શ્રીલંકામાં ડીઝલ ખૂટ્યું, ચીજવસ્તુઓની તંગી: આર્થિક સંકટને કારણે ભીંસમાં આવેલી કંપનીઓને કેવી મુશ્કેલી પડી રહી છે?

    • લેેખક, અર્ચના શુક્લા
    • પદ, બીબીસી બિઝનેસ

તૈયાર વસ્ત્રોનું કામકાજ કરતી કંપનીના માલિક રણજિત કોરાલાજે કંપનીનાં મશીનો અને સ્ટીમ રોલરને ચલાવવા માટે પૂરતું ડીઝલ મેળવવા રોજેરોજ દોડધામ કરવી પડી રહી છે.

શ્રીલંકાના મધ્ય પ્રાંતમાં આવેલી કોલોના મૅન્યુફૅક્ચરિંગ કંપની માટે રોજ 400 લીટર ડીઝલ જોઈએ, જે મેળવવા માટે આસપાસના બધા પેટ્રોલ પમ્પ પર ધક્કા ખાવા પડે છે.

વીજળી લાંબો સમય ગૂલ થઈ જાય છે એટલે શ્રીલંકાની બીજી ફેક્ટરીઓમાં પણ રોજ કામકાજ અટકી પડે છે. કેટલીક ફેક્ટરીમાં જનરેટર છે તેનાથી કામ ચાલે છે, પણ તેના માટે ડીઝલ પૂરતું મળતું નથી એટલે થોડું કામ ચાલે પછી ફરી અટકાવી દેવું પડે છે.

કોરાલાજેએ બીબીસીને જણાવ્યું કે "આજે તો ગમે તેમ કરીને કામ ચાલી ગયું, આવતી કાલે શું થશે ખબર નથી."

વિક્ટોરિયાઝ સિક્રેટ, પુમા અને લીવાઈ જેવી કંપનીઓ માટે નીટેડ ગારમૅન્ટ બનાવીને એક્સપૉર્ટ કરવાનું કામ તેઓ કરે છે. તેમના જેવા બીજા ડઝન જેટલા એકમો છે ત્યાં પણ ટાર્ગેટ પૂરો કરવા કામકાજ ચાલુ રાખવામાં મુશ્કેલી નડી રહી છે.

શ્રીલંકા માટે વિદેશી હૂંડિયામણની આવક રળી આપવામાં ગારમૅન્ટની નિકાસ બીજા નંબરે આવે છે. કોરોના મહામારીની મુશ્કેલીમાંથી હાલમાં જ આ ક્ષેત્ર બહાર આવ્યું છે અને એક વર્ષ અગાઉની સરખામણીએ જાન્યુઆરી 2022માં વસ્ત્રોની નિકાસ 22.1% વધીને $514 મિલિયન ડૉલર સુધી પહોંચી હતી.

કોલોના પાસે આગામી ત્રણથી છ મહિના માટે નિકાસના પૂરતા પ્રમાણમાં ઑર્ડર છે. પરંતુ વારેવારા કામ અટકી પડતું હોવાથી ધંધો અટકી પડે અને ઇન્ડોનેશિયા, બાંગ્લાદેશ અને વિયેતનામ જેવા હરીફ દેશો પાસે બિઝનેસ જતો રહે તેવી ચિંતા છે.

કોરાલાજે કહે છે, "જો સરકાર ઈંધણ પૂરું નહીં પાડે તો અમારે ઉત્પાદન અટકાવી દેવું પડશે અને ડિલિવરી મોકલી શકીશું નહીં. અમારા ક્લાયન્ટ રોજેરોજ પૂછપરછ કરી રહ્યા છે કે અમે સમયસર ઑર્ડર પૂરા કરી શકીશું કે નહીં."

શ્રીલંકાની આર્થિક સ્થિતિ

છેલ્લા દાયકાઓની સૌથી ગંભીર આર્થિક કટોકટીનો સામનો શ્રીલંકા કરી રહ્યું છે અને તેના કારણે તેનું વિદેશી હૂંડિયામણ 16% ઘટીને માર્ચમાં માત્ર $1.93 અબજ ડૉલર રહી ગયું હતું એમ દેશની કેન્દ્રીય બૅન્કના આંકડા જણાવે છે.

શ્રીલંકાના આર્થિક વિકાસના મૉડલ તરીકે કોલોના મૅન્યુફૅક્ચરિંગ જેવી કંપની ઉત્તમ ઉદાહરણ છે. આ કંપની અંતરિયાળ વિસ્તારમાં આવેલી છે, જેથી સ્થાનિક ધોરણે રોજગારી પણ મળી રહી.

આ કંપનીમાં 800 લોકો કામ કરે છે, જે બધા જ સ્થાનિક છે. તેના ચીફ એક્ઝિક્યુટિવ કોરાલાજે પણ આ જ વિસ્તારના છે.

આ એકમ ગારમૅન્ટની નિકાસ કરીને ગામને વર્ષે $140,000 ડૉલરની આવક કરાવી આપે છે.

પરંતુ હવે આ કંપની વિષચક્રમાં ફસાઈ છે. અપૂરતા ડૉલર હોવાથી શ્રીલંકા અનાજ, દવા અને ઈંધણની આયાત માટે જરૂરી ચુકવણી કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યું છે.

શ્રીલંકાના વિદ્યુત ઉત્પાદન મથકો પણ ઈંધણ વિના ચાલુ રાખવા મુશ્કેલ બન્યા છે અને તેના કારણે વારંવાર લાંબા કલાકો સુધી પાવક કાપ મૂકવો પડે છે. તેનાથી ઉત્પાદન એકમોનું કામ અટકી પડે છે.

ખાસ કરીને નિકાસ આધારિત એકમોને પણ અસર થાય છે અને આ એકમોના નિકાસથી ડૉલરની આવક થવાની હતી તે પણ અટકી રહી છે.

કોલોના જેવા કંપનીઓ ફિક્સ ભાવે ઑર્ડર લઈ લે છે અને કાચી સામગ્રીનો ખર્ચ વધે ત્યારે સહન કરી લેવાની તેની ક્ષમતા બહુ હોતી નથી. શ્રીલંકાના રૂપિયાનું અવમૂલ્યન થયું એટલે નિકાસમાં ફાયદો થાય, પરંતુ સામી બાજુ મોંઘવારીને કારણે ખર્ચ વધે તેમાં તે ફાયદો ધોવાઈ જાય છે.

આવી સ્થિતિને કારણે બિઝનેસ અને તેમાં કામ કરનારા કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. કોલાલાજે કહે છે કે મોંઘવારી વધી રહી છે ત્યારે કુશળ કામદારોને જાળવી રાખવાનો પડકાર પણ ઊભો થવાનો છે.

ટ્રાન્સપૉર્ટની મુશ્કેલી

માત્ર સિલાઈના સંચા ચાલતા રહે તેટલું પૂરતું હોતું નથી. વર્કર્સને ફેક્ટરી પર લાવવા અને મૂકવાની પણ મુશ્કેલી થઈ છે, કેમ કે સરકારી બસો અડધી ઓછી થઈ ગઈ છે.

કોલોના મૅન્યુફૅક્ચરિંગ યુનિટ આવેલું છે તેનાથી 25 કિમી દૂર એમ્બિલિપિતીયા શહેરના બસ સ્ટેશને બહુ ઓછી બસો આવી રહી છે અને ત્યાં મુસાફરોની લાઈનો લાંબી થઈ રહી છે.

ઑફિસ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી 30 વર્ષની ચતુરી દિલીકા એક કલાકથી બસની રાહ જોઈને ઊભી છે. તે બીબીસીને કહે છે, "પહેલાં તો 15 મિનિટમાં બસ મળી જતી હતી, પણ હવે બબ્બે કલાક રાહ જોવી પડે છે. ક્યારેક તો ઈંધણ ખૂટી પડે એટલે બસ રસ્તામાં જ અટકી જાય છે."

તેના ઘરે મોટર સાયકલ છે ખરી, પણ પેટ્રોલ પમ્પ પણ ખાલીખમ પડ્યા હોય છે એટલે અત્યારે તેનાથી પણ કામ ચાલતું નથી.

બસના ડ્રાઇવરો કહે છે કે તેઓ અગાઉ લાંબા અંતરના જેટલા ફેરા મારતા હતા તેમાંથી હવે ત્રીજા ભાગના ફેરા જ ચાલે છે.

ઓછા મુસાફરો મળતા હોય તેવા કેટલાક રૂટ પર ઑપરેટરોએ બસો ચલાવવાનું બંધ કરી દીધું છે, જેથી જેટલું ઈંધણ મળે છે તેનાથી બીજી બસો ચાલે.

પોતાનું નામ ના આપવાની શરતે 20 વર્ષથી કામ કરી રહેલા એક ડ્રાઇવરે બીબીસીને કહ્યું, "આટલી ખરાબ સ્થિતિ તો કોરોના વખતેય નહોતી. તે વખતે આખી દુનિયામાં મુશ્કેલી હતી, પણ અત્યારે માત્ર અમે જ મુશ્કેલીમાં મુકાયા છીએ. આખો દિવસે ઈંધણ ભરાવવા લાઈનમાં ઊભું રહેવું પડશે એવી જિંદગી આવશે તેની મને કલ્પનાય નહોતી."

બંદરો પર માલ ઉતારવાની મુશ્કેલી થઈ તે પછી સરકારે જાહેરાત કરી હતી કે બે દિવસ સુધી ડીઝલનો પુરવઠો મળશે નહીં. તેના કારણે ગયા અઠવાડિયે બસો સાવ બંધ થઈ ગઈ હતી.

બંદરો પર ઊતરેલો જીવન જરૂરિયાતનો સામાન ભરીને દેશભરમાં પહોંચાડવા માટે ટ્રકોની પણ લાંબી લાઈન લાગેલી છે. તેના કારણે દેશભરમાં જરૂરિયાતની ચીજોની તંગી ઊભી થઈ છે.

પ્રવાસન ઉદ્યોગ ઠપ

કોલંબોથી દક્ષિણમાં 130 કિમી દૂર હિક્કાદુવા નામનું દરિયાકિનારાનું ફરવાનું સ્થળ છે. અહીં યુરોપ અને મધ્ય પૂર્વના પ્રવાસીઓ સતત આવતા રહેતા, પણ અત્યારે શેરીઓ ખાલીખમ દેખાય છે.

નેલાકા ગુણરત્ને ત્રણ વર્ષ બંધ રાખ્યા પછી ગયા વર્ષે જ પોતાની 30 રૂમની હોટલ ફરી શરૂ કરી હતી. પ્રથમ છ મહિના સારો બિઝનેસ રહ્યો હતો, પણ હવે ફરી તેમની હોટલ ખાલી પડી છે.

પ્રવાસીઓને પ્રાથમિક સુવિધાઓ પણ પૂરી પાડવી મુશ્કેલ બની રહી છે તેના કારણે પર્યટકો હોટલ છોડીને જતા રહ્યા છે.

વીજકાપ અને જીવનજરૂરી ચીજોની તંગીને કારણે સ્થિતિ જલદી થાળે પડે તેવી આશા પણ નથી. ખાસ કરીને શ્રીલંકાના અર્થતંત્ર માટે બહુ જરૂરી પ્રવાસન ઉદ્યોગ જલદી બેઠો થાય તેમ લાગતું નથી.

કોરોના રોગચાળાને કારણે આમ પણ હોટલ ઉદ્યોગ પડી ભાંગ્યો હતો અને હવે કમાણી થઈ રહી નથી. તેના કારણે દેશને વિદેશી હૂંડિયામણની જરૂરી આવક પણ થઈ રહી નથી.

મોટા ભાગના મધ્ય કદના અને નાના એકમો પાસે જનરેટર પણ નથી, કેમ કે અત્યાર સુધી શ્રીલંકામાં વીજ કાપની કોઈ મુશ્કેલી હતી નહીં.

દેશનું વિદેશી હૂંડિયામણ ઘટવા લાગ્યું તે પછી શ્રીલંકાની સરકારે કેટલીક વસ્તુઓની આયાત પર પ્રતિબંધો પણ મૂકી દીધા છે. .

આયાત અટકી પડવાને કારણે આવી વસ્તુઓની તંગી થઈ અને ભાવો વધી ગયા. દૂધનો પાવડર, ચોખા વગેરે જેવી વસ્તુ બહુ મોંઘી થઈ ગઈ છે. ફુગાવાનો દર વધીને હાલનાં અઠવાડિયાંમાં 17% થઈ ગયો છે, જ્યારે ખાદ્યપદાર્થોમાં પણ 20%થી વધારેનો ફુગાવો છે.

લોકોને ખાવાપીવાનું મળશે કે કેમ?

રાંધણ ગૅસ પણ સમયસર મળે તેવી શક્યતા હોતી નથી તેથી રેસ્ટોરાં બંધ થઈ રહી છે. હોટલમાં થોડા ઘણા ગેસ્ટ હોય તેમને સાચવવામાં તકલીફ પડી રહી છે. માર્ચ અને એપ્રિલ દરમિયાન 80% બુકિંગ કૅન્સલ થઈ ગયા છે એમ ગુણરત્ને કહે છે.

તેઓ કહે છે, "ગેસ્ટ ફોન કરીને પૂછતા હોય છે કે કર્ફ્યૂ ચાલુ રહેવાનો છે ખરો અને ખાવાપીવાનું મળી રહેશે કે કેમ? અમારી પાસે તેનો કોઈ જવાબ હોતો નથી. અમે પોતે પણ જરૂરિયાત પૂરી કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છીએ ત્યારે ગેસ્ટને કેવી રીતે ખાતરી આપીએ?"

શ્રીલંકા પાસે સ્વચ્છ અને રળિયામણા બીચ ઘણા છે અને આકર્ષક સ્થાનિક સંસ્કૃતિ છે એટલે વિદેશી પ્રવાસીઓ આકર્ષાઈને આવતા રહ્યા છે. પરંતુ અત્યારે શેરીઓમાં વિરોધપ્રદર્શનો થઈ રહ્યાં છે તેના કારણે દેશની છાપ ખરડાઈ છે અને પ્રવાસીઓ અહીં ફરવા જવાનું સલામત નથી એમ સમજીને આવતા નથી.

અમેરિકાના વિદેશ વિભાગે જોખમનું સ્તર વધાર્યું છે અને અમેરિકાના નાગરિકોને શ્રીલંકાના પ્રવાસ કરવા સામે ચેતવણી આપીને લેવલ 3ની ચેતવણી આપેલી છે. પૂરતા પ્રવાસીઓ ના મળવાથી ભારતમાંથી શ્રીલંકા જતી ઍર ઇન્ડિયાની ફ્લાઇટ્સની સંખ્યા પણ ઘટાડી દેવાઈ છે.

શ્રીલંકાને અત્યારે આર્થિક અને રાજકીય સ્થિરતાની તાતી જરૂર છે, જેથી તેની ફેક્ટરીઓ ફરી ધમધમતી થાય અને તેના દરિયાકિનારે ફરવા માટે વિદેશી પર્યટકો આવતા થાય.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો