ગુજરાતમાં પાંચ વર્ષમાં 1,000 જેટલી પ્રાથમિક કન્યા-શાળાઓ બંધ થઈ- પ્રેસ રિવ્યૂ

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, ગુજરાતમાં પાંચ વર્ષમાં 1,000 જેટલી પ્રાથમિક કન્યા-શાળાઓ બંધ થઈ ગઈ છે.

જ્યારે માધ્યમિક કન્યા-શાળાઓ (વર્ગ 9-10)ની સંખ્યા પણ છેલ્લાં પાંચ વર્ષમાં ઘટીને 167થી 132 થઈ ગઈ છે.

ગુરુવારે વિધાનસભામાં રજૂ થયેલા સામાજિક-આર્થિક સમીક્ષા અહેવાલ 2021-'22માં એ હકીકત બહાર આવી છે કે ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં પ્રાથમિક શાળાઓની કુલ સંખ્યા 44,545થી વધીને 45,023 થઈ ગઈ હતી પરંતુ આ સમયગાળામાં કન્યાઓ માટેની 1,000 જેટલી પ્રાથમિક શાળાઓ બંધ કરવામાં આવી છે.

કન્યા-શાળાઓની સંખ્યા 2016-17માં 1,429 હતી જે ઘટીને 2020-21માં 1,330 થઈ ગઈ હતી. સાથે પાંચ વર્ષમાં પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની નોંધણી 41.98 લાખથી ઘટીને 39.80 લાખ થઈ હતી.

જોકે, ઉચ્ચ શિક્ષણમાં સંસ્થાઓની સંખ્યામાં વધારો થવા સાથે વિદ્યાર્થિનીઓની નોંધણીમાં વધારો નોંધાયો છે.

વર્ષ 2016-17માં 2,094 ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં 5.9 લાખ વિદ્યાર્થિનીઓ નોંધાઈ હતી, તેની સામે વર્ષ 2020-17માં 2613 સંસ્થાઓમાં વિદ્યાર્થિનીઓની નોંધણી વધીને 7.12 લાખ થઈ ગઈ છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત

પીએમ મોદી 11 અને 12 માર્ચ દરમિયાન અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આયોજિત પંચાયતી રાજ સંમેલનમાં હાજરી આપશે.

આ સંમેલનને ડિસેમ્બરમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીના ઉપલક્ષમાં ભારે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયા સૂત્રોને હવાલે લખે છે કે આ સંમેલન સિવાય પીએમ મોદી સરદાર પટેલ સ્ટેડિયમમાં આયોજિત ખેલમહાકુંભ અને અમદાવાદ મહાનગરપાલિકાના કેટલાક કાર્યક્રમોમાં હાજર રહી શકે છે.

તેઓ રક્ષાશક્તિ યુનિવર્સિટી મુલાકાત લે તેવી સંભાવના છે. પીએમ ગુજરાત મુલાકાત દરમિયાન તેમનાં માતા હીરાબાને મળે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની હોવાથી વડા પ્રધાનની ગુજરાતની મુલાકાત પણ વધે તેવી શક્યતા છે.

જર્મની બાદ હવે ચીનનો વારો, સંરક્ષણ બજેટમાં 7.1 ટકાનો વધારો કરશે

ચીને શનિવારે જાહેરાત કરી છે કે તેઓ 2022માં પોતાના સંરક્ષણ બજેટમાં 7.1 ટકાનો વધારો કરશે. અમેરિકા બાદ સૌથી મોટું સંરક્ષણ બજેટ ચીનનું જ છે.

સમાચાર એજન્સી એએફપી અનુસાર, એક સરકારી બજેટ રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે કે ચીનની સરકારે 230 અબજ ડૉલર (અંદાજે 17,577 અબજ રૂપિયા)ની રાષ્ટ્રીય સુરક્ષા માટે ફાળવણી કરી છે.

ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સની અંગ્રેજી વેબસાઇટ પર વિશેષજ્ઞોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે સકારાત્મક આર્થિક વિકાસ અને સુરક્ષાનો ખતરો વધવાથી ચીને પોતાનું સંરક્ષણ બજેટ વધાર્યું છે.

આ પહેલાં માર્ચ 2021માં ચીને 209 અબજ ડૉલરનું સંરક્ષણ બજેટ રજૂ કર્યું હતું. ગત વર્ષે ચીનનું સંરક્ષણ બજેટ 6.8 ટકા વધ્યું હતું અને વર્ષ 2020માં કોરોના હોવા છતા તેમાં 6.6 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.

ચીનનું સંરક્ષણ બજેટ તેની વાર્ષિક જીડીપીના અનુમાનથી પણ વધારે છે. વડા પ્રધાન લી કેકિયાંને શનિવારે જાહેરાત કરી હતી કે બીજિંગનો વાર્ષિક જીડીપી દર 5.5 ટકા રહી શકે છે.

સમાચાર એજન્સી એએફપી પ્રમાણે, ચીનની સાંસદના વાર્ષિક સત્રના ઉદ્ધાટન દરમિયાન લી કેકિયાંને કહ્યું, "બીજિંગ સૈન્ય પ્રશિક્ષણ અને યુદ્ધની તૈયારીને વધારશે અને ચીનની સંપ્રભુતા, સુરક્ષા અને વિકાસનાં હિતોની રક્ષા કરશે."

ગત અઠવાડિયે જર્મનીએ પણ રશિયાની આક્રમકતા જોઈને પોતાના સંરક્ષણ બજેટમાં મોટો વધારો કર્યો હતો. જર્મનીએ આ વર્ષે પોતાનાં સશસ્ત્ર બળો માટે વિશેષ રીતે 100 અબજ યૂરો ફાળવવાનો નિર્ણય લીધો છે.

જર્મનીનું સંરક્ષણ બજેટ હવે કુલ જીડીપાના 2 ટકા છે. આ પહેલાં વર્ષ 2021માં જર્મનીનું સંરક્ષણ બજેટ 47 અબજ યૂરોનું હતું.

સમાચાર એજન્સી રૉયટર્સ અનુસાર, જર્મની પોતાના જૂના ટૉરનૅડોની જગ્યાએ અમેરિકા પાસેથી એફ-35 ફાઇટર જૅટ્સ ખરીદી શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો