You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જ્યાં દીકરીઓ ઘરની બહાર એકલી જાય તો ગુમ થઈ જાય છે
ગર્ભાધાન થાય તે દિવસથી માતા-પિતાની આંખોમાં સપના આકાર પામવા લાગે છે, પણ એ સપનાંને કોઈ ચોરી જાય તો શું થાય?
ઉત્તર વિયેતનામના વિસ્તારોમાં એવા ઘણા પરિવારો છે, જેમની આંખોનાં સપના તેમની દીકરીઓ ગુમ થવા સાથે ચોરાઈ ગયાં છે.
વિયેતનામના સુદૂર વિસ્તારોમાંથી છોકરીઓ ગાયબ થઈ રહી છે. એ પૈકીની ઘણી તો માત્ર 13 જ વર્ષની હતી.
આ રીતે ઉઠાવી જવામાં આવેલી છોકરીઓને ચીનમાં વેચી મારવામાં આવે છે અને બળજબરીથી પરણાવી દેવામાં આવે છે.
બાળકોના અધિકારો માટે કાર્યરત સંસ્થા પ્લાન ઇન્ટરનેશનલના જણાવ્યા અનુસાર, છોકરીઓનાં અપહરણ કરીને તેમનાં બળજબરીથી લગ્ન કરાવવાની ઘટનાઓનું પ્રમાણ ધીમે-ધીમે વધ્યું છે.
અલબત, છેલ્લા એક દાયકામાં તેમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે.
સેક્સરેશિયોની સમસ્યા
ચીનમાં એક બાળકની નીતિને કારણે મોટાભાગના ચીની દંપતિઓ સંતાન તરીકે દીકરો જ ઇચ્છતા હોય છે.
આ કારણે ચીની સમાજમાં સેક્સ-રેશિયો (છોકરાઓની સરખામણીએ છોકરીઓનો જન્મદર) ચિંતાજનક સ્તરે પહોંચી ગયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જેમની દીકરીઓ માર્કેટમાં ગયા પછી ક્યારેય પાછી ફરી ન હોય તેવા પરિવારોની ફોટોગ્રાફર વિંસેટ ટ્રીમે પ્લાન ઇન્ટરનેશનલનાં કર્સટી કૈમરન સાથે મુલાકાત લીધી હતી.
એ પૈકીનાં એક 56 વર્ષનાં ડો બહુ નબળાં પડી ગયાં છે. મી નામની તેમની દીકરી બે વર્ષ પહેલાં ગાયબ થઈ ગઈ હતી. તેનો પત્તો નથી.
તેમની એક જ ઇચ્છા છે. ગૂમ થયેલી દીકરીનું મોં ડો મરતાં પહેલાં કમસેકમ એકવાર નિહાળવા ઇચ્છે છે.
એકલા નિકળતાં લાગે છે ડર
ડોની દીકરી મી કામસર બજારમાં ગઈ ત્યારે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું.
ડોના પરિવારને એટલી જ ખબર છે કે મી સામાન લઈને ઘરે પાછી ફરતી હતી, ત્યારે બે પુરુષો તેનો પીછો કરતાં હતાં.
થોડા સમય પછી ખબર પડી હતી કે મી ઉત્તર વિયેતનામના હા ગિયાંગમાં છે, પણ ડો ત્યાં પહોંચ્યાં એ પહેલાં મીને અન્યત્ર લઈ જવામાં આવી હતી.
આસપાસના લોકોએ ડોને જણાવ્યું હતું કે મીને ચીન લઈ જવામાં આવી હોય અને ત્યાં તેને વેચી મારવામાં આવે એ શક્ય છે.
મીના પૈતૃક ઘરની દિવાલ પર આજે પણ તેની તસવીર ટાંગેલી છે.
અપહરણ કરવામાં આવ્યું હોય એવી મી એકલી છોકરી નથી. તેમના વિસ્તારના ત્રણ અન્ય છોકરીઓને પણ ઉઠાવી જવામાં આવી છે.
અપહરણની આ ઘટનાઓથી મીનાં ભાભી એટલાં ડરેલાં છે કે તેઓ ઘરની એકેય સ્ત્રીને એકલા ગામની બહાર જવા દેતાં નથી.
મીનાં ભાભી પણ તેમના પતિ સાથે જ ઘરની બહાર નીકળે છે.
'વણકહી પીડા'
મીનાં ભાભીના મનમાં તેમની પોતાની દીકરી બાબતે ડર રહ્યા કરે છે.
તેમને ભય છે કે છોકરીઓના અપહરણની ઘટનાઓ પર પૂર્ણવિરામ નહીં લાગે તો તેમની દીકરીને પણ ઉઠાવી જવામાં આવશે.
મનોચિકિત્સક પોલિન બોસ આ બાબતને એવી 'વણકહી પીડા' ગણાવે છે, જેનું કોઈ નિરાકરણ નથી.
આ પીડા અનેક તણાવ, અસમંજસ, ક્રોધ, દુઃખ, ચિડિયાપણા, લાચારી અને સ્વજનોના પરત આવવાની આશાથી સભર હોય છે.
જેમની દીકરીઓને ઉઠાવી જવામાં આવી છે એવા પરિવારોનું જીવન તેમની શોધ બની ગયું છે.
એ પરિવારો મોકળા મનથી રડી શકતા નથી અને એ સ્વીકારી પણ નથી શકતા કે તેમની ગૂમ થયેલી દીકરીઓ પાછી ક્યારેય નહીં આવે.
ફસામણીની જાળ
છોકરીઓને ઉઠાવી જવાના મહિનાઓ પહેલાંથી જ અપહરણકર્તાઓ જાળ બિછાવવાનું શરૂ કરી દે છે. તેઓ પહેલાં છોકરીઓ સાથે દોસ્તી કરે છે અને પછી પ્રેમ.
પ્રેમમાં સપડાયેલી છોકરી ભરોસો કરતી થાય પછી અપહરણકર્તાઓ તેમને ચીન લઈ જઈને નોકરી અપાવવાની લાલચ આપે છે.
છોકરીઓના મનમાં એ વાત ઠસાવવામાં આવે છે કે તેમને બહેતર દુનિયામાં લઈ જવામાં આવશે.
ઉત્તર વિયેતનામના આ વિસ્તારના ગરીબ પરિવારોની છોકરીઓ પણ ચીન જઈને પોતાના પરિવારને આર્થિક મદદ કરવાનાં સપનાં નિહાળતી હોય છે.
જોકે, ગામની સીમા પાર કર્યા પછી તેમને સમજાય છે કે તે ક્રૂર ષડયંત્રમાં ફસાઈ ગઈ છે.
રૂવાંટાં ઊભા કરી દે તેવી કહાણી
18 વર્ષની દિન્હની કહાણી રૂવાંટા ઊભાં કરી દે તેવી છે. દિન્હ 15 વર્ષની હતી, ત્યારે કોઈ દોસ્તે તેને આવી જ ઓફર કરી હતી.
દિન્હને ચીન લઈ જવામાં આવી હતી, જ્યાં તેને એક ઓરડામાં કેદ કરીને તેના કેટલાક ફોટોગ્રાફ્સ ઝડપવામાં આવ્યાં હતાં, જેથી એ સંભવિત ગ્રાહકોને દેખાડી શકાય.
દિન્હની સાથે તેની સખી લિયા પણ હતી. દિન્હ તો આઠ મહિના પછી ત્યાંથી ભાગવામાં સફળ થઈ હતી, પણ લિયા પાછી ફરી શકી ન હતી.
સરકારી આંકડા શું કહે છે?
સરકારી આંકડાને ખરા માનીએ તો 2017ના જાન્યુઆરીથી માર્ચ સુધીમાં છોકરીઓના અપહરણની લગભગ 300 ઘટનાઓ નોંધાઈ હતી.
બીજી તરફ ચાઈલ્ડ હેલ્પલાઇનનો દાવો છે કે, માનવ તસ્કરી સંબંધી 8,000 ફોનકોલ્સ તેમને ત્યાં ગત ત્રણ વર્ષમાં આવ્યા હતા.
હા ગિયાંગની સ્કૂલો તથા અન્ય સમુદાયોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ પ્લાન ઇન્ટરનેશનલ કરી રહી છે, જેથી છોકરીઓ સતર્ક રહે.
ઉઠાવી જવામાં આવેલી છોકરીઓને પરત લાવી શકાય અને તેમના પરિવારોને ન્યાય મળે એટલા માટે પ્લાન ઇન્ટરનેશનલ સરકાર પર દબાણ લાવવાના પ્રયાસ પણ કરી રહી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો