પાકિસ્તાન : અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થયા બાદ હવે ઇમરાન ખાનનું શું થશે?

પાકિસ્તાનમાં મોડી રાતે ઇમરાન ખાનની સરકાર પડી ગઈ છે. સોમવારે સંસદમાં નવા વડા પ્રધાનની પસંદગી થશે.

પાકિસ્તાનની રાષ્ટ્રીય ઍસેમ્બ્લીમાં વડા પ્રધાન ઇમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લવાયો હતો. આ પ્રસ્તાવની તરફેણમાં 174 સભ્યોએ મતદાન કર્યું હતું.

વડા પ્રધાન ઇમરાન ખાનના વિરુદ્ધ લવાયેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર પાકિસ્તાનની રાષ્ટ્રીય ઍસેમ્બ્લીમાં મતદાન શરૂ થયું એ પહેલાં જ ઍસેમ્બ્લીના અધ્યક્ષ અસદ કૈસરે રાજીનામું આપી દીધું હતું.

પાકિસ્તાનની ઍસેમ્બ્લીમાં જ્યારે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થઈ રહ્યું હતું, ત્યારે બીજી તરફ ઇમરાન ખાને વડા પ્રધાનનો આવાસ છોડી દીધો હતો.

અન્ય વડા પ્રધાનોની જેમ ઇમરાન ખાન પણ પાકિસ્તાનના વડા પ્રધાન તરીકેની મુદ્દત પૂરી શક્યા નથી.

હાલની પરિસ્થિતિ અનુસાર પાકિસ્તાનમાં સંયુક્ત વિપક્ષની સરકાર બનશે કે ફરીથી ચૂંટણી યોજાશે તે અંગે આગાહી કરવું હાલ મુશ્કેલ છે.

જોકે, અહીં નોંધનીય છે કે પાકિસ્તાનની નેશનલ ઍસેમ્બ્લીમાં સંયુક્ત વિપક્ષે પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાજ)ના નેતા શહબાજ શરીફને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે.

અગાઉ ઇમરાન ખાને પોતાની સામેના અવિશ્વાસ પ્રસ્તાવને અટકાવી દેવા માટે અસામાન્ય એવો 'ગેઇમ પ્લાન' તૈયાર કરી નાખ્યો હતો, તેનો જોટો પાકિસ્તાનના રાજકારણમાં જડવો મુશ્કેલ છે. તેના પરથી જ ખ્યાલ આવી ગયો હતો કે તેઓ કોઈ પણ સંજોગોમાં સત્તા છોડવા માટે તૈયાર નહોતા.

ઇમરાને આક્ષેપ કર્યો હતો કે અવિશ્વાસની દરખાસ્ત અમેરિકાનું કાવતરું છે અને પોતાને સત્તામાંથી હઠાવી દેવા માટે આ થઈ રહ્યું છે. જોકે તેમણે જાતે જ રાષ્ટ્રીય સભાને ભંગ કરીને સત્તા છોડી દેવાની જ વાત કરી. તેમજ પાકિસ્તાનની જનતાને જણાવ્યું હતું કે તેઓ ચૂંટણી માટે તૈયાર રહે.

આ વર્ષના જાન્યુઆરીથી વિપક્ષના પેંતરાને સમજવામાં ઇમરાન ખાન થાપ ખાઈ ગયા હતા. પોતાની રાજકીય અને વહીવટી બાબતમાં તેમની સૌથી મોટી નિષ્ફળતા તેને માનવામાં આવે છે.

એક 'નાદાન આદર્શવાદી' તરીકે તેઓ છેક સુધી એવું માનતા રહ્યા કે વિપક્ષ પાસે બહુમતીનો આંકડો થશે નહીં. પરંતુ સ્થિતિ આખી પલટાઈ ગઈ.

ઇમરાન સામે હવે આગળ શું માર્ગ છે?

જો રાજકીય મડાગાંઠની સ્થિતિમાં જો ફરીથી ચૂંટણી યોજવાનો વારો આવે તો ઇમરાનની આશા જનતા તેમને મત આપશે તે બાબત પર ટકી રહી છે. તેઓ વિપક્ષને કહી રહ્યા હતા કે આંતરિક વિખવાદ ભૂલીને ચૂંટણીની તૈયારીઓમાં લાગી જાઓ, પરંતુ વિપક્ષ ઇચ્છે તો પણ તેવું શક્ય નથી.

પાકિસ્તાનના ચૂંટણી પંચનાં સૂત્રોને ટાંકીને એવા અહેવાલો આવ્યા છે કે ત્રણ મહિનામાં તે ચૂંટણી કરાવી શકે તેમ નથી. તે માટે કમસે કમ છ મહિનાનો સમય જોઈએ. બીજી ઘણી બંધારણીય સંસ્થાઓની જેમ પાકિસ્તાનના ચૂંટણી પંચ સાથે પણ ઇમરાન ખાનને સારા સંબંધો નથી. ઈવીએમ અને અન્ય કેટલીક બાબતોને કારણે હાલમાં જ બંને વચ્ચેના સંબંધોમાં તણાવ વધી ગયો હતો.

પાકિસ્તાનના અંગ્રેજી અખબાર ડૉનના અહેવાલ અનુસાર ચૂંટણી પંચના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે હાલમાં જ મતવિસ્તારોનું નવેસરથી સીમાંકન થયું છે. ખૈબર પખ્તૂનખ્વામાં બેઠકોની સંખ્યામાં વધારો થયો છે. તેની સાથે જિલ્લા અનુસાર મતવિસ્તાર છે તે બંનેની મતદાર યાદીને સરખાવવી મુશ્કેલ બની છે.

સીમાંકનનું કામ પૂર્ણ કરવામાં ઓછામાં ઓછા ત્રણ મહિના લાગશે. તે પછી મતદાર યાદીને નવેસરથી તૈયાર કરવાનું કામ પણ કરવાનું રહેશે.

ચૂંટણી માટે સામગ્રી ખરીદવી, બૅલેટ પેપર તૈયાર કરવા અને મતદાન માટે અધિકારીઓની નિમણૂક અને તેની તાલીમ એ પણ મોટો પડકાર છે. કાયદા અનુસાર વૉટર માર્ક સાથેના બૅલેટ પેપરનો ઉપયોગ કરવાનો હોય છે, જે પાકિસ્તાનમાં નથી. તેને આયાત કરવા પડે તેમ છે.

આ પહેલાં જ ચૂંટણીપંચે બલૂચિસ્તાનમાં સ્થાનિક પ્રશાસન માટેની ચૂંટણીઓનું એલાન કરી દીધું છે. આ ચૂંટણીઓમાં 29 મેના રોજ મતદાન થવાનું છે. પંજાબ, સિંધ અને ઇસ્લામાબાદમાં પણ સ્થાનિક પંચાયતોની ચૂંટણીઓ થઈ રહી છે. હવે સંસદની ચૂંટણીઓ યોજવાની થાય તો આ સ્થાનિક ચૂંટણીઓ રોકી દેવી પડે.

આવી સ્થિતિમાં 'વિદેશી કાતવરું' છે એવો પ્રચાર કરીને ઇમરાનનો પક્ષ પીટીઆઈ મોટા પાયે જનસમર્થન મેળવી લે તેવું શક્ય લાગતું નથી.

મજબૂત વિપક્ષ

હવે ઇમરાન ખાને સુપ્રીમ કોર્ટ અને અવિશ્વાસ પ્રસ્તાવમાં હાર થઈ તે પછી મજબૂત વિપક્ષનો સામનો કરવાનો છે. વિપક્ષની જ સરકાર બની જવાની હોય તે પછી સ્થિતિ પર પોતાનો કાબૂ રાખવાની વાત ઇમરાન માટે મુશ્કેલ બની જવાની છે.

એવું કહેવાય છે કે જવાબદારીના નામે ઇમરાન ખાને છેલ્લાં સાડાં ત્રણ વર્ષમાં શાસનમાં અનેક વિપક્ષી નેતાઓને જેલમાં મોકલી દીધા છે, તેમનું અપમાન કર્યું છે. તે પછીય તેમની સામેના કેસો સાબિત થઈ શક્યા નથી. હવે વિપક્ષ ઇમરાન સાથે કેવો વ્યવહાર કરે છે તે જોવાનું રહે છે.

ઇમરાન ખાનનાં પત્ની બુશરા બીબીનાં નજીક મનાતાં ફરાહ ખાન ભ્રષ્ટાચારના આક્ષેપોને કારણે દુબઈ નાસી ગયાં છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાજ)નાં નેતા અને નવાઝ શરીફનાં પુત્રી મરિયમ નવાઝે આક્ષેપ કર્યો છે કે ફરાહ ખાને લાખો રૂપિયાની લાંચ લઈને પંજાબમાં પોસ્ટિંગ અને બદલીઓનું કામ કર્યું છે.

તેમના જણાવ્યા અનુસાર ફરાહે છ અબજ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે. તેમનું નામ હઠાવી દેવાયેલા ગવર્નર સરવર અને પીટીઆઈમાંથી પક્ષપલટો કરનારા અલીમ ખાન જેવા નેતાઓ સાથે જોડાયેલું છે.

વિપક્ષની સરકાર આવશે ત્યારે જવાબદારીના નામે પીટીઆઈના નેતાઓને પણ નિશાને લેવામાં આવશે એવું મનાઈ રહ્યું છે.

પીટીઆઈનું ભવિષ્ય

સૌથી મોટો સવાલ એ છે કે ઇમરાન ખાનના પક્ષ તહરિક-એ-ઇન્સાફનું ભવિષ્ય શું હશે. ઘણા વરિષ્ઠ નેતાઓ નારાજ છે, પણ અત્યાર સુધી ચૂપ રહ્યા છે.

પણ હવે તેઓ ઇમરાન ખાન સામે ખૂલીને પ્રહારો કરી રહ્યા છે. તેમાં પંજાબમાંથી બરખાસ્ત કરાયેલા ગવર્નર ચૌધરી સરવર અને ભૂતપૂર્વ પ્રાંતીય મંત્રી અલીમ ખાન સૌથી આગળ છે.

પીટીઆઈની સરકાર બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવનારા અને પીટીઆઈના એટીએમ તરીકે જાણીતા જહાંગીર તારીન પણ ઘણા સમયથી નારાજ છે અને પક્ષથી અલગ થઈ ગયા છે.

આ બધા વગદાર નેતાઓ છે અને તેઓ પક્ષને હજી પણ તોડી નાખવામાં અગત્યની ભૂમિકા ભજવી શકે છે.

આ વખતે માત્ર વિચારધારાની રીતે પક્ષ સાથે જોડાયેલા નેતાઓને જ ટિકિટ આપવામાં આવશે એમ પીટીઆઈએ જણાવ્યું છે.

માત્ર ચૂંટણી જીતી જતા હોય તેમને ટિકિટ નહીં અપાય. આવી સ્થિતિમાં પક્ષના નેતાઓ અને સમર્થકોમાં અસ્પષ્ટતા ઊભી થાય તો ચૂંટણીમાં પીટીઆઈને ભારે નુકસાન થઈ શકે છે. અત્યારે સંસદમાં જેટલી બેઠકો પક્ષ પાસે છે તેટલી બેઠકો પણ ના મળે તેવી શક્યતા છે. પંજાબ પણ પક્ષના હાથમાંથી સરકી જાય તેવું બની શકે છે.

નેતાઓ ઊગતા સૂરજને પૂજતા હોય છે, તો શું હવે આવા સ્થાનિક મજબૂત નેતા ઇમરાન ખાનને ટેકો આપશે ખરા?

વિશ્લેષકોનું કહેવું છે કે પક્ષ વિખેરાઈ જાય તેવી પૂરી સંભાવના છે. વિશ્લેષક ઇફ્તિખાર અહમદના જણાવ્યા અનુસાર પીટીઆઈ એક વર્ષની અંદર જ ખતમ થઈ જશે અને ચૂંટણીમાં તેને 30થી વધારે બેઠકો મળે તેવું લાગતું નથી.

આવી સ્થિતિમાં પીટીઆઈ વિદેશી કાવતરું, ભોગ બન્યાની વાત અને ધાર્મિક ઉન્માદના મુદ્દાઓ પર આધાર રાખવા કોશિશ કરશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો