શું છે જોધપુરમાં મસ્જિદ તોડી પાડવાની હકીકત? વાઇરલ થયેલો વીડિયો

મધ્યપ્રદેશમાં બુધવારે મતદાન પૂર્ણ થઈ ગયું પરંતુ રાજસ્થાનમાં સાતમી ડિસેમ્બરે મતદાન થવાનું છે.

ચૂંટણી બાબતે કેટલાય પ્રકારના ખોટા સમાચારો સોશિયલ મીડિયા અને વૉટ્સઍપ ઉપર ફેલાવવામાં આવી રહ્યા છે.

બુધવારે ઘણા લોકોએ 'એકતા ન્યૂઝ રૂમ' સાથે આ બાબતની ખાતરી કરવા માગી કે શું ખરેખર જોધપુરમાં મસ્જિદના દરવાજાને પાડી નાખવામાં આવ્યો છે?

તેમણે લખ્યું કે વૉટ્સઍપ પર તેમને એક વીડિયો મળ્યો છે, જેમાં એક જેસીબીની મદદથી મસ્જિદના દરવાજાને તોડવામાં આવી રહ્યો છે.

વીડિયોમાં 'જય શ્રી રામ'ના નારાઓનો અવાજ પણ સંભળાય છે અને એની સાથે આવેલા સંદેશમાં લખ્યું છે, "જોધપુરમાં મસ્જિદ તોડી."

જોધપુરના સ્થાનિક પત્રકારોએ જણાવ્યું કે હિંદુ અને મુસલમાન, બંને સમુદાયના લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે.

કેટલાક હિંદુઓએ આને 'ગર્વના ભાવ' સાથે શેર કર્યો છે જયારે મુસલમાન આને શેર કરતા એવી ફરિયાદ કરી રહ્યા છે કે આ વિધ્વંસ રાજસ્થાનની ભાજપ સરકારે કરાવ્યો છે.

આ વીડિયો વિશે અમે જોધપુરના પોલીસ કમિશ્નર આલોક કુમાર વશિષ્ઠ સાથે વાત કરી.

તેમણે જણાવ્યું, "વીડિયો વિશે તેઓ કંઈ કહી શકે એમ નથી પરંતુ જોધપુરમાં મસ્જિદ તોડવાની કોઈ ઘટના બની નથી. આ સાવ ખોટા સમાચાર છે."

તપાસમાં અમને યૂ-ટ્યૂબ ઉપર આ જ વીડિયો મળ્યો, જેમાં સુત્રોચ્ચારોનો અવાજ સંભળાય છે.

આ વીડિયોને 2 ઑક્ટોબર 2018 ના રોજ યૂ-ટ્યૂબ ઉપર પોસ્ટ કરવામાં આવ્યો હતો.

વીડિયો પોસ્ટ કરનારે લખ્યું હતું, "ભટહટની મસ્જિદનો વિધ્વંશ."

ઉત્તરપ્રદેશના ગોરખપુર જિલ્લામાં 'ભટહટ' એક બ્લૉક છે. પણ શું આ વીડિયો ભટહટ(ગોરખપુર)નો છે?

આની ખાતરી કરવા માટે અમે ભટહટમાં રહેતા બસપા નેતા આફતાબ આલમ સાથે વાત કરી. તેમણે જણાવ્યું કે ભટહટની મસ્જિદના ઢાંચામાં ગત એક દશકા દરમિયાન કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ગોરખપુરના સામાજિક કાર્યકર્તા ગૌરવ દુબેએ આફતાબ આલમની વાતની પુષ્ટિ કરી હતી.

ગૌરવ દુબેએ કહ્યું, "ઉત્તર પ્રદેશમાં ઘણી જગ્યાઓએ રસ્તા પહોળા કરવાનું કાર્ય ચાલી રહ્યું છે. આ વીડિયો ગમે તે જગ્યાનો હોઈ શકે છે. "

"રહી વાત ગોરખપુરની તો શહેરની આસપાસ જ્યારે રસ્તાઓ પહોળા કરવામાં આવ્યા ત્યારે કેટલાંક મંદિરો અને મસ્જિદોને હટાવવામાં આવ્યાં હતાં પરંતુ એ કાર્ય સામાજિક સહમતિથી થયું હતું. આમાં હિંદુ-મુસ્લિમની વચ્ચે વિવાદની કોઈ વાત સામે નહોતી આવી."

આ વીડિયો ક્યાંનો છે, તેની ખાતરી કરી શકાઈ નથી. જોકે, જોધપુર અને એનાથી પહેલાં ગોરખપુરમાં 'મસ્જિદના વિધ્વંશ'ની વાત ઉપજાવી કાઢેલી છે.

અમિત શાહ અને અખિલેશના નામથી એક જ સમાચાર

એક સમાચારપત્રના નકલી કટિંગની બાબતે મોદી-શાહ સમર્થક અને મુલાયમ-અખિલેશ સમર્થક સોશિયલ મીડિયા સામ સામે આવી ગયા હતા.

સમાચારનું કટિંગ એક જ છે, પરંતુ બંને સમાચારોના મથાળા જરૂરિયાત અનુસાર બદલી નાખવામાં આવ્યા છે.

જોકે, અખિલેશ યાદવ અને મુલાયમ સિંહ જે સમાચારમાં દેખાય છે તેને મધ્યપ્રદેશની ચૂંટણી સાથે જોડવામાં આવ્યા છે.

સરવાળે આ બંને કટિંગને જોઈને તો ખબર પડે છે કે ડીઝાઈન સાથે વધુ ચેડાં કરવામાં નથી આવ્યાં. સમાચારને ઝાંખા કરી દેવામાં આવ્યા છે.

કેટલાંક નાનાં-મોટાં પેટા-મથાળાં છે જે બંનેમાં એક-સરખાં છે.

જેવી રીતે તસવીરની જમણી બાજુ લખ્યું છે, 'અયોધ્યા યાત્રાની બાબતે તંત્ર સાબદું અને નીચેના સમાચારમાં લખ્યું છે, 'સમાચાર ચેનલો ખોટી, પ્રિન્ટ મીડિયા ઠીક'.

જોકે, મોદી-શાહ વાળા કટિંગમાં તસવીરોને થોડી મોટી કરી દેવામાં આવી છે, જયારે અખિલેશ-મુલાયમ વાળા સમાચાર લગભગ યથાવત દેખાય છે.

સમાચારમાં દેખાતા 'શબ્દોની તપાસ' પછી અમે માહિતગાર થયા કે આમાં ઉપરના સમાચાર દૈનિક જાગરણ અખબારમાંથી કાપવામાં આવ્યું છે. આ ખબર 23 ઑગસ્ટ 2013ના રોજ છપાઈ હતી.

જે સમયે આ સમાચાર લખવામાં આવ્યા હતા, એ સમયે ઉત્તર પ્રદેશની રાજનીતિમાં વિહિપના ચોર્યાસી કોસની પરિક્રમાની બાબતે ઘમસાણ મચેલું હતું.

આ સમાચાર અનુસાર, વિહિપના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ રહેલા અશોક સિંઘલે પ્રયાગમાં નિવેદન આપ્યું હતું કે સપા સરકારે મુસ્લિમ ધ્રુવીકરણ માટે આઝમ ખાનની આગળ ઘૂંટણ ટેકવી દીધાં છે, એટલે સરકાર વિહિપની યાત્રા ઉપર પ્રતિબંધ લગાવી રહી છે.

આના જવાબમાં સમાજવાદી પાર્ટીના પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ કહ્યું હતું કે ભારતીય જનતા પક્ષ સંતોને મહોરાં બનાવી રહી છે.

આ સમાચારનું અસલી મથાળું હતું, '84 કોસી પરિક્રમા બાબતે રાજનૈતિક ગરમાવો.'

શું ખરેખર ટ્રંપ બૌદ્ધ ધર્મ અપનાવવા ઇચ્છે છે?

કહેવાતા દલિતોના સમર્થક કેટલાંક ફેસબુક પેજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની એક તસવીર શેર કરી રહ્યા છે.

સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અમેરિકન રાષ્ટ્રપતિએ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના વિચારોથી પ્રભાવિત થઈને બૌદ્ધ ધર્મ અપનાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

કેટલાંક લોકો વૉટ્સઍપ ઉપર આ તસવીર એવું લખીને પણ શેર કરી રહ્યાં છે કે ડોનાલ્ડ ટ્રમ્પે બૌદ્ધ ધર્મ અપનાવ્યાની વાત ભારતીય મીડિયાએ લોકોથી છુપાવી છે.

ફેસબુકના એક ક્લોઝ ગ્રૂપમાં પોતાને રાજસ્થાનના નાગૌરના વતની જણાવનારા એક વ્યક્તિએ લખ્યું, "ભારતના મનુવાદી મીડિયાએ ડોનાલ્ડ ટ્રમ્પે બૌદ્ધ ધર્મ અપનાવ્યાની વાત એટલા માટે છુપાવી કારણ કે આની મોટી રાજકીય અસર થઈ શકે છે."

પહેલી વાત એ છે કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ક્યારેય બૌદ્ધ ધર્મ અપનાવવાની ઇચ્છા વ્યક્ત કરી નથી. આવા કોઈ સમાચાર છે જ નહીં.

બીજી વાત એ છે કે તસવીર સાથે ચેડાં કરવામાં આવ્યા છે અને ટ્રમ્પ જે ફાઇલ બતાવી રહ્યા છે તેમાં બાબા સાહેબની તસવીર સાથે જય ભીમ લખી દેવામાં આવ્યું છે.

હકીકતમાં આ તસવીર 23 જાન્યુઆરી 2017ની છે. તસવીર અમેરિકાના વોશીંગ્ટન સ્થિત ઓવલ કચેરીમાં લેવામાં આવી હતી.

તસવીરમાં ડોનાલ્ડ ટ્રમ્પ જે ફાઇલને બતાવી રહ્યા છે તે એક અગત્યનો સરકારી આદેશ છે.

હકીકત એ છે કે 23 જાન્યુઆરી, 2017ના રોજ અમેરિકન સરકારે ટ્રાન્સ પેસિફિક પાર્ટનરશિપ (ટીપીપી) કરાર સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો હતો.

ચૂંટણી પ્રચાર દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે વાયદો કર્યો હતો કે તેઓ જેવા રાષ્ટ્રપતિ બનશે, ટીપીપીને સમાપ્ત કરી દેશે.

(આ સ્ટોરી ફેક ન્યૂઝ સામે લડત આપવા બનાવવામાં આવેલા પ્રોજેક્ટ 'એકતા ન્યૂઝરૂમ'નો ભાગ છે)

જો આપની પાસે આવા સમાચાર, વીડિયો, તસવીરો અથવા દાવા આવે છે, જેની ઉપર શંકા હોય તો તેની સત્યતા ચકાસવા માટે તમે તેને 'એકતા ન્યૂઝરૂમ'ને આ નંબર ઉપર +918929023625 વૉટ્સઍપ કરો અથવા અહીંયા ક્લિક કરો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો