ભારત સહિત આ દેશો પેટ્રોલથી ચાલતા વાહનો પર પ્રતિબંધ મૂકશે

ભારતમાં પેટ્રોલ-ડીઝલ ભાવ વધારાને લઈને કોંગ્રેસ દ્વારા 'ભારત બંધ'નું એલાન કરવામાં આવ્યું. જો પેટ્રોલ-ડીઝલની વાત કરવામાં આવે તો તેના ભાવ દિવસેને દિવસે આકાશ આંબી રહ્યા છે.

બીજી તરફ કેન્દ્રની મોદી સરકાર આ ભાવવધારાને કાબૂમાં લેવા અસફળ જણાઈ રહી છે.

એટલે સુધી કે રાજસ્થાનમાં ભાજપના એક મંત્રીએ એવું નિવેદન આપ્યું કે પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે એટલા માટે લોકોએ અન્ય ખર્ચાઓ પર કાબૂ કરવો જોઈએ.

ગુજરાતમાં અમદાવાદ તરફ નજર કરવામાં આવે તો ત્યાં પેટ્રોલનો ભાવ 80 રૂપિયા અને ડીઝલનો ભાવ 78 રૂપિયાની આળેગાળે છે.

ભારતમાં પેટ્રોલ-ડીઝલ વાહનો પર પ્રતિબંધ?

દુનિયામાં ભારત સહિત અમુક દેશ એવા છે જેમણે પેટ્રોલ-ડીઝલના વાહનો પર પ્રતિબંધ મૂકવાનું વિચારી લીધું છે.

આ યાદીમાં જર્મની, નોર્વે, ભારત, ફ્રાન્સ, યુકે, નેધરલેન્ડ્સ અને ચીનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઓસ્ટ્રિયા, ડેનમાર્ક, આયર્લેન્ડ, જાપાન, પોર્ટુગલ, કોરિયા અને સ્પેન પણ આ દિશામાં વિચારી રહ્યું છે.

પરંતુ ભારત સિવાયના આ દેશોના આ નિર્ણય પાછળનું કારણ પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો નહીં પરંતુ પર્યાવરણ પ્રત્યેની ગંભીરતા હોઈ શકે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ફ્રાંસ

યુરોપીયન દેશ ફ્રાન્સે પેરિસ ક્લાઇમેટ સંધી અંતર્ગત પેટ્રોલ- પર વર્ષ 2017માં પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો હતો.

વર્ષ 2040 સુધીમાં સંપૂર્ણપણે પેટ્રોલ-થી ચાલતા તમામ વાહનોનું વેચાણ બંધ કરી દેવાનો ધ્યેય ફાંસનો છે.

આ વાહનોના વિકલ્પ રૂપે ફ્રાન્સ ઇલેક્ટ્રિક વ્હિકલ એટલે કે વીજળીથી ચાલતા વાહનોનો ઉપયોગ કરશે.

યુનાઇટેડ કિંગ્ડમ

વર્ષ 2017માં યુકેની સરકારે જાહેરાત કરી હતી કે પર્યાવરણની જાળવણી અને હવાના પ્રદૂષણની ગંભીરતાને જોતા વર્ષ 2040 સુધી યુકેમાંથી પ્રટ્રોલ અને ડીઝલ વાહનોને પ્રતિબંધિત કરી દેવામાં આવશે.

આ માટે પગલાંને પાર પાડવા માટે સરકારે 255 મિલિયન પાઉન્ડ રકમની પણ જાહેરાત કરી હતી.

યુકેમાં નવી કારના વપરાશકર્તાઓની વાત કરવામાં આવે તો વર્ષ 2010માં પેટ્રોલ કાર વાપરનારની સંખ્યા અંદાજે 12 લાખની આસપાસ હતી, જ્યારે ડીઝલ કારના વપરાશકર્તાઓની સંખ્યા 9 લાખ હતી.

પેટ્રોલ-ડીઝલના વપરાશકર્તાઓની આ જ સંખ્યા વર્ષ 2016માં વધીને 14 લાખની આસપાસ પહોંચી ગઈ હતી.

યુકેમાં વર્ષે લગભગ 40 હજાર લોકોનાં મૃત્યુ હવાના પ્રદૂષણને કારણે થતું હોવાનું માનવામાં આવે છે.

ચીન

દુનિયામાં સૌથી મોટું કારનું માર્કેટ ધરાવતા ચીને પણ ગત વર્ષે જ જાહેરાત કરી હતી કે દેશમાં પેટ્રોલ અને ડીઝલ વાહનોનું વેચાણ અટકાવવામાં આવશે.

સરકારે કહ્યું હતું કે અમે આ દિશામાં વિચારી રહ્યા છે. પરંતુ સંપૂર્ણ રીતે જાહેર નહોતું કર્યું કે કયા વર્ષથી આ વાહનોને પ્રતિબંધિત કરવામાં આવે.

ગત વર્ષે જ ચીન વિશ્વના કુલ કાર ઉત્પાદનમાં ત્રીજા સ્થાને રહ્યું હતું. ચીનની માલિકી ધરાવતી કાર કંપની વોલ્વોએ જાહેરાત કરી હતી કે 2019 સુધીમાં તેઓ સંપૂર્ણ રીતે ઇલેક્ટ્રિક્ટ કારનું ઉત્પાદન કરશે.

આ સાથે જ વિશ્વની જાણીતી કાર્સ કંપનીઓ જેવી કે નિશાન અને ફોર્ડ પણ ચીનમાં ઇલેક્ટ્રિક કારના ઉત્પાદન પર કામે લાગી ગઈ છે. ચીનનું માનવું છે કે આ પગલાને કારણે દેશમાં ઓઇલની આયાત ઘટશે.

ઉલ્લેખનીય છે કે અમેરિકા બાદ ચીન વિશ્વમાં બીજા નંબરનો સૌથી વધુ ઓઇલ આયાત કરતો દેશ છે.

ભારત

ગત વર્ષે જ કેન્દ્રની મોદી સરકારે એવી જાહેરાત કરી હતી કે વર્ષ 2030 સુધીમાં પેટ્રોલ અને ડીઝલથી ચાલતી તમામ કારો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવશે. મતલબ કે વર્ષ 2030માં સંપૂર્ણ ઇલેક્ટ્રિક કારોનું વર્ચસ્વ સ્થાપિત થશે.

ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઑફ મોટર વ્હિકલ મેન્યુફેક્ચર્સના આંકડા મુજબ ભારતમાં 28.6 મિલિયન (2.86 કરોડ) કાર્સ, જીપ અને ટેક્સીઓ છે.

ગ્રીનપીસ ઇન્ડિયાના એક રિપોર્ટ મુજબ ભારતમાં દરવર્ષે 1.2 મિલિયન (1.2 કરોડ) લોકો હવાના પ્રદૂષણને કારણે મૃત્યુ પામે છે.

ભાવનો તફાવત

હાલમાં જ કોંગેસે એક ટ્વીટ કરીને યુપીએ અને એનડીએની સરકારમાં ઇંધણના ભાવની તુલના બતાવતી માહિતી રજૂ કરી હતી.

યુપીએ સરકારમાં પેટ્રોલનો ભાવ 71 રૂપિયા હતો જ્યારે એનડીએમાં આ ભાવ 79 રૂપિયાની આસપાસ છે. કોંગ્રેસની સરકારમાં એક્સાઇઝ ડ્યૂટી 9.20 રૂપિયા પ્રતિ લિટર લાગતી હતી જે એનડીએ સરકારમાં 19.48 રૂપિયા લાગે છે.

યુપીએ સરકારમાં ડીઝલ 55 રૂપિયે વેચાતું હતું જ્યારે એનડીએ સરકારમાં 71 રૂપિયાને પાર પહોંચી ચૂક્યું છે. યુપીએ સરકારમાં ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી 3.46 રૂપિયા પ્રતિ લિટર હતી જે એનડીએ સરકારમાં વધીને 15.33 રૂપિયા થઈ ગઈ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો