You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ખાદ્યતેલના ભાવ સતત કેમ વધી રહ્યા છે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
પેટ્રોલ-ડીઝલની સાથે-સાથે ખાદ્યતેલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે, જેના કારણે લોકોનું બજેટ ખોરવાઈ રહ્યું છે.
રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ભારતમાં સૂરજમુખી, પામોલીન અને સોયાબીન તેલની આયાત પર મોટી અસર થઈ છે, જેની સીધી અસર તેલના ભાવ પર પણ પડી રહી છે. સતત કેટલાક દિવસથી અને ગુરુવારે પણ વિવિધ ખાદ્યતેલોના ભાવમાં વધારો નોંધાયો છે.
ભારત સરકારના ઉપભોક્તા મામલાના મંત્રાલયની વેબસાઇટ પ્રમાણે બુધવારે છૂટક બજારમાં એક લીટર મગફળી તેલનો ભાવ 182.50 રૂપિયા હતો. સૂરજમુખી તેલનો ભાવ 185 રૂપિયા, સરસિયું તેલનો ભાવ 188.46, સોયાબીન તેલનો ભાવ 163 રૂપિયા, પામ તેલના ભાવ 151.54 રૂપિયા અને વનસ્પતિ ઘીનો ભાવ 154.5 રૂપિયા હતો.
એક રિપોર્ટ મુજબ 2020માં એક લિટર મગફળી તેલનો ભાવ 147 રૂપિયા હતો, જે 2021માં વધીને 176.28 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. આવી જ રીતે સરસિયું તેલનો ભાવ 123 રૂપિયાથી વધીને 171 રૂપિયા થઈ ગયો હતો. આ જ સમયગાળામાં એક લીટર સોયાબીન તેલનો ભાવમાં 45 રૂપિયાનો અને સૂરજમુખી તેલનો ભાવ 50 રૂપિયાનો વધારો થયો છે. પામ તેલ અને વનસ્પતિ ઘી પ્રતિ લીટરે સરેરાશ 40 રૂપિયા મોંઘા થયા છે.
ફાયનાન્શિયલ ઍક્સપ્રેસના રિપોર્ટ અનુસાર છેલ્લા એક મહિનામાં મગફળી સહિતના વિવિધ તેલના ભાવમાં 25થી 40 ટકાનો વધારો થયો છે અને ભાવ હજુ પણ વધી શકે છે. ભારત પોતાના સૂરજમુખી તેલના કુલ વપરાશનો 90 ટકા ભાગ રશિયા અને યુક્રેનથી આયાત કરે છે. યુદ્ધના કારણે આયાત ઠપ્પ છે જેથી પામ અને સોયાબીન તેલની માગ 40 ટકા જેટલી વધી છે. માગમાં વધારો થતા કિંમત પણ વધી રહી છે.
અહેવાલ અનુસાર ભારત પોતાના ખાદ્યતેલના કુલ વપરાશનું 60 ટકા તેલ બીજા દેશોથી આયાત કરે છે. વૈશ્વિક સ્તરે કાચા માલની અછત અને ઈંઘણના વધતા જતા ભાવના કારણે ઉત્પાદન મોઘું થઈ રહ્યું છે, જેની સીધી અસર ભાવમાં જોવા મળી રહી છે.
આયાત મોઘી થઈ
કચ્છ-સૌરાષ્ટ્ર ઑઈલ મિલ ઍસોસિયાશનના પ્રમુખ કિશોર વિરડીયાએ બીબીસીને જણાવ્યું કે, ''આયાત મોઘી થઈ ગઈ છે અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધી ગયો છે. સૂરજમુખી, પામ અને સોયાબીન જ નહીં, પરંતુ મગફળી અને કપાસિયા તેલના ભાવ પણ સતત વધી રહ્યા છે.''
''રશિયા-યુક્રેન યુદ્ધ પહેલાં 15 કિલો મગફળી તેલના ડબ્બાની કિંમત 2550 રૂપિયા હતી, જે હવે 2700 રૂપિયા થઈ ગઈ છે. સૂરજમુખીના તેલનો ડબ્બો 2800 રૂપિયા છે અને કપાસિયા તેલના એક ડબ્બાના ભાવ 2700 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આગામી દિવસોમાં ભાવ ઓછા થાય તેવા કોઈ અણસાર હાલ જણાતા નથા.''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજકોટમાં તેલનો વેપાર કરતા ભાવેશ પોપટ કહે છે, ''રશિયા-યુક્રેન યુદ્ધ એકમાત્ર કારણ નથી. પામ તેલની સૌથી વધુ નિકાસ ઇન્ડોનેશિયા અને મલેશિયામાંથી થાય છે. હાલ પામ ઑઇલની જે વૈશ્વિક માંગ છે તે પ્રમાણે આ દેશોમાં ઉત્પાદન વધી શક્યું નથી. બંને દેશોમાં મજૂરોની અછત છે, જેની સીધી અસર ઉત્પાદન પર પડી છે.''
''આ ઉપરાંત ઇન્ડોનેશિયામાં સરકારે બાયો-ડીઝલમાં 30 ટકા પામ તેલ ભેળવવાની છૂટ આપી છે, જેના કારણે પણ પામ તેલની માગ વધી ગઈ છે. બીજી તરફ આર્જેન્ટિના અને બ્રાઝિલમાં ભારે વરસાદ પડતા સોયાબીનનો પાક બગડી ગયો છે. જેના કારણે ઉત્પાદન ઉપર ભારે અસર થઈ છે.''
તેઓ પણ સ્વીકારે છે કે ડીઝલની કિંમતના કારણે ખાદ્યતેલના ભાવ ઊંચકાઈ રહ્યા છે. આયાત અને ટ્રાન્સપોર્ટેશન સતત મોઘી થઈ રહ્યાં છે, જેનો ભાર ગ્રાહકોના ખિસ્સાં પર પડી રહ્યો છે.
ફાયનાન્શિયલ ઍક્સપ્રેસ અનુસાર ઇન્ડોનેશિયાની સરકારે પામ ઑઇલની નિકાસ માટે નવો નિયમ બહાર પાડ્યો છે, જેની સીધી અસર સપ્લાય ઉપર પડી છે. આ તરફ મલેશિયામાં પામ તેલનો ભાવ રૅકર્ડ સ્તરે પહોંચી ગયો છે, જેના કારણે આયાત મોઘી થઈ ગઈ છે.
ઑઇલ મિલો પાસે કાચો માલ નથી
ખાદ્યતેલ બાબતે ગુજરાત મહદંશે પોતાની જરૂરિયાત પૂર્ણ કરવાની ક્ષમતા ધરાવે છે. રાજ્યમાં મગફળી અને કપાસનું સારા પ્રમાણમાં વાવેતર થાય છે. રાજકોટ અને ઉત્તર ગુજરાતમાં ઘણી ઑઇલ મિલો આવેલી છે.
કચ્છ-સૌરાષ્ટ્ર ઑઇલ મિલ ઍસોસિયાશન અનુસાર આખા દેશમાં મગફળી તેલનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાતમાં થાય છે અને અહીંથી રાજસ્થાન, મધ્ય પ્રદેશ, આંધ્ર-પ્રદેશ, તમિલનાડુ, કેરળ અને અન્ય રાજ્યોમાં મોકલવામાં આવે છે.
કપાસિયા તેલનું ઉત્પાદન પણ સારા એવા પ્રમાણમાં થાય છે. વૈશ્વિક સપ્લાય ચેઇન પર જે અસર થઈ છે, તેની એટલી અસર ગુજરાતમાં થવી જોઈતી નહોતી પરંતુ મગફળીની સિઝન પૂરી થઈ જતા અને કપાસનો પાક નિષ્ફળ જતા માગ અને પુરવઠામાં અસંતુલન ઊભું થયું છે.
કિશોર વિરડીયા કહે છે, ''ગુજરાતની ઑઇલ મિલો પાસે વધુ ઉત્પાદન કરવા માટે મગફળી જ નથી. આ વર્ષે રાજ્યમાં નવ લાખ ટન મગફળી પીલાણ માટે ઉપલબ્ધ હતી, જેમાંથી રાજ્ય સરકારે બે લાખ ટન મગફળીની ખરીદી કરી હતી. ઑઇલ મિલોમાં સાત લાખ ટન મગફળીનું પીલાણ થયું છે અને હાલ પરિસ્થિતિ એ છે કે ખેડૂતો, વેપારીઓ અથવા ઑઇલ મિલો પાસે સ્ટૉક નથી.''
તો શું કિંમત ઘટી શકે છે? તેના જવાબમાં તેઓ કહે છે કે રાજ્ય સરકાર જો મગફળીનો સ્ટૉક બજારમાં મૂકે તો ઑઇલ મિલો પીલાણ કરી શકે અને તેનાથી લોકોને ફાયદો થઈ શકે. પરંતુ રાજ્ય સરકાર તરફથી આ બાબતે કંઈ જણાવવામાં આવ્યું નથી. સરકારે 1105 રૂપિયામાં એક ટન મગફળીની ખરીદી કરી છે. જો સરકાર 1300 રૂપિયા પ્રતિ ટનના ભાવે સ્ટૉકનું વેચાણ કરે તો મિલો ખરીદશે પણ.
તેઓ કહે છે કે, ''આવી જ સ્થિતિ કપાસિયા તેલની છે. આ વર્ષે 15 કિલો કપાસના તેલના ડબ્બાનો ભાવ 2700 રૂપિયા પહોંચી ગયો છે, જે 11 વર્ષની ટોચ છે. આ વર્ષે કપાસનો પાક નિષ્ફળ જતા 20 કિલો કપાસ માટે રૅકર્ડ 2500 રૂપિયા ચૂકવવામાં આવ્યા છે, જે ગત વર્ષની સરખામણીમાં 100 ટકાનો વધારો છે.''
''જ્યારે કપાસ આટલી મોંઘી વેચાતી હોય ત્યારે સ્વાભાવિક છે કે તેલની કિંમત વધશે. બીજું કારણ એ છે કે મગફળી અને કપાસની સિઝન પૂર્ણ થઈ ગઈ છે. ઑઇલ મિલો પાસે હવે કોઈ નવો સ્ટૉક નહીં આવે. હવે જ્યાં સુધી વિદેશોથી આયાત સસ્તી ન થઈ જાય ત્યાં સુધી ખાદ્યતેલના ભાવમાં ઘટાડો શક્ય નથી.''
ભારત સરકાર ઍક્શન મોડમાં
દેશમાં ખાદ્યતેલના સતત વધી રહેલા કિંમતથી કેન્દ્ર સરકાર પણ ચિંતિત છે.
ભારત સરકારના ઉપભોક્તા મામલા, ખાદ્ય અને જાહેર વિતરણ વ્યવસ્થાનાં મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિએ બુધવારે જણાવ્યું કે "દેશમાં ખાદ્યતેલની કિંમતને કાબૂમાં લેવા માટે સરકારે નક્કી કર્યું છે કે ડિસેમ્બર 2022 સુધી પામ ઑઇલની આયાત પર કોઈ પણ પ્રકારની ડ્યૂટી લેવામાં આવશે નહીં."
લોકસભામાં એક પ્રશ્નનો લેખિત જવાબ આપતાં તેમણે જણાવ્યું કે, "ખાદ્ય તેલના ભાવ પર અંકુશ રાખવા માટે અને તેલની ઉપલબ્ધતા સારી રહે તે માટે કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે કે ઑપન જનરલ લાઇસન્સ (ઓજીએલ) હેઠળ ખાદ્યતેલની આયાત કરવાની પરવાનગી આપવામાં આવશે."
ભારત દર વર્ષે 13 મિલિયન ટન ખાદ્યતેલની આયાત કરે છે
એક રિપોર્ટ અનુસાર ભારતમાં 2.2 કરોડ ટન ખાદ્યતેલનો વપરાશ થાય છે, જેમાંથી 59 ટકા એટલે કે 1.3 કરોડ ટન ખાદ્યતેલ બીજા દેશોથી આયાત કરવામાં આવે છે.
સૉલવેન્ટ ઍક્સટ્રેક્ટર્સ ઍસોસિએશન ઑફ ઇન્ડિયાના ઍક્ઝિક્યૂટિવ ડિરેક્ટર બી.વી. મહેતાએ ફાઇનાન્શિયલ ટાઇમ્સ અખબારને કહ્યું કે ભારતમાં એક વ્યક્તિ વાર્ષિક 19 કિલો ખાદ્યતેલનો વપરાશ કરે છે, જેમાંથી 11 કિલો ખાદ્યતેલ બીજા દેશોથી આવે છે.
ભારત મલેશિયા અને ઇન્ડોનેશિયાથી વાર્ષિક 80 લાખ ટન પામ તેલની આયાત કરે છે. બ્રાઝિલ, આર્જન્ટિના અને અમેરિકાથી 35 લાખ ટન સોયાબીન તેલની આયાત કરે અને યુક્રેન, રશિયા અને આર્જન્ટિનાથી 20 લાખ ટન સૂરજમુખી તેલની આયાત કરે છે.
વૈશ્વિક સપ્લાય ચેઇન પર અસર થવાના કારણે આયાત ઘટી ગઈ છે, જેના લીધે ખાદ્યતેલ બજારમાં પર દબાણ ઊભું થયું છે. જોકે, તેના કારણે ખાદ્યતેલની માગમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો