You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Assembly Election : શું 2019માં ભાજપના સૂપડાં સાફ થઈ જશે?
- લેેખક, રમેશ ઓઝા
- પદ, બીબીસી ગુજરાતી માટે
મંગળવારે પાંચ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીનાં પરિણામો આવતાં હતાં, ત્યારે રાજકીય નેતાઓ, રાજકીય સમીક્ષકો અને આમ આદમી એમ દરેકને મોઢે એક જ સવાલ હતો; 2019માં શું થશે?
પરિણામના દિવસે સાંજે રાહુલ ગાંધીની પત્રકાર પરિષદમાં પણ તેમને વારંવાર પૂછવામાં આવતું હતું કે '2019માં શું થશે અને કૉંગ્રેસ માટે વિજયની કેટલી શક્યતા છે?'
લોકસભાની સામાન્ય ચૂંટણીની પૂર્વે રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી યોજાય, ત્યારે આવો સવાલ પૂછાવો સ્વાભાવિક છે.
પરિણામોમાં લોકોનો છેલ્લામાં છેલ્લો મૂડ જોવા મળે છે.
2013માં આ જ રાજ્યોમાં (તેલંગણા છોડીને) વિધાનસભાઓની ચૂંટણી યોજાઈ ત્યારે 2014ની લોકસભાની ચૂંટણીમાં શું થશે એવો પ્રશ્ન પૂછવાની જરૂર નહોતી પડી.
સાફ દેખાતું હું કે કૉંગ્રેસનો પરાજય થશે. એ સમયે વાતવાતમાં રાજકીય બાબતે ટ્વિટ કરનારા ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ તો જાહેરાત પણ કરી દીધી હતી કે કૉંગ્રેસનો પરાજય નક્કી છે.
તેમણે સોનિયા ગાંધીને પવનની દિશા જોવાની સલાહ આપી હતી.
ઉત્તર ભારતનાં ત્રણ રાજ્યોનાં પરિણામો જોતાં પવનની દિશા શું સૂચવે છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ના, 2013માં કૉંગ્રેસ અને યુપીએનો પરાજય નિશ્ચિત છે એવી જે જાહેરાત કરવામાં આવી હતી, એવી જાહેરાત અત્યારે કરી શકાય એમ નથી.
થોડી એમાં ઉતાવળ ગણાશે. જોકે, ભાજપ સામે પ્રતિકુળળતાઓ સૂંડલામોઢે છે.
તમે આ વાંચ્યું કે નહીં?
ભાજપની પ્રતિકૂળતા
સૌથી મોટી પ્રતિકૂળતા ઉત્તર ભારતમાં ભાજપની બેઠકોની ઘનતા છે. 2014માં ભાજપને કુલ 282 બેઠકો મળી હતી. એ 282 બેઠકોમાંથી 241 બેઠકો ઉત્તર અને પશ્ચિમ ભારતનાં રાજ્યોમાંથી મળી હતી.
એ રાજ્યો છે; ઉત્તર પ્રદેશ(80/71), બિહાર (40/22), ઝારખંડ (14/12), મધ્ય પ્રદેશ (29/27), છત્તીસગઢ (11/10), મહારાષ્ટ્ર (48/23, શિવસેનાને 18. કુલ 41), ગુજરાત (26/26), રાજસ્થાન (25/25), દિલ્હી (7/7), હરિયાણા (10/7), હિમાચલ પ્રદેશ (4/4), ઉત્તરાખંડ (5/5) ઉપરાંત ચંદીગઢ અને દીવની એક-એક.
અમુક રાજ્યોમાં સોમાંથી સો ટકા, અમુકમાં સોમાંથી 95 ટકા, અમુકમાં 80થી 90 ટકા. સરેરાશ 80 ટકાની થઈ.
આ રાજ્યોમાં ભાજપને મળેલા મતોની વાત કરીએ તો સૌથી ઓછા બિહારમાં 29.40 ટકા (રાષ્ટ્રીય સરેરાશ કરતાં માત્ર દોઢ ટકો ઓછા) અને સૌથી વધુ ગુજરાતમાં 60.11 ટકા મત મળ્યા હતા.
આ રાજ્યોમાં મળેલા મતોની સરેરાશ 53 ટકા કરતાં વધુ એટલે કે રાષ્ટ્રીય સરેરાશ કરતાં બાવીસ ટકા વધુ.
આમ ઉત્તર અને પશ્ચિમ ભારતમાં 80 ટકાનો સ્ટ્રાઇક રેટ અને 53 ટકાની મતની સરેરાશ જાળવી રાખવી એ બહુ મુશ્કેલ કામ છે.
બીજું ઉપર જણાવેલાં રાજ્યો લોકસભાની કુલ 542 બેઠકોમાંથી 301 બેઠકો ધરાવે છે.
બીજા શબ્દોમાં કહીએ તો 2014માં સઘનપણે ભાજપ પ્રભાવિત પ્રદેશોની બહાર માત્ર 241 બેઠકો વધે છે.
આ 241 બેઠકો એવાં રાજ્યોમાં છે કે જ્યાં ભાજપનો ખાસ પ્રભાવ નથી. એટલે તો આ 241 બેઠકોમાંથી ભાજપને માત્ર 41 બેઠકો મળી હતી.
2019માં ઉપરનાં રાજ્યોમાં 80 ટકાનો સ્ટ્રાઇક રેટ જળવાય શકે એમ નહોતો.
નરેન્દ્ર મોદી અને અમિત શાહને એટલું તો 2014માં પરિણામો આવ્યાં ત્યારે જ સમજાઈ ગયું હશે કે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા આસમાને હતી અને શાસક તરીકેની મુઠ્ઠી બંધ હતી, ત્યારે ભાજપને કુલ મળીને 31 ટકા મત મળ્યા હતા અને જે સફળતા મળી હતી એ ઉત્તર અને પશ્ચિમ ભારતમાં થોકમાં મળી હતી.
આનો અર્થ એ થયો કે 69 ટકા મતદાતાઓએ નરેન્દ્ર મોદીની બ્રાન્ડ વૅલ્યૂની કોઈ વેલ્યૂ કરી નહોતી અને બીજું તેમની બ્રાન્ડ વૅલ્યૂ દક્ષિણ ભારતમાં અને પૂર્વ ભારતમાં અપીલ કરી શકી નહોતી.
આ 2014ની વાત છે, જયારે નરેન્દ્ર મોદી આસમાની ઊંચાઈની લોકપ્રિયતા ધરાવતા હતા.
મોદીની મુઠ્ઠી ઉઘાડી પડી
અત્યારે 2018નું વર્ષ સમેટવામાં છે અને આવતા વર્ષનો ફેબ્રુઆરી મહિનો પૂરો થતાની સાથે જ લોકસભાની ચૂંટણીની તૈયારી શરુ થઈ જશે.
આ બાજુ નરેન્દ્ર મોદીની મુઠ્ઠી ઉઘાડી પડી ગઈ છે, જે કાંઈ પણ તેમની પાસે હતું એ હવે જગતની સામે છે.
શૌર્ય, આવડત, વિઝન, નેતૃત્વ, રાજકીય સભ્યતા અને લક્ષ્મણરેખાઓનું ભાન, લોકોમાં આશા પેદા કરવાની અને સમર્થકોને કાંઈક બની રહ્યું છે એવો મૅસેજ આપીને જકડી રાખવાની તેમની શક્તિ એમ બધું જ હવે જગતની સામે છે.
સાડા ચાર વરસમાં નરેન્દ્ર મોદીની રાજકીય મૂડીમાં વધારો થયો હોય એવું તો બન્યું નથી.
એની વચ્ચે ભાજપ જ્યાં સઘન પ્રભાવ ધરાવે છે એ રાજ્યોનાં પરિણામો આવ્યાં છે અને એ એમ સૂચવે છે કે ભાજપના પ્રભાવની સઘનતામાં અડધો અડધની ઘટ થઈ છે.
આ તો બેઠકોની વાત થઈ. લોકપ્રિય મતોની સંખ્યામાં સરેરાશ સાત ટકાનો ઘટાડો થયો છે.
જો આ જ સરેરાશ બીજાં રાજ્યોમાં લાગુ કરવામાં આવે તો ભાજપ સહેજે 120 જેટલી બેઠકો ગુમાવશે.
બીજી પ્રતિકૂળતા વિરોધ પક્ષોની રણનીતિ નીવડી શકે એમ છે. 2014માં ભારતનાં દરેક રાજ્યોમાં ગેર-ભાજપ પક્ષો સ્વતંત્ર રીતે એકબીજાની સામે લડ્યા હતા.
આ વખતે તેઓ સંગઠિત થવાના છે. સંગઠિત થવા માટે તેમની પાસે મજબૂત કારણ પણ છે.
ભાજપની દાદાગીરીથી સાથી પક્ષોને તકલીફ
ભાજપ દાદાગીરી કરીને સાથી પક્ષો સહિત દરેક રાજકીય પક્ષોની રાજકીય જગ્યા હડપી જવાના બેત (મનસૂબા) રચે છે.
કોઈ પણ પ્રકારની માન-મર્યાદા અમિત શાહે અને ભાજપે જાળવી નથી. રાજકીય પક્ષો પોતાની રાજકીય જગ્યા બચાવવા અર્થાત્ અસ્તિત્વ ટકાવી રાખવા એક થવાના છે અને એ નિશ્ચિત વાત છે.
ઉત્તર અને પશ્ચિમ ભારતમાં બેઠકોની સઘનતા, શાસક તરીકેની નિષ્ફળતા અને વિરોધ પક્ષોની અફર એકતા વચ્ચે એમ કેમ કહી શકાય થોભો, હજુ ભાજપની વિદાય વિષે ખાતરીથી કહી શકાય એમ નથી?
આનું કારણ છે વિજય મેળવવા માટે કાંઈ પણ કરી શકવાની અને કોઈ પણ સ્તરે જઈ શકવાની નરેન્દ્ર મોદી-અમિત શાહની ક્ષમતા.
અત્યારે જ સમાજમાં તિરાડો પાડવાનું અને ધ્રુવીકરણ કરવાનું શરુ કરવા આવ્યું છે.
આવતા બે મહિનામાં કોઈ પણ સ્તરે જઈને ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ કરવામાં આવે તો આશ્ચર્ય નહીં પામતા.
રામજન્મભૂમિ યાત્રાને લોકોનો પ્રતિસાદ સાંપડ્યો નથી. એવી જ રીતે આ ત્રણ રાજ્યોમાં યોગી આદિત્યનાથે કરેલા કોમી પ્રચારનો પણ ભાજપને કોઈ ફાયદો થયો નથી.
આ ઉપરાંત ભાજપ પાસે વિપુલ માત્રામાં સંસાધનો છે. પ્રતિકૂળ સંજોગોમાં સાધનો કામમાં નથી આવતાં, પણ જો જરાક અનુકૂળતા સર્જાય તો સાધુની નાની અનુકૂળતાને મોટી અનુકૂળતામાં ફેરવી શકે છે.
એ અર્થમાં એ પણ એક પરીબળ છે. આવતા બેથી અઢી મહિના નિર્ણાયક છે.
(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે. તેમાં સામેલ તથ્યો તથા વિચાર બીબીસીના નથી તથા બીબીસી તેની કોઈ જવાબદારી નથી લેતું.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો