રાહુલ ગાંધીની તસવીર દુબઈની બુર્જ ખલિફા ઇમારત પર પ્રદર્શિત કરાઈ?

    • લેેખક, ફૅક્ટ-ચેક ટીમ
    • પદ, બીબીસી

દુબઈની બુર્જ ખલિફા ઇમારત પર કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની તસવીર સાથેનો એક વીડિયો ફેસબુક તથા ટ્વિટર પર વાઇરલ થઈ રહ્યો છે.

કૉંગ્રેસતરફી કેટલાક સોશિયલ મીડિયા પેજીસ દ્વારા આ વીડિયો શૅર કરાઈ રહ્યો છે અને દાવો કરાઈ રહ્યો છે કે આ તસવીર બુર્જ ખલિફા નામની પ્રસિદ્ધ ગગનચુંબી ઇમારત પર ડિસ્પ્લે કરાઈ છે.

એક લાખ કરતાં વધારે લોકો આ વીડિયોને 'with Rahul Gandhi 'નામના ફેસબુક પેજ પર જોઈ ચૂક્યા છે.

કૉંગ્રેસના પોંડિચેરી એકમના સત્તાવાર ટ્વિટર હૅન્ડલ પરથી પણ આ વીડિયો પોસ્ટ કરાયો છે, આ વીડિયો વૉટ્સઍપ ગ્રૂપ્સમાં પણ શૅર કરાઈ રહ્યો છે.

આ સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરાઈ રહ્યો છે કે દુબઈ સરકાર દ્વારા રાહુલ ગાંધીનું સન્માન કરવા માટે આ તસવીર બુર્જ ખલિફા પર ડિસ્પ્લે કરવામાં આવી છે.

ભારત અને પાકિસ્તાનના સ્વાતંત્ર્ય દિવસ પર બન્ને દેશોનાં રાષ્ટ્ર-ધ્વજની તસવીર બુર્જ ખલિફા પર પ્રદર્શિત કરાતી હોય છે.

પણ અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે આ ઇમારત પર રાહુલ ગાંધીની તસવીર દર્શાવતો વીડિયો ફેક છે.

આપને આ પણ વાચવું ગમશે

આ વીડિયોમાં એક વૉટરમાર્ક દેખાય છે, જે 'Biugo' નામની મોબાઇલ ઍપ્લિકેશનનો હોવાનું જાણવા મળ્યું છે.

આ મોબાઇલ ઍપ્લિકેશનનો ઉપયોગ ફોટો તથા વીડિયોને એડિટ કરવા માટે કરાય છે. આ ઍપ્લિકેશનમાં એક ટૅમ્પલૅટ હોય છે , જેની મદદથી વીડિયો પર અન્ય વીડિયો કે તસવીરને મૂકી શકાય છે.

અમને આ ઍપ્લિકેશનની ટૅમ્પલેટ લાઇબ્રેરી મળી, જેમાં બુર્જ ખલિફાની ઇમારત પર તસવીર લગાવી શકાય એવું ટૅમ્પલેટ પણ જોવા મળ્યું.

'ખલિજ ટાઇમ્સ'ના અહેવાલ પ્રમાણે રાહુલ ગાંધી આગામી 11-12 જાન્યુઆરીના રોજ યૂએઈના પ્રવાસે જનારા છે, તેઓ ત્યાં ભારતીય મૂળના લોકોને મળશે.

કૉંગ્રેસે કહ્યું છે એ પ્રમાણે તેમની આ મુલાકાત રાજકીય નથી.

ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટી(એઆઈસીસી)ના સેક્રેટરી હિમાંશું વ્યાસ કહે છે, "બેઠકનો ઉદ્દેશ્ય રાજકીય નથી, ભારતીય ડાયસ્પૉરા સુધી પહોંચવાનો આ અમારો પ્રયાસ છે."

તેમણે અખબારને કહ્યું, "યૂએઈમાં વસતા ભારતીય મૂળના લોકોની સમસ્યાઓ વિશે સંશોધકોની ટીમ કામ કરી રહી છે."

નજીકના ગાળામાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે સોશિયલ મીડિયામાં કૉંગ્રેસ અને ભાજપ દ્વારા ફેલાવાઈ રહેલા ફેક ન્યૂઝનું પ્રમાણ વધી રહ્યું છે.

વિદેશમાં વસી રહેલા લોકોમાં રાહુલ ગાંધીની પ્રતિભા વધારવા માટેના પ્રયાસ તરીકે આ વીડિયોને જોવાઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસે જતાં હોય છે અને વિદેશમાં રેલીઓ અને સભાઓ પણ યોજે છે, એ સંદર્ભ સાથે જોડીને પણ આ વીડિયો જોવાઈ રહ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો