You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ માઓવાદી નેતા જેની પોલીસ પાસે નવી તસવીર નથી
- લેેખક, સલમાન રાવી
- પદ, બીબીસી સંવાદદાતા
દેશના કૉમ્યુનિસ્ટ (માઓવાદી) પક્ષના મહાસચિવ મુપલ્લા લક્ષ્મણા રાવ ઉર્ફે ગણપતિની પોલીસ રેકર્ડમાં ત્યારની તસવીર છે જ્યારે તેમની ઉંમર 35 વર્ષ હતી.
પોલીસ અથવા મીડિયા પાસે આ એકમાત્ર તસવીર સિવાય ગણપતિની કોઈ તસવીર ઉપલબ્ધ નથી.
એવું કહેવાય છે કે ગણપતિનું અંતિમ ઇન્ટરવ્યૂ માઓવાદીના મુખપત્રમાં 10 વર્ષ અગાઉ છપાયું હતું. આ સિવાય 'ઓપન સામયિકે' નવ વર્ષ અગાઉ ગણપતિનું ઇન્ટરવ્યૂ છાપ્યું હતું.
ત્યારબાદ ગણપતિનું ઇન્ટરવ્યૂ ક્યાંય પણ છપાયું નથી.
આ વર્ષો દરમિયાન ગણપતિએ કોઈ પત્રકારને ઇન્ટરવ્યૂ આપ્યો નથી. માઓવાદીના મુખપત્રમાં પણ ગણપતિનું કોઈપણ પ્રકારનું ઇન્ટરવ્યૂ છપાયું નથી.
69 વર્ષના ગણપતિ કેવા દેખાય છે તેના વિશે કોઈને માહિતી નથી.
તમે આ વાંચ્યું કે નહીં?
દેશમાં અનેક સરકારી જાસૂસી સંસ્થા અને ઇન્ટેલિજન્સ બ્યૂરો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યાં મોટી સંખ્યામાં સુરક્ષાબળો ઉપસ્થિત છે, ત્યાં કેન્દ્ર સરકારની જાસૂસી એજન્સી સાથે રાજ્ય સરકારની પોલીસ એજન્સીઓનો સહકાર પણ મળે છે.
નક્સલવાદને જડમૂળથી ઉખેડી નાખવાના નામે સરકાર દ્વારા મોટી રકમ ફાળવાય છે. આ રકમનું ઑડિટ પણ થતું નથી.
આ રકમમાં 'સોર્સ મની' આપવામાં આવે છે જેનો ઉપયોગ માહિતી એકત્ર કરવા માટે થાય છે.
તેમ છતાં કોઈપણ એજન્સી પાસે ગણપતિ અંગે નક્કર માહિતી નથી.
આ તમામ એજન્સીઓ ગણપતિ વિશે જે જાણકારી મેળવે છે તે માહિતી અનુમાન આધારિત હોય છે.
2004માં મહાસચિવ બન્યા
મુપલ્લા લક્ષ્મણ રાવ ઉર્ફે ગણપતિ વર્ષ 2004માં ભારતના કૉમ્યુનિસ્ટ પક્ષ (માઓવાદી)ના મહાસચિવ બન્યા હતા.
એ વખતે દેશમાં 'માઓઇસ્ટ કૉમ્યુનિસ્ટ સેન્ટર' એટલે એમસીસી અને સીપીઆઈ એમએલ (માર્ક્સવાદી-લેનિનવાદી) 'પીપલ્સ વૉર ગૃપ' (પીડબ્લ્યૂજી) ગૃપનું વિલીનીકરણ થયું હતું.
અવિભાજિત આંધ્ર પ્રદેશના કરીમ નગર જીલ્લામાં જન્મેલા ગણપતિ શિક્ષકની નોકરી છોડી અને ઉચ્ચ શિક્ષણ મેળવવા વારંગલ ગયા હતા.
વારંગલમાં ગણપતિનો ભેટો પીપલ્સ વૉર ગૃપના સંગઠન મહાસચિવ કોંડાપલ્લી સીતારમૈયા સાથે થયો હોવાની માન્યતા છે.
ગણપતિ ત્યારે જ પીડબલ્યૂજીના મહાસચિવ બન્યા હતા.
ગણપતિએ પદ પરથી રાજીનામું આપ્યું અથવા તો તેમને મહાસચિવ પદેથી હટાવવામાં આવ્યા આ પ્રકારના સમાચારો ગત વર્ષ દરમિયાન છપાતા રહ્યા હતા.
જોકે, આ સમાચારો પાયાવિહોણા છે. આ સમાચારો અંગે પોલીસના દાવાને બાદ કરતા ભારતના કૉમ્યુનિસ્ટ પક્ષ તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરાયું નથી.
સંગઠન દ્વારા આ પ્રકારના પદ પર જો કોઈ વ્યક્તિની નિયુક્તિ કરાઈ હોય તો તેની સત્તાવાર જાહેરાત થાય છે.
માઓવાદીઓ આ પ્રકારના નિર્ણય પક્ષની સૌથી મોટી બેઠક 'પાર્ટી કોંગ્રેસ'માં લે છે.
પુરાવાઓના આધારે જાણવા મળે છે કે છેલ્લે આ બેઠક વર્ષ 2007માં મળી હતી.
જોકે, આ માહિતી અંગે પણ વિરોધાભાસ છે.
છત્તીસગઢ પોલીસના જણાવ્યા મુજબ, 'પાર્ટી કોંગ્રેસ' બેઠક યોજાઈ હતી. આ બેઠકની જાણકારી પોલીસના જાસૂસી વિભાગ પાસે હતી.
જ્યારે નક્સલ પ્રભાવિત અન્ય રાજ્યોની પોલીસના મતે કેન્દ્રિય સમિતિની બેઠક યોજાઈ હતી.
આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા પોલીસના દાવા મુજબ, માઆવોદીના આશ્રય સ્થાનો પર મારેલા દરોડાના આધારે પોલીસે કહ્યું હતું કે 'પાર્ટી કોંગ્રેસ'ની બેઠક મળી હતી.
ક્યાં છે મોટા માઓવાદી નેતા?
ભારતના કૉમ્યુનિસ્ટ પક્ષ (માઓવાદી)ના નવા મહાસચિવ તરીકે અવિભાજિત આંધ્ર પ્રદેશના સિર્કાકુલમ જિલ્લાના રહેવાસી કેશવ રાવ ઉર્ફે બસવરાજની નિયુક્તિ થઈ હોવાનો દાવો આંધ્ર પ્રદેશ પોલીસે કર્યો છે.
કોટેશ્વર રાવ ઉર્ફે 'કિશન જી'નું મૃત્યુ પશ્વિમ બંગાળમાં પોલીસ અથડામણમાં થયું હતું.
કોટેશ્વર રાવના મૃત્યુ બાદ માઓવાદી જનમુક્તિ છાપામાર સેનાના સેન્ટ્રલ મિલિટ્રી કમિશનના કમાન્ડર ઇન ચીફ તરીકે કેશવ રાવની નિયુક્તિ થઈ હતી.
ગુપ્તચર સંસ્થાઓ પાસે કેશવ રાવની જે તસવીર છે તે પણ યુવા અવસ્થાની બ્લૅક એન્ડ વ્હાઇટ તસવીર છે.
તેઓ વર્તમાનમાં કેવા દેખાય છે? છેલ્લે ક્યાં જોવા મળ્યા હતા? તેની કોઈ જાણકારી નથી.
પોલીસ અને એજન્સીઓના દાવા મુજબ, ગણપતિ લાંબા સમયથી બીમાર છે જેના પગલે સંગઠને ગણપતિને માર્ગદર્શક મંડળમાં રહેવાનો આગ્રહ કર્યો હતો.
અધિકારીઓનો દાવો છે કે ગણપતિને મહાસચિવ પદ છોડવા માટે દબાણ કરનાર વ્યક્તિમાં પ્રોસેનજીત બોસ ઉર્ફે 'કિશન દા' નો પણ સમાવેશ થાય છે.
બોસ હાલમાં માઓવાદીઓના પોલીટ બ્યૂરોના સભ્ય છે.
આ વર્ષે સપ્ટેમ્બરમાં આંધ્ર પ્રદેશની તેલુગૂદેશમ પાર્ટીના ધારાસભ્ય સર્વેશ્વર રાવ અને પૂર્વ ધારાસભ્ય સીવેરી સોમાનું માઓવાદીઓએ ખૂન કરી નાખ્યું હતું.
તેમના ખૂન બાદ ગણપતિના રાજીનામાના સમાચારોએ ખૂબ જ જોર પકડ્યું હતું.
ગુપ્તચર એજન્સીઓ પાસે ગણપતિ અને કેશવ રાવ ઉપરાંત અન્ય વરિષ્ઠ માઓવાદી નેતાઓની જાણકારી પણ નથી.
તેમને એ પણ ખબર નથી કે બીજી હરોળના નેતાઓ કોણ છે અને તેઓ કયાં વિસ્તારમાં રહે છે?
બસ્તર વિસ્તારની સ્થિતિ પણ આવી જ છે.
દંડાકારણ્ય વિશેષ ઝોનલ સમિતિના પૂર્વ સચિવ કોસા હવે ક્યાં છે? તેના વિશે કોઈને જાણકારી નથી. કોસાના રાજીનામા બાદ રમન્નાને સચિવ પદ આપવામાં આવ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો