You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
માનવ તસ્કરીવિરોધી કાયદા પછી સેક્સ વર્કર સાથે કોઈ લગ્ન કરશે?
- લેેખક, સરોજ સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
"મને અને પુષ્પાને એક મહિલાએ 80,000 રૂપિયામાં મહારાષ્ટ્રના ભિવંડીમાં વેચી માર્યાં હતાં. અમે બહુ વિનંતી કરી હતી, પણ કોઈને અમારા પર દયા આવી ન હતી.
પુષ્પા તો વિકલાંગ હતી. તેમણે પુષ્પાને પણ છોડી ન હતી. પુરુષોની ઈચ્છા સંતોષવાનું રોજ કહેવામાં આવતું હતું.
ના પાડી જ શકાતી ન હતી, કારણ કે એવું કરીએ તો તેઓ અમારી આંખોમાં મરચાંની ભૂકી નાખી દેતા હતા."
આ વ્યથાકથા રમાની છે. રમાનાં લગ્ન 12 વર્ષની વયે કરી નાખવામાં આવ્યાં હતાં. દીકરાને જન્મ ન આપી શકવાને કારણે રમાનું સાસરામાં બહુ શોષણ કરવામાં આવ્યું હતું.
આ શોષણથી ત્રાસીને રમા પિયર આવી ગઈ હતી, પણ ત્યાં તેની સખીની એક સખીએ રમા સાથે દગો કર્યો હતો અને રમા માનવ તસ્કરોની જાળમાં સપડાઈ ગઈ હતી.
એક વર્ષ સબડ્યા બાદ રમા તેમની ચુંગાલમાંથી ભાગી નીકળી હતી, પરંતુ રમાને ઉઠાવી ગયેલા લોકો સામે આજ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી.
તમને આ પણ વાંચવું ગમશે
માનવ તસ્કરીની નવી પરિભાષા
કોઈ રમા કે પુષ્પા સાથે ભવિષ્યમાં આવું ન થાય એટલા માટે મહિલા તથા બાળ કલ્યાણ મંત્રાલયે માનવ તસ્કરી સામે નવો ખરડો બનાવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ધ ટ્રાફિકિંગ ઓફ પર્સન્સ (પ્રિવેન્શન, પ્રોટેક્શન એન્ડ રીહબિલિટેશન) ખરડો-2018ને કેન્દ્રીય પ્રધાનમંડળે મંજૂરી પણ આપી દીધી છે.
આ ખરડામાં માનવ તસ્કરીના તમામ પાસાંઓને નવી રીતે પહેલીવાર પરિભાષિત કરવામાં આવ્યાં છે.
બળજબરીથી મજૂરી કરાવવી, ભીખ મંગાવવી, નિર્ધારિત સમય પહેલાં કોઈ વ્યક્તિને યુવાન કરવા માટે ઈન્જેક્શન કે હોર્મોન આપવું, લગ્ન કે લગ્ન માટે કપટ કરવું કે લગ્ન પછી મહિલાઓ તથા બાળકોની તસ્કરીને નવી પરિભાષા અનુસાર માનવ તસ્કરીનાં ગંભીર રૂપ ગણવામાં આવ્યાં છે.
બાળકોની તસ્કરી અને બાળ મજૂરી અટકાવવા વર્ષોથી કામ કરતા કૈલાસ સત્યાર્થીના જણાવ્યા અનુસાર, સમય સાથે નવા કાયદાની તાતી જરૂર હતી.
કૈલાસ સત્યાર્થીએ જણાવ્યું હતું કે છેલ્લાં કેટલાંક વર્ષોથી માનવ તસ્કરીએ સંગઠિત અપરાધનું સ્વરૂપ ધારણ કર્યું હતું. તેથી એ વધારે ખતરનાક બની ગઈ હતી.
કાયદામાં નવું શું હશે?
આ ખરડામાં અનેક નવી જોગવાઈ કરવામાં આવી છે. એ પૈકીની કેટલીક નીચે મુજબ છે.
• પીડિતો, ફરિયાદીઓ અને સાક્ષીઓની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.
• પીડિતને 30 દિવસમાં વચગાળાની રાહત અને ચાર્જશીટ દાખલ થયા પછીના 60 દિવસમાં સંપૂર્ણ રાહત આપવામાં આવશે.
• અદાલતમાં એક વર્ષમાં સુનાવણી પૂર્ણ કરવાની રહેશે.
• માનવ તસ્કરી બદલ પકડાયેલા લોકોને કમસે કમ 10 વર્ષની અને વધુમાં વધુ આજીવન કેદની સજા તથા એક લાખ રૂપિયા સુધીનો દંડ કરવામાં આવશે.
• માનવ તસ્કરીમાં પહેલીવાર સંડોવાયેલા લોકોની સંપત્તિ જપ્ત કરવાનો અધિકાર.
• રાષ્ટ્રીય તપાસ એજન્સી(એનઆઈએ)ને માનવ તસ્કરી વિરોધી બ્યૂરો બનાવવામાં આવશે.
• પીડિતો માટે પુનર્વસન ભંડોળની રચના કરવામાં આવશે, જે પીડિતોને શારીરિક, માનસિક ટેકો અને સલામત આવાસની વ્યવસ્થા આપશે.
યોગ્ય અમલ જરૂરી
આટલી આકરી જોગવાઈ છતાં માનવ તસ્કરીનો શિકાર બનેલા લોકો માટે લડત આપતાં વકીલ અનુજા કપૂરને આ ખરડો હજુ પણ પૂરતો જણાતો નથી.
નવા કાયદાનો અમલ યોગ્ય રીતે કરવામાં આવે એવું અનુજા કપૂર ઈચ્છે છે.
અનુજા કપૂરે કહ્યું હતું, "માનવ તસ્કરીનો શિકાર બનેલાં છોકરા-છોકરીઓના પુનર્વાસ માટે સમાજનો મોટો વર્ગ આગળ નહીં આવે ત્યાં સુધી આ કાયદો કાગળનો એક ટુકડો બની રહેશે."
અનુજા કપૂરના જણાવ્યા અનુસાર, પુનર્વસનનો અર્થ એ છે કે તસ્કરી મારફત લાવવામાં આવેલી છોકરીનાં લગ્ન આપણા દીકરા સાથે કરાવવાની હિંમત દેખાડવી.
સેક્સ વર્કર તરીકે કામ કરતાં છોકરા-છોકરીઓને આપણા ઘરમાં નોકરીએ રાખવાની હિંમત દેખાડવી.
અનુજા કપૂર માને છે કે આ દેશમાં સની લિયોનીને સ્વીકારી લેવામાં આવી તેનો અર્થ એ નથી કે માનવ તસ્કરીમાંથી ઉગારવામાં આવેલી કોઈ ગરીબ છોકરીને પણ ભારતીયો સ્વીકારી લેશે.
માનવ તસ્કરી કેટલો મોટો અપરાધ?
કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, માનવાધિકારના ઉલ્લંઘનની દૃષ્ટિએ માનવ તસ્કરી વિશ્વનો ત્રીજો સૌથી મોટો અપરાધ છે.
નેશનલ ક્રાઈમ બ્યુરોના આંકડા અનુસાર, 2016માં માનવ તસ્કરીના 8123 બનાવ નોંધાયા હતા. 2015માં એ સંખ્યા 6877ની હતી.
રાજ્યોની વાત કરીએ તો માનવ તસ્કરીની સૌથી વધુ ઘટનાઓ પશ્ચિમ બંગાળમાં નોંધાઈ હતી. બીજા નંબરે રાજસ્થાન અને ત્રીજા નંબરે ગુજરાત હતું.
માનવ તસ્કરી રોકવા માટે દેશમાં અગાઉ આવો કોઈ કાયદો ન હતો.
સરકારનો દાવો છે કે આ કાયદો બનાવવા માટે રાજ્ય સરકારો, સ્વયંસેવી સંગઠનો અને આ ક્ષેત્રના જાણકારોની મદદ લેવામાં આવી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો