ખોડઃ બે માથાં અને ત્રણ હાથવાળાં બાળકો કેમ જન્મે છે અને તેની સારવાર શું હોય છે?

    • લેેખક, શાલિનીકુમારી
    • પદ, બીબીસી સંવાદદાતા

શરીરમાં ખોડખાંપણના વિચાર સાથે મનમાં અનેક પ્રશ્નો ઉદ્દભવી શકે છે. એમાં મોટો સવાલ એ છે કે નવજાતમાં શારીરિક ખોડખાંપણ કેમ ઉદ્દભવે છે અને આ ખોડખાંપણની સારવાર શક્ય છે?

મહારાષ્ટ્રના રતલામના આ બાળક વિશે વાત કરીએ તો ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, તેને પેરાપેગસ ડાયસિફલસ છે, જે આંશિક જોડિયાને લગતી દુર્લભ પ્રકારની ખોડ છે. જોકે ખોડખાંપણ અન્ય ઘણા પ્રકારની પણ હોય છે.

ઈન્દોરની એમવાય હૉસ્પિટલના ડૉ. બ્રિજેશકુમાર લાહોટી કહે છે કે શરીરની આ ખોડખાંપણને મૅન્યુફૅક્ચરિંગ ડિફેક્ટ્સ એટલે કે સર્જન સમયની ખામીઓ કહી શકાય.

શરીરની ખોડખાંપણ એટલે શું?

ડૉ. બ્રિજેશકુમાર લાહોટી બાળસર્જરી વિભાગના વડા છે. તેમણે બીબીસીને કહ્યું, "બાળકોનાં થોડાં અઠવાડિયાંના પ્રારંભિક વિકાસ દરમિયાન જ તેનામાં કેટલીક ખામીઓ રહી શકે છે."

તેમણે કહ્યું કે સર્જન સમયની ખોડખાંપણ શરીરનાં મગજ, હૃદય, લીવર, કિડની, હાથ અથવા પગ સહિતના કોઈ પણ ભાગમાં થઈ શકે છે.

ડૉ. પરવિન્દર એસ નારંગ મેક્સ હૉસ્પિટલના બાળરોગ નિષ્ણાત છે. તે કેટલાંક ઉદાહરણોની મદદથી આ ખોડખાંપણને સમજાવે છે.

તેઓ કહે છે, "કેટલીક વાર કેટલાક લોકોને પાંચને બદલે છ આંગળીઓ હોય છે અથવા તો કેટલાકના ચહેરા પર નિશાન હોઈ શકે છે."

તેમણે કહ્યું કે કેટલીક ખોડખાંપણ દુર્લભ પ્રકારની હોય છે અને તે 3000 અથવા 5000 કેસ પૈકી એકાદ કેસમાં નવજાત બાળકના શરીરમાં જોવા મળે છે.

આ વિશે વાત કરતાં તેમણે રતલામના બાળકનું ઉદાહરણ પણ આપ્યું હતું.

ડૉક્ટર બ્રિજેશ કહે છે કે બાળકોમાં ખોડખાંપણ ઘણી સામાન્ય છે. તેમણે કહ્યું, "જો આપણે જન્મજાત ખામીઓ વિશે વાત કરીએ, તો ભારતમાં 2થી 3 ટકા લોકોમાં આવી ખોડખાંપણ હોય છે અને લગભગ 5થી 6 ટકા ખોડખાંપણ ઘાતક છે."

તેઓ જણાવે છે કે કેટલીક ખોડખાંપણ એવી હોય છે જે જન્મસમયે જાણી શકાતી નથી અને પછી સામે આવે છે.

તેમણે કહ્યું, "ખોડખાંપણ જેટલી ગંભીર હોય એટલી મોડી જાણ થાય છે."

શા માટે શરીરમાં ખોડખાંપણ હોય છે?

ડૉ. બ્રિજેશકુમાર માને છે કે કેટલીક વાર લોકોમાં ખોડખાંપણને લગતી કેટલીક માન્યતાઓ હોય છે, પરંતુ તેમની આ ગેરમાન્યતા માત્ર શિક્ષણની મદદથી જ દૂર કરી શકાય છે.

ખોડખાંપણ માટે જવાબદાર કારણો વિશે વાત કરતાં ડૉ. બ્રિજેશકુમારે જણાવ્યું હતું કે જન્મજાત ખામીઓમાં આનુવંશિક કારણો સૌથી વધુ જોવા મળે છે.

તેમણે કહ્યું, "આપણા જનીન કે જનીનોમાં થતા મ્યુટેશનનો આમાં મોટો હાથ હોય છે."

"કેટલીક ખોડખાંપણ વારસાગત હોય છે અર્થાત કે પરિવારમાં ચાલતી આવે છે અને કેટલીક ખોડખાંપણ મ્યુટેશનને કારણે પ્રથમ વખત થઈ જાય છે."

ઉદાહરણ આપતા ડૉ. બ્રિજેશકુમાર સમજાવે છે કે કેટલાંક બાળકોની અન્નનળી શ્વાસનળી સાથે જોડાયેલી હોય છે અને કેટલાંક બાળકોમાં મળદ્વાર પણ હોતું નથી.

ખામીઓ કેવી રીતે શોધી શકાય?

ડૉ. બ્રિજેશકુમાર સમજાવે છે કે કેટલીક જન્મજાત ખામી ગર્ભાવસ્થાના પહેલાં 16થી 20 અઠવાડિયાંમાં એટલે કે 4થી 5 મહિનામાં શોધી શકાય છે. સોનોગ્રાફીની મદદથી તેને શોધી શકાય છે.

તેમણે કહ્યું, "જ્યારે સોનોગ્રાફીમાં ખોડખાંપણની જાણ થાય છે, ત્યારે અમે તેની વધુ તપાસ કરીએ છીએ અને અમે બાળક બચશે કે કેમ એ જાણવાનો પ્રયાસ કરીએ છીએ."

ડૉક્ટર બ્રિજેશકુમાર એમ પણ કહે છે કે કેટલીક જગ્યાએ ટેસ્ટ માટે સગવડ કે ટેસ્ટ માટેનાં સાધનો મળવા મુશ્કેલ હોય છે.

તેમણે કહ્યું, "મને લાગે છે કે જો નાની જગ્યાએ શિક્ષણ અને સારી સોનોગ્રાફી અથવા ટેસ્ટની સુવિધા આપવામાં આવે તો ખોડખાંપણના ઓછા કિસ્સાઓ આવી શકે છે."

તેમણે કહ્યું કે બાળકોમાં સૌથી વધુ હૃદયની ખામી જોવા મળે છે. ક્યારેક પગમાં ક્લબ ફૂટ હોય છે એટલે કે પગ વાંકાચૂકા થઈ જાય છે. આપણા દેશમાં બાળકોમાં એક ખૂબ જ સામાન્ય ખોડ છે જેમાં બાળકોની કરોડરજ્જુનો વિકાસ થતો નથી.

સારવાર કેવી રીતે કરી શકાય?

ડૉ. બ્રિજેશકુમાર સમજાવે છે કે એવું નથી કે બધાં બાળકો જન્મજાત ખોડખાંપણને કારણે મૃત્યુ પામે છે. કેટલીક ખોડખાંપણની આયોજનબદ્ધ સારવાર કરી શકાય છે અને કેટલાક કિસ્સાઓમાં તાત્કાલિક ઑપરેશનની જરૂર પડે છે.

ડૉક્ટર બ્રિજેશકુમાર કહે છે કે 90 ટકા ખોડખાંપણની સારવાર કરી શકાય છે. તેમણે કહ્યું, "ઘણી ખામીની ઑપરેશન દ્વારા સારવાર કરી શકાય છે."

તેમણે એમ પણ કહ્યું કે જો નવજાત શિશુઓના મૃત્યુદરને જોવામાં આવે તો 7 ટકા બાળકો આવી ખોડખાંપણને કારણે મૃત્યુ પામે છે.

ડૉક્ટર પરવિન્દર કહે છે કે દરેક ખોડખાંપણની સારવાર અલગ-અલગ હોય છે. તેમણે કહ્યું, "જો માત્ર થાઈરોઈડની ઊણપ હોય તો તેની સારવાર બહુ મોંઘી નથી."

"પરંતુ, જો તમારે હાર્ટ ચેમ્બરનું ઑપરેશન કરાવવું પડે એમ હોય, તો સારવાર મોંઘી હોઈ શકે છે."

તેમણે કહ્યું કે અત્યારે મોટી હૉસ્પિટલોમાં આ ખોડખાંપણની સારવાર થાય છે પરંતુ સારવારનો ખર્ચ ખોડખાંપણ પર આધાર રાખે છે.

ફૉલિક એસિડની ઊણપ પર ધ્યાન રાખવું જોઈએ

ડૉક્ટર પરવિન્દર જણાવે છે કે ગર્ભાવસ્થા પહેલા પણ મહિલાઓએ પોતાનું ધ્યાન રાખવું જરૂરી છે. સાથે જ તેમણે એ પણ જાણી લેવું જોઈએ કે તેમના શરીરમાં કઈ વસ્તુઓની ઊણપ છે.

તેમણે કહ્યું, "એ ધ્યાનમાં રાખવું પડશે કે માતા ફૉલિક એસિડ અને વિટામિન યોગ્ય સમયે લે છે. આમ કરવાથી, હૃદય અને કરોડરજ્જુ સંબંધિત ખામીઓ ઓછી થાય છે."

ડૉ. બ્રિજેશ જણાવે છે કે અમુક અંશે સ્ત્રીઓમાં ફૉલિક એસિડની ઊણપને સપ્લિમેન્ટની મદદથી સુધારી શકાય છે.

"જેમ મીઠામાં આયોડિન ઉમેરવાથી આયોડિનની ઊણપ દૂર કરી શકાય છે, તેવી રીતે ફૉલિક એસિડનું પણ સપ્લિમેન્ટેશન શરૂ કરવું જોઈએ, ખાસ કરીને નાનાં નગરોમાં આવી ખામીને ઘણે અંશે ઘટાડી શકાય."

ભારતમાં જન્મજાત ખામી સંબંધિત કોઈ વીમો નથી

ડૉક્ટર બ્રિજેશકુમારના કહેવા પ્રમાણે, એક મોટી સમસ્યા એ છે કે આપણા દેશમાં આવી જન્મજાત ખોડખાંપણ માટે વીમાની સુવિધા ઉપલબ્ધ નથી.

તેમણે કહ્યું, "વિદેશમાં વીમામાં આ બધું સામેલ હોય છે. તેથી આવા કિસ્સાઓમાં પરિવારના સભ્યો પર કોઈ નાણાકીય ભારણ આવતું નથી. આપણા સમાજમાં મોટા ભાગની ખામીઓ આર્થિક રીતે સક્ષમ ન હોય એવા પરિવારોના બાળકોમાં જોવા મળે છે."

તેમણે સમજાવ્યું કે આવું એટલા માટે થાય છે કારણ કે લોકોને તેના વિશે વધારે જાણકારી નથી અને કેટલાક કિસ્સાઓમાં તેઓ સમયસર ટેસ્ટ કરાવી શકતા નથી અને તેમની સોનોગ્રાફી પણ કરવામાં આવતી નથી.

ડૉક્ટર બ્રિજેશકુમારે કહ્યું કે જો લોકો ગર્ભાવસ્થા પહેલા વીમો કરાવી લે તો કદાચ આ સમસ્યા વીમા હેઠળ પણ આવી શકે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો