પ્રેસ રિવ્યૂ: રાજ્યના દોઢ લાખ વાલીઓ વિધાનસભાનો ઘેરાવ કરશે

નવગુજરાત સમયના અહેવાલ મુજબ વિવિધ સંગઠનના વાલીઓ એકઠા થઈને ફી મામલે વિધાનસભાનો ઘેરાવ કરશે.

અમદાવાદમાં વાલીઓની મીટિંગ મળી હતી. જેમાં હાલના ફી અંગેના કાયદાને નાબુદ કરીને બંધારણના નિયમ મુજબ 14 વર્ષ સુધીનાં બાળકોને મફત શિક્ષણ મળે તે માટે કાયદો લાવવાની માગણી કરવામાં આવશે.

તમને આ પણ વાંચવું ગમશે

વાલીઓનો આક્ષેપ છે કે શાળા સંચાલકો હાલના ફી અંગેના કાયદાને ગાંઠતા નથી અને સરકાર પણ ફીના કાયદાનો અમલ કરાવવામાં સદંતર નિષ્ફળ રહી છે.

આ સમસ્યાઓને ધ્યાને રાખતા વાલી મંડળોએ 9 માર્ચના રોજ વિધાનસભાના ઘેરાવનો નિર્ણય કર્યો છે.

રેશનિંગની 25 હજાર દુકાનો બંધ

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ રાજ્યમાં રેશનિંગની દુકાનોમાં અચોક્કસ મુદતની હડતાળ શરૂ થઈ છે.

ગુરૂવારે શરૂ થયેલી આ હડતાળમાં રાજ્યના 25 હજાર રેશન દુકાન ધારકો જોડાયા છે. જેની અસર રાજ્યના 3.82 કરોડ લોકો પર પડી હતી.

રેશન દુકાન ધારકોની માગ છે કે બારકોડ રેશન ધારકોને આધાર કાર્ડ સાથે લિંક કરીને અનાજનું વિતરણ કરવામાં તકલીફ પડી રહી છે.

ઉપરાંત હાલ અનાજ પર 85 પૈસા કમિશન મળે છે તેમાં પણ વધારો કરવાની માગ રેશન દુકાન ધારકો કરી રહ્યા છે.

ફેર પ્રાઇસ શોપ્સ એન્ડ કેરોસીન લાઇસન્સ હોલ્ડર એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારને અમારી માંગણીઓ તેમજ સમસ્યા સાંભળવામાં રસ જ નથી.

કૌભાંડ કરી ભાગનારની મુશ્કેલી વધશે

દૈનિક જાગરણના અહેવાલ મુજબ હવે દેશમાં કૌભાંડ કરી ભાગનાર લોકો માટે મુશ્કેલી વધી શકે છે.

પૈસા લઈને દેશ બહાર ભાગી જનાર કૌભાંડીઓની સંપત્તિ હવે જપ્ત કરી લેવામાં આવશે.

સરકાર એક ખરડો લાવી રહી છે જેમાં એવી જોગવાઈ રાખવામાં આવી છે કે જેમની સામે કોર્ટે વોરંટ જારી કર્યું છે અને કાર્યવાહીથી બચવા માટે તે દેશ છોડીને ભાગી જાય છે તો તેને ભાગેડુ જાહેર કરવામાં આવશે.

આવા ભાગેડુની સરકાર દેશ અને વિદેશની સંપત્તિ જપ્ત કરી લેશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો