મધ્ય પ્રદેશનાં પરિણામને જોતાં તમામ આધાર આનંદીબહેન પર શા માટે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

મધ્ય પ્રદેશમાં ચૂંટણી પરિણામો ત્યાં રાજકીય રીતે પ્રવાહી સ્થિતિ ઊભી કરવાના અણસાર આપે છે.

ભાજપ-કૉંગ્રેસ બંને માટે બહુમતથી હાથવેંતનું છેટું રહેશે તેમ જણાય છે.

આ સંજોગોમાં માયાવતીનો બહુજન સમાજ પક્ષ તથા અન્ય અપક્ષોની પાસે સત્તાની ચાવી છે.

જોકે, ખરેખર તો ગુજરાતનાં પૂર્વ મુખ્ય મંત્રી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નજીક એવાં આનંદીબહેન પટેલની પાસે મધ્યપ્રદેશમાં આગામી સરકારના ગઠનનું હુકમનું પત્તું છે.

રાજ્યપાલ તરીકે હોદ્દાની રૂએ આનંદીબહેન પટેલ ઇચ્છે તે પક્ષ (કે ગઠબંધન)ને સરકાર રચવાનું આમંત્રણ આપી શકે છે.

શું છે બંધારણીય જોગવાઈ?

બંધારણનના વિશેષજ્ઞ સુભાષ કશ્યપના મતે,"બંધારણીય જોગવાઈઓ મુજબ રાજ્યમાં સરકાર રચવા માટે કોને આમંત્રણ આપવું, તેનો વિશેષાધિકાર રાજ્યપાલ પાસે રહેલો છે."

"જોકે, તેમની પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ એવી વ્યક્તિને સરકાર બનાવવા માટેનું આમંત્રણ આપે, જે સ્થિર સરકાર આપી શકવાની સ્થિતિમાં હોય."

"કયા પક્ષ (કે ગઠબંધન) પાસે બહુમત છે અને કોની પાસે નહીં, તેનો નિર્ણય માત્ર અને માત્ર વિધાનગૃહમાં વિશ્વાસમત પર મતદાન સમયે થઈ શકે."

પૂર્વ ઍટર્ની જનરલ સોલી સોરાબજીએ newsminuteને જણાવ્યું હતું, "સામાન્ય રીતે આવી સ્થિતિમાં (જ્યારે કોઈ એક પક્ષ કે ગઠબંધનને બહુમતી ન મળી હોય અને સ્થિતિ અસ્પષ્ટ હોય) ત્યારે રાજ્યપાલ સૌથી મોટા પક્ષને સરકાર રચવાનું આમંત્રણ આપે છે."

"જે પક્ષને સરકાર રચવાનું આમંત્રણ મળ્યું હોય, તેણે સામાન્ય રીતે એક અઠવાડિયામાં બહુમતી પુરવાર કરવાની હોય છે. આ ગાળા દરમિયાન જો વિરોધ પક્ષ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવે અને તે પસાર થઈ જાય તો થોડા સમય માટે રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય છે."

જો કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય તો પણ એવા સંજોગોમાં રાજ્યપાલની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બની રહે છે.

આપને આ પણ વાંચવું ગમશે

હવે આનંદીબહેન શું કરશે?

બીબીસી ઇન્ડિયાના ડિજિટલ એડિટર મિલિંદ ખાંડેકરના કહેવા પ્રમાણે, "હાલની સ્થિતિ પ્રમાણે, કૉંગ્રેસ બહુમતની નજીક છે. છતાંય હુકમનું પત્તું આનંદીબહેનના હાથમાં રહેશે."

"કૉંગ્રેસ અને ભાજપ એમ બંને પક્ષ રાજ્યપાલ સમક્ષ સરકાર રચવા માટે દાવો કરી શકે છે. જો બહુમતથી છેટું હોય તો તેઓ સમર્થન માટેના પત્ર રજૂ કરવાના રહેશે."

"ત્યારબાદ પોતાના વિવેકાધિકારનો ઉપયોગ કરતા તેઓ કોઈ પક્ષ કે ગઠબંધનને સરકાર રચવાનું આમંત્રણ આપી શકે છે."

ભોપાલથી બીબીસી સંવાદદાતા વિનીત ખરેના જણાવ્યા પ્રમાણે, "ચૂંટણીઓ દરમિયાન ભાજપે અપેક્ષા કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. આ કૉંગ્રેસ કે ભાજપ તરફી સ્પષ્ટ જનાદેશ નથી.

"આ સંજોગોમાં બહુજન સમાજ પક્ષ તથા સમાજવાદી પક્ષ જેવા નાના પક્ષો તથા અપક્ષ ધારાસભ્યો મહત્ત્વપૂર્ણ બની રહેશે."

વિનીતના ઉમેરે છે કે જ્યારે કોઈ પક્ષ સરકાર બનાવવા માટે રાજ્યપાલ સમક્ષ દાવો રજૂ કરશે અને તે માટે જરૂરી પુરાવા રજૂ કરશે, ત્યારે તેમની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બની રહેશે, કારણ કે હજુ સુધી કોઈ ગઠબંધન થયું નથી.

આવા સંજોગોમાં 'હોર્સ ટ્રેડિંગ' (ધારાસભ્યોના ખરીદ-વેચાણ)ની શક્યતાઓ પણ નકારાતી નથી.

આનંદીબહેન વજુભાઈવાળા વાળી કરશે?

આ વર્ષે કર્ણાટકમાં યોજાયેલા ચૂંટણીમાં જેડીએસ (જનતા દળ સેક્યુલર) અને કૉંગ્રેસના ચૂંટણી પછીના ગઠબંધનને સરકાર બનાવવા માટે દાવો કર્યો હતો.

તેની સામે ભાજપે પણ પોતાને અન્ય ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કરીને કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા પાસે સરકાર રચવાનો દાવો કર્યો હતો.

જેડીએસ અને કૉંગ્રેસના ગઠબંધન પાસે ભાજપ કરતાં વધારે બેઠકો હતી તેમ છતાં વજુભાઈએ ભાજપને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું હતું.

યેદિયુરપ્પાએ મુખ્ય મંત્રી તરીકે શપથ પણ ગ્રહણ કરી લીધા હતા, જે બાદ આ આખો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.

જોકે, યેદિયુરપ્પા વિધાનસભામાં બહુમતી સાબિત કરે તે પહેલાં જ રાજીનામું આપી દીધું હતું.

આ આખા મામલામાં વજુભાઈ વાળા પર કૉંગ્રેસ અને જેડીએસે પક્ષપાત કરવાના આક્ષેપ કર્યા હતા.

હવે મધ્ય પ્રદેશમાં કોઈને બહુમતી મળી નથી, રાજ્યપાલ પોતાની રીતે બહુમતી સાબિત કરી શકે તેવા પક્ષને સરકાર રચવા માટે આમંત્રણ આપી શકે છે.

ઉલ્લેખનીય છે કે વજુભાઈ વાળા જનસંઘના સમયથી ભાજપમાં જોડાયેલા હતા અને ત્યારબાદ તેઓ કર્ણાટકના ગવર્નર બન્યા હતા.

શિવરાજ સિંહ માટે મુશ્કેલી

2003થી મધ્યપ્રદેશમાં ભાજપનું શાસન છે. નવેમ્બર 2005થી વર્તમાન મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ પદભાર સંભાળી રહ્યા છે.

ચાર અન્ય રાજ્યોની સાથે મધ્ય પ્રદેશના ચૂંટણીનું પરિણામ પણ આવ્યું છે. ત્યારે ત્યાં પ્રવાહી રાજકીય સ્થિતિ ઊભી થઈ છે.

બસપા સુપ્રીમો માયાવતીએ મધ્ય પ્રદેશમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોને દિલ્હી બોલાવી લીધા છે.

ગુજરાતની જેમ જ મધ્ય પ્રદેશને પણ 'ઉગ્ર હિંદુત્વ'ની પ્રયોગશાળા માનવામાં આવે છે.

ગત લોકસભા ચૂંટણી દરમિયાન અહીં ભાજપને 29માંથી 27 બેઠકો મેળવી હતી.

રાજસ્થાન અને છત્તીસગઢમાં સ્પષ્ટ પરાજય બાદ મધ્ય પ્રદેશમાં સરકાર બને તે માટે ભાજપ 'શક્ય બધુંય' કરી છૂટશે?

કોણ છે આનંદીબહેન પટેલ?

ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી દેશના વડા પ્રધાન બન્યા, ત્યારે તેઓ 'આયર્ન લેડી' આનંદીબહેનને પદભાર સોંપી ગયા હતા.

આનંદીબહેન પટેલ ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતાં.

એક ગાંધીવાદી પરિવારમાં જન્મેલાં આનંદીબહેન શિક્ષિકા તરીકે ફરજ બજાવ્યા બાદ રાજકારણમાં આવ્યાં હતાં.

શાળાના પ્રવાસ દરમિયાન થયેલી દુર્ઘટનાનાં કારણે આનંદીબહેને 1987માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.

શાળાના પ્રવાસ દરમિયાન બે વિદ્યાર્થિની નર્મદા નદીમાં પડી ગઈ હતી.

તેમને ડૂબતી જોઈ નદીનાં ઝડપી વહેણમાં આનંદીબહેન કૂદી પડ્યાં અને બંને વિદ્યાર્થિનીઓના જીવ બચાવ્યાં હતાં.

મોદી ગુરુ અને આનંદીબહેન શિષ્યા

આનંદીબહેન સંઘની નજીક છે તથા તેમને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસપાત્ર માનવામાં આવે છે.

શંકરસિંહ વાઘેલા (તેઓ એ સમયે ભાજપમાં હતા) તથા નરેન્દ્ર મોદીએ તેમને ભાજપની મહિલા પાંખમાં જોડાવા પ્રોત્સાહિત કર્યાં હતાં.

તેઓ ભાજપની મહિલા પાંખના અધ્યક્ષ પણ બન્યાં હતાં. એ સમયે ગુજરાત ભાજપમાં મહિલાઓ ઓછી હોવાથી આનંદીબહેન ઝડપભેર પ્રગતિ કરી શક્યાં હતાં.

1994માં આનંદીબહેન રાજ્યસભાના સાંસદ બન્યાં હતાં. 1998માં માંડલ બેઠક પરથી ધારાસભ્ય બન્યાં હતાં.

કેશુભાઈ પટેલની સરકારમાં આનંદીબહેનને શિક્ષણ પ્રધાન બનાવવામાં આવ્યાં હતાં. એ તબક્કે પણ તેમને મોદીની નજીક માનવામાં આવતાં.

1995માં શંકરસિંહના બળવા વખતે તથા 2001માં કેશુભાઈને હટાવવાની માગ ઉઠી ત્યારે પણ આનંદીબહેન મોદીની સાથે રહ્યાં હતાં.

કેશુભાઈ બાદ મોદી મુખ્યપ્રધાન બન્યા, ત્યારે તેઓ થોડો સમય માટે શિક્ષણ પ્રધાન રહ્યાં. બાદમાં તેમને મહેસૂલ ખાતું સોંપવામાં આવ્યું હતું.

આનંદીબહેને પણ નર્મદા નહેર માટે જમીનની જરૂર હોય કે ટાટાને જમીન ફાળવવાની હોય, તમામ કામો સુપેરે પાર પાડ્યાં હતાં.

એ માટે આનંદીબહેનને વીરતા પુરસ્કાર પણ મળ્યો હતો. આ સમગ્ર ઘટના દરમિયાન તેઓ ભાજપના સંપર્કમાં આવ્યાં હતાં.

77 વર્ષીય આનંદીબહેન પટેલે ઑગસ્ટ 2016માં મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપી દીધું હતું. એ વખતે આનંદીબહેને ઉંમરનું કારણ આપ્યું હતું.

આનંદીબહેને ફેસબુક પર રાજીનામાની જાહેરાત કરીને ભાજપમાં નવો ચીલો ચાતર્યો હતો.

ત્યારબાદ તેઓ ગુજરાત ભાજપમાંથી રાજ્યપાલ બનનારા પ્રથમ મહિલા નેતા બન્યાં હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો