You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Assembly Election: અમને વધારે મતો મળ્યા છતાં અમારી હાર થઈ : શિવરાજસિંહ ચૌહાણ
મધ્ય પ્રદેશમાં ત્રણ વખતથી મુખ્ય મંત્રી રહી ચૂકેલા શિવરાજસિંહ ચૌહાણે આજે રાજ્યપાલને મળીને રાજીનામું આપ્યું હતું.
શિવરાજસિંહ ચૌહાણ આજે મધ્ય પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલને રાજભવનમાં મળ્યા હતા અને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું હતું.
આ સાથે જ તેમણે મધ્ય પ્રદેશમાં ભાજપની હારની જવાબદારી પોતાના શીરે લીધી હતી.
તેમણે કહ્યું, "મેં મારું રાજીનામું રાજ્યપાલને આપી દીધું છે. ભાજપની હારની તમામ જવાબદારી મારી છે."
રાજભવનની બહાર પત્રકારો સાથે વાત કરતાં કહ્યું, "પક્ષના કાર્યકરો એ ખૂબ મહેનત કરી હતી. લોકોએ અમને ખૂબ પ્રેમ આપ્યો."
"અમને વધારે મતો મળ્યા છતાં અમે બહુમતી મેળવી શક્યા નહીં."
"હું કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કમલનાથજીને અભિનંદન પાઠવું છું."
રાહુલ ગાંધી નક્કી કરશે કે રાજસ્થાનમાં કોણ મુખ્ય મંત્રી બનશે
રાજસ્થાનમાં કૉંગ્રેસને બહુમતી મળ્યા બાદ હવે એ પ્રશ્ન ચર્ચામાં આવ્યો છે કે અહીં કોણ મુખ્ય મંત્રી બનશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાલ રાજસ્થાનમાં કૉંગ્રેસમાંથી ચૂંટાઈને આવેલા ધારાસભ્યોની મિટિંગ જયપુરમાં ચાલી રહી છે.
જેમાં મુખ્ય મંત્રી કોણ બનશે તે મુદ્દાની સાથે અન્ય બાબતો પર પણ ચર્ચા થઈ રહી છે.
કૉંગ્રેસ લેજિસ્લેચર પાર્ટીએ આજે એક ઠરાવ પસાર કર્યો છે કે રાજસ્થાનના મુખ્ય મંત્રીનો તાજ કોણે આપવો તે રાહુલ ગાંધી નક્કી કરશે.
કૉંગ્રેસના જનરલ સેક્રેટરી અવિનાશ પાંડે અને પક્ષના ઑર્બ્ઝવર કે. સી. વેણુ ગોપાલે પણ આ મિટિંગમાં પોતાના પક્ષ રાખ્યા હતા.
હાલ તો રાજસ્થાના પૂર્વ મુખ્ય મંત્રી અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગહેલોત અને રાજસ્થાન કૉંગ્રેસના પ્રમુખ અને યુવા નેતા સચિન પાઇલટનું નામ મુખ્ય મંત્રીની રેસમાં આગળ છે.
શત્રુઘ્ન સિંહાના ભાજપ પર પ્રહાર, કહ્યું તાળી કૅપ્ટનને તો ગાલી પણ કૅપ્ટનને
ભાજપના નેતા અને બોલીવૂડ અભિનેતા શત્રુઘ્ન સિંહાએ ભાજપની હાર પર ટોણો માર્યો છે.
તેમણે ટ્વિટ કરીને રાહુલ ગાંધીને જીત માટે અભિનંદન આપતાંની સાથે જ તેમના વખાણ પણ કર્યાં છે.
તેમણે કહ્યું કે હવે તમે જ કહો કે કોણ પપ્પુ છે અને હવે કોણ ખરેખર ફેંકુ છે.
શત્રુઘ્ન સિંહાએ કહ્યું કે રાહુલ ગાંધીએ ફરીથી પોતાનો કરિશ્મા બતાવ્યો છે.
તેમણે કોઈનું નામ લીધા વિના આડકતરી રીતે ભાજપની લીડરશીપ પર પ્રહાર કર્યા હતા.
તેમણે એમ પણ કહ્યું કે જો જીત માટે તાળી કપ્તાનને મળતી હોય તો હાર માટે ગાલી પણ તેમને મળી જોઈએ. તમે એવું નથી વિચારતા રાહુલ ગાંધી.
શિવરાજના રાજીનામા બાદ કૉંગ્રેસે સરકાર રચવાનો દાવો કર્યો
મધ્ય પ્રદેશનું કૉંગ્રેસના ડેલિગેશને મધ્ય પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલને મળીને સરકાર રચવાનો દાવો રજૂ કર્યો છે.
આજે 11 વાગ્યે મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી પદ પરથી ભાજપના શિવરાજ સિંહે રાજીનામું આપ્યા બાદ કૉંગ્રેસના નેતા રાજ્યપાલને મળવા માટે ગયા હતા.
તેમણે રાજભવનમાં આનંદીબહેનને મળીને રાજ્યમાં કૉંગ્રેસની સરકાર રચવાનો દાવો કર્યો હતો.
આ મામલે પત્રકારો સાથે વાત કરતાં કૉંગ્રેસના નેતા નરેન્દ્ર સલુજાએ કહ્યું હતું કે અમે રાજ્યપાલને મળ્યા હતા.
તેમણે કહ્યું, "અમે રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો રજૂ કર્યો છે અમને 121 ધારાસભ્યોનું સમર્થન છે."
મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસને 114 અને ભાજપને 109 બેઠકો મળી છે.
ઉપરાંત બહુજન સમાજ પાર્ટીને 2 અને સમાજવાદી પાર્ટીને 1 બેઠક મળી છે.
શિવરાજસિંહે ચૌહાણનું મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી પદેથી રાજીનામું
230 બેઠકો ધરાવતી મધ્ય પ્રદેશ વિધાનસભામાં ભાજપ કે કૉંગ્રેસ કોઈ બહુમતી મેળવી શક્યા નથી.
ભાજપ મધ્ય પ્રદેશમાં 109 બેઠકો જ જીતી શકી છે તો કૉંગ્રેસ પણ 116ના જાદુઈ આંકડા સુધી પહોંચતાં પહોંચતાં રહી ગઈ છે.
આ દરમિયાન શિવરાજસિંહ ચૌહાણે રાજ્યના મુખ્યમંત્રીના પદેથી રાજીનામુ ધરી દીધું છે.
તેમણે મધ્ય પ્રદેશનાં રાજપાલ આનંદીબહેન પટેલને મળીને રાજભવનમાં પોતાનું રાજીનામું આપી દીધું હતું.
ચૂંટણી પરિણામ બાદ પ્રથમ વખત પ્રતિક્રિયા વ્યક્ત કરતા તેમણે જણાવ્યું, ''કોઈને સ્પષ્ટ બહુમતી નથી મળી. ભાજપને મત વધુ મળ્યા પણ સંખ્યબળની દૃષ્ટિએ અમે પછડાઈ ગયા.''
''એટલે હું સૌની સામે શીશ ઝુકાવું છું. હું રાજ્યપાલને રાજીનામું આપવા જઉં છું.''
શિવરાજસિંહ ચૌહાણે હારની જવાબદારી સ્વીકારતા કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયાને શુભકામના પણ પાઠવી છે.
2019 પહેલાંની સેમિફાઇનલ, કૉંગ્રેસે બાજી મારી : હાર્દિક પટેલ
પાટીદાર અનામત આંદોલન સમિતિ'(પાસ)ના નેતા હાર્દિક પટેલ પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામ અંગે પ્રતિક્રિયા વ્યક્ત જણાવ્યું હતું, 'રાહુલ ગાંધીએ ઇમાનદારીથી લોકોના દિલ જીતી લીધાં છે.'
કૉંગ્રેસને જીતની શુભેચ્છા પાઠવતા હાર્દિકે કહ્યું, ''હજુ પણ હું ઈવીએમ મશીન પર ભરોસો નથી કરતો.''
તમે આ વાંચ્યું કે નહીં?
તેમણે, ''2019માં નરેન્દ્ર મોદીનો સીધો મુકાબલો રાહુલ ગાંધી સાથે'' થવાની પણ વાત કરી.
આ દરમિયાન 'ન્યૂઝ 18' સાથેની વાતચીતમાં હાર્દિકે આ પરિણામને 2019 પહેલાંના 'સેમિ-ફાઇનલ' ગણાવ્યાં અને તેમાં કૉંગ્રેસે બાજી મારી લીધી હોવાની પણ વાત કરી.
નોંધનીય છે કે રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગણામાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો કૉંગ્રેસ તરફી રહ્યાં હતાં.
મધ્ય પ્રદેશની ચૂંટણીનાં પરિણામ મોડાં કેમ આવ્યાં?
પાંચ રાજ્યોની ચૂંટણીમાં ચાર રાજ્યોનાં પરિણામ આવી ગયાં પરંતુ મધ્ય પ્રદેશનાં પરિણામ માટે બીજા દિવસ સુધી તમારે રાહ જોવી પડી હતી?
મધ્ય પ્રદેશમાં 11 ડિસેમ્બરના રોજ સવારે આઠ વાગ્યે શરૂ થયેલી મતગણતરીમાં કેટલીક બેઠકોની મતગણના 12 ડિસેમ્બરના સવાર સુધી થતી રહી.
આખરે 12 ડિસેમ્બરના સવારે આઠ વાગ્યા બાદ જ તમામ 230 બેઠકોની મતગણના પૂર્ણ થઈ શકી હતી.
મધ્ય પ્રદેશના પરિણામોમાં થયેલી ઢીલને જોઈને લોકો કહી રહ્યા છે કે બૅલેટ પેપરવાળા દિવસો યાદ આવી ગયા.
ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ થયો હોવા છતાં આટલી વાર શા માટે લાગી?
ચૂંટણી પંચના હવાલાથી ઘણા અહેવાલો પ્રકાશિત થયા છે કે વોટર વૅરિફાએબલ પેપર ઑડિટ ટ્રેલ એટલે કે વીવીપીએટી સાથે બીજી વખત ખાતરી કરવાને કારણે આટલું મોડું થયું.
મધ્ય પ્રદેશની તમામ 230 વિધાનસભા વિસ્તારનાં મતગણના કેન્દ્રોમાંથી કોઈને કોઈ એક ઈવીએમ સાથે મતોની ગણતરીની ખાતરી વીવીપીએટ સાથે કરવામાં આવી છે.
આ કારણને મતગણતરીમાં થયેલી ઢીલનું કારણ ગણાવવામાં આવી રહ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો