You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પેપર લીક બાદ ચર્ચામાં આવેલી પોલીસ લોકરક્ષક દળની પરીક્ષા શું છે?
ગુજરાત પોલીસમાં લોકરક્ષક દળ વર્ગ-3 સંવર્ગની 9713 બેઠકો માટે રવિવારે પરીક્ષાઓ યોજાઈ હતી, પરંતુ એ પહેલાં પેપર લીક થયું હોવાના અહેવાલ બહાર આવતાં પરીક્ષા રદ કરી દેવાઈ હતી, જેના પગલે લાખો ઉમેદવારોએ હાલાકી ભોગવવી પડી હતી.
વિપક્ષ કોંગ્રેસે માગ કરી છે કે ગૃહ વિભાગનો હવાલો સંભાળતા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જવાબદારી સ્વીકારીને તેમના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ.
બીજી બાજુ, સરકારે તપાસ હાથ ધરવાની વાત કરી છે.
સમગ્ર ઘટનાક્રમ બાદ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તમામ જિલ્લા પોલીસ વડાઓને પત્ર પાઠવીને પેટ્રોલિંગ વધારી દેવા સૂચના આપવામાં આવી છે.
શું છે લોકરક્ષકદળ ભરતી ?
લોકરક્ષક બિન-હથિયારધારી પોલીસ કૉન્સ્ટેબલની 3151 (2,111 પુરુષ તથા 1040 મહિલા), હથિયારધારી પોલીસ કૉન્સ્ટેબલ માટે 6008 (4,026 અને 1982) તથા જેલ સિપાહી 554 (499 પુરુષ તથા મહિલા 55) કુલ 9713 બેઠકો માટે પરીક્ષા પ્રસ્તાવિત હતી.
સમગ્ર ભરતી પ્રક્રિયા દરમિયાન બિન અનામત વર્ગના 5,132 (3554 પુરુષો તથા 1578 મહિલાઓ), અનુસૂચિત જાતિની 643 (429 પુરુષ તથા 214 મહિલા), અનુસૂચિત જનજાતિની 1458 (996 પુરુષ તથા 462 મહિલા) તથા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે 7 (તમામ મહિલાઓ) માટે ભરતી થવાની હતી.
આ પદ માટે પાંચ વર્ષના ફિક્સ વેતનથી ભરતી કરવામાં આવે છે અને નિમણૂક મેળવનાર ઉમેદવારને માસિક 19,950નું ફિક્સ વેતન આપવામાં આવે છે.
15મી ઑગસ્ટ 2018ના દિવસે 6189 બેઠકો માટે જાહેરાત બહાર પાડવામાં આવી હતી. ત્યારબાદ વધુ 3524 બેઠકો ઉમેરવામાં આવતાં કુલ બેઠક સંખ્યા 9713 પર પહોંચી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ધો. 12 (કે સમકક્ષ) પરીક્ષામાં ઉત્તીર્ણ અને 18થી 33 વર્ષની ઉંમરના ઉમેદવારોને ભરતી માટે લાયક માનવામાં આવ્યા હતા. જોકે, એસસી, એસટી તથા એસઈબીસીને માટે ઉંમરમાં છૂટ આપવામાં આવે છે.
રવિવારે સવારે ગુજરાત પોલીસના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ અને લોકરક્ષક ભરતી બોર્ડના વડા વિકાસ સહાયે પત્રકાર પરિષદ ભરીને પેપર લીક થવાને કારણે પરીક્ષા મોકૂફ રાખવાની તથા પરીક્ષાની આગામી તારીખ હવે પછી જાહેર કરવાની વાત કરી હતી.
લોકરક્ષક દળના વડા સહાયના જણાવ્યા પ્રમાણે, 2440 કેન્દ્રો પર આઠ લાખ 75 હજાર ઉમેદવારો પરીક્ષા આપવાના હતા, તેની ગણતરીની કલાકો પૂર્વે પેપર લીક થતા તેને રદ કરી દેવાયું હતું.
તમે આ વાંચ્યું કે નહીં?
વિપક્ષની પ્રતિક્રિયા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ ટ્વીટ કરીને કહ્યું કે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ગૃહ વિભાગનો હવાલો સંભાળે છે, ત્યારે તેમણે પેપર લીક થવાની નૈતિક જવાબદારી લઈને તેમના પદ પરથી રાજીનામું આપવું જોઈએ.
દરમિયાન રવિવારે ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓની એક બેઠક ગાંધીનગરમાં મળી.
બેઠક બાદ ગુજરાત પોલીસના ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તથા એટીએસ (ઍન્ટિ-ટૅરરિસ્ટ સ્ક્વૉડ) દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
ઝાએ ઉમેર્યું કે આરોપીઓને ઓળખી લેવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં તેમને પકડીને જનતા સમક્ષ રજ કરવામાં આવશે.
દલિત આગેવાન તથા વડગામની બેઠક પરથી અપક્ષ ઉમેદવાર જિગ્નેશ મેવાણીએ કહ્યું:
"પેપર લિક થવાને કારણે ફરીથી પરીક્ષા લેવી પડે તે રાજ્યની વિજય રૂપાણી સરકાર માટે 'શરમજનક' બાબત છે."
"સમગ્ર ભરતી પ્રક્રિયા નવેસરથી હાથ ધરવી જોઈએ તથા ઉમેદવારોને થયેલો ખર્ચ આપવો જોઈએ." મેવાણીએ સમગ્ર પ્રકરણમાં તપાસની માગ કરી છે.
ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ બીબીસી સાથે વાતચીતમાં કહ્યું કે કોંગ્રેસ 'રાજકીય લાભ ખાટવા' ઉહાપોહ કરી રહી છે.
કોંગ્રેસના પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે સ્થાનિક પત્રકાર ભાર્ગવ પરીખ સાથે વાતચીતમાં કહ્યું કે પેપર લીક થવા મુદ્દે સીટિંગ જ્જની અધ્યક્ષતામાં જ્યુડિશિયલ ઇન્ક્વાયરી થવી જોઈએ.
રાજ્ય સરકારે હવે પછી પરીક્ષા આપવા આવનારને આવવા-જવાનું એસટીનું (સ્ટેટ ટ્રાન્સપોર્ટ) બસભાડું આપવામાં આવશે.
આક્રોશ સાથે પરીક્ષાકેન્દ્રથી પરત ફરી રહેલાં ઉમેદવારો કોઈ અનિચ્છનિય ઘટનાને અંજામ ન આપે તે માટે તમામ જિલ્લા પોલીસ વડાઓને સાવધ રહેવા તથા પેટ્રોલિંગ વધારવા સૂચના આપવામાં આવી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો