નરેન્દ્ર મોદી: કોંગ્રેસ પાકિસ્તાનની ભાષા બોલે છે

બેંગલુરુમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ગંભીર આરોપો મૂક્યા હતા.

મોદીએ કહ્યું કે કોંગ્રેસ કશ્મીર મામલે અલગાવવાદીઓ અને પાકિસ્તાનની ભાષા બોલી રહી છે.

વડાપ્રધાનના નિશાન પર પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે કશ્મીર પર આપેલું નિવેદન હતું.

તમને આ પણ વાંચવું ગમશે

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે કહ્યું હતું કે જમ્મુ-કશ્મીરના લોકો સાથે વાત કર્યા બાદ તે એવા તારણ પર આવ્યા છે કે કશ્મીરીઓ જ્યારે પણ આઝાદીની માગ કરે છે ત્યારે મોટાભાગના લોકોનો મતલબ સ્વાયત્તતા હોય છે.

જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસના નિવેદનો પરથી લાગી રહ્યું છે કે તેણે નહીં સુધરવાનો નિર્ણય કરી લીધો છે.

કોંગ્રેસે દરેક પળે જવાબ આપવો પડશે

વડાપ્રધાને કહ્યું, "જેઓ કાલ સુધી સત્તામાં બેઠા હતા, તેઓ આજે અચાનક યુ-ટર્ન લઈને, બેશરમ થઈ નિવેદનો કરે છે અને કશ્મીરની આઝાદીની સાથે પોતાનો સૂર પૂરાવે છે?"

"હું પૂછવા માગું છું કે જે લોકો જવાનોના બલિદાન પર રાજનીતિ કરે છે શું તેઓ દેશનું ભલું કરી શકશે?"

"તેમને આવાં નિવેદનો કરતાં શરમ નથી આવતી? કોંગ્રેસે આ નિવેદનનો દરેક પળે જવાબ આપવો પડશે."

વડાપ્રધાન મોદીએ કહ્યું કે જે પ્રકારની ભાષાનો કોંગ્રેસ ઉપયોગ કરી રહી છે. તે જ ભાષાનો ઉપયોગ કશ્મીરના અલગાવવાદીઓ અને પાકિસ્તાન કરે છે.

તેમણે કહ્યું, "જે માતાએ પોતાના લાલનું બલિદાન આપ્યું છે, જે બહેને ભાઈનું બલિદાન આપ્યું છે, જે બાળકોએ પિતાનું દેશ માટે બલિદાન આપ્યું છે, તે લોકો જવાબ માગશે."

મોદીએ કહ્યું કે આ સરદાર વલ્લભભાઈ પટેલની ધરતી છે.

અમે દેશની એકતા અને અખંડિતતા સાથે કોઈ સમાધાન નહીં કરીએ અને થવા પણ નહીં દઈએ.

જુઠ્ઠાણાંઓ ફેલાવી રહ્યા છે કોંગ્રેસના નેતા

વડાપ્રધાને ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઇક મામલે કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.

તેમણે કહ્યું, "સર્જિકલ સ્ટ્રાઇકમાં વીર જવાનોએ દુશ્મનના દાંત ખાટા કરી દીધા હતા. સમગ્ર ભારત માટે તે ગૌરવનો સમય હતો પરંતુ કોંગ્રેસ તેને પણ ના પચાવી શકી."

"હવે કોંગ્રેસના નેતાઓનાં નિવેદનો સાંભળી હું કલ્પના કરી શકું છું કે સર્જિકલ સ્ટ્રાઇક મામલે તેમની નારાજગીનું કારણ શું હતું."

તેમણે કહ્યું કે ડોકલામમાં પૂરી દુનિયાએ જવાનોના પરાક્રમ, ભારતની ડિપ્લોમેટિક તાકાત અને સંયમને જોયો.

તમને આ પણ વાંચવું ગમશે

પરંતુ કોંગ્રેસના નેતાઓ ડોકલામ મામલે ખોટા સમાચાર ફેલાવી રહ્યા છે. ચીન ગમે તેટલું શક્તિશાળી કેમ ના હોય ધૈર્યની કસોટી પર ભારત પાર ઉતર્યું છે.

અંતમાં તેમણે કહ્યું, "જે સત્તા પર આટલાં વર્ષો રહ્યા, જેમના પર દેશની જનતાએ ભરોસો કર્યો, તેઓ આવા નીકળશે?"

"લાગી રહ્યું હતું કે વારંવાર હારને કારણે કોંગ્રેસના કેટલાક સમજદાર નેતાઓ તેને સાચા રસ્તા પર લાવવાની કોશિશ કરશે."

"પરંતુ હવે બેજવાબદાર વ્યવહારથી લાગે છે કે કોંગ્રેસે નક્કી કરી લીધું છે કે સુધરવું નથી. તેમનો અહંકાર સાતમા આસમાન પર છે."

"આ તો જનતાથી સંપર્ક વિહોણાં થઈ ગયા છે એટલે આવી ભાષા બોલી રહ્યા છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો