાળાના સ્તર પર પણ આ સંબંધે વાતચીત અને ચર્ચા થવી જોઈએ.

જેથી લોકો કોઈ વાત પર વિશ્વાસ મૂકતા પહેલાં વિચારે.

'મૂલ્યોની વાત'

કાર્યક્રમનું સંચાલન કરી રહેલાં બીબીસી સંવાદદાતા યોગિતા લિમયેએ જણાવ્યું કે ભારતમાં આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે અને બીબીસીએ વચન આપ્યું છે કે 2019માં રિયાલિટી ચેક કરવામાં આવશે.

ટોની હૉલે જણાવ્યું, ''જે બાબતો બીબીસીને ખાસ દરજ્જો આપે છે, એનો જ એક ભાગ (રિયાલિટી ચેક) છે. લોકો બીબીસી પર ભરોસો મૂકે છે અને અમારે તેને જાળવી રાખવાનો છે."

"દિલ્હીમાં અમારા પત્રકારોએ પણ આ જ માપદંડને અનુસરવાનો નિર્ણય કર્યો છે. અમારા હાલના સંશોધન પ્રમાણે, આ ઘોંઘાટની વચ્ચે લોકો એ વાત જાણવા માંગે છે કે સાચી માહિતી જાણવા માટે તેઓ કયા વિશ્વાસપાત્ર વ્યક્તિ કે માધ્યમ પર ભરોસો કરી શકાય તેમ છે.''

ટોની હૉલે જણાવ્યું કે દુનિયાભરમાં પત્રકારત્વને કોરાણે ધકેલી દેવાના જાત-જાતના પ્રયાસો થઈ રહ્યા છે, પણ પત્રકારત્વનું મહત્ત્વ છે. ભરોસાપાત્ર માહિતીની સૌને જરૂર હોય છે.

એમણે કહ્યું, ''ખાસ કરીને એવી દુનિયામાં જ્યાં તીવ્ર ધ્રુવીકરણ અને ખૂબ કોલાહલ છે, એમાં મૂલ્યો અંગે પણ વાત કરવી પત્રકારત્વ માટે ખૂબ જરૂરી છે.''

'ગંભીર પરિણામ પણ આવી શકે છે'

ટોની હૉલે આ અભિયાનનાં સકારાત્મક પરિણામો અંગે આશા વ્યક્ત કરી. એમણે જણાવ્યું,''ભારતમાં તમારા કામથી વૈશ્વિક સ્તરનો બોધપાઠ મળશે તો મને એની ખૂબ ખુશી થશે."

"મારો પોતાનો અભિપ્રાય છે કે તમે જે કરી રહ્યા છો તે આપણે વધારે પ્રમાણમાં કરવાની જરૂર છે. આપણે સમાચાર સાથે જોડાયેલી પક્રિયા પારદર્શી બનાવવાની જરૂર છે, જેથી લોકો સમજી શકે કે ભરોસાપાત્ર સમાચાર કેવી રીતે એકઠા કરવામાં અને રજૂ કરવામાં આવે છે.''

એમણે જણાવ્યું કે આપણે બધા રસપ્રદ વસ્તુઓ શેર કરવાનું પસંદ કરીએ છીએ, આપણે હાસ્ય અને હળવી પળોને પસંદ કરતા હોઈએ છીએ.

પણ આપણે એ પણ સમજવું જોઈએ કે જોખમકારક ફેક ન્યૂઝ શેર કરવાના પરિણામો ગંભીર હોઈ શકે છે, જેમાં કોઈનું મોત પણ થઈ શકે છે.

એક વિદ્યાર્થીનીએ ટોની હૉલને પૂછ્યું કે 'જ્યારે મીડિયામાં વૈચારિક ધ્રુવીકરણ હોય અને સોશિયલ મીડિયામાં ખોટા સમાચારોની ભરમાર છે, ત્યારે આપણે કોના પર ભરોસા કરવો જોઈએ?'

ટોની હૉલે આનો ઉત્તર આપતા જણાવ્યું, "અમેરિકામાં પણ આ અંગે ચર્ચા થાય છે અને હું આ અંગે તમારો અભિપ્રાય જાણવા માંગીશ, પણ આપણે એ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ કે બન્ને પક્ષોના દાવાઓ વચ્ચે સત્ય કેટલું છે."

"વાસ્તવમાં સત્ય એ દાવાઓની વચ્ચે જ ક્યાંક હોય છે. આ જ કામમાં આપણે લોકોની મદદ કરવા માગીએ છીએ. આપણે લોકોના પક્ષે છીએ. આપણે લોકોને એ જણાવવા માંગીએ છીએ કે સત્ય શું છે.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો