એ કાયદો જે કટ્ટર દુશ્મનો મુસ્લિમ-યહુદીઓને સાથે લાવ્યો

યૂરોપના મુસ્લિમ અને યહૂદીઓ ભલે એકબીજાને જોવાનું પણ પસંદ ન કરતા હોય પણ હવે તેઓ એક કાયદા વિરુદ્ધ એકસાથે ઊભા જોવા મળી રહ્યા છે.

તેઓ કહે છે કે બેલ્જિયમમાં લાગુ થયેલો કાયદો તેમની ધાર્મિક ભાવના દુભાવે છે.

1 જાન્યુઆરીથી બેલ્જિયમમાં પશુઓની કતલ મામલે એક નવો કાયદો લાગુ થયો હતો.

લાંબા ગાળાથી પશુઓના હક માટે લડતા કાર્યકરો લડત ચલાવી રહ્યા હતા જેને ધ્યાનમાં રાખીને નવો કાયદો લાગુ થયો છે.

નવા કાયદાને મુસ્લિમ અને યહૂદીઓ ઇસ્લામ વિરોધી અને યહૂદી વિરોધી માને છે.

તમે આ વાંચ્યું કે નહીં?

પશુ અધિકાર અને ધાર્મિક સ્વતંત્રતા વચ્ચે લડાઈ

યૂરોપિયન કાયદો કહે છે કે પશુઓનું માંસ મેળવવા માટે તેમના કતલ કરતાં પહેલાં બેભાન કરી દેવાં જરુરી છે કે જેથી તેમને કોઈ પ્રકારની તકલીફ ન થાય.

પશુ સંવર્ધન કાર્યકરો કહે છે કે કતલની પ્રક્રિયા મૃત્યુ સમયે પશુઓને તકલીફ આપે છે. આ તરફ ધાર્મિક ગુરુઓ કહે છે કે તેમની પ્રક્રિયા તકલીફ આપતી નથી.

તેઓ કહે છે કે વર્ષોથી જે પ્રક્રિયા અપનાવવામાં આવી રહી છે તેનાથી પશુને માનસિક પીડા થતી નથી.

કેટલાક યૂરોપિયન દેશો જેમ કે નેધરલૅન્ડ, જર્મની, સ્પેન અને સાઇપ્રસ જેવા દેશોમાં ધાર્મિક કતલખાનાઓ પર કડક કાયદા લાગુ કરવામાં આવ્યા છે.

ઑસ્ટ્રિયા અને ગ્રીસ જેવા દેશોમાં કતલ કરતાં પહેલાં પશુઓને બેભાન કરવાં જરુરી છે.

જે રીતે પ્રાણીઓને ભોજન માટે કતલ કરવામાં આવી રહ્યાં છે તે માત્ર ધાર્મિક પ્રક્રિયા નથી કે જેનાથી યૂરોપના મુસ્લિમ અને યહૂદીઓ સાથે આવ્યા છે, પણ તેની બીજી ઘણી રીતે પણ નિંદા થઈ રહી છે.

સુન્નતની પ્રક્રિયા વિરુદ્ધ બાળકોના હકની લડાઈ

ગત વર્ષે આઈસલૅન્ડમાં એક ડ્રાફ્ટ બિલ તૈયાર કરીને કોઈ જરુર વગર સુન્નતની પ્રક્રિયા પર પ્રતિબંધ લગાવવાની તૈયારી કરવામાં આવી હતી.

જોકે, વિરોધ થતા આઈસલૅન્ડની સંસદમાં બિલ રદ કરી દેવાયું હતું. યહૂદી અને મુસ્લિમ બન્ને સુન્નત વિધિ કરે છે.

વર્ષ 2012માં જર્મનીની એક કોર્ટે સુન્નતવિધિ પર પ્રતિબંધ લગાવી દીધો હતો અને કહ્યું હતું કે તેનાથી 4 વર્ષીય બાળકના ધર્મની પસંદગીના અધિકારોનું ઉલ્લંઘન થાય છે.

કોર્ટે કહ્યું હતું કે બાળકનાં માતાપિતા કે ધાર્મિક સ્વતંત્રતા, કોઈને બાળકના શરીર સાથે કંઈ પણ કરવાનો કોઈ હક નથી.

જોકે, છ મહિના બાદ આ નિયમ બદલાઈ ગયો હતો. મુસ્લિમ અને યહુદીઓએ દલીલ રજૂ કરી હતી કે તેનાથી તેમના ધર્મ પર પ્રતિબંધ લાગવાનો પણ ખતરો છે.

'રાજકીય ઍજન્ડા'

આ પ્રકારની પહેલની સામાન્યપણે જમણેરી વિચારધારા ધરાવતી પાર્ટીઓ વિવાદ ઊભો કરે છે.

પશુ સંવર્ધન અને બાળ અધિકારના સમર્થકોનું સમર્થન મળી જતા નેતાઓ ચૂંટણીમાં જીતી શકે છે.

બેલ્જિયમમાં ફ્લેન્ડર્સ વિસ્તારમાં પશુ સંવર્ધન મંત્રી બેન વિસ્ટ છે.

જ્યારે 2017માં સંસદમાં બિલ પાસ થયું હતું ત્યારે તેમણે ટ્વીટ કર્યું હતું, "પશુ સંવર્ધન મંત્રી હોવાનો મને ગર્વ છે. મને ફ્લેમિશ હોવાનો ગર્વ છે."

વર્ષ 2014માં તેમણે ભારે ટીકાનો સામનો કર્યો હતો જ્યારે તેમણે બેલ્જિયમમાં નાઝી સહકાર્યકરના 90મા જન્મદિવસ પર તેમણે હાજરી આપી હતી.

લાંછન લગાડવાનું કાર્ય?

ઇસ્લામિક સંસ્થાઓના વકીલ જુસ રોએટ્સે ન્યૂ યૉર્ક ટાઇમ્સને કહ્યું હતું કે આ પ્રતિબંધ માત્ર કેટલાક ધાર્મિક સંગઠનો પર લાંછન લગાડવા માટે હતો, પશુઓને બચાવવા માટે નહીં.

પરંતુ બેલ્જિયન એનિમલ રાઇટ્સ ગ્રૂપે આ આરોપોને નકાર્યા છે.

તેઓ એ વાતને પણ નકારે છે કે બેલ્જિયન કાયદો ધાર્મિક કતલ પર પ્રતિબંધ લગાવવા માગે છે.

એવા ઘણાં ઉદાહરણો છે કે જેમાં ધાર્મિક કતલને માન્યતા આપવામાં આવી છે.

શરત એટલી છે કે પશુની ગરદન પર બેભાનાવસ્થામાં ચીરો લગાવવામાં આવે.

જોકે, આ વ્યાખ્યા મુસ્લિમ અને યહૂદીઓના ધાર્મિક ગુરુઓ દ્વારા હંમેશાં સ્વીકારવામાં આવતી નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો