You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અંતરિક્ષની દુનિયામાં લોકોને લઈ જઈ શકશે હવાથી પણ હલકા આ ફુગ્ગા
- લેેખક, ડેવિડ હૈમ્બલિંગ
- પદ, બીબીસી ફ્યૂચર
આજે તમને આગામી ભવિષ્યની બારીની બહારની એક તસવીર બતાવીએ. પરિસ્થિતિ કંઈક એવી છે: ધરતીની ઉપર કોઈ જગ્યાએ બેઠેલા પ્રવાસીઓ પોતાની બારીમાંથી ઉત્સાહ સાથે દૃશ્ય જોઈ રહ્યા છે. તેઓ કાળા આકાશમાં ઝગમગતા તારા જોઈ રહ્યા છે.
તેમની નીચે ધરતી ચમકતી જોવા મળે છે. પ્રવાસીઓ ખૂબ ઉત્સાહમાં છે. તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે ચંદ્ર અને તારા વચ્ચે બેસીને આ સુંદર દૃશ્ય જોવા મળશે.
એટલે તેમને તો વિશ્વાસ જ નથી થઈ રહ્યો કે તેઓ કોઈ એવી જગ્યાએ પહોંચી ગયા છે કે જ્યાંથી ચંદ્ર અને તારાઓને સ્પર્શવા જેવો અનુભવ કરી શકાય છે.
તમે વિચારશો કે આ ટૂરિસ્ટ કોઈ અંતરિક્ષયાનમાં બેઠા હશે, પરંતુ એવું નથી.
આ કોઈ સ્પેસક્રાફ્ટ નથી, પણ એક મોટો ફુગ્ગો છે અને તેને અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ છોડ્યો નથી.
ચીનના મંગોલિયાથી અંતરિક્ષના પ્રવાસે મોકલવામાં આવ્યો છે. તેમાં બેઠેલા પ્રવાસી પશ્ચિમી દેશોના નહીં, પણ ચીનના નાગરિક છે.
ભવિષ્યની આ તસવીર માત્ર કોરી કલ્પના નથી. પણ ખૂબ જલદી તમે તેને વાસ્તવિકતામાં પરિવર્તિત થતી જોઈ શકશો.
અંતરિક્ષની રેસમાં સામેલ થયેલા ટેકનિકના આ નવા ઘોડા અથવા તો એમ કહીએ કે ફુગ્ગા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે આ વાંચ્યું કે નહીં?
સ્પેસરેસમાં અમેરિકા દુનિયાની સૌથી મોટી શક્તિ
1958માં રશિયાએ સ્પુતનિક નામના સેટેલાઇટને અંતરિક્ષમાં મોકલીને દુનિયામાં હાહાકાર મચાવી દીધો હતો. તુરંત જ અમેરિકાએ પોતાની સ્પેસ એજન્સી નાસા (નેશનલ એરોનોટિક્સ ઍન્ડ સ્પેસ એજન્સી)નું ગઠન કર્યું.
શીતયુદ્ધ દરમિયાન ચાલેલી સ્પેસ રેસમાં આખરે અમેરિકાએ રશિયાને માત આપી. આજની તારીખમાં અંતરિક્ષની વાત કરવામાં આવે તો અમેરિકા દુનિયાની સૌથી મોટી શક્તિ છે.
પરંતુ સ્પુતનિક લૉન્ચ થયું, તેને હવે 60 વર્ષ વીતી ગયા છે. સ્પેસ રેસ અલગ જ માપદંડો સાથે થઈ રહી છે.
હવે મોટામાં મોટા સેટેલાઇટ લૉન્ચ કરવાના બદલે ફુગ્ગાથી અંતરિક્ષમાં નવી છલાંગ લગાવવામાં આવી રહી છે.
આ વિશે વધુ વાંચો
ફુગ્ગા અંતરિક્ષમાં ખૂબ કામના સાબિત થઈ શકે છે.
ધરતીથી લગભગ 30 કિલોમીટરની ઊંચાઈ પર તેમને સ્થાપિત કરીને સંચાર અને નિરીક્ષણ સાથે ઇન્ટરનેટ સેવાઓ આપવા માટે ઉપયોગમાં લઈ શકાય છે.
કોઈ ઉપગ્રહની સરખામણીએ આ ફુગ્ગા ખૂબ સસ્તા પડે છે.
જરૂર પડ્યે તેને સમારકામ માટે ફરી ધરતી પર લાવી શકાય છે.
'ફુગ્ગાના માધ્યમથી આકાશમાં પહોંચવા પ્રયાસ'
અંતરિક્ષમાં ફુગ્ગા મોકલવાની શરૂઆત નાસાએ 50ના દાયકામાં કરી હતી. આજે અમેરિકાની એજન્સી ફુગ્ગાનો ઉપયોગ વાયુમંડળીય રિસર્ચમાં કરે છે.
તેનાથી ધરતી પર નજર રાખી શકાય છે અને બ્રહ્માંડમાંથી આવતી કિરણોનું અધ્યયન કરી શકાય છે.
ઘણાં ફુગ્ગા તો પ્રખ્યાત સેંટ પૉલના ચર્ચ કરતા પણ સાત ગણા મોટા છે. તેને પ્લાસ્ટિકથી બનાવવામાં આવે છે અને તેમની જાડાઈ સેન્ડવિચ જેટલી હોય છે.
આ ફુગ્ગામાં મોટાભાગે હિલિયમ ગેસ ભરેલો હોય છે.
ફુગ્ગાની મુખ્ય સમસ્યા એ છે કે તે પોતાની જગ્યાએથી ઉડીને બીજી જગ્યાએ જવા લાગે છે.
પરંતુ હવે એવી ટેકનિક વિકસાવવામાં આવી રહી છે કે તેમને અંતરિક્ષમાં સ્થિર રાખી શકાય.
અમેરિકાની અંતરિક્ષ કંપની નૈનોરૉક્સના સીઈઓ જેફ્રી મૈનબર કહે છે કે અમે ફુગ્ગાને અંતરિક્ષમાં રાખવા માટે નવી નવી ટેકનિક પર કામ કરી રહ્યા છીએ.
જેફ્રીના જણાવ્યા અનુસાર, "આપણે ફરી એ જમાનામાં જઈ રહ્યા છીએ, જ્યારે ફુગ્ગાના માધ્યમથી આકાશમાં પહોંચવાનો પ્રયાસ કરતા હતા."
"ધરતીની ઉપર જે વાયુમંડળ છે તેનો સૌથી ઉપરનો ભાગ સ્ટ્રેટોસ્ફેયર તરીકે ઓળખાય છે. તેનું કારણ એ છે કે તેમાં ઘણા લેયર હોય છે અને હવા અલગ અલગ દિશાઓમાં ચાલે છે. પરિણામ એ આવે છે કે ફુગ્ગો ગમે તે દિશામાં ઉડીને જઈ શકે છે."
3 લાખ લોકોને ઇન્ટરનેટ સુવિધા
ગૂગલની માલિક કંપની અલ્ફાબેટ, અંતરિક્ષમાં ફુગ્ગા મોકલવા માટે 'પ્રોજેક્ટ લૂન' પર કામ કરી રહી છે.
તેના અંતર્ગત અલ્ફાબેટે અંતરિક્ષમાં ફુગ્ગા મોકલીને સંચાર સુવિધાઓ આપવાનું કામ કર્યું છે. ફુગ્ગામાં એવા મશીન લગાવવામાં આવી રહ્યા છે, જે હવાની દિશાના હિસાબે તેની ઊંચાઈ ઘટાડી કે વધારી શકે છે.
ગત વર્ષે જ પ્રોજેક્ટ લૂન અંતર્ગત પ્યૂર્ટો રિકોમાં આશરે ત્રણ લાખ લોકોને ઇન્ટરનેટની સુવિધા ફુગ્ગાના માધ્યમથી આપવામાં આવી હતી.
સમુદ્રી તોફાન મારિયાના કારણે પ્યૂર્ટો રિરોમાં ઇન્ટરનેટ સેવાઓ આપતી સિસ્ટમનો વિનાશ થયો હતો.
આ જ મશીનની સફળતાથી ઉત્સાહિત થઈને હવે અલ્ફાબેટ આ પ્રોજેક્ટને દુનિયાના બીજા ભાગોમાં લાગુ કરવાની તૈયારી કરી રહી છે.
ફુગ્ગાને અંતરિક્ષમાં મોકલવાના અઢળક ફાયદા
આ જ રીતે અમેરિકાના ટક્સન સ્થિત કંપની વર્લ્ડ વ્યૂ ફુગ્ગાની મદદથી ન માત્ર ઇન્ટરનેટ સુવિધા આપવા, પણ નિરીક્ષણના કામ કરવાનો પ્રયાસ પણ કરી રહી છે.
કંપનીનાં અધિકારી એંજલિકા ડેલુસિયા મૉરિસે કહે છે, "ફુગ્ગાને અંતરિક્ષમાં મોકલીને આપણે અઢળક ફાયદા ઉઠાવી શકીએ છીએ, જેમ કે જંગલમાં લાગેલી આગની દેખરેખ થઈ શકે છે. તોફાન અંગે જાણકારી મેળવી શકાય છે. સમુદ્રમાં દાણચોરી પર નજર રાખી શકાય છે. ખેતરમાં પાક પર પણ ધ્યાન રાખી શકાય છે."
આજથી ત્રણ વર્ષ પહેલા વર્લ્ડ વ્યૂ કંપનીનું લક્ષ્ય સ્વપ્ન સમાન લાગતું હતું, પરંતુ એક પછી એક સફળ ટેસ્ટ ફ્લાઇટ બાદ કંપનીને ઘણા સરકારી કૉન્ટ્રેક્ટ મળી ચૂક્યા છે.
ઘણી ખાનગી કંપનીઓએ પણ વર્લ્ડ વ્યૂને કામ સોંપ્યું છે. સૈન્ય અધિકારી પણ વર્લ્ડ વ્યૂના ફુગ્ગા, સ્ટ્રેટોલાઇટના ઘણા ફાયદા ગણાવે છે.
અમેરિકી સાઉથર્ન કમાન્ડના પ્રમુખ એડમિરલ કુર્ત ટિડ કહે છે, "આ ગેમ ચેન્જર ફૉર્મ્યુલા છે. તેનાથી દુનિયાના તમામ વિસ્તારો પર નજર રાખી શકાશે."
"આ જ ટેકનિકથી આપણે હવામાનમાં આવતા ફેરફાર પર નજર રાખી શકીએ છીએ, જેમ કે સમુદ્રી તોફાનના મૂવમૅન્ટ પર નજીકથી નજર રાખી શકાય છે."
અમેરિકા-ચીન વચ્ચે મજબૂત ટક્કર
વર્લ્ડ વ્યૂના હાલના સ્ટ્રેટોલાઇટ ફુગ્ગા આશરે 50 કિલો વજન ધરાવતા મશીન પોતાની સાથે લઈ જઈ શકે છે. તેમાં સૌરકોષ લાગેલા હોય છે, જેની મદદથી તે અનંતકાળ સુધી કામ કરી શકે છે.
હવે તો તેના કરતા પણ વધારે મોટા ફુગ્ગા બનાવવાની તૈયારી છે. મોટા ફુગ્ગાની મદદથી અંતરિક્ષમાં પ્રવાસીઓને પણ ફરવા માટે મોકલી શકાશે.
આ જ ટેકનિકથી કોઈ આફત દરમિયાન દૂર દૂરના વિસ્તારો સુધી મદદ પણ પહોંચાડી શકાય છે.
અમેરિકાની કંપનીઓને આ સેક્ટરમાં ચીનથી મજબૂત ટક્કર મળી રહી છે.
ચીનની કંપની કુઆંગશી સાયન્સ (KC)ની સ્થાપના 2010માં શેનઝાનમાં થઈ હતી. આ ફુગ્ગાથી બનેલા ઍરશિપને અંતરિક્ષમાં મોકલીને સંચાર સુવિધાઓ આપે છે.
આજકાલ આ કંપની ટ્રાવેલર બલૂન વિકસાવી રહી છે. તેના માધ્યમથી અંતરિક્ષમાં ટૂરિસ્ટ મોકલવાની યોજના છે.
કંપનીના પ્રમુખ ચાઊ ફેઈ કહે છે કે અમે રિમોટ સેન્સિંગ ટેકનિક અને દૂરસંચાર સુવિધાઓ આપવા પર ભાર આપી રહ્યા છીએ. ચાઊ કહે છે કે કોઈ સેટેલાઇટની સરખામણીએ આવા સંચાર ફુગ્ગા દસથી સો ગણા સુધી સસ્તા પડે છે.
2021 સુધી સ્પેસમાં કરી શકાશે પ્રવાસ
ટ્રાવેલર બલૂનના માધ્યમથી કેસી સાયન્સ, અંતરિક્ષમાં મુસાફરોને લઇ જવાના પ્લાન પર પણ કામ કરી રહી છે. ગત વર્ષે ઓક્ટોબરમાં કંપનીએ એક ફુગ્ગો અંતરિક્ષમાં મોકલ્યો હતો જેમાં એક કાચબો હતો.
તેને સુરક્ષિત ધરતી પર પરત લાવવામાં સફળતા મળી હતી. ચાઊનું માનવું છે કે 2021 સુધી તેમની કંપની એક લાખ ડૉલરની ટિકિટ પર લોકોને અંતરિક્ષના પ્રવાસ પર મોકલવા લાગશે.
આ સિવાય ટ્રાવેલર બલૂનની મદદથી ભવિષ્યમાં લૉન્ચ પેડ વિકસિત કરવામાં મદદ મળશે. તેનો મતલબ છે કે આ ફુગ્ગાથી અંતરિક્ષમાં નાના રૉકેટ અને નાના નાના રિસર્ચ સેટેલાઇટ પણ લૉન્ચ કરી શકાશે.
તેમની મદદથી ભવિષ્યમાં ડ્રૉન પણ લૉન્ચ કરી શકાશે.
કેસી સાયન્સના પ્રોજેક્ટમાં ચીનની સેના પણ રસ દાખવી રહી છે. ચીનની સેનાને લાગે છે કે આ સૈન્ય દેખરેખ માટે સસ્તું માધ્યમ બની શકે છે.
એટલે કે અંતરિક્ષમાં ઓછી ઊંચાઈ વાળી રેસ ખૂબ ઝડપથી આગળ પહોંચી રહી છે. હાલ તો અમેરિકા તેમાં સૌથી આગળ છે, પરંતુ ચીન પણ કંઈ ખાસ પાછળ નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો