છત્તીસગઢ પોલીસનો દાવોઃ અથડામણ દરમિયાન 10 માઓવાદીઓનાં મૃત્યુ

    • લેેખક, આલોક પ્રકાશ પુતુલ
    • પદ, રાયપુરથી બીબીસી ગુજરાતી માટે

છત્તીસગઢના બીજાપુરમાં પોલીસે એક અથડામણ દરમિયાન આશરે 10 માઓવાદીઓનાં મૃત્યુનો દાવો કર્યો છે. પોલીસે કહ્યું છે કે મૃત્યુ પામેલા માઓવાદીઓની સંખ્યા હજુ વધી શકે છે.

પોલીસે મૃત્યુ પામેલા માઓવાદીઓ પાસેથી ભારે માત્રામાં હથિયાર જપ્ત કરવાનો દાવો પણ કર્યો છે.

આ અથડામણમાં પોલીસની 'ગ્રેહાઉન્ડ' ટૂકડીના એક જવાનનું મૃત્યુ પણ થયું છે.

તમને આ પણ વાંચવું ગમશે

આ વિસ્તારના ડીઆઈજી પોલીસ સુંદરરાજ પીએ બીબીસીને જણાવ્યું, "ઉસુર પોલીસ સ્ટેશન ક્ષેત્રના પુજારીપારામાં છત્તીસગઢ અને તેલંગાણાના સુરક્ષાબળોની એક ટીમ માઓવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચલાવી રહી હતી, ત્યાં જ આ અથડામણ થઈ. અથડામણ બાદ અમને 10 માઓવાદીઓનાં મૃતદેહ મળ્યા છે."

સુંદરરાજ પીએ કહ્યું કે આ વિસ્તારમાં હજુ પણ શોધખોળ અભિયાન ચાલુ છે. તેમણે મૃત્યુ પામેલા માઓવાદીઓની સંખ્યા વધવાની આશંકા વ્યક્ત કરી છે.

પોલીસનું કહેવું છે કે આ અથડામણમાં મૃત્યુ પામેલા માઓવાદીઓની ઓળખ માટે પ્રયાસ ચાલી રહ્યા છે. મૃત્યુ પામેલા લોકોમાં માઓવાદી સંગઠનના કેટલાક મોટા નેતા પણ હોઈ શકે છે.

પોલીસ આ અથડામણને પોતાની મોટી સફળતા માની રહી છે કેમ કે ગત વર્ષથી એકસાથે આટલી મોટી સંખ્યામાં માઓવાદીઓનાં મૃત્યુની ઘટનાઓ ઓછી સામે આવી છે.

બીજાપુર વિસ્તારમાં માઓવાદીઓએ છેલ્લા એક મહિનામાં હિંસક ઘટનાઓને અંજામ આપ્યો હતો.

રસ્તાના નિર્માણના કામમાં લાગેલા ઘણા વાહનોને આગ લગાડી દીધી હતી. જેના કારણે સરકાર દ્વારા ચલાવવામાં આવતું રસ્તાના નિર્માણનું કાર્ય બંધ પડેલું હતું.

આ સિવાય રાજ્યના ધમતરી, ગરિયાબંદ અને રાજનાંદગાંવ વિસ્તારમાં પણ માઓવાદી સંગઠનના વિસ્તાર અને નવી કમિટીઓના ગઠનના સમાચાર આવ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો