નામકરણ વિવાદ : વર્તમાન નેતાઓ મધ્યકાલીન શાસકોથી વધુ અસહિષ્ણુ છે?

    • લેેખક, શરત પ્રધાન
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

જયારે દિવાળીથી બરાબર એક દિવસ પહેલાં છઠ્ઠી નવેમ્બરે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ ફૈઝાબાદ જિલ્લાનું નામ બદલીને અયોધ્યા કરી દીધું તો એ સમાચાર સાંભળીને કોઈ પ્રકારની નવાઈ ના થઈ.

ત્રણ અઠવાડિયાં પહેલાં જયારે અલાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરી દેવાયું ત્યારથી એ વાતની આશા સેવાઈ રહી હતી.

આખરે ભગવો વેશ પહેરનારા મુખ્ય મંત્રી માટે શહેરો અને વિસ્તારોનાં નામ બદલવાં પ્રાથમિકતાનો વિષય છે.

તેમની સમગ્ર રાજનીતિ જ પ્રતીકવાદ અને ધાર્મિક ધ્રુવીકરણ પર આધારિત છે.

મુખ્ય મંત્રી બનતાં પહેલાં જ યોગી આદિત્યનાથે પોતાના પ્રભાવવાળા વિસ્તાર ગોરખપુરમાં અનેક જગ્યાઓનાં નામો બદલ્યાં હતાં.

11મી સદીના સંત બાબા ગોરખનાથના નામ ઉપર વસેલા શહેર અને તેમના નામ ઉપર ચાલી રહેલા મઠનું નેતૃત્વ કરી રહેલા યોગી આદિત્યનાથ જયારે ત્યાંના સાંસદ હતા ત્યારે તેમણે ગોરખપુરના મિયાં બજાર અને હુમાયૂપુરને હનુમાનપુર બનાવી દીધાં હતાં.

નામ બદલવાના ફાયદા

આ એક મોટો સવાલ છે કે નામ બદલ્યા બાદ આ વિસ્તારો ઉપર તેની શું અસર પડી છે.

ઇતિહાસ જણાવે છે કે મધ્યકાલીન શાસકોની ધાર્મિક અસહિષ્ણુતા માટે ગમે તેટલી નિંદા કરવામાં આવે પરંતુ તેઓ 21મી સદીના શાસકો જેટલા અસહિષ્ણુ નહોતા.

સંશોધકો કહે છે પ્રયાગ અને અયોધ્યા ઘણાં પ્રાચીન શહેરો છે પરંતુ કોઈ પણ શાસકે તેમનું નામ બદલવાની કોશિશ કરી ન હતી.

સોળમી સદીના મુઘલ બાદશાહ અકબરે ગંગા કિનારે ઈલાબાસ (અલ્લાહ કા વાસ) શહેર વસાવ્યું.

જેનું નામ બ્રિટીશ રાજ દરમિયાન ઇલાહાબાદ(અલાહાબાદ) થઈ ગયું.

અકબરે ક્યારેય પણ ગંગા, યમુના અને પૌરાણિક નદી સરસ્વતીના સંગમ કિનારે વસેલા પ્રયાગનું નામ બદલવાનો પ્રયત્ન નહોતો કર્યો.

આ જ રીતે અવધના પહેલા નવાબ સાદત અલી ખાને ઘાઘરા નદીના કિનારે 1730માં ફૈઝાબાદ શહેર વસાવ્યું.

ક્યારેય ભગવાન રામના જન્મસ્થાન તરીકે ઓળખાતા અયોધ્યાને નવું નામ આપવાની કોશિશ ના કરી.

આ પ્રાચીન સ્થળ બ્રિટીશ રાજમાં ફૈઝાબાદ જિલ્લાનું ભાગ બની ગયું.

હનુમાનગઢીનું ધ્યાન રાખતા હતા નવાબ

અયોધ્યાને હિંદુ ધર્મના તીર્થસ્થાન રૂપે ખ્યાતિ મળી અને તેની આર્થિક ગતિવિધિઓ ધાર્મિક પર્યટન ઉપર કેન્દ્રીત રહી.

ઐતિહાસિક રૅકર્ડ જણાવે છે કે અયોધ્યાના સૌથી જૂના મંદિર હનુમાનગઢીની જાળવણી માટેનો ખર્ચ પણ નવાબ સાદત અલી ખાનના ખજાનામાંથી આવતો હતો.

એટલું જ નહીં, જ્યારે સાદત અલી ખાનના પૌત્ર આસફ ઉદ્દ દૌલાએ 1775માં સિંહાસન ઉપર બેઠા બાદ અવધની રાજધાનીને ફૈઝાબાદથી ખસેડીને લખનઉમાં લાવી દીધી ત્યારે પણ એ પરંપરા ચાલુ રહી.

ખાસ વાત એ છે કે જે રીતે ઇલાહાબાદનો અર્થ ખુદાકા ઘર છે, એ જ રીતે ફૈઝાબાદનો અર્થ 'સહુના કલ્યાણવાળી જગ્યા' છે.

આનાથી ઉલટું, સીએમ યોગીએ સ્પષ્ટ રીતે ઇલાહાબાદ અને ફૈઝાબાદનાં નામ બદલતી વખતે કોઈની ભાવનાઓને ધ્યાનમાં રાખી નહીં.

કેટલાક લોકોને એ પણ શંકા છે કે આ નિર્ણય ફક્ત સમાજના એક વર્ગની ભાવનાઓને ઠેસ પહોંચાડવા લેવામાં આવ્યો છે.

'સૌનો સાથ સૌનો વિકાસ' કેવી રીતે?

આ વાત સત્તારૂઢ પાર્ટીના સૌનો સાથ, સૌનો વિકાસ સૂત્ર પ્રત્યે સમર્પણ બાબતે પણ સવાલ પેદા કરે છે.

જો એમ માની લેવામાં આવે કે આ બંને જગ્યાઓનાં નામ બદલવાથી આ જગ્યાઓના સામાજિક અને આર્થિક સ્તર ઉપર ફાયદો થશે તો સરકારે આસપાસના જિલ્લાઓની જમીન લઈને પ્રયાગ અને અયોધ્યાને નવા જિલ્લા બનાવતા કોણે રોક્યા હતા.

હકીકત, નવા જિલ્લાઓનો જન્મ કંઈક આવી રીતે જ થતો હતો.

આ પગલાથી અયોધ્યા અને પ્રયાગ જેવા પ્રાચીન નામોની શાન પણ બની રહે છે અને અલાહાબાદ-ફૈઝાબાદ જેવાં ઐતિહાસિક નામોનું વજૂદ પણ ટકી રહે છે.

આ પ્રક્રિયામાં સરકાર કરદાતાઓના એ ધનને પણ બચાવી શકતી હતી જે સરકારી દસ્તાવેજો, સંસ્થાઓ, સ્ટેશનરી વગેરેમાં શહેરનું નામ બદલવા માટે ખર્ચ થશે.

તકલીફ એ છે કે જયારે અખિલેશ સરકારે માયાવતી સરકાર દ્વારા દલિત સંતોનાં નામ ઉપર બનાવવામાં આવેલા જિલ્લાઓનાં નામ બદલવાનો નિર્ણય લીધો હતો ત્યારે ભાજપે તેનો વિરોધ કર્યો હતો.

શું યોગીએ લોકોને ખુશ કર્યા?

ફૈઝાબાદના અયોધ્યા બનવાથી એ લોકો ખુશ નથી થયા જે રામ મંદિરના વાયદા ઉપર કોઈ નક્કર કાર્યવાહીની રાહ જુએ છે.

યોગી આદિત્યનાથે એવી જાહેરાત કરી હતી કે તેઓ આ દિવાળીએ 'સારા સમાચાર' લાવશે.

અયોધ્યામાં ભગવાન રામની એક વિશાળ મૂર્તિ બનાવવાની જાહેરાત પણ એ લોકોને રાહત નહીં આપે જે ભાજપ પાસે વિવાદિત ભૂમિ ઉપર ખૂબ પ્રતિષ્ઠિત રામ મંદિર બનાવવાની આશા સેવીને બેઠા છે.

જોકે, નામ બદલવાનો એકમાત્ર ઉદ્દેશ મતદાતાઓનું ધ્રુવીકરણ કરવું છે.

જો આ કામ અસહિષ્ણુતાનું પ્રદર્શન કરીને પણ કરી શકાતું હોય તો એની કોણ પરવા કરે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો