મોદીને મળેલી ક્લીનચીટને ઝકિયા જાફરીએ સુપ્રીમમાં પડકારી

ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા તોફાનોમં ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને ક્લિન ચીટ આપવામાં આવી હતી. જેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે.

સર્વોચ્ચ અદાલત તા. 19મી નવેમ્બરે આ કેસની સુનાવણી હાથ ધરશે.

ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડમાં મૃત્યુ પામેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીના પત્ની ઝકિયાએ પડકારી છે.

ઝૃકિયા જાફરીએ તેમની ફરિયાદમાં તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી સહિત 58 શખ્સોની ભૂમિકાની તપાસની અરજી આપી હતી. આ અંગે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

એસઆઈટીએ તેના નિષ્કર્ષમાં જણાવ્યું હતું કે આ લોકોની સામે 'ખટલો માંડી શકાય તેટલા' પુરાવા ઉપલબ્ધ નથી.

મહિલાઓ પર વૈવાહિક અત્યાચાર

દિવ્ય ભાસ્કરના અહેવાલ પ્રમાણે ભારતમાં લગભગ ત્રીજા ભાગની પરિણીતાઓ ઘરમાં જ પતિ દ્વારા શારીરિક હિંસાનો ભોગ બને છે.

એક સર્વેમાં સામે આવેલી માહિતી પ્રમાણે 31% મહિલાઓ નોકરી જતી વખતે રસ્તા પર અસલામતી અનુભવે છે.

પરિણીતા 49 વર્ષની થાય ત્યાં સુધીમાં તૈ પૈકીની 27%ને ઘરમાં પોતાના પતિ દ્વારા શારીરિક હિંસાનો ભોગ બનવું પડે છે.

તેમજ અહેવાલમાં જણાવાયું છે કે છોકરી 15 વર્ષની થાય ત્યારથી તેના જ ઘરમાં શારીરિક હિંસાનો ભોગ બનવાની શરૂઆત થાય છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 2016માં પતિ અને તેના સંબંધીઓ દ્વારા પરિણીતા પર હિંસાના 3,732 કિસ્સાઓ સામે આવ્યા હતા.

વડોદરાની સ્વૈચ્છિક સંસ્થા સહજની ટીમે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે(NHFS-4) અને ઇંગ્લેન્ડની ઇક્વલ મિઝર્સ 2030 અનુસાર આ આંકડાઓ સામે આવ્યા છે.

મોદી સરકારે રાફેલ ડીલની માહિતી સુપ્રીમ કોર્ટને આપી

રાફેલ વિમાન ડીલ હજુ સુધી સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બનેલી છે ત્યારે કેન્દ્ર સરકારે 36 રાફેલ વિમાનોની ખરીદી સંબંધી માહિતી સુપ્રીમ કોર્ટને સોંપી દીધી છે.

રાફેલ વિવાદ અંગેની અરજી વરિષ્ઠ વકીલ એમએલ શર્માએ સુપ્રીમ કોર્ટમાં કરી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કુલ 9 પેજના દસ્તાવેજ સોંપ્યા છે, જેમાં આ ડીલનો ઇતિહાસ અને પ્રક્રિયા સમજાવવામાં આવી છે.

દસ્તાવેજોમાં જણાવાયું હતું કે ફ્રાંસના પક્ષ સાથે વાતચીત એક વર્ષ સુધી ચાલી હતી.

તેમજ કરાર પર સાઇન કરતાં પહેલાં મંત્રીમંડળની સુરક્ષા બાબતની સમિતિની મંજૂરી લેવામાં આવી હતી.

છત્તીસગઢ ચૂંટણીમાં પહેલી વખત મતદાનની ટકાવારીમાં ઘટાડો

બીબીસી હિંદીના અહેવાલ અનુસાર છત્તીસગઢમાં માઓવાદ પ્રભાવિત વિધાનસભાની 18 સીટો પર સોમવારે શરૂઆતમાં પ્રથમ તબક્કામાં 60.49 ટકા મતદાન થયાનું સામે આવ્યું છે.

છત્તીસગઢ રાજ્ય બન્યા બાદ પ્રથમ વખત મતદાનની ટકાવારીમાં ઘટાડો જોવા મળ્યો છે.

અગાઉ દિલ્હીથી થયેલી ચૂંટણી પંચની પ્રેસ કૉન્ફરન્સમાં 70 ટકા મતદાનનો દાવો કરાયો હતો.

જોકે, છત્તીસગઢના ચૂંટણી પંચ અનુસાર, 18 સીટો પર પ્રથમ તબક્કામાં સરેરાશ 60.49 ટકા મતદાન થયું છે.

ઉલ્લેખનીય છે કે છત્તીસગઢમાં 2003માં આ જ વિસ્તારમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં મતદાનની ટકાવારી 71.30 ટકા, 2008માં 70.51 ટકા અ 2013માં 77.02 ટકાવારી જોવા મળી હતી.

નરેન્દ્ર મોદી અને ઉર્જિત પટેલની મુલાકાત

નવભારત ટાઇમ્સના અહેવાલ અનુસાર કેન્દ્ર સરકાર અને રિઝર્વ બૅન્ક વચ્ચે ચાલી રહેલા ઘર્ષણને શાંત પાડવા ગવર્નર ઉર્જિત પટેલે ગત અઠવાડિયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી.

માહિતી પ્રમાણે ઉર્જિત પટેલ શુક્રવારે દિલ્હીમાં હતા અને પીએમઓના ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.

કેટલાક લોકોનું એવું પણ માનવું છે કે આ અધિકારીઓ વચ્ચે વડા પ્રધાન મોદી સાથે પણ તેમની મુલાકાત થઈ હતી.

આ ઘર્ષણનું કારણ જ્યારે નાણામંત્રાલયે કેન્દ્રિય બૅન્કો સામે સૅક્શન 7 લગાડવાની વાત જ્યારે કરવામાં આવી તેને માનવામાં આવે છે.

ઇઝરાયલના ગુપ્ત અભિયાન બાદ ગાઝામાં અથડામણ

ઇઝરાયલની સેના અને પેલેસ્ટાઇનના હમાસ લડાકુ વચ્ચે ગાઝામાં હિંસક અથડામણ થઈ રહી છે.

આ અથડામણ પહેલાં ઇઝરાયલે ગાઝામાં એક ગુપ્ત અભિયાન ચલાવ્યું હતું, જેમાં સાત ઉગ્રવાદીઓ અને ઇઝરાયલના એક સૈનિકનું મૃત્યું થયું હતું.

સોમવારે ઉગ્રવાદીઓએ ઇઝરાયલ તરફ 200 રૉકેટ દ્વારા હુમલો કર્યો હતો.

તેમાં તેમણે એક ખાલી બસને નિશાને લીધી હતી. તે દરમિયાન પાસે રહેલા સૈનિકને ગંભીર ઈજા થઈ હતી.

આ હુમલાના જવાબમાં ઇઝરાયલે પણ હુમલો કર્યો અને તેમાં આશરે ત્રણ પેલેસ્ટાઇન લડાકુનાં મૃત્યુ થયાં હતાં. રિપોર્ટ પ્રમાણે તેમાંથી બે ઉગ્રવાદી હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો