96 કિલો વજન હોવા છતાં પણ શા માટે અભિનેત્રી બનવા ઇચ્છતાં હતાં સારા અલી ખાન?

સારા બાળપણથી જ અભિનેત્રી બનવાનું સપનું જોતાં હતાં પણ 96 કિલો વજન સાથે આ સપનું પૂરું કરવું અશક્ય જણાતું હતું. સ્કૂલ-કૉલેજમાં બધાં તેમને જાડી કહીને બોલાવતાં હતાં.

સારા અલી ખાનની બે ફિલ્મો આવી રહી છે, ' કેદારનાથ' અને 'સિમ્બા'.

સારા જણાવે છે, ''આમ તો કરીના દરેક વસ્તુ સુંદર રીતે જ કરતી હોય છે પણ હું એમની પાસેથી જે એક ચીજ શીખવા માંગું છું તે છે જીવનનું સંતુલન, અને ઇશ્વરેચ્છાથી એક દિવસ હું એ જરૂર એમની પાસેથી શીખીશ.''

બાળપણમાં સારા એક ભૂમિકા પ્રત્યે આકર્ષિત થયાં હતાં અને તે ભૂમિકા હતી 'કભી ખુશી કભી ગમ'માં કરીના કપૂરની 'પૂ'ની.

સારાએ તો સપનામાં પણ વિચાર્યું નહોતું કે આ એમની મનપસંદ 'પૂ' એમના પપ્પાની બીજી પત્ની બનશે.

કૉલેજના બીજા વર્ષમાં વિચાર્યું હતું એક્ટર બનવા અંગે

બીબીસી એશિયન નેટવર્કના હારૂન રશીદ સાથે કરેલી વાતચીતમાં સારા અલી ખાન જણાવે છે, ''23 વર્ષથી હું આ સપનું જોઈ રહી છું.''

''પણ ચાર-પાંચ વર્ષની ઉંમરથી જ મેં વિચારી લીધું હતું કે મારે એક્ટિંગ જ કરવી છે.''

બાળપણથી જ ઍક્ટિંગનો શોખ ધરાવતી સારાએ સ્કૂલમાં ઍડમિશન આપનારાં હેડમાસ્તરને ફોન પર જ દમા દમ મસ્ત કલંદર ગીત સંભળાવી સ્કૂલમાં સરળતાથી ઍડમિશન મેળવી લીધું હતું.

સારા જણાવે છે, ''કૉલેજનું બીજું વર્ષ પૂરું થતાં સુધીમાં તો મેં મન બનાવી લીધું હતું કે મારે ઍક્ટર જ બનવાનું છે. ત્રીજા વર્ષથી મેં વજન ઘટાડવાનું શરૂ કરી દીધું.''

સારા જણાવે છે, ''મેં કેદારનાથ ફિલ્મમાં ભૂમિકા ભજવવા માટે સંમતિ આપી દીધી હતી, પણ જ્યારે શૂટિંગ કરવા પહોંચી ત્યારે ખબર પડી કે કેટલી મહેનત કરવી પડશે.''

''ટ્રેલરમાં એક સીન છે જેમાં હું ગંગામાં ડૂબકી મારી રહી છું. એ વખતે ઘણી ઠંડી હતી,''

''એવું લાગતું હતું કે જાણે હમણાં જ પ્રાણ નીકળી જશે. પરંતુ સેટ પર કામ કરવાની ખાસ તકલીફ ના પડી.''

''ત્યાં બધું સરળતાથી થઈ જતું હતું. સેટ પરથી પરત ફર્યા પછી લાગતું કે તબિયર ખરાબ છે કે પગમાં દુખાવો છે પણ કેમેરા સામે તો કશું યાદ જ આવતું નહોતું.''

નજીકના ભવિષ્યમાં જ સારા અલી ખાન બે ફિલ્મોમાં અદાકારી કરતાં નિહાળવા મળશે.

એક ફિલ્મ છે અભિષેક કપૂરની કેદારનાથ અને બીજી રોહિત શેઠ્ઠીની સિમ્બા, જે કેદારનાથના ત્રણ અઠવાડિયાં બાદ 28 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો