2019માં મોદી-શાહની હારની ભવિષ્યવાણી અત્યારે કેટલી યોગ્ય?

    • લેેખક, રાજેશ પ્રિયદર્શી
    • પદ, ડિજિટલ એડિટર, બીબીસી હિંદી

વિધાનસભા ચૂંટણીના પરિણામોનું વિશ્લેષણ હજુ થોડા સમય સુધી ચાલુ રહેશે પરંતુ અત્યાર સુધી જેટલી જાણકારી સામે આવી છે, તેના આધારે જ આ ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું આ નરેન્દ્ર મોદી અને અમિત શાહ માટે ખતરાની ઘંટડી છે?

વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં મોટી જીત બાદ બિહાર, દિલ્હીથી માંડીને પંજાબ સુધી ભાજપે ઘણી નાની મોટી હારનો સામનો કરવો પડ્યો છે.

તેમાં આ ઝટકો ખૂબ મોટો છે. 'કૉંગ્રેસ મુક્ત ભારત'નું સૂત્ર આપનારી પાર્ટી પાસેથી કૉંગ્રેસે ત્રણ રાજ્યો છીનવી લીધાં છે.

જોકે, આ પરિણામોના આધારે 2019 માટે કોઈ નિષ્કર્ષ કાઢવો એ થોડી ઉતાવળ હશે. આવું માનવાનાં ઘણાં કારણો છે.

સૌથી પહેલી વાત તો એ છે કે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં હજુ આશરે ચાર મહિના બાકી છે.

અત્યારે જે ગરમાગરમી જોવા મળી રહી છે તે લોકસભા ચૂંટણી સુધી ચાલશે.

વિધાનસભા ચૂંટણીનાં પરિણામો નિશ્ચિત રૂપે પાર્ટીઓના મનોબળ પર અસર કરે છે પરંતુ તેના મહત્ત્વને યોગ્ય રીતે સમજવાની જરૂર છે.

અંગ્રેજીની એક કહેવતના આધારે 'રાજકારણમાં એક અઠવાડિયાનો સમય ખૂબ લાંબો સમય હોય છે,' અહીં તો હજુ ચાર મહિનાનો સમય બાકી છે.

સાથે જ એ પણ યાદ રાખવું જોઈએ કે વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણીમાં લોકો અલગ અલગ રીતે મત આપે છે.

તેનું મોટું ઉદાહરણ છે, ફેબ્રુઆરી 2015માં યોજાયેલી દિલ્હી વિધાનસભાની ચૂંટણી કે જેમાં આમ આદમી પાર્ટીએ 70માંથી 67 બેઠક પર જીત મેળવી હતી, જ્યારે તેના થોડા જ મહિના પહેલાં મોદી લહેરથી કેન્દ્રમાં સરકાર બની હતી.

એ પણ સમજવું જોઈએ કે મોદીએ સંસદીય ચૂંટણીને અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણી સમાન બનાવી દીધી છે.

વર્ષ 2014ની જ જેમ, 2019ની ચૂંટણી પણ તેઓ પોતાની ખાનગી લોકપ્રિયતાના આધારે લડશે, જેમાં મુખ્ય સંદેશ એ જ હશે કે મોદી નહીં તો શું રાહુલ ગાંધી? એ જરા પણ જરૂરી નથી કે આ દાવ કામ કરી જાય.

તમે આ વાંચ્યું કે નહીં?

જે લોકોને વર્ષ 2004ની લોકસભા ચૂંટણી યાદ છે, તેઓ જાણે છે કે અટલ બિહારી વાજપેયી કેટલા લોકપ્રિય નેતા હતા.

તેમની સામે એક વિદેશી મહિલા હતાં કે જેઓ સારી રીતે હિંદી પણ બોલી શકતાં ન હતાં અને ત્યારે ઇન્ડિયા શાઇન કરી રહ્યું હતું.

તે સમયે પાર્ટીના મોટા નેતા પ્રમોદ મહાજને જોશ અને આત્મવિશ્વાસ સાથે જીતની ભવિષ્યવાણી કરી હતી.

તેમની ભવિષ્યવાણીથી રાજનીતિ કરતા લોકો અને તેના પર ટિપ્પણી કરતા લોકોએ શીખવું જોઈએ કે ભવિષ્યવાણીઓ ઘણી વખત ખોટી સાબિત થાય છે.

ભારતનો મતદાતા ક્યારે શું જનાદેશ આપશે, તે કહેવું ખૂબ મુશ્કેલ છે.

જોકે, 2004થી માંડીને અત્યાર સુધી ભારતના રાજકારણમાં ખૂબ ફેરફાર થયા છે પરંતુ એક વાત બદલી નથી.

તે છે મતદાતાના મનમાં ચાલતી સમસ્યાઓનું સમાધાન મેળવવામાં વારંવાર મળતી નિષ્ફળતા.

2004ની થોડી વધારે ચર્ચા કરી લેવામાં આવે તો કદાચ 2019ના ઊંડાણમાં ઊતરવામાં થોડી મદદ મળી જાય.

એ કંઈ ઓછી રસપ્રદ વાત નથી કે વર્ષ 2003માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં વાજપેયીના નેતૃત્વમાં ભાજપે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ કૉંગ્રેસ પાસેથી છીનવી લીધાં હતાં.

અટલ બિહારી વાજપેયીએ આ જ જીત બાદ અતિ આત્મવિશ્વાસમાં લોકસભાની ચૂંટણી જલદી કરાવવાનો નિર્ણય લીધો.

એ સમયે ભાજપને લાગ્યું હતું કે વાજપેયીની સામે સોનિયા ગાંધી ટકી શકશે નહીં.

પરંતુ જેવું ડિસેમ્બરમાં વિચાર્યું હતું, તેવું મે મહિનામાં થયું નહીં. ભાજપ ચૂંટણી હારી ગયો અને સરકાર કૉંગ્રેસે બનાવી.

કૉંગ્રેસને ખૂબ મહેનત બાદ ત્રણ રાજ્યોમાં સફળતા તો મળી છે, પરંતુ તેને 2019માં જીતની ગેરંટી માની શકાતી નથી, એમ વિચારવું ઉતાવળ હશે.

કૉંગ્રેસની સફળતાને ધ્યાનથી જોવામાં આવે તો ઘણી નાની મોટી વાતો સમજાય છે.

પહેલી વાત તો એ છે કે બે મોટાં રાજ્યો- મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કૉંગ્રેસ અને ભાજપનો વોટશેર લગભગ એક સમાન છે.

પરિણામોનાં વલણના સમયના ચૂંટણી પંચના આંકડા જણાવે છે કે બન્ને વચ્ચેનું અંતર વધુમાં વધુ એક ટકાનું છે.

આ ખૂબ જ ઓછા અંતરનો મતલબ છે કે આ ચૂંટણીનાં પરિણામો મોદીની લોકપ્રિયતા વધારે ઓછી થવાના સંકેત આપતા નથી.

પરંતુ એ વાત સામે ચોક્કસ આવી છે કે રાહુલ ગાંધી તેમની સામે એક પડકરારૂપે સામે આવી રહ્યા છે.

આ પડકાર અને મોદી-શાહની રણનીતિ આગામી ચાર મહિના સુધી ઘણા રસપ્રદ રાજકીય ખેલ બતાવશે.

તેનાથી એ નિષ્કર્ષ પણ ન કાઢવો જોઈએ કે 2019માં મોદી પરત ફરશે એ નક્કી છે. ઘણાં એવા ફેક્ટર ભાજપને અનુકૂળ નથી.

મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ ખૂબ મજબૂત માનવામાં આવી રહ્યો છે.

આ રાજ્યોમાં કુલ 65 લોકસભા બેઠક છે. મધ્ય પ્રદેશમાં 29, રાજસ્થાનમાં 25 અને છત્તીસગઢમાં માત્ર 11 લોકસભા બેઠક છે.

વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની મોટી જીતમાં આ રાજ્યોનું મહત્ત્વનું યોગદાન રહ્યું હતું.

મધ્ય પ્રદેશમાં 27, રાજસ્થાનમાં 25 અને છત્તીસગઢમાં 10 બેઠક, એમ કરીને કુલ 62 બેઠકો આ ત્રણ રાજ્યોમાંથી મેળવી હતી.

જો જનતાનો વર્તમાન મૂડ યથાવત રહ્યો તો ભાજપને આ રાજ્યોમાં બેઠકનું નુકસાન ચોક્કસ થશે.

પરંતુ મોદી વિરોધીઓએ એ ન ભૂલવું જોઈએ કે મોદી-શાહની જોડીએ દેશમાં ચૂંટણી લડવાની રીતને બદલી નાખી છે.

તેમણે જીત માટે કોઈ પણ હદ સુધી જવાના પોતાના જુસ્સાથી ઘણી વખત લોકોને આશ્ચર્યચકિત કર્યા છે.

2019ની લોકસભા ચૂંટણી તેઓ આ વિધાનસભા ચૂંટણીની જેમ નહીં લડે.

જોતા જાઓ, આગળ આગળ શું થાય છે! પરિણામ બહાર લાવવા તેમજ ખતરાની ઘંટડી વગાડવામાં આટલી ઉતાવળ કરવી યોગ્ય નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો