ઉત્તર પ્રદેશ ચૂંટણી પરિણામ: સ્ટ્રૉંગ રૂમથી લઇને કાઉન્ટિંગ સૅન્ટર સુધી, જાણો કઈ રીતે થાય છે મતગણતરી

પાંચ રાજ્યોની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. ગુરુવારે સવારે આઠ વાગ્યાથી મતગણતરી શરૂ થઈ છે. જેના માટે ચૂંટણીપંચ દ્વારા સંબંધિત તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હતી.

ભારત દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક દેશોમાંથી એક છે. ભારતમાં 40થી વધારે રાજકીય પક્ષો માટે કરોડો મતદાતાઓ એકથી વધારે તબક્કામાં મતદાન કરે છે.

મતદાન માટે એક સમયે બેલેટ પેપરનો ઉપયોગ થતો હતો પરંતુ 2004થી ભારતમાં EVMથી મતદાન થાય છે.

આમ છતાં ભારતીય ચૂંટણી સૌથી જટિલ અને લાંબા ગાળાની હોય છે. જેની માટે ચૂંટણીપંચ મહિનાઓ પહેલાં તૈયારીઓ શરૂ કરે છે. જોકે ભાગ્યે જ એવી ચૂંટણી હશે, જેમાં ઈવીએમનો મુદ્દો ન ઉઠતો હોય.

ત્યારે આ અહેવાલમાં મતગણતરી અને પરિણામોની ઘોષણા કેવી રીતે થાય છે, તે સમગ્ર પ્રક્રિયા સમજવાનો પ્રયાસ કરીશું.

મતગણતરીની તારીખ, સમય અને સ્થળ

સામાન્ય રીતે ચૂંટણીપંચ ચૂંટણીની તારીખો જાહેર કરે એ જ સમયે મતગણતરીની તારીખ, સમય અને સ્થળની જાહેરાત કરી દે છે.

વિધાનસભા ચૂંટણીમાં દરેક વિધાનસભા બેઠક માટે માત્ર એક સ્થળે કાઉન્ટિંગ થતું હોય છે.

આ સ્થળ રિટર્નિંગ ઑફિસર એટલે કે આર.ઓ. દ્વારા નક્કી કરવામાં આવતું હોય છે. મતગણતરીની શરઆત સવારે 8 વાગ્યાથી થતી હોય છે.

જોકે ચૂંટણી અધિકારીઓ, રાજકીય પાર્ટીઓ દ્વારા નિમાયેલા મતગણતરી એજન્ટ સવારે પાંચ વાગ્યા સુધીમાં કાઉન્ટિંગ સેન્ટર પહોંચી જતા હોય છે. જેથી તેઓ 6 વાગ્યા સુધી પોતાની જગ્યા લઈ શકે.

સ્ટ્રૉંગ રૂમ ખોલવાની પ્રક્રિયા

જ્યાં ઈવીએમ રાખવામાં આવ્યા હોય છે તેને સ્ટ્રૉન્ગ રૂમ કહે છે. આ રૂમ રિટર્નિંગ ઑફિસર, આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર, ઇલેક્શન એજન્ટ અને ચૂંટણીપંચના નિરીક્ષકોની હાજરીમાં ખોલવામાં આવે છે.

રૂમના તાળા ઉપરનું સીલ બરાબર ચેક કરાય છે. તેને ખોલતા પહેલા તેની નોંધ કરવામાં આવે છે. આ સમગ્ર ઘટનાનું સમય અને તારીખ સાથે વીડિયો રેકોર્ડિંગ થાય છે.

પોસ્ટલ બૅલેટ કે EVM વોટ, કોની ગણતરી પહેલા?

ચૂંટણીપંચના નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ (ETPBs) અને પોસ્ટલ બેલેટની સૌપ્રથમ ગણતરી થાય છે.

ચૂંટણી અધિકારીઓ તેમાંથી માન્ય મતોને અળગા કરીને તેમને સુરક્ષિત રીતે મૂકે છે. પોસ્ટલ બેલેટની ગણતરી બાદ EVM વોટની ગણતરી કરાતી હોય છે.

EVM બૅગ ખોલવાથી લને પરિણામ જાહેર કરવાની પ્રક્રિયા

સ્ટ્રૉન્ગ રૂમ ખોલાયા બાદ ઈવીએમ મશિનોને કાઉન્ટિંગ ટેબલ પર લઈ જવામાં આવે છે. મશિનને ખોલતા પહેલાં તેની ઉપર ચૂંટણી અધિકારીએ લગાવેલા એડ્રેસ સહિતના અન્ય સીલ ચેક કરવામાં આવે છે. ચકાસણી બાદ ઈવીએમ બેગના સીલ ખોલવામાં આવે છે.

એક વાર ઈવીએમ મશીન ખુલે ત્યાર બાદ તેના સિરિયલ નંબરને તેના પોલીંગ બૂથ નંબર સાથે વેરિફાઇડ કરવામાં આવે છે. જે બાદ ચૂંટણી અધિકારી જરૂરી સીલ જેવા કે ઉમેદવારની સીટ પસંદગી, પરિણામ પસંદગી સહિતના સીલ તપાસે છે અને ખાતરી કરે છે કે ઈવીએમ સાથે કોઈ ચેડા થયા છે કે કેમ.

સુપ્રીમ કોર્ટના ઑર્ડર પ્રમાણે વિધાનસભા ચૂંટણી માટે કોઈ પણ પાંચ ગણતરી કેન્દ્રોના વીવીપેટ મશીનની સ્લીપને ચેક કરવી જરૂરી છે. આ બધુ રાજકીય પાર્ટીઓનાં ચૂંટણી એજન્ટોની હાજરીમાં થવું જરૂરી છે. સાથે જ તેની વીડિયોગ્રાફી પણ કરવામાં આવે છે.

સંકલન અને પરિણામોની જાહેરાત બાદ કોઈ ઉમેદવાર અથવા તેમનો ચૂંટણી એજન્ટ વીવીપેટ સ્લીપની ગણતરી માટે રિટર્નિંગ ઑફિસરને આવેદન આપી શકે છે. ત્યાર બાદ અધિકારીએ આ મુદ્દે નિર્ણય લેવાનો હોય છે કે તેઓ કોઈ પણ કેન્દ્રમાં રિસિપ્ટની ગણતરી માટેનો આદેશ આપી શકે છે. જોકે આ માટે રિટર્નિંગ ઑફિસરને લેખિતમાં કારણો આપવાના હોય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો