ગુજરાતથી વ્યથિત સંઘ પરિવાર કેમ પૂર્વોત્તરનાં પરિણામોથી રાજી રાજી?

    • લેેખક, અજય ઉમટ
    • પદ, વરિષ્ઠ પત્રકાર

શનિવારે બપોરે પૂર્વોત્તર રાજ્યોનો વિધાનસભાનાં પરિણામોનો ટ્રેન્ડ ભાજપ તરફી સ્પષ્ટ બન્યો અને ત્રિપુરામાં ભાજપે બે તૃતીયાંશ બહુમતીના આંકને વટાવ્યો.

એટલે સંઘના સુપ્રીમો મોહન ભાગવતે ફોન કરી, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને હૃદયપૂર્વક અભિનંદન આપ્યા.

સંઘ પરિવાર માટે શનિવારની એ ઘડી રળિયામણી હતી કારણ કે, બરાબર 14 વર્ષ પહેલાં ત્રિપુરામાં સંઘ પરિવારનાં ચાર પૂર્ણકાલીન કાર્યકરોની અપહરણ બાદ મ્યાનમારમાં હત્યા કરાઈ હતી.

સંઘ પરિવારે ત્યારે પોતાની પૂરેપૂરી વગ વાપરી આ કાર્યકરોને છોડાવવા વાજપેયી સરકાર પર દબાણ કર્યુ હતું, પરંતુ કોઈ નક્કર પરિણામ ન આવતા, સમગ્ર સંઘ પરિવાર નાસીપાસ થયો હતો.

હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમિત શાહને પૂર્વોત્તરમાં વિજયનાં શિલ્પી તરીકે ઓળખાવ્યા.

તો પ્રત્યુત્તરરૂપે અમિત શાહે આ પરિણામોનું શ્રેય સંઘ પરિવાર અને ભાજપનાં સંખ્યાબંધ કાર્યકરોને આપ્યું.

તમને આ પણ વાંચવું ગમશે

સંઘની વિચારસરણીની જીત

સંઘ પરિવાર માને છે કે, ત્રિપુરામાં ડાબેરીઓનો 25 વર્ષથી પ્રસ્થાપિત લાલ કિલ્લો ધ્વંસ થયો અને ભાજપનો ભગવો લહેરાયો.

એ ઘટનાક્રમ પૂર્વોત્તરમાં માત્ર હિન્દુ રાષ્ટ્રવાદની પા…પા… પગલી નથી, પરંતુ ડાબેરીઓની વિચારસરણી સામે સંઘ પરિવારની વિચારસરણીની થયેલી જીત છે.

આનાથી તદ્દન વિરોધાભાસી ચિત્ર ગુજરાતમાં ગત વિધાનસભાનાં ચૂંટણી પરિણામોમાં જોવા મળ્યું.

જેનાથી સંઘ પરિવાર ખૂબ વ્યથિત હતો. છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાતો હતો. હિન્દુત્વની રાજનીતિ ચરમસીમાએ પહોંચેલી હતી.

ભાજપની હિન્દુત્વની વોટબેંક

વર્ષ 1992માં બાબરી ધ્વંસનો મામલો હોય કે વર્ષ 2002ના કોમી રમખાણો હોય કે સોનિયા ગાંધી દ્વારા એન્કાઉન્ટરનાં મુદ્દે થયેલા 'મોત કા સૌદાગર'ના આક્ષેપો.

ભાજપની હિન્દુત્વની વોટબેંકમાં ગુજરાતમાં કદી ઓટ આવતી નહોતી. સંઘ પરિવાર માટે ગુજરાત એ ભાજપની રાજકીય લેબોરેટરી છે.

અડવાણીની અયોધ્યા યાત્રાની શરૂઆત સોમનાથથી થઈ હતી. વર્ષ 1990ના દાયકામાં લોકસભામાં માત્ર બે બેઠકો ધરાવતું ભાજપ, વર્ષ 2014માં 284ના શિખરે પહોંચે એ વિરલ સિદ્ધિ હતી.

પરંતુ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં હાર્દિક પટેલે છેડેલા અનામત આંદોલનને પગલે પટેલ સમાજનો એક વર્ગ ભાજપથી નારાજ થયો.

અલ્પેશ ઠાકોરની ઝુંબેશથી ભાજપની ઠાકોર અને ઓબીસી સમાજની મતબેંકમાં ભાગલા પડ્યા, તો જિજ્ઞેશ મેવાણીએ દલિતો અને મુસ્લિમોને ભાજપ વિરુદ્ધ સંગઠિત કરવાનો પ્રયાસ કર્યો.

આ સમગ્ર પ્રક્રિયામાં ભાજપની ગુજરાતમાં અખંડ મનાતી હિન્દુત્વની વોટબેંકમાં કાંગરા ખરવા મંડ્યા.

પરિણામે મોહન ભાગવત સહિત સંઘ પરિવારનાં નેતાઓ ગુજરાતનાં ઘટનાક્રમથી નારાજ થયા, પરંતુ પૂર્વોત્તરનાં પરિણામોથી રાજી રાજી...

પૂર્વોત્તરમાં જીત પાછળ મહત્ત્વનું ફેક્ટર

પૂર્વોત્તરનાં પરિણામોની ચર્ચા કરીએ તો ત્રિપુરામાં પ્રામાણિક મનાતા મુખ્યમંત્રી માણિક સરકારને એન્ટિ-ઇસ્ટૅબ્લિશમેન્ટનું ફેક્ટર કદાચ નડ્યું હશે!

તો સામા પક્ષે ગુજરાતમાં ભાજપે લાગ-લગાટ છઠ્ઠી વખત વિધાનસભામાં સ્પષ્ટ બહુમતી મેળવી વિકાસના નામે વિજય પ્રાપ્ત કર્યો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે 'કોંગ્રેસે વિકાસ ગાંડો થયો છે'નું સૂત્ર વહેતું કર્યું હતું, જે મહદ્અંશે લોકપ્રિય પુરવાર થયું હતું.

ભાજપે 'હું છું વિકાસ, હું છું ગુજરાત'ના નામે એ પડકાર ઝીલી લઈ ચૂંટણી જીતવાનો મુદ્દો વિકાસને જ બનાવ્યો હતો.

પૂર્વોત્તરમાં પણ ભાજપે તમામ રાજ્યોની ચૂંટણીમાં વિકાસના નામે જ ઝંપલાવ્યું હતું અને આજે પૂર્વોત્તરની સેવન સિસ્ટર્સમાંથી ચારમાં ભાજપે સત્તા પ્રાપ્ત કરી લીધી છે.

જ્યારે મેઘાલયમાં હજુ ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ પ્રવર્તે છે.

તડજોડની રાજનીતિ

ભાજપની ચૂંટણી વ્યૂહરચનાની સામ્યતાની વાત કરીએ તો ગુજરાત હોય કે પૂર્વોત્તર, તોડફોડ અને તડજોડની રાજનીતિમાં ભાજપને કોઈ પહોંચી વળે તેમ નથી.

ગુજરાતમાં રખે ને કોંગ્રેસ સત્તામાં આવે! એ હેતુથી ભાજપે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડી, સૌપ્રથમ શંકરસિંહ વાઘેલાને કોંગ્રેસમાંથી 'રામ-રામ' કરાવી દીધા.

ત્યારબાદ કોંગ્રેસના 14 સિટિંગ ધારાસભ્યોના રાજીનામા સેરવી લીધા. અહેમદભાઈ પટેલ માટે રાજ્યસભામાં પ્રવેશ દુષ્કર કરી દીધો અને કોંગ્રેસને સાણસામાં મૂકી દીધી.

કોંગ્રેસના બળવાખોર ઉમેદવારો અને અસંતુષ્ટોને ભાજપમાં સ્થાન આપ્યું અને કોંગ્રેસને સિફતપૂર્વક કદ પ્રમાણે વેતરી નાખી.

જેમ ગુજરાતમાં ભાજપને શંકરસિંહ વાઘેલા પ્રાપ્ત થયા, તેમ પૂર્વોત્તરમાં કોંગ્રેસના બળવાખોર હતા હિમન્તા બિશ્વા શર્મા.

શંકરસિંહ વાઘેલા સોનિયા ગાંધીની નીતિ-રીતિથી નારાજ હતા. તો હિમન્તા બિશ્વા શર્મા રાહુલ ગાંધીએ સમય ન આપતા ધુંઆપૂંઆ થઈને કોંગ્રેસ છોડી ભાજપમાં ભળ્યા હતા.

'ઘર કા ભેદી, લંકા ઢાયે'

ગુજરાત અને પૂર્વોત્તર બંને રાજ્યોમાં 'ઘર કા ભેદી, લંકા ઢાયે'ની સ્થિતિ કોંગ્રેસ માટે થઈ અને ભાજપે એનો ભરપુર ફાયદો ઉઠાવ્યો.

પૂર્વોત્તરનાં રાજ્યોમાં પાંચ વર્ષ પહેલાં ભાજપનો વોટશેર બે ટકા પણ નહોતો.

ત્રિપુરાનું જ ઉદાહરણ લઈએ તો માત્ર એક બેઠક પર ભાજપની ડીપોઝિટ બચી હતી અને માત્ર એક ટકા જ મત પ્રાપ્ત થયા હતા.

આજે પાંચ વર્ષમાં ૪૨ ટકાની મતવૃદ્ધિ અને ૫૯માંથી ૪૩ બેઠકો સ્પષ્ટપણે સૂચવે છે કે, સંઘ પરિવારની અને ભાજપની સંગઠન શક્તિ ઉપરાંત તોડફોડ અને તડજોડની રાજનીતિએ 'આઇસિંગ ઓન કેક' જેવું કામ કર્યું હતું.

ગુજરાતનાં પરિણામોમાં એન્ટિ-ઇન્કમબન્સી અને એન્ટી-ઇસ્ટૅબ્લિશમેન્ટની લાગણીઓ સામે ભાજપે વિજય મેળવ્યો હતો તો પૂર્વોત્તરમાં એન્ટિ-ઇસ્ટૅબ્લિશમેન્ટ ફેક્ટરનો મહત્તમ લાભ.

બંને રાજ્યોમાં વિકાસની વાતો, પરંતુ પાયામાં હિન્દુત્વની રાજનીતિ અને યેન-કેન-પ્રકારે ચૂંટણી જીતવાનું લક્ષ્ય. જે ગુજરાતમાં પણ પાર પડ્યું અને પૂર્વોત્તરમાં પણ.

પ્રેમ, યુદ્ધ અને ચૂંટણીમાં 'સબ કુછ ચલતા હૈ'. આખરે તો 'જો જીતા વો હી સિકંદર'.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો