#AutoExpo2018: અહીં તમારી નજર આકર્ષક કાર્સ પર પહેલા પડશે

કાર માત્ર ધુમાડો છોડે છે અને હાઈવે પર દોડે છે, એવું નથી. એ રસિયાઓના દિલ પણ મોહી લે છે.

ઓટોમોબાઈલ્સની દુનિયા હવે ડીઝલ પેટ્રોલથી આગળ વધી રહી છે. ઇલેક્ટ્રિક વાહનોના સેગમેન્ટમાં હવે કાર ખરીદવા ઇચ્છતા લોકો પાસે વિકલ્પો વધી રહ્યા છે.

આ છે હોંડા મોટર્સની 'સ્પોર્ટ્સ ઈવી કોન્સેપ્ટ કાર'. હોંડા સ્પોર્ટ્સ ઈવીએ ગત વર્ષે ટોક્યો મોટર શોમાં પણ લોકોનું ધ્યાન આકર્ષ્યું હતું.

કંપનીનો દાવો છે કે આ કારમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલૉજીનો ઉપયોગ થયો છે.

કેટલાય દશકા વીતી ગયા છતાં હજી પણ મારુતિ સુઝુકીનો દબદબો યથાવત્ છે. ઓટો એક્સ્પો 2018માં સુઝુકીએ પોતાની નવી 'કોન્સેપ્ટ ફ્યૂચર એસ કાર' રજૂ કરી છે.

એમ મનાય છે કે આગામી સમયમાં સુઝુકી તેને કોમ્પેક્ટ હેચબેક કાર તરીકે બજારમાં ઉતારશે.

મારુતિની વિટારા બ્રેઝા બાદ કોન્સેપ્ટ ફ્યૂચર એસ એવી કાર હશે જેની ડિઝાઇન સંપૂર્ણ પણે ભારતમાં જ તૈયાર કરવામાં આવી છે.

મર્સિડીઝ બેંઝની 'મેબૅક એસ 650'ની કિંમત 2.73 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. જોકે, હજી આ એક ઇલેક્ટ્રિક કોન્સેપ્ટ કાર જ છે.

કંપનીનો ઇરાદો તેના કુલ વેચાણનો 20થી 25 ટકા જેટલો લક્ષ્યાંક આ સેગમેન્ટમાંથી જ પૂરો કરવાનો છે. કંપનીએ 'મેબૅક એસ 650'ને 'મહેલ ઑન વ્હીલ્સ'નું નામ આપ્યું છે.

જર્મની બહાર ભારત પ્રથમ એવો દેશ છે, જ્યાં 'મેબૅક એસ 650' લૉન્ચ કરવામાં આવી રહી છે.

દિલ્હી એનસીઆરના ગ્રેટર નોઇડામાં આયોજિત ઓટો એક્સ્પોમાં બુધવારે જે કોન્સેપ્ટ કાર્સનું પ્રદર્શન કરવામાં આવ્યું તેમાં રેનો મોટર્સની કોન્સેપ્ટ કાર રેઑન પણ હતી.

સાતમી ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ ઓટો એક્સ્પોને જાહેર જનતા માટે શુક્રવારે ખુલ્લું મુકવામાં આવશે.

દક્ષિણ કોરિયાની કિયા મોટર્સ ભારતીય કાર બજારમાં નવું નામ છે. વર્ષ 2019માં કિયા મોટર્સ પોતાની પ્રથમ એસયુવી બજારમાં મૂકશે.

દુનિયાના પાંચમાં સૌથી મોટા ઓટોમોબાઈલ બજાર - ભારતમાં કિયા મોટર્સે વર્ષ 2021 સુધીમાં ત્રણ લાખ કાર્સ વેચવાનું લક્ષ્યાંક રાખ્યું છે.

આ ઓટો એક્સ્પોમાં કંપનીએ પોતાની હાઇબ્રિડ કાર 'કિયા નીરો' રજૂ કરી છે.

ઓટો એક્સ્પોમાં રેનો મોટર્સની કોન્સેપ્ટ કાર 'રેઑન' ઉપરાંત 'ટ્રેઝર' પણ રજૂ કરવામાં આવી છે. 'ટ્રેઝર' એક ઇલેક્ટ્રિક કોન્સેપ્ટ કાર છે.

આ કાર કંપનીના ચીફ ડિઝાઇનર લૉરેન્સ વૅન ડેન એકરનો વિચાર હોવાનું કહેવાય છે.

ઓટોમોબાઇલના જાણકારો જણાવે છે કે, 'ટ્રેઝર' રેનો મોટર્સના ભવિષ્યની ઝલક દર્શાવે છે. લાંબા બોનેટવાળી આ કારમાં બે વ્યક્તિ માટે બેસવાની જગ્યા છે.

મહિન્દ્રાની થાર દેશના ઓટો માર્કેટમાં જાણીતું નામ છે. કંપનીએ ઓટો એક્સ્પોમાં તેનું મોડિફાઇડ વર્ઝન મહિન્દ્રા થાર વંડરલસ્ટ લૉન્ચ કર્યું છે.

2.5 લીટર ડીઝલ એન્જિનની ક્ષમતા ધરાવતી આ થાર 105 બીએચપીનો પાવર ઉત્પન્ન કરી શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો