જસ્ટિસ ચેલમેશ્વર: ન્યાયતંત્રમાં સરકાર કરે છે હસ્તક્ષેપ

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે. ચેલમેશ્વરે સર્વોચ્ચ ન્યાયમૂર્તિ દીપક મિશ્રાને એક પત્ર લખીને સરકાર દ્વારા ન્યાયતંત્રમાં કરવામાં આવતી દખલગીરી સામે પગલાં લેવાની માગણી કરી છે.

ગત સપ્તાહે લખેલા એ પત્રમાં જસ્ટિસ ચેલમેશ્વરે જણાવ્યું હતું:

"આપણા પર ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓ પર પોતાની સ્વતંત્રતા સાથે સમાધાન કરવાના અને આપણી સંસ્થાગત અખંડતા પર અતિક્રમણના આરોપ મૂકવામાં આવી રહ્યા છે."

"કાર્યપાલિકા હંમેશા ઉતાવળી હોય છે અને સક્ષમ હોવા છતાં તે ન્યાયતંત્રની અવજ્ઞા કરતી નથી.

"પણ સચિવાલયના વિભાગ પ્રમુખ સાથે જેવો વ્યવહાર કરવામાં આવે છે તેવો જ વ્યવહાર ચીફ જસ્ટિસ સાથે કરવામાં આવે એ પ્રકારના પ્રયાસ થઈ રહ્યા છે."

જસ્ટિસ ચેલમેશ્વરના જણાવ્યા અનુસાર, સરકારે કર્ણાટક હાઈ કોર્ટના વડા ન્યાયમૂર્તિ દિનેશ માહેશ્વરીનો સંપર્ક કર્યો હતો.

એ કેસ સુપ્રીમ કોર્ટ કૉલિઝિયમની ભલામણો વિરુદ્ધ જિલ્લા અને સેશન જજ પી. કૃષ્ણા ભટના પ્રમોશન તથા તેમના વિરુદ્ધ તપાસનો આદેશ દેવા સંબંધી હતો.

તમને આ પણ વાંચવું ગમશે

શું લખ્યું છે જસ્ટિસ ચેલમેશ્વરે?

કર્ણાટકના બેલગાવીના જિલ્લા અને સેશન જજ પી. કૃષ્ણા ભટે ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એસ. એમ. શશીકલાના દુર્વ્યવહાર સંબંધે એક રિપોર્ટ 2014માં હાઈ કોર્ટને મોકલ્યો હતો.

એ સંબંધે વિજિલન્સ રિપોર્ટ તો દાખલ કરવામાં આવ્યો હતો, પણ 2016ના ફેબ્રુઆરી સુધી એ વિશે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

જજ ભટનું નામ પ્રમોશન માટે આગળ કરવામાં આવ્યું ત્યારે શશિકલાએ તેમના વિરુદ્ધ ફરિયાદ કરી હતી.

આરોપોની તપાસ ચીફ જસ્ટિસ એસ. કે. મુખર્જીએ કરી હતી અને આક્ષેપો પાયાવિહોણા હોવાનું તેમણે તેમના અહેવાલમાં જણાવ્યું હતું.

એ પછી સુપ્રીમ કોર્ટ કૉલિઝિયમે જજ ભટ સહિતના અન્ય છ ન્યાયમૂર્તિઓને હાઈ કોર્ટના જજ બનાવવાની ભલામણ કરી હતી.

કેન્દ્ર સરકાર સિવાય બધાએ જજ ભટના પ્રમોશનને ટેકો આપ્યો હતો.

જસ્ટિસ ચેલમેશ્વરે ચીફ જસ્ટિસને લખેલા ઉપરોક્ત પત્રમાં આ બાબતને સરકાર દ્વારા તેના હિતમાં 'ફાઇલ રોકી રાખવાનું' આદર્શ ઉદાહરણ ગણાવ્યું હતું.

જસ્ટિસ ચેલમેશ્વરે પત્રમાં લખ્યું છે, "જેના વિશે ક્યારેય વિચાર્યું ન હતું એ પણ હવે થઈ ગયું છે.

"સરકારને જજ કૃષ્ણ ભટ સામે કોઈ વાંધો હતો તો તેમણે ભલામણ સામાન્ય પ્રક્રિયા અનુસાર, આપણી પાસે પરત મોકલવી જોઈતી હતી, પણ સરકારે એવું કરવાને બદલે ફાઇલ રોકી રાખી હતી.

"હવે કર્ણાટક હાઈ કોર્ટના વડા ન્યાયમૂર્તિએ આપણને જણાવ્યું છે કે આ મામલે વિચારણા કરવા તેમણે કાયદા મંત્રાલયને પત્ર લખ્યો છે.

"કર્ણાટક હાઈ કોર્ટના વડા ન્યાયમૂર્તિએ ખુદને સરકારના વફાદાર દેખાડતાં આ સંબંધે પગલું લીધું હતું, વહીવટી સમિતિની બેઠક યોજી હતી અને આ બાબતે ફરી તપાસનો નિર્ણય કર્યો હતો.

"આ રીતે તેમણે પહેલાં ચીફ જસ્ટિસની તપાસનાં તારણોને દબાવી દીધાં હતાં..."

'સ્વાયતતા પરનો ફટકો'

સુપ્રીમ કોર્ટના સીનિયર વકીલ સંજય હેગડે કહે છે, "આ મામલો ન્યાયતંત્રની સ્વાયતતા અને જ્યુડિશિયલ ઍપૉઇન્ટમૅન્ટ સંબંધિત છે.

"ન્યાયમૂર્તિઓને ચૂંટીને જજ બનાવવાનો નિર્ણય કોઈએ કર્યો હોય અને સરકાર એવું વિચારતી હોય કે જજના પદ પર જેની નિમણૂંક કરવામાં આવી છે એ સરકારતરફી નહીં હોય અને તેથી સરકાર તેની નિમણૂક અટકાવી રાખતી હોય કે કૉલિઝિયમની ભલામણોને નકારવાના પ્રયાસ થતા હોય તો ન્યાયતંત્રની સ્વાયતતા પર ફટકો પડતો હોય છે."

સંજય હેગડે કહે છે, "જસ્ટિસ ચેલમેશ્વરે આ જ કહ્યું છે કે સરકાર સુપ્રીમ કોર્ટને લાંઘીને સીધી હાઈ કોર્ટના ચીફ જસ્ટિસને સવાલ કરતી હોય તો હાઈ કોર્ટની જસ્ટિસ તેમાં કશું કરી શકતા નથી એ આપણે બધા જજોએ સાથે મળીને વિચારવું જોઈએ."

સુપ્રીમ કોર્ટના સીનિયર વકીલ પ્રશાંત ભૂષણ કહે છે, "ન્યાયતંત્રનું કામ સરકાર પર નજર રાખવાનું અને સરકાર વિરુદ્ધ જનતાના મૌલિક અધિકારોનું રક્ષણ કરવાનું છે. તેથી આ ગંભીર મામલો છે."

પ્રશાંત ભૂષણના ઉમેરે છે, "જજ પી. કૃષ્ણ ભટ પરના આરોપોની તપાસ કૉલિઝિયમ તરફથી પહેલાં કરવામાં આવી હતી અને એ આરોપો આધારવિહોણા સાબિત થયા હતા."

ન્યાયતંત્રમાં સરકારની સીધી દખલગીરી

સંજય હેગડે આ બાબતને ન્યાયતંત્રનું અપમાન ગણે છે. તેઓ કહે છે, "કોઈ સરકાર એવું વિચારતી હોય કે ન્યાયતંત્ર વિના આ દેશમાં કોઈ સરકાર ચાલી શકે છે તો એ સરકાર ખોટી છે.

"હું માનું છું કે ન્યાયતંત્રની સ્વાયતતાને નુકસાન થાય તેવું કોઈ કામ સરકારે કરવું ન જોઈએ.

"જજોની નિમણૂંકની બાબત 'અમારા-તમારા'ની બની જાય તો તે ન્યાયતંત્ર પરની તરાપ છે અને ન્યાયતંત્ર તેને સહન નહીં કરે."

પ્રશાંત ભૂષણ કહે છે, "સુપ્રીમ કોર્ટના વડા ન્યાયમૂર્તિ પર તાજેતરમાં જે પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા હતા તેનાથી સામાન્ય માણસનો વિશ્વાસ પહેલાંથી ડગમગેલો છે. તેને સુધારવાની જરૂર છે.

"રવૈયો યોગ્ય હશે અને સરકાર સાથે સારા સંબંધ રાખવાને બદલે કોર્ટ સરકાર પર આકરી નજર રાખવા લાગશે ત્યારે એ સુધારો થશે."

કઈ રીતે થાય છે જજોની નિમણૂંક?

સંજય હેગડેના જણાવ્યા અનુસાર, "હાઈ કોર્ટના જજોની નિમણૂંક માટે ભલામણ કરવાનો અધિકાર માત્ર જજોના કૉલિઝિયમને જ છે.

"એ ભલામણો સરકારને મોકલવામાં આવે છે અને સરકારે એ સ્વીકારવાની હોય છે."

સંજય હેગડે કહે છે, "સરકારને કોઈના નામ સામે વાંધો હોય તો એ સુપ્રીમ કોર્ટને જણાવી શકે છે કે આ વ્યક્તિ પર કેટલાક આરોપો છે, તેની તપાસ કર્યા બાદ અમને જણાવો કે આપ તેમની નિમણૂંક ફરી કરવાના છો કે નહીં.

"જજોનું કૉલિઝિયમ સંબંધિત જજના નામની ભલામણ ફરી કરે તો સરકારે તેને સ્વીકારવી પડે છે.

"જોકે, આ મામલામાં એવું લાગે છે કે સરકારને કોઈ નામ નાપસંદ હોય તો સરકાર એ ફાઇલને આગળ વધારતી નથી અથવા સુપ્રીમ કોર્ટને બાયપાસ કરીને સીધો હાઈ કોર્ટનો સંપર્ક કરે છે.

"ન્યાયતંત્ર સાથે આ જે ઝઘડો ચાલી રહ્યો છે તે દેશ માટે ઠીક નથી."

(સીનિયર એડવોકેટ સંજય હેગડે અને સુપ્રીમ કોર્ટના સીનિયર વકીલ પ્રશાંત ભૂષણ સાથેની બીબીસીનાં સંવાદદાતા માનશી દાશની વાતચીતના આધારે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો