પિલબરા : પૃથ્વી પર સૌપ્રથમ અહીં સર્જાઈ હતી જમીન, અહીં જન્મયો હતો જગતનો પ્રથમ જીવ

    • લેેખક, ડેન એવિલા
    • પદ, .

પશ્ચિમ ઑસ્ટ્રેલિયામાં આવેલો પિલબરા પ્રદેશ પૃથ્વી પરનું સૌથી જૂનું, ધરતીના લગભગ 360 કરોડ વર્ષ જૂના અવશેષોનું સ્થળ છે.

આજ સુધી જે ચાલી આવે છે એ વિશ્વની સૌથી પ્રાચીન જીવંત સંસ્કૃતિ, તેને અનુસરતા ઑસ્ટ્રેલિયાના મૂળ રહેવાસીઓ આ જગ્યાને જગતની સૌથી જૂની વસાહત માનતા હતા, વિજ્ઞાન પણ તેને હવે માનવા લાગ્યું છે.

પશ્ચિમના દરિયાકિનારાથી શરૂ કરીને ઉત્તરીય વિસ્તારની સરહદ સુધી ફેલાયેલો આ વિશાળ પ્રદેશ 360 કરોડ વર્ષો પહેલાં આકાર લેવા લાગ્યો હતો અને આજ સુધી ઉજ્જડ અને એકાકી પ્રદેશ રહ્યો છે.

પ્રથમ વાર અહીં આવનારા પ્રવાસીને અહીંની વિશાળતા અને સન્નાટો સુન્ન કરી નાખે તેવો હોય છે. ગ્રેટ બ્રિટન કરતાં બમણા વિસ્તારમાં ફેલાયેલા આ પ્રદેશમાં માંડ 61,000 લોકો વસે છે. દુનિયાની સૌથી મોકળાશભરી જગ્યા આ છે.

વિશ્વનો સૌથી પ્રાચીન ધરતીનો પોપડો

ધરતી પર ઑક્સિજન અને જીવ પેદા થયા તે પહેલાંથી પોલાદથી ભરપૂર આ પ્રદેશ બન્યો હશે એવું વિજ્ઞાનીઓ ધારી રહ્યા છે.

પૃથ્વી પરનો ધરતીનો સૌથી અકબંધ રહી ગયેલો પોપડો અહીં છે. વિશ્વના બીજા પ્રદેશોમાં પણ આ જ સમયગાળામાં પોલાદ બન્યું હશે, પરંતુ પિલબરાની ધરતીનો ઉપરનો પોપડો એમ જ રહી ગયો અને તેના પર કુદરતી પરિબળોની બીજી કોઈ અસર થઈ નહોતી.

ન્યૂ સાઉથ વેલ્સના યુનિવર્સિટીના જીયોલૉજીના પ્રોફેસર માર્ટિન વાન ક્રેન્ડનડૉન્ક કહે છે, "પિલબરા માત્ર પ્રાચીન છે એટલું જ નહીં, પણ તે ધરતી એમ જ સચવાઈ રહી છે તે અનોખી બાબત છે."

પૃથ્વી પરના સૌથી પ્રાચીન જીવ

ક્રેન્ડનડોન્કના જણાવ્યા અનુસાર પિલબરા ખડક એટલા જૂના છે કે તેમાં કોઈ જીવાષ્મ નથી, પરંતુ પૃથ્વી પરના સૌથી પ્રાચીન જીવ મનાતા સ્ટ્રોમાટોલાઇટ્સના અવશેષો તેના પરથી મળ્યા છે.

1980માં 3.45 અબજ વર્ષ જૂના સ્ટ્રોમાટોલાઇટ્સના જીવાષ્મ અહીંના માર્બલ બાર પાસેથી મળ્યા હતા. આ સાયનોબેક્ટેરિયા એ સમયે પૃથ્વી પર હતા, જ્યારે બીજો કોઈ જીવ રહી શકે તેવું વાતાવરણ પૃથ્વી પર નહોતું. રીફ જેવા જેવું માળખું આ બેક્ટેરિયાને કારણે બનતું હતું અને તેમાંથી ફોટોસિન્થેસિસની પ્રક્રિયાથી ઓક્સિજન હવામાં છુટવા લાગ્યો હતો.

આશ્ચર્યજનક બાબત એ છે કે પિલબરાથી દક્ષિણે શાર્ક બેની નજીક હેમલિન પુલમાં આજેય સ્ટ્રોમાટોલાઇટ્સ મળે છે.

આજેય ખારા પાણીમાં રહીને તે ઑક્સિજન બનાવ્યા કરે છે. દુનિયા પર માત્ર બે જગ્યાએ હવે સ્ટ્રોમાટોલાઇટ્સ મળે છે અને તેમાંનીએક જગ્યા.

લાલ ગ્રહ મંગળ સાથેની સરખામણી

વાન ક્રેન્ડનડૉન્ક સાથે મળીને 2019માં નાસાના વિજ્ઞાનીઓએ અહીં પ્રયોગો કર્યા હતા, જેથી મંગળ ગ્રહની યાત્રા માટે વધારે સારી રીતે તૈયારી થઈ શકે.

ક્રેન્ડનડૉન્ક કહે છે, "તેમાંના ઘણાએ વ્યક્તિગત રીતે આટલા પ્રાચીન જીવોને ક્યારેય જોયા નહોતા, અને તેમણે મંગળ પર જઈને આવી રીતે જ જીવની શોધ કરવાની છે. એટલે તેમના માટે આ આંખ ખોલનારો અનુભવ હતો."

"તેઓ બહુ સારી રીતે સ્ટ્રોમાટોલાઇટ્સને સમજી શકાય અને તેનું કેવું સ્ટ્રક્ચર હોય તે જોવા માટે અહીં આવ્યા હતા. મંગળ ગ્રહ પર જીવ શોધવા માટે તેમણે આવી રીતે જ તપાસ કરવાની છે."

પ્રાચીન હોવા ઉપરાંત અહીંના ખડકોની રાસાયણિક રચના એવી છે કે પિલબરાનો અભ્યાસ મંગળ મિશન માટે ઉપયોગી થાય. તેઓ કહે છે, "આ ખડકોની રચના અને તેમાં રહેલું પોલાદ બરાબર મંગળ જેવું જ છે. અને તેથી જ તેને લાલ ગ્રહ કહેવામાં આવે છે."

ભૂગર્ભનું આશ્ચર્ય

પિલબરા ઉજ્જડ અને આકરો પ્રદેશ છે અને તૈયારી સાથે ના ગયા હો ત્યારે ખતરનાક બની શકે. પરંતુ એ એટલો જ સુંદર પ્રદેશ છે અને દુનિયાભરના પ્રવાસીઓની કલ્પનાને પાંખ આપી શકે તેવો છે.

આમ રણ જેવો જ દેખાય છે, પણ તેની વચ્ચે દુનિયાનો સૌથી સુંદર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલો છે.

અબજો વર્ષ દરમિયાન ઘસારાને કારણે રચાયેલો કરિજીની નેશનલ પાર્કની કોતરોમાં અનોખું સૌંદર્ય છુપાયેલું છે.

તેમાં અનેક જગ્યાએ નાટકીય રીતે પાણીના ધોધ પ્રગટ થાય છે અને ક્રિસ્ટલ જેટલા સ્વચ્છ જળના તળાવો મનોહારી હોય છે.

પેટાળમાંથી પ્રગટ થતા ઝરણાં, લીલીછમ ધરતી અને અનેક પ્રકારની વન્ય સૃષ્ટિને કારણે પ્રવાસીઓ માટે અનોખું સ્થાન બની રહે છે.

વિજ્ઞાનીઓ માટે કરિજીનીની ધાર નીકળી આવી છે તે કુદરતી રીતે જ ઉત્ખન્ન થયેલા ધરતીના પડળોનો અભ્યાસ માટેના ઉત્તમ નમૂના છે. એક પછી એક કેવી રીતે ધરતીના પડળ બનતા ગયા હશે તે નરી આંખે જોઈ શકાય. ક્રેન્ડનડૉન્ક કહે છે, "એ એટલા સુંદર હોય છે તમે યુગોના પડળને એક સાથે જોઈ શકો."

કુદરતી સ્પા પુલ

પિલબરા લાગે રણ જેવો પ્રદેશ પરંતુ અહીં વહેતા ઝરણાં, તેના કારણે બનેલા સરોવરો વગેરેને કારણે સુખદ આશ્ચર્ય થાય.

અહીં એક પ્રાચીન કુદરતી સ્પા પુલ પણ બન્યો છે. હેમર્સ્લી ગોર્જમાં સતત પડતા પાણીના ધોધથી એક મોટા કુંડ જેવું બન્યું છે.

કોતરોની વચ્ચે આ કુંડમાં પાણી પડે તેના સિવાય સાવ સન્નાટો હોય છે.

સ્ટ્રેલિયાના રહસ્ય

અહીં રહેવા માટે એક જ સ્થાનિક લોકોની માલિકીનું કરિજીની ઇકો રિટ્રીટ આવેલું છે. વહેલી સવારે અહીં બહુ જ ખુશનુમા માહોલ હોય છે.

પોલાદના કણોવાળી ધૂળમાંથી પ્રકાશ આવે ત્યારે રંગીન લાગે છે.

અમાસની રાત્રે અહીંથી તારાવિશ્વ દેખાય તે અદભૂત હોય છે. સૂકી હવા અને આસપાસમાં હજારો કિલોમીટર સુધી કોઈ પ્રકાશ ના હોય એટલે તેના કારણે મિલ્કી વૅ પણ બહુ સુંદર દેખાય છે.

પ્રવાસીઓ અહીંના સૌંદર્યની આભાથી ચકિત થઈ જતા હોય છે તેમ જણાવાતા આ રિટ્રીટના સહમાલિક મેર્નિ શિલ્ડ કહે છે, "કરિજીની અનોખું અને અદ્ભુત ઑસ્ટ્રેલિયન પ્રવાસનસ્થળ છે. આખી દુનિયામાં હવે આ પ્રવાસનસ્થળ તરીકે જાણીતું થઈ રહ્યું છે ત્યારે ઑસ્ટ્રેલિયામાં હજી પણ તે એક છુપાયેલું રહસ્ય રહ્યું છે."

વિરોધાભાસનું આધાતજનક વિશ્વ

કરીજિનીના ગાઇડ પિટ વૅસ્ટના જણાવ્યા અનુસાર અહીં અચાનક દૃશ્ય બદલાઈ જાય તેનાથી પ્રવાસીઓ નવાઈ પામી જતા હોય છે. રણ જેવા વિસ્તારમાં આગળ વધો અને અચાનક લીલીછમ ધરતી, ઝરણાં અને તળાવો મળી આવે.

તેઓ કહે છે, "કોતરોમાં એક અનોખી દુનિયા વસેલી છે એવું લાગે. ઉપર જોવા ના મળે તેવી વનસ્પતિ ત્યાં જોવા મળે."

"ઑસ્ટ્રેલિયાના સૌથી ઊંચાં વૃક્ષો ઉપર જોવા મળે પણ કોતરોમાં ઉતરો ત્યારે જોવા મળે. એટલે બહાર અને કોતરોમાં એટલો બધો વિરોધાભાસ દેખાય કે વાત ના પૂછો."

કોતરોમાં સતત જળ ઉપલબ્ધ હોય છે એટલે અહીં કુદરત ખીલે છે. તળાવોમાં માછલીઓ મળી આવે છે, અહીં ચામાચીડિયાનાં ટોળાં મળે, શિકારી પ્રાણીઓ મળે. સરીસૃપની અનેક જાતો જોવા મળે છે અને જેમાં નાનામાં નાનો રણનો ડ્ર્રૅગન અને પાંચ મિટરનો પાયથન પણ જોવા મળે.

મહિલાઓ માટેની અગત્યની જગ્યા

કરિજીની સ્થાનિક પ્રજાની અનોખી જીવનશૈલીનું પણ સ્થાન છે.

આ વિસ્તારમાં અમુક જગ્યાને માત્ર મહિલાઓ માટેની જગ્યા ગણવામાં આવે છે, જ્યારે કેટલીક જગ્યાએ માત્ર પુરુષો જ જઈ શકે.

પિલબરામાં સ્થાનિક લોકો સાથે કામ કરનારા ડૉ. અમન્ડા હૅરિસ કહે છે, "અહીં કેટલીક એવી જગ્યા છે જ્યાં ગર્ભવતી થવા માગતી મહિલાઓ જાય છે, કેટલીક એવી જગ્યા છે જ્યાં જોડકાં બાળકો ઇચ્છતી મહિલાઓ જતી હોય છે."

કરિજીનીમાં ડેલ્સ ગોર્જીસમાં આવેલું ફર્ન પુલ મહિલાઓ માટે અગત્યનું સ્થળ ગણાય છે. સ્થાનિક બંજિમા પ્રજાની મહિલાઓ માટેની આ વિશેષ જગ્યા છે.

જોકે કેટલીક સ્થાનિક પ્રજાની જગ્યાએ જવાની મનાઈ છે, કે તસવીરો લેવાની મનાઈ છે તેનાથી વિપરિત અહીં સ્થાનિક લોકો બધા મહેમાનોને આવકારે છે.

ફક્ત એટલો આગ્રહ કરવામાં આવે છે કે ધીમા પગલે ચાલજો અને આ જગ્યાનું સન્માન જાળવજો.

આશ્રય સ્થાન

વિજ્ઞાનીઓ માને છે કે સ્થાનિક બંજિમા પ્રજા આ પ્રદેશને છેલ્લાં 30થી 40 હજાર વર્ષોથી મેળાવડાના સ્થાન તરીકે ઉપયોગ કરતી આવી છે.

કરિજીનીનો મતલબ સ્થાનિક ભાષામાં પહાડી વિસ્તાર થાય છે. આવા ઉજ્જડ પ્રદેશમાં ટકી જવું મુશ્કેલ હોય છે ત્યારે કરિજીની જેવી જગ્યાએ આશ્રય મળી રહે છે.

અહીં સતત જળ ઉપલબ્ધ હોય છે અને હવામાનથી રક્ષણ પણ મળે.

વૅસ્ટ કહે છે, "આસપાસની બધી સ્થાનિક પ્રજા કરિજીનીને મેળાવડાનું સ્થાન ગણાવે છે. પ્રાચીન સમયથી અહીં સૌ એકઠા થઈને લગ્ન ગોઠવવા, જૂની કથાઓ કહેવી વગેરે થતું આવ્યું છે. આજે પણ અહીં એ રીતે મેળો થતો રહે છે."

પશ્ચિમ ઑસ્ટ્રેલિયાનો સૌથી ઊંચો પહાડ માઉન્ટ બ્રૂસ કરિજીનીના પ્રવેશ સ્થાને ઊભો છે અને તેનું પણ જીયોલૉજિકલ અને પ્રાદેશિક રીતે મહત્ત્વ છે.

સ્થાનિક પ્રજા તેને પુનુરુન્હા તરીકે ઓળખે છે અને તેમના માટે પવિત્ર પર્વત ગણાય છે. બંજિમા પ્રજામાં આ પહાડ પર માત્ર પુરુષો જ આવી શકે છે.

મહિલાઓ દૂરથી પસાર થાય ત્યારે પણ આ પહાડ સામે જોતી પણ નથી. જોકે અહીં પ્રવાસીઓને આવવા દેવાય છે અને શિખર સુધી જવા દેવાય છે.

પ્રાચીન જ્ઞાનભંડાર

પૃથ્વી પરની જીવસૃષ્ટિ વિશે નવી-નવી બાબતો પિલબરામાંથી જોવા મળતી રહે છે.

આ વિસ્તારમાં પ્રાચીન સમયથી સતત મનુષ્ય રહેતો આવ્યો છે તેનાથી વિજ્ઞાનીઓ નવાઈ પામે છે, પણ સ્થાનિક લોકો પોતે પણ કોઈક રીતે જાણતા હતા કે આ સૌથી પ્રાચીન વસાહત છે.

સ્થાનિક ગાઇડ અને પ્રજાના વડીલો યિન્ડીબાર્ન્ડી અને ગારલુમા કહે છે, "કેમ કે અમે જીવનને જાણીએ છીએ. મનુષ્ય તરીકે અમને ખબર જ હતી કે અહીંથી જ માનવજીવનની શરૂઆત થઈ હતી."

"દુનિયા અહીંથી શરૂ થઈ હતી. અહીંથી જ બધાનો આરંભ થયો હતો. અમે ક્યારેય એવું નથી માન્યું કે અમે બીજે ક્યાંકથી આવ્યા છીએ, અમે તો અહીંના જ છીએ. આપણાથી વધારે ઍડવાન્સ હોય તેમણે અમને અહીં બનાવ્યા હતા અને અમને જ્ઞાન પણ આપ્યું હતું."

પ્રાચીન અવશેષો

આ વર્ષના પ્રારંભમાં ઓઠ વખતે વૉકરને પ્રાચીન ખડકમાં કાંગારૂનાં પગલાં મળ્યાં હતાં.

પિલબરાના બરુપુ વિસ્તારમાં આ જોવા મળ્યું હતું.

તેમના જણાવ્યા અનુસાર સમગ્ર ઑસ્ટ્રેલિયામાં પ્રથમ વાર આવી રીતે પાણીની નીચે રહેલા અવશેષો મળ્યા છે.

વિજ્ઞાનીઓને તેમાં બહુ રસ પડ્યો છે. તેમના જણાવ્યા અનુસાર એવી ધારણા છે કે છેલ્લા શીતયુદ્ધ વખતે આ પગલાં પડ્યાં હશે, કેમ કે ત્યારે જળસપાટી લગભગ 100 મીટર નીચે હશે. લગભગ 7,000થી 18,000 વર્ષ પહેલાં આવી સ્થિતિ હતી.

વૉકર પ્રવાસીઓને સ્થાનિક શિલ્પના નમૂના પણ બતાવે છે. તેમને લાગે છે કે પાણીની નીચેથી બીજા પણ ઘણા પ્રાચીન નમૂના મળી શકે તેમ છે.

વેસ્ટ કહે છે, "એ બહુ મજાની વાત છે કે હું ઘણી વાર પ્રવાસીઓને લઈને ટૂર પર નીકળ્યો હોઉં ત્યારે ખડકમાં બનેલા નવા કલાના નમૂનાઓ મળી આવે છે. ઘણી વાર મહેમાનો એવી વસ્તુઓ શોધી કાઢે, જે અગાઉ ક્યારેય જોવા ના મળી હોય. આ બહુ મજા પડે એવું હોય છે."

જાદુઈ દુનિયા

પિલબરાની જાદુઈ દુનિયાનું આકર્ષણ એ છે કે તે સૌથી પ્રાચીન છે. અહીં ભીડ થતી નથી, ક્યાંય આડશો કરવી પડી હોય કે વાડ બનાવવી પડી હોય એવું કશું નથી. બધું જ ખુલ્લું છે.

બહુ પ્રાચીન જગ્યા તમને આવકારવા માટે તૈયાર હોય છે, જો તમે પોતે તમારી પોતાની શોધ યાત્રાએ નીકળી જવા માગતા હો.

વૅસ્ટ કહે છે, "જ્ઞાનની શોધમાં નીકળનારા લોકો માટે આ જગ્યા છે. ફોટોગ્રાફરો માટે, કલાકારો માટે, ચિત્રકારો માટે, જીયોલૉજિસ્ટ માટે, કુદરતના પ્રેમીઓ માટે બધા માટે આ સ્થળ છે."

"અહીં તમે આવો ત્યારે કોઈ ખડક પર તમારો હાથ ફરે ત્યારે તમને ખ્યાલ હોય છે કે લાખો વર્ષ જૂના પડળને તમે સ્પર્શી રહ્યા છો."

"આ બધું વિચારો ત્યારે આપણી સમસ્યાઓ, આપણી ચિંતાઓ, આપણી મહત્ત્વાકાંક્ષાઓ બધુ જ ઓગળી જાય છે. તમને એક નવી જ દૃષ્ટિ મળે છે અને મને લાગે છે તે જ અસલી મજા છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો